ટીમ ઇન્ડિયા સામેની સિરીઝને ખાસ ગણાવી પૅટ કમિન્સે : ઇન્જરીને લીધે ન રમવા વિશે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે ત્યાર બાદ રમાનારી T20 સિરીઝમાં રમવા વિશે ડૉક્ટરોની સલાહ લઈ રહ્યો છું
પૅટ કમિન્સ
રવિવારથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે અને ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ઑસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર કૅપ્ટન પૅટ કમિન્સ ઇન્જરીને લીધે આ સિરીઝમાં નથી રમી રહ્યો એ બદલ તેણે નિરાશા વ્યકત કરી હતી. ઑસ્ટ્રેલિયન ચાહકોને ઘરઆંગણે બે સુપરસ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલીને એકસાથે રમતાં જોવાનો કદાચ આ છેલ્લો મોકો હોવાનું કહીને તેણે સિરીઝને ખાસ ગણાવી હતી.
વિરાટ અને રોહિતને લેજન્ડ ગણાવીને જિયોહૉટસ્ટાર પર એક વાતચીત દરમ્યાન કમિન્સે કહ્યું હતું કે ‘બન્ને દિગ્ગજો છેલ્લાં ૧૫ વર્ષથી લગભગ દરેક ભારતીય ટીમનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે. આથી આ સિરીઝ ઑસ્ટ્રેલિયન ક્રિકેટચાહકો માટે ખૂબ જ ખાસ બની રહેવાની છે. કદાચ આ છેલ્લી વાર હશે કે તેઓ ઑસ્ટ્રેલિયન ધરતી પર વિરાટ અને રોહિતને એકસાથે રમતાં જોઈ રહ્યા હોય. બન્નેએ ભારતીય ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને બન્ને જ્યારે મેદાનમાં ઊતરે છે ત્યારે તેમને અપાર સમર્થન મળે છે. તેમની સામે રમવું હંમેશાં એક મોટો પડકાર અને એક રોમાંચક અનુભવ સમાન હોય છે.’
ADVERTISEMENT
કમિન્સે સિરીઝમાં ઇન્જરીને લીધે રમી ન શકવા બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ‘આ સિરીઝમાં સામેલ ન થઈ શકવા બદલ ખૂબ જ નિરાશ છું. બધી જ મૅચો ભરખમ ભરેલા સ્ટેડિયમમાં રમાશે અને મને વિશ્વાસ છે કે આખો માહોલ જુદા જ પ્રકારનો હશે. આવા સમયે બહાર બેસવું ખૂબ જ કઠિન થઈ જાય છે, પણ એક ક્રિકેટરની કરીઅરનો આ એક હિસ્સો છે. જોકે ૨૯ ઑક્ટોબરથી શરૂ થતી પાંચ મૅચની T20 સિરીઝમાં રમવા વિશે હું મેડિકલ ટીમની સલાહ લઈને નિર્ણય લઈશ.’

