દિલ્હી સતત બીજી મૅચ જીતી ગયું, હૈદરાબાદ સતત બીજી મૅચ હાર્યું : દિલ્હી સામે એક મૅચમાં પાંચ વિકેટ લેનાર પહેલો ફાસ્ટ બોલર બન્યો મિચલ સ્ટાર્ક
હૈદરાબાદના અનિકેત વર્માએ પહેલી ફિફ્ટી સાથે ૪૧ બૉલમાં શાનદાર ૭૪ રન ફટકાર્યા હતા.
IPL 2025ની ૧૦મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ૭ વિકેટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી હતી. વિશાખાપટનમના મેદાન પર ૨૦૧૫, ૨૦૧૯ બાદ ૨૦૨૫માં પણ હૈદરાબાદ સામે બાજી મારી હોમ-ટીમ દિલ્હીએ જીતની હૅટ-ટ્રિક નોંધાવી હતી. સીઝનમાં પહેલી વાર ટૉસ જીતીને બૅટિંગનો નિર્ણય લેનારી ટીમ હૈદરાબાદે ૨૩ વર્ષના બૅટર અનિકેત વર્માની ૭૪ રનની શાનદાર ઇનિંગ્સની મદદથી ૧૮.૪ ઓવરમાં ઑલઆઉટ થઈ ૧૬૩ રન કર્યા હતા. એ પછી ૧૬૪ રનનો ટાર્ગેટ મળતાં ૧૬ ઓવરમાં ૩ વિકેટે ૧૬૬ રન બનાવીને દિલ્હી કૅપિટલ્સે વર્તમાન સીઝનમાં પોતાની બન્ને મૅચ જીતીને વિજયરથ જાળવી રાખ્યો છે. જ્યારે ૩૦૦ રનનો સ્કોર બનાવવાની દાવેદાર હૈદરાબાદની ટીમ પહેલી મૅચ જીત્યા પછી બાકીની બન્ને મૅચ હારી ગઈ છે.
૨.૩ ઓવરમાં પચીસ રનના સ્કોરે જ્યારે હૈદરાબાદે ત્રણ ટૉપ-ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી ત્યારે યંગ બૅટર અનિકેત વર્માએ પાંચમા ક્રમે આવીને બાજી સંભાળી લીધી હતી. તે પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૪૧ બૉલમાં ૭૪ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે પાંચમી વિકેટ માટે સ્ટાર બૅટર હેન્રિક ક્લાસેન (૧૯ બૉલમાં ૩૨ રન) સાથે ૭૭ રનની પાર્ટનરશિપ કરી હતી. હૈદરાબાદે છેલ્લી ૮ ઓવરમાં ૪૯ રનમાં પોતાની અંતિમ ૬ વિકેટ ગુમાવી દીધી હતી. દિલ્હી માટે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૩૫ રનમાં પાંચ વિકેટ), સ્પિનર કુલદીપ યાદવ (૨૨ રનમાં ત્રણ વિકેટ) અને ફાસ્ટ બોલર મોહિત શર્મા (૨૫ રનમાં એક વિકેટ)ને સફળતા મળી હતી.
ADVERTISEMENT
દિલ્હીની ઓપનિંગ જોડી ફાફ ડુ પ્લેસિસ (૨૭ બૉલમાં ૫૦ રન) અને જેક ફ્રેઝર-મેકગર્ક (૩૨ બૉલમાં ૩૮ રન)એ ૯ ઓવરમાં ૮૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમની જીત નિશ્ચિત કરી દીધી હતી. પપ્પા બન્યા બાદ પહેલી વાર મેદાનમાં ઊતરેલા કે. એલ. રાહુલે પાંચ બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૫ રન કરીને ફૅન્સને ખુશ કરી દીધા હતા. અભિષેક પોરેલ (૧૮ બૉલમાં ૩૪ રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સે (૧૪ બૉલમાં ૨૧ રન) ચોથી વિકેટ માટે ૫૧ રનની અણનમ પાર્ટનરશિપ કરીને ટીમને ૨૪ બૉલ પહેલાં જીત અપાવી દીધી હતી. હૈદરાબાદના તમામ સિનિયર બોલર વિકેટ લેવામાં ફેલ રહ્યા ત્યારે માત્ર પહેલી મૅચ રમનાર પચીસ વર્ષના સ્પિનર ઝીશાન અન્સારી (૪૨ રનમાં ૩ વિકેટ)ને બૅટર્સને પૅવિલિયન પહોંચાડવામાં સફળતા મળી હતી.
