તાઇવાનમાં એક માણસ લેડ ધાતુના પૉઇઝનિંગને કારણે ગંભીર રીતે માંદો પડ્યો અને આખરે મરી ગયો. તાઇવાનનાં વર્તમાનપત્રોમાં એક ટ્રૅજિક મૃત્યુનો કિસ્સો નોંધાયો છે. એક માણસનાં ફેફસાંમાં અતિશય ભારે માત્રામાં ધાતુની જમાવટ થઈ ચૂકી હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
તાઇવાનમાં એક માણસ લેડ ધાતુના પૉઇઝનિંગને કારણે ગંભીર રીતે માંદો પડ્યો અને આખરે મરી ગયો. તાઇવાનનાં વર્તમાનપત્રોમાં એક ટ્રૅજિક મૃત્યુનો કિસ્સો નોંધાયો છે. એક માણસનાં ફેફસાંમાં અતિશય ભારે માત્રામાં ધાતુની જમાવટ થઈ ચૂકી હતી. છેલ્લા એક વર્ષથી તેને ફેફસાંનું ઇન્ફેક્શન થવાની શરૂઆત થયેલી. એનું કારણ સમજવા માટે જ્યારે સઘન બ્લડ-ટેસ્ટ કરવામાં આવી તો ખબર પડી કે તેના શરીરમાં અતિશય હેવી માત્રામાં મેટલ પૉઇઝનિંગ થઈ ગયું છે. તેના શરીરમાં આટલું મેટલ ગયું કેવી રીતે એ શોધવું ડૉક્ટરો માટે કોયડો હતો. તે જે ખાતો-પીતો હતો એ બધું જ લગભગ નૉર્મલ હતું. જોકે ચા પીવા માટે તે જે થર્મોસ વાપરતો હતો એ જ્યારે ડૉક્ટરોના ધ્યાનમાં આવ્યું ત્યારે એ તેમણે તપાસ્યું. પેશન્ટનું કહેવું હતું કે તે રોજ આ જ થર્મોસ વાપરે છે અને એ પણ છેલ્લાં દસ વર્ષથી. થર્મોસની અંદર કાટ લાગી ગયો હતો એમ છતાં તેણે એ બદલ્યું નહોતું. ડૉક્ટરોને કડી મળી અને એ થર્મોસની મેટલ તપાસી તો પેશન્ટના શરીરમાં થયેલું મેટલ પૉઇઝનિંગ ક્યાંથી આવ્યું છે એ ખબર પડી ગઈ. તકલીફની વાત એ હતી કે ભાઈસાહેબ ચા-કૉફી જેવાં ગરમ પીણાંથી લઈને ફ્રૂટ-જૂસ જેવાં ઍસિડિક અને ઠંડાં પીણાં માટે પણ આ જ થર્મોસ વાપરતા હતા. ક્યારે કાટ લાગી ગયેલા થર્મોસમાંથી મેટલ લીક થઈને ખોરાકમાં ભળવા લાગ્યું એનો પેશન્ટને અંદાજ પણ નહોતો. સ્લો મેટલ પૉઇઝનિંગને કારણે પેશન્ટની ઇમ્યુન સિસ્ટમ વીક થઈ ગઈ અને ફેફસાંમાં એની જમાવટને કારણે ઇન્ફેક્શન થઈ ગયું. જોકે જ્યારે આ સમસ્યાનું નિદાન થયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને દરદીને બચાવી શકાયો નહોતો.

