બ્રિટનના સૌથી મોટા ઑક્શન હાઉસ સૉધબીએ પણ આની પ્રમાણભૂતતા તપાસી છે અને એની અંદાજિત કિંમત ૮ કરોડ રૂપિયાથી વધુની હોવાનું કહ્યું છે.
પેઇન્ટિંગ ૧૦૨૬ રૂપિયામાં ખરીદેલું એની કિંમત ૮ કરોડથી વધુની નીકળી
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતી હૅડી માર્કો નામની મહિલા એક ઍન્ટિક જોની દુકાન ચલાવે છે. તે અવારનવાર ક્યાંક જૂની ચીજો વેચાતી હોય કે ઑક્શન થતી હોય ત્યાંથી ચીજો ખરીદી લાવતી અને પોતાની દુકાનમાં વેચતી. જાન્યુઆરી મહિનામાં તે એક દુકાનમાં થઈ રહેલી પેઇન્ટિંગની હરાજીમાં ગયેલી ત્યાંથી તેણે ૧૦૨૬ રૂપિયામાં એક પેઇન્ટિંગ ખરીદ્યું. એ પેઇન્ટિંગ ખૂણામાં પડી રહેલું, પણ તેને જોતાં જ ગમી ગયેલું. એ એક્ઝિબિશનમાં બીજાં ચિત્રો ૮૦,૦૦૦થી લાખ રૂપિયામાં વેચાઈ રહ્યાં હતાં, પણ માર્કોને જે ચિત્ર ગમ્યું એ લેવા કોઈ તૈયાર નહોતું. એને કારણે તેને પહેલી જ બિડમાં ૧૦૨૬ રૂપિયામાં એ પેઇન્ટિંગ મળી ગયું. માર્કોને એ પેઇન્ટિંગની ફ્રેમ, કાગળનો રંગ અને એની પાછળ લાગેલા સહીસિક્કાને કારણે એ કોઈ દુર્લભ ચિત્ર હોવું જોઈએ એવું લાગતું હતું. તેણે આ ચિત્રનું ઓરિજિન શોધવા માટે નિષ્ણાતોને આપ્યું તો ખબર પડી કે એ તો ફ્રાન્સના એક ખૂબ જાણીતા પેઇન્ટર પિયરે ઑગસ્ટનું પેઇન્ટિંગ છે, જે ૧૮૦૦ના સૈકાના અંતમાં બનાવવામાં આવ્યું હોવું જોઈએ. હવે બ્રિટનના સૌથી મોટા ઑક્શન હાઉસ સૉધબીએ પણ આની પ્રમાણભૂતતા તપાસી છે અને એની અંદાજિત કિંમત ૮ કરોડ રૂપિયાથી વધુની હોવાનું કહ્યું છે.

