ચાર વખતના વરસાદના બ્રેક બાદ ભારતે ૨૬ ઓવરમાં ૯ વિકેટે માંડ ૧૩૬ રન કર્યા, DLS મેથડ હેઠળ ૧૩૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી મિચલ માર્શ ઍન્ડ કંપનીએ સિરીઝમાં મેળવી લીડ : પર્થ સ્ટેડિયમમાં કાંગારૂઓની પહેલી વન-ડેમાં જીત
ગઈ કાલે પર્થમાં પહેલી જ વન-ડેમાં હાર મળ્યા બાદ ભારે નિરાશ ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન શુભમન ગિલ અને સાથી પ્લેયર્સ.
પર્થ ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે DLS મેથડ હેઠળ ૭ વિકેટે જીત નોંધાવી યજમાન કાંગારૂઓએ ત્રણ વન-ડેની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. વરસાદના વિઘ્ન અને ઘટતી જતી ઓવર્સ વચ્ચે ભારતે ૨૬ ઓવરમાં ૯ વિકેટે ૧૩૬ રન કર્યા હતા. DLS મેથડના નિયમ અનુસાર યજમાનને ૧૩૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને કૅપ્ટન મિચલ માર્શની શાનદાર બૅટિંગના આધારે ૨૧.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.
આ વર્ષે સતત ૮ વન-ડે મૅચ જીત્યા બાદ ભારતને પહેલી હાર મળી છે. દિવાળીના બ્રેક બાદ ૨૩ અને ૨૫ ઑક્ટોબરે ટીમ ઇન્ડિયા સિરીઝમાં કમબૅક કરવાની આશા રાખશે. ૨૦૧૮થી પર્થ સ્ટેડિયમમાં સતત ત્રણ વન-ડે હાર્યા બાદ ઑસ્ટ્રેલિયાએ અહીં પહેલી વખત વન-ડે જીત નોંધાવી છે.
ADVERTISEMENT
ભારતની બૅટિંગ વખતે પર્થમાં વરસાદને કારણે ચાર વખત મૅચ રોકવી પડી હતી જેને કારણે ભારતની ઇનિંગ્સ દરમ્યાન મૅચ અનુક્રમે ૪૯, ૩૫, ૩૨ અને અંતે ૨૬ ઓવરની કરવી પડી હતી. પહેલી વખતના વરસાદના બ્રેક પહેલાં ભારતે ૮.૧ ઓવરમાં પચીસ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ટૉપ ઑર્ડર બૅટર રોહિત શર્માએ ૧૪ બૉલમાં ૮ રન, કૅપ્ટન શુભમન ગિલે ૧૮ બૉલમાં ૧૦ રન કર્યા હતા અને વિરાટ કોહલી ૮ બૉલમાં ઝીરોમાં કૅચઆઉટ થયો હતો. ત્રણેય પ્લેયર વન-ડેમાં સાથે મળીને અત્યાર સુધીનું લોએસ્ટ ૧૮ રનનું જ યોગદાન આપી શક્યા હતા.
છઠ્ઠા ક્રમે રમીને કે. એલ. રાહુલે બે ફોર અને બે સિક્સરના આધારે ૩૧ બૉલમાં ભારત સામે સૌથી વધુ ૩૮ રન કર્યા હતા. ઑલરાઉન્ડર અક્ષર પટેલે ત્રણ ફોરની મદદથી ૩૮ બૉલમાં ૩૧ રન અને નીતીશ કુમાર રેડ્ડી બે સિક્સરના આધારે ૧૧ બૉલમાં ૧૯ રન કરી નૉટઆઉટ રહ્યો હતો. ૭ ઓવરમાં માત્ર ૨૦ રન આપીને બે વિકેટ લેનાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ યજમાન ટીમ માટે સૌથી સફળ બોલર સાબિત થયો હતો. મીડિયમ ફાસ્ટ બોલર મિચલ ઓવેન અને સ્પિનર મૅથ્યુ કુહનેમૅન પણ બે-બે વિકેટ લેવામાં સફળ થયા હતા.
કાંગારૂઓ તરફથી કૅપ્ટન મિચલ માર્શ બે ફોર અને ત્રણ સિક્સરની મદદથી બાવન બૉલમાં ૪૬ રન કરી નૉટઆઉટ રહ્યો હતો. વિકેટકીપર-બૅટર જોશ ફિલિપે ત્રણ ફોર અને બે સિક્સર ફટકારીને ૨૯ બૉલમાં ૩૭ રન કર્યા હતા. ભારત માટે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને સ્પિનર્સ અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર એક-એક વિકેટ લઈ શક્યા હતા.
રોહિત શર્મા ૫૦૦મી માઇલસ્ટોન મૅચમાં ફિફ્ટી ન ફટકારી શક્યો
અનુભવી બૅટર રોહિત શર્માએ ગઈ કાલે એક ફોરના આધારે ૧૪ બૉલમાં ૮ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે વન-ડે ફૉર્મેટમાં પહેલી વખત તેની વિકેટ લઈને રોહિતની જોરદાર વાપસી કરવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. રોહિત શર્મા પોતાની ૫૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ રમી રહ્યો હતો. તે ૫૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર પાંચમો ભારતીય અને ઓવઑલ ૧૧મો ક્રિકેટર બન્યો હતો.
