આ વિડિયોમાં એક પૂર્ણ વિકસિત વાઘના ગળામાં ચેઇન બાંધીને એનો ટ્રેઇનર ચાલી રહ્યો છે અને ટૂરિસ્ટ યુવક વાઘની પીઠ પર હાથ થપથપાવતો ધીમે-ધીમે ચાલે છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
થાઇલૅન્ડના ફુકેતમાં આવેલા ટાઇગર કિંગડમમાં એક ભારતીય ટૂરિસ્ટ પર વાઘે હુમલો કર્યાનો વિડિયો વાઇરલ થયો છે. ફુકેતમાં આવેલા આ ટાઇગર કિંગડમમાં વાઘને પાળતુ જાનવરની જેમ રાખવામાં આવે છે. અહીં ટૂરિસ્ટો વાઘ સાથે સેલ્ફી લઈ શકે છે અને ખાવાનું પણ ખવડાવી શકાય છે. ભારતીય ટૂરિસ્ટો પણ અહીં મોટી સંખ્યામાં જતા હોય છે. જોકે એક ભારતીય યુવકને વાઘ સાથે સેલ્ફી લેવાનો શોખ મોંઘો પડ્યો હતો. આ વિડિયોમાં એક પૂર્ણ વિકસિત વાઘના ગળામાં ચેઇન બાંધીને એનો ટ્રેઇનર ચાલી રહ્યો છે અને ટૂરિસ્ટ યુવક વાઘની પીઠ પર હાથ થપથપાવતો ધીમે-ધીમે ચાલે છે. એક તબક્કે વાઘ સાથે સેલ્ફી લેવા માટે તે ઘૂંટણિયે બેસે છે. ટ્રેઇનર વાઘને લાકડી દેખાડીને બેસાડવાની કોશિશ કરે છે, પણ એ બેસવાને બદલે પાછળ ફરીને પેલા ટૂરિસ્ટ પર હુમલો કરી દે છે. કૅમેરા હલી જાય છે અને લોકો ટૂરિસ્ટને બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકે છે. ટ્રેઇનર સાથે જ હોવાથી વાઘને જલદી કાબૂમાં લઈ લેવાય છે. આ વિડિયો શૅર થયા પછી અનેક લોકોએ ટૂરિસ્ટનું શું થયું એની ચિંતા કરી છે. સિદ્ધાર્થ શુક્લા નામની વ્યક્તિએ આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો અને લખ્યું હતું કે ખૂબ નજીવી ઈજા સાથે યુવક બચી ગયો છે.

