હિન્દુ મૅરેજ ઍક્ટ અંતર્ગત કોઈ વ્યક્તિ બે લગ્ન નથી કરી શકતી, પરંતુ આદિવાસી સમાજમાં આવાં લગ્નોની પરંપરા હજીયે ચાલે છે
મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન
છત્તીસગઢમાં હિતેશ યાદવ નામના એક યુવકનાં એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન થયાં હતાં. બન્ને યુવતીઓ અલગ-અલગ ગામની છે અને બન્ને એકબીજાને ઓળખતી નહોતી. ગયા અઠવાડિયે ૨૪ માર્ચે હિતેશે ફૂલવતી અને યામિની એમ બે યુવતીઓ સાથે એક મંડપમાં લગ્ન કર્યાં હતાં. હિતેશ આમ તો સામાન્ય ખેડૂત છે. તેને બે ગામની બન્ને છોકરીઓ પસંદ હતી. તેણે પહેલાં ફૂલવતીને લગ્ન માટે પ્રપોઝ કરેલું. જોકે તેણે તરત જ ના પાડી દીધી. હિતેશને દુખ થયું, પણ પછી તેણે યામિનીને પ્રપોઝ કર્યું. યામિની તરત જ લગ્ન માટે રાજી થઈ ગઈ. જોકે હજી હિતેશ અને યામિની પ્રભુતામાં પગલાં માંડે એ પહેલાં જ પેલી ફૂલમતી પણ લગ્ન માટે તૈયાર થઈ ગઈ. તેણે તો લગ્ન કરીશ તો હિતેશ સાથે જ એવી જીદ પકડી. ત્રણેયના પરિવારોએ સાથે મળીને વાત કરી. બન્ને છોકરીઓના પરિવારજનોને એક જ યુવક સાથે બન્નેનાં લગ્ન થાય એમાં વાંધો નહોતો. આખરે લગ્ન નક્કી થયાં અને એક દુલ્હાની બન્ને દુલ્હનોનાં નામવાળી કંકોતરી છપાઈ. ત્રણેએ સાથે ૭ ફેરા લીધા અને રિસેપ્શનમાં પણ સાથે જ ડાન્સ કર્યો. હિન્દુ મૅરેજ ઍક્ટ અંતર્ગત કોઈ વ્યક્તિ બે લગ્ન નથી કરી શકતી, પરંતુ આદિવાસી સમાજમાં આવાં લગ્નોની પરંપરા હજીયે ચાલે છે.