રોહિત આ કરીઅરની દરેક માઇલસ્ટોન મૅચમાં ફ્લૉપ રહ્યો છે. તેણે ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૧૦૦મી મૅચમાં ૧૫ રન, ૨૦૦મી મૅચમાં ૨૧ રન, ૩૦૦મી મૅચમાં ૮ રન, ૪૦૦મી મૅચમાં ૧૫ અને ૪૬ રન અને હવે ૫૦૦મી મૅચમાં ૮ રન કર્યા છે.
પર્થમાં ગઈ કાલે વિરાટ કોહલી ૮ બૉલ રમીને અનુભવી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની ઓવરમાં કૅચઆઉટ થયો હતો. ઑસ્ટ્રેલિયામાં પોતાની ૩૦મી વન-ડે ઇનિંગ્સ રમનાર વિરાટ કોહલી પહેલી વખત વિદેશી ધરતી પર ઝીરોમાં આઉટ થયો હતો. આ પ્રદર્શનને કારણે ઑસ્ટ્રેલિયામાં તેની બૅટિંગ-ઍવરેજ ૫૧.૦૩થી ઘટીને ૪૯.૧૪ની થઈ છે.
શુભમન ગિલે વન-ડે કૅપ્ટન તરીકે ધોનીના બે રેકૉર્ડ તોડ્યા
શુભમન ગિલ ગઈ કાલે ભારતનો ૨૮મો વન-ડે કૅપ્ટન અને ત્રણેય ફોર્મેટમાં ભારતની કૅપ્ટન્સી કરનાર સાતમો ક્રિકેટર બન્યો હતો. તે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનો સૌથી યંગેસ્ટ વન-ડે કૅપ્ટન બન્યો હતો. ૨૬ વર્ષ ૪૧ દિવસની ઉંમરે તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો ૨૬ વર્ષ ૨૧૧ દિવસનો આ રેકૉર્ડ તોડ્યો હતો. ૨૧મી સદીમાં ભારત માટે સૌથી ઓછી વન-ડે રમીને ફુલ ટાઇમ વન-ડે કૅપ્ટન બનવાના મામલે પણ તેણે ધોનીનો રેકૉર્ડ તોડ્યો છે. શુભમન ગિલ પંચાવન અને મહેન્દ્ર સિંહ ધોની ૮૫ વન-ડે બાદ આ ફૉર્મેટમાં ફુલ ટાઇમ કૅપ્ટન બન્યા હતા.
ત્રણેય ફૉર્મેટમાં કૅપ્ટન ગિલની શરૂઆત નથી રહી શુભ
શુભમન ગિલે ત્રણેય ફૉર્મેટમાં પોતાની કૅપ્ટન તરીકેની પહેલી મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે ઓવરઑલ વિશ્વનો નવમો કૅપ્ટન બન્યો છે જેને કૅપ્ટન્સીની શરૂઆતમાં ત્રણેય ફૉર્મેટમાં હાર મળી છે. વિરાટ કોહલીએ પણ પોતાની કૅપ્ટન્સીની શરૂઆત વન-ડે, ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં હાર સાથે કરી હતી.
ભારતે પહેલી વખત વિદેશી ધરતી પર વન-ડે મૅચ રમવાની સદી કરી
ભારતીય ટીમે ગઈ કાલે વન-ડે સિરીઝની શરૂઆત સાથે ઑસ્ટ્રેલિયન ધરતી પર પોતાની ૧૦૦મી વન-ડે મૅચ રમી હતી. ભારતે પોતાની ધરતી પર ૩૭૭ વન-ડે મૅચ રમી છે, પરંતુ વિદેશી ધરતી પર પહેલી વખત ૧૦૦ વન-ડે મૅચ રમી છે. ઑસ્ટ્રેલિયામાં ૧૦૦ વન-ડે રમનાર ભારત છઠ્ઠી વિદેશી ટીમ છે. વેસ્ટ ઇન્ડીઝ અહીં સૌથી વધુ ૧૪૯ વન-ડે રમ્યું છે.
ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયા સામે એમની ધરતી પર પંચાવન વન-ડે રમી છે, જ્યારે વર્લ્ડ કપ સહિતની અન્ય ટુર્નામેન્ટ દરમ્યાન અહીં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧, શ્રીલંકા સામે ૯, પાકિસ્તાન સામે ૮, વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ, ઇંગ્લૅન્ડ-ઝિમ્બાબ્વે સામે ૪-૪, સાઉથ આફ્રિકા સામે બે જ્યારે બંગલાદેશ અને UAE સામે એક-એક વન-ડે મૅચ રમી છે.
નીતીશ કુમાર રેડ્ડીએ એક જ વર્ષમાં ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ કર્યું
બાવીસ વર્ષના ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ ગઈ કાલે પર્થમાં પોતાની વન-ડે ઇન્ટરનૅશનલ કરીઅરની શરૂઆત કરી હતી. તેને રોહિત શર્મા તરફથી ભારતના ૨૬૦મા વન-ડે પ્લેયરની કૅપ મળી હતી. તેણે ઑક્ટોબર ૨૦૨૪માં ગ્વાલિયરમાં T20 ફૉર્મેટમાં અને નવેમ્બર ૨૦૨૪માં પર્થમાં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. તે એક વર્ષના સમયગાળામાં ત્રણેય ફૉર્મેટમાં ભારત માટે ડેબ્યુ કરનાર એકમાત્ર પ્લેયર બન્યો છે. તે ભારત માટે ત્રણેય ફૉર્મેટમાં રમનાર આંધ્ર પ્રદેશનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.
16
આટલી વખત સતત ટૉસ હારીને વન-ડેમાં લાગલગાટ હાઇએસ્ટ ટૉસ ન જીતવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો ભારતે.

