પાડોશીના કૂકડા રોજ રાતે ૩ વાગ્યે જોરજોરથી બાંગ પોકારે છે એથી શાંતિનો ભંગ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
કેરલાના શાંત ગામ પલ્લીક્કલમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ગામના એક વયસ્ક રહેવાસી રાધાકૃષ્ણ કુરૂપે પાડોશીના કૂકડા વિરુદ્ધ ઑફિશ્યલ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે ‘પાડોશીના કૂકડા રોજ રાતે ૩ વાગ્યે જોરજોરથી બાંગ પોકારે છે એથી શાંતિનો ભંગ થાય છે. રોજ મારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. મારી તબિયત ખરાબ રહે છે અને ઊંઘમાં રોજેરોજ ખલેલ પડતી હોવાથી મને રિકવરીમાં તકલીફ પડી રહી છે.’ પોલીસે તેમની આ ફરિયાદ સાંભળીને તરત રજિસ્ટર કરી લીધી છે અને તરત પગલાં પણ ભર્યાં છે. રાધાકૃષ્ણ અને તેમના પાડોશી અનિલકુમારને પોલીસ-સ્ટેશન બોલાવી બન્ને પક્ષની જુબાની લીધા બાદ પોલીસે તેમના ઘર અને ત્યાંની પરિસ્થિતિની ઊંડી તપાસ કરી. તપાસમાં ખબર પડી કે કૂકડાઓ ઘરના ઉપરના માળે રાખવામાં આવે છે અને તેમનો કૂકડેકૂકનો મોટો અવાજ સાચે જ પાડોશમાં રાધાકૃષ્ણને ખલેલ પહોંચાડે છે. બધી સ્થિતિના અભ્યાસ બાદ પોલીસે અનિલકુમારને પોલ્ટ્રી શેડ ઉપરના માળથી તેના ઘરની દક્ષિણ બાજુએ જ્યાંથી પાડોશીના ઘરે ઓછો અવાજ જાય એ રીતે ૧૪ દિવસમાં ખસેડવાનું કહ્યું છે.

