સ્કેટિંગમાં ડંકો વગાડનારી જાહ્નવીની ખાસિયત એ છે કે તેણે આ ઉપલબ્ધિઓ કોઈ કોચ કે સ્પેશ્યલ આર્થિક સુવિધા વિના હાંસલ કરી છે
જાહ્નવી જિંદલ
ચંડીગઢમાં રહેતી ૧૭ વર્ષની જાહ્નવી જિંદલના નામે એક-બે નહીં, ૧૧ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ છે. આ તમામ સિદ્ધિઓ તેણે સ્કેટિંગની દુનિયામાં મેળવી છે. સ્કેટિંગમાં ડંકો વગાડનારી જાહ્નવીની ખાસિયત એ છે કે તેણે આ ઉપલબ્ધિઓ કોઈ કોચ કે સ્પેશ્યલ આર્થિક સુવિધા વિના હાંસલ કરી છે. જાહ્નવીએ સ્કેટિંગ કરીઅરની શરૂઆત કોઈ સ્પોર્ટ્સ ક્લબ કે પ્રોફેશનલ ટ્રેઇનિંગથી નહીં પરંતુ યુટ્યુબ પર જોઈને કરી હતી. યુટ્યુબર પર જોયેલા સ્ટન્ટ્સ કરવા માટે તે પ્રૅક્ટિસ ચંડીગઢની માર્કેટ, ઘરના દાદરા અને આસપાસની ફુટપાથ પર જ કરી લેતી હતી. તેને કદી ફૉર્મલ કોચિંગ નથી મળ્યું. તેના પિતાનો તેને પૂરતો સાથ હતો. પિતા પણ તેને યુટ્યુબ જોઈને સ્કિલ ડેવલપ કરવામાં મદદ કરતા અને સાંજે ઑફિસથી આવીને બાપ-દીકરી બન્ને પ્રૅક્ટિસ કરતાં.
અલગ-અલગ સ્ટન્ટ્સ કરીને જાહ્નવી અત્યારે બીજા નંબરની ગિનેસ રેકૉર્ડ હોલ્ડર સ્પોર્ટ્સ પર્સન છે. પહેલા નંબર પર સચિન તેન્ડુલકર છે જેમના નામે ૧૯ રેકૉર્ડ છે. ૧૭ વર્ષની ઉંમરે જાહ્નવીએ એ હાંસલ કરી બતાવ્યું છે જે દુનિયાભરના ઍથ્લીટ્સનું સપનું હોય છે.


