ચીનના હુઇડૉન્ગ પ્રાંતમાં રહેતાં ૫૧ વર્ષનાં ચાઈ વાનબિન નામના ભાઈએ તેમની માને સાચવવા માટે રોલ રિવર્સ કરી લીધો છે. જેમ બાળકને કાખમાં ઉપાડીને મા ફરે છે એમ ચાઈ વાનબિન માને ખભે બેબી સ્લિંગમાં ભરાવીને ફરે છે.
ચાઈ વાનબિન તેની મા સાથે
બાળક જન્મે અને બોલતાં, ચાલતાં અને ખાતાં શીખે ત્યારે મમ્મીઓ બાળકની પાછળ ને પાછળ ફરતી હોય છે. જોકે એ જ મા જ્યારે બુઢ્ઢી થઈ જાય ત્યારે અશક્ત શરીર ધરાવતી માને બાળકની જેમ રાખવાની ફરજ સંતાનની બને છે. ચીનના હુઇડૉન્ગ પ્રાંતમાં રહેતાં ૫૧ વર્ષનાં ચાઈ વાનબિન નામના ભાઈએ તેમની માને સાચવવા માટે રોલ રિવર્સ કરી લીધો છે. જેમ બાળકને કાખમાં ઉપાડીને મા ફરે છે એમ ચાઈ વાનબિન માને ખભે બેબી સ્લિંગમાં ભરાવીને ફરે છે. તેમનાં ૮૮ વર્ષનાં મમ્મી લકવાગ્રસ્ત છે અને શરીરથી ખૂબ નબળાં અને અશક્ત પણ. વ્હીલચૅર વિના તેઓ ફરી શકે એમ નથી. આમ તો તેમનાં મમ્મી દીકરીના ઘરે રહે છે, પરંતુ ચાઈભાઈએ તેમને દુનિયા દેખાડવાનું બીડું ઝડપ્યું છે. તે છાશવારે જુદી-જુદી જગ્યાઓએ ફરવા નીકળી પડે છે અને સાથે મમ્મીને લઈ જાય છે. બધા જ ટૂરિસ્ટ-પ્લેસ વ્હીલચૅર-ફ્રેન્ડ્લી નથી હોતાં એટલે ચાઈભાઈએ બેબી સ્લિંગ વસાવી લીધું છે અને મમ્મીને પીઠ પર એ સ્લિંગમાં ઊંચકીને ફરે છે. મા-દીકરાની આ જોડી જ્યાં જાય ત્યાં ટૂરિસ્ટો માટે કુતૂહલ બની જાય છે. તાજેતરમાં ચાઈ મમ્મીને લઈને આ રીતે ફરતા જોવા મળ્યા ત્યારે કોઈ સહેલાણીએ જ તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર ફરતી મૂકી હતી. આ તસવીરો ભારતમાં પણ વાઇરલ થતાં લોકોએ ચાઈભાઈને ચાઇનીઝ શ્રવણકુમારનું બિરુદ આપ્યું હતું.

