૯ કલાક લગાતાર ૭૩૧ ઘેટાંનું ઊન ઉતાર્યું ત્યારે એકેય ઘેટાને જરાય ખરોંચ પણ નહોતી આવી
મૅટ સ્મિથે સૌથી લાંબા સમય સુધી અને સૌથી વધુ ઘેટાંનું ઊન ઉતારવાનો એમ બેવડો રેકૉર્ડ બનાવ્યો છે
ઇંગ્લૅન્ડના કૉર્નવૉલમાં રહેતા મૅટ સ્મિથ નામના ખેડૂતભાઈએ ઘેટાં પણ ખૂબ પાળ્યાં છે. મોટા ભાગે ઊન માટે થઈને ઘેટાંનો ઉછેર થતો હોય છે. મૅટભાઈએ તેમના રોજબરોજના કામમાં પણ એટલી કુશળતા અને ત્વરા કેળવી છે કે હવે ઝટપટ ઊન ઉતારવાનો રેકૉર્ડ તેમના નામે બોલે છે. મૅટ સ્મિથે સૌથી લાંબા સમય સુધી અને સૌથી વધુ ઘેટાંનું ઊન ઉતારવાનો એમ બેવડો રેકૉર્ડ બનાવ્યો છે. જાણે કોઈ ઇન્ડસ્ટ્રીમાં મશીન ચાલતું હોય એમ તે વારાફરતી ઘેટાંને બોર્ડ પર બોલાવે છે અને પછી ઊનકટરથી પળવારમાં જ એનું ઊન ઉતારી લે છે. આ કળા હાંસલ કરતાં તેમને ઘણો સમય લાગ્યો છે.
ન્યુ ઝીલૅન્ડમાં જન્મેલા મૅટે પહેલી વાર ૧૪ વષની ઉંમરે પિતાનું જોઈને એક ઘેટાનું ઊન ઉતારેલું. એ વખતે તેમણે પોતાના બન્ને હાથની આંગળીઓને લોહીલુહાણ કરી નાખેલી. એ વખતે તેના પિતાએ કહેલું કે જ્યાં સુધી તું તારી આંગળી કાપે છે ત્યાં સુધી વાંધો નથી, મારાં ઘેટાંને કંઈ ન થવું જોઈએ. બસ, આ એક વાક્યથી મૅટે ઊન ઉતારવાની કળાને આત્મસાત્ કરવાનું નક્કી કરી લીધું અને જ્યારે તેણે ૯ કલાક લગાતાર ૭૩૧ ઘેટાંનું ઊન ઉતાર્યું ત્યારે એકેય ઘેટાને જરાય ખરોંચ પણ નહોતી આવી.

