આ બ્રિટનના પહેલા વર્ચ્યુઅલ સંસદસભ્ય હશે. માર્કની ટીમે માર્કના જ અવાજમાં મતદાતાઓને જવાબ મળી રહે એવી વ્યવસ્થા કરી છે. એમ કરીને તેઓ જનતા સાથે વર્ષમાં એક પણ છુટ્ટી વિના ૩૬૫ દિવસ અને 24X7 સહાયતા કરવા સક્ષમ બનશે.
બ્રિટિશ સંસદસભ્યએ મતદાતાઓ સાથે 24X7 સંવાદ કરવા લૉન્ચ કર્યું પોતાનું AI વર્ઝન
બ્રિટનના સંસદસભ્ય માર્ક સીવાર્ડે પોતાના મતદાતાઓ સાથે સતત સંપર્કમાં રહેવા માટે પોતાનું AI વર્ઝન તૈયાર કર્યું છે. ન્યુરલ વૉઇસ સાથે બનેલા આ AI વર્ઝનમાં માર્કનું વર્ચ્યુઅલ વર્ઝન મતદાતાઓની વાત સાંભળશે અને માર્કના જ અવાજમાં તેમને સલાહ, સમર્થન કે સધિયારો મળશે. આ બ્રિટનના પહેલા વર્ચ્યુઅલ સંસદસભ્ય હશે. માર્કની ટીમે માર્કના જ અવાજમાં મતદાતાઓને જવાબ મળી રહે એવી વ્યવસ્થા કરી છે. એમ કરીને તેઓ જનતા સાથે વર્ષમાં એક પણ છુટ્ટી વિના ૩૬૫ દિવસ અને 24X7 સહાયતા કરવા સક્ષમ બનશે.
આર્ટિફિશ્યલ ચૅટબૉટ એક પ્રકારનો પ્રોટોટાઇપ છે જેમાં પાછળથી પણ બદલાવો થઈ શકે એમ છે. માર્કનું કહેવું છે કે આ મારો પહેલો જ પ્રયોગ છે અને જનતાની સેવામાં સદાય રહી શકાય એવા પ્રયત્નથી ખરેખર લોકોને મદદ થશે એવી આશા છે. જોકે આ મૉડલ ઢંગધડા વિનાની વાતો કરવાને બદલે યોગ્ય રીતે કામ કરે એ જરૂરી છે.
ADVERTISEMENT
સંસદસભ્ય પોતાના મતદાતાઓના સંપર્કમાં રહેવા માટે આ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો આલોચના કરી રહ્યા છે કે આ તો પોતાના ચૅટબૉટને આગળ કરીને પોતાની જવાબદારીઓમાંથી પાછળ હટવાની વાત છે. આ પહેલથી જો લોકોની સમસ્યા દૂર થશે નહીં તો નેતા-પ્રજા વચ્ચે અંતર ઘટવાને બદલે વધશે.

