જેલના અધિકારીઓ આગળ કેટલાય કેદીઓએ એ વાત કબૂલી પણ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ડ્રગ્સ માટે જાણીતા પંજાબની જેલોમાં પણ નશેડીઓની ભરમાર છે. જોકે હવે પંજાબના કેદીઓ નશા માટે અત્યંત વિચિત્ર ચીજનો ઉપયોગ કરતા હોય એવું બહાર આવ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જેલોમાંથી ગરોળીઓ ગાયબ થઈ રહી હતી. જે ગરોળીઓ મળતી એમની પૂંછડી કપાયેલી જોવા મળતી. આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે કેદીઓ ગરોળીની પૂંછડીથી નશો કરી રહ્યા છે. કેદીઓ ગરોળીની પૂંછડી કાપીને એને તડકામાં સૂકવી દેતા અને પછી એને પીસીને એકદમ બારીક પાઉડર બનાવી દેતા. આ પાઉડર ગાંજા જેવો તીવ્ર નશો કરાવે છે એવો કેદીઓનો દાવો છે. જેલના અધિકારીઓ આગળ કેટલાય કેદીઓએ એ વાત કબૂલી પણ છે. એક રાતે જેલના અધિકારીઓને કેટલાક કેદીઓ અસામાન્ય રીતે ઉત્તેજક નશાની હાલતમાં મળ્યા હતા. તેમની તપાસ કરી ત્યારે એક બારીક પાઉડર તેમની પાસેથી મળી આવ્યો જે બહારથી આયાત કરેલું ડ્રગ્સ નહોતું પણ તેમણે જેલમાં રહ્યે-રહ્યે ગરોળીની પૂંછડીઓ કાપીને તૈયાર કર્યો હતો. હવે કેટલાક કેદીઓ બહારથી પણ ગરોળીની પૂંછડીનો પાઉડર નશાના સપ્લાય તરીકે છાનેછપને મગાવે છે. હવે કેદીઓ નશો ન કરી શકે એ માટે જેલમાં પેસ્ટ કન્ટ્રોલ કરીને ગરોળીઓને ભગાવવાની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે.


