૯૩ વર્ષના દાદાની ૩૭ વર્ષની પત્નીએ બાળકને જન્મ આપ્યો, દાદાને હજી પણ દીકરો ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી જીવવું છે
૯૩ વર્ષના ડૉ. જૉન લેવિનને દુનિયાના સૌથી મોટી વયે બનેલા પિતા માનવામાં આવે છે
ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતા ૯૩ વર્ષના ડૉ. જૉન લેવિનને દુનિયાના સૌથી મોટી વયે બનેલા પિતા માનવામાં આવે છે. આ દાદા ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દીકરાના બાપ બન્યા હતા. તેમની પત્ની જસ્ટ ૩૭ વર્ષની છે. પત્ની ડૉ. યાંગયિંગ લુ પતિ કરતાં ૫૬ વર્ષ નાની છે. મતલબ કે પતિ તેના દાદાની ઉંમરનો છે. એમ છતાં બન્ને હજીયે બીજા એક બાળકને આવકારવાનું આયોજન કરી રહ્યાં છે.
ડૉ. જૉન લેવિન પોતાને હેલ્ધી એજિંગ એક્સપર્ટ કહે છે અને હજી પોતાના પહેલા સંતાનને ૨૧ વર્ષનું થતું જોવાની ઇચ્છા ધરાવે છે. પહેલું બાળક મેળવવા માટે તેમણે IVFનો સહારો લીધો હતો. પહેલી વારની પ્રક્રિયા પણ ખૂબ પીડાદાયક હતી. એમ છતાં આ અનોખું યુગલ ફરીથી બીજું બાળક મેળવવા માગે છે. ડૉ. જૉનનું કહેવું છે કે તેઓ ખૂબ હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવે છે એટલે તેમનું બાળક ૨૧ વર્ષનું થશે ત્યારે તેઓ ૧૧૬ વર્ષના હશે અને એ તો સામાન્ય વાત છે.

