વિમેન્સ વર્લ્ડ કપ : ઇંગ્લૅન્ડ સામેની જબરદસ્ત ટક્કરમાંથી આજે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અલિસા હીલી આઉટ
અલિસા હીલિ
આજે ઇન્દોરમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને ૪ વખતની ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ વચ્ચે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની લીગ-સ્ટેજની મૅચ રમાશે. આ મૅચમાંથી ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન અલિસા હીલી પગના સ્નાયુઓના દુખાવાને કારણે બહાર થઈ ગઈ છે. વર્તમાન વર્લ્ડ કપમાં ૪ મૅચમાં બે સદીના આધારે ૨૯૪ રન ફટકારીને હીલી નંબર-વન બૅટર છે.
અલિસા હીલીના સ્થાને વાઇસ-કૅપ્ટન અને ઑલરાઉન્ડર તાહલિયા મૅક્ગ્રા કૅપ્ટન્સી કરશે. બેથ મૂની ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં વિકેટકીપર તરીકે રમશે, જ્યારે જ્યૉર્જિયા વૉલને હીલીના સ્થાને ઓપનિંગ બૅટર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે એવી શક્યતા છે.
ADVERTISEMENT
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ પૉઇન્ટ ટેબલમાં નવ-નવ પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં સામેલ છે. બન્ને ટીમ પાંચમાંથી ચાર મૅચ જીતી છે, જ્યારે એક-એક મૅચ વરસાદને કારણે રદ થઈ છે. સેમી ફાઇનલ પહેલાંની પોતાની અંતિમ બે લીગ-સ્ટેજ મૅચમાં બન્ને ટીમ પોતાની ખામીઓ પર કામ કરીને આત્મવિશ્વાસ મેળવવા ઊતરશે.

