ફરી સાઉથ આફ્રિકન ટીમની કૅપ્ટન્સી કરશે એ.બી. ડિવિલિયર્સ
એ.બી. ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર અને કૅપ્ટન એ.બી. ડિવિલિયર્સે ગઈ કાલે વિડિયો શૅર કરીને ક્રિકેટના મેદાન પર વાપસીની જાહેરાત કરી છે. મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા ૪૦ વર્ષના ક્રિકેટરે ૨૦૨૧માં ઇન્ડિયન પ્રીમિયર લીગ રમ્યા બાદ તમામ પ્રકારનાં ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. આંખમાં થયેલી ઇન્જરીને કારણે તેને એ સમયે વિઝન-પ્રૉબ્લેમનો સામનો કરવો પડ્યો હતો અને એને કારણે જ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો, પણ હવે સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ આ વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL) ટુર્નામેન્ટથી ક્રિકેટના મેદાન પર તે વાપસી કરશે.
આ ટુર્નામેન્ટની પહેલી સીઝનમાં ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવીને ચૅમ્પિયન બની હતી. રિટાયર્ડ ક્રિકેટર્સની આ ટુર્નામેન્ટમાં ડિવિલિયર્સ સાઉથ આફ્રિકાની કૅપ્ટન્સી કરશે. વિડિયો શૅર કરીને તે કહે છે, ‘વર્ષ ૨૦૨૧માં મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, કારણ કે એ સમયે મારો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ખતમ થઈ ગયો હતો. પરંતુ સમય સાથે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને હવે મારા દીકરાઓ પણ ક્રિકેટ રમે છે. અમે ઘણી વાર બગીચામાં ક્રિકેટ રમીએ છીએ. હું હવે જિમ અને નેટ પર પાછા ફરવા માટે ખૂબ જ ઉત્સાહી છું અને સંપૂર્ણ તૈયારી સાથે જુલાઈમાં WCL માટે મેદાનમાં ઊતરવા માટે આતુર છું.’