ડૉક્ટરોએ ૨૬ વર્ષના એક યુવાનના ફેફસામાંથી પેનનું ઢાંકણું સર્જરી દ્વારા બહાર કાઢ્યું હતું. આ યુવાન પાંચ વર્ષનો હતો ત્યારે આ ઢાંકણું ગળી ગયો હતો.
પેનનું ઢાંકણું
હૈદરાબાદની એક હૉસ્પિટલના ડૉક્ટરોએ ૨૬ વર્ષના એક યુવાનના ફેફસામાંથી પેનનું ઢાંકણું સર્જરી દ્વારા બહાર કાઢ્યું હતું. આ યુવાન પાંચ વર્ષનો હતો ત્યારે આ ઢાંકણું ગળી ગયો હતો. એના કારણે તે બીમાર રહેતો હતો. તેને કફ રહેતો હતો અને વજન ઊતરતું રહેતું હતું. આથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે ‘ગયા ૧૦ દિવસમાં તેની તબિયત ખરાબ થઈ હતી. તે ઊંઘી શકતો પણ નહોતો. તેના પર જ્યારે સી.ટી. સ્કૅન કરવામાં આવ્યું ત્યારે ફેફસામાં લમ્પ જેવું દેખાયું હતું. શરૂમાં અમને લાગ્યું કે આના કારણે કફ રહેતો હશે, પણ જ્યારે એની ચકાસણી કરી ત્યારે એ પેનનું ઢાંકણું હોવાનું જાણવા મળ્યું હતું.’
પેનનું ઢાંકણું કાઢતી વખતે યુવાનના પરિવારને પૂછવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે તે પાંચ વર્ષનો હતો ત્યારે પેનનું ઢાંકણું ગળી ગયો હતો. એ સમયે ડૉક્ટરોએ ચકાસણી કરી હતી, પણ કંઈ અસામાન્ય નહીં લાગતાં તેમણે એવું માન્યું હતું કે ઢાંકણું શરીરમાંથી નીકળી ગયું હશે. જોકે આ ઢાંકણું કાઢવાની પ્રોસીજર ત્રણ કલાક લાંબી ચાલી હતી. એના માટે ફ્લેક્સિબલ બ્રોન્કોસ્કોપી કરવામાં આવી હતી. જો આ ઢાંકણું વધારે સમય સુધી યુવાનના ફેફસામાં રહ્યું હોત તો ફેફસાને ભારે નુકસાન થયું હોત. જ્યાં અસર પડી હતી એ વિસ્તારને ઍન્ટિબાયોટિક દવાઓથી સારવાર આપવામાં આવી હતી.