બોલર્સ માટે IPL ખૂબ અઘરી અને અત્યંત સ્પર્ધાત્મક છે : કુલદીપ
ભારતીય ક્રિકેટર અને દિલ્હી કૅપિટલ્સના સ્પિનર કુલદીપ યાદવે IPL વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૩૦ વર્ષનો કુલદીપ કહે છે, ‘IPL બોલર્સ માટે ખૂબ જ અઘરી છે, એ અત્યંત સ્પર્ધાત્મક છે. તમે વિકેટ લઈ શકો છો, પરંતુ તમે હંમેશાં પ્રતિ ઓવર છ કે સાત રનનો ઇકૉનૉમી-રેટ જાળવી રાખવાની અપેક્ષા રાખી શકતા નથી. એ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લેયર્સ સાથે એક પડકારજનક ફૉર્મેટ છે.’
જિયોહૉટસ્ટાર પર પોતાના કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના જૂના સાથી અને અનુભવી સ્પિનર સુનીલ નારાયણ વિશે વાત કરતાં કુલદીપ કહે છે, ‘એક બોલર તરીકે તમારે પ્રભુત્વ મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જસપ્રીત બુમરાહ અને સુનીલ નારાયણ જેવા બોલર્સે સતત આ કર્યું છે. KKRમાં મારા સમય દરમ્યાન મેં સુનીલ નારાયણ પાસેથી ઘણું શીખ્યો. તે તેના સમય કરતાં આગળ હતો. તે હંમેશાં લેન્થ બોલિંગના મહત્ત્વ પર ભાર મૂકતો હતો. એ સમયે મને લાગતું હતું કે હું ફક્ત મારી કુશળતા પર આધાર રાખી શકું છું, પરંતુ હવે મને લાગે છે કે તે બિલકુલ સાચો હતો. ઇન્જરીમાંથી પાછા આવ્યા પછી મેં મારી લેન્થ બોલિંગ પર ઘણું ધ્યાન આપ્યું છે અને એનાથી ઘણો ફરક પડ્યો છે.’
એકસાથે બે સિદ્ધિ મેળવી મિચલ સ્ટાર્કે
ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૩૫ રનમાં પાંચ વિકેટ)એ પોતાની T20 કરીઅરમાં અને દિલ્હી માટે ફાસ્ટ બોલર તરીકે એક મૅચમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. T20 કરીઅરનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન કરીને તેણે આ ફૉર્મેટમાં ૨૦૦ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી હતી.
મફત ટિકિટની માગણીથી પરેશાન હૈદરાબાદની ફ્રૅન્ચાઇઝી હોમ ગ્રાઉન્ડ બદલવાની કરી રહી છે તૈયારી
પૅટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ તેમના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં તેમની IPLની આગામી મૅચ ન રમવાનું વિચારી રહી છે. ૨૦૧૬ના ચૅમ્પિયન હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશન (HCA)ના ટોચના અધિકારીઓ દ્વારા વધુ મફત ટિકિટ માટે કથિત ધાકધમકી અને બ્લૅકમેઇલિંગથી એ ખુશ નથી, જેને કારણે ફ્રૅન્ચાઇઝીએ બાકીની હોમ મૅચ ક્યાં રમવા માગે છે એ વિશે પુનર્વિચારણા કરવી પડી છે. અહેવાલ અનુસાર સનરાઇઝર્સ હૈદરાબાદના જનરલ મૅનેજરે HCAના ખજાનચીને લેટર લખીને સ્પષ્ટ કર્યું છે કે ફ્રૅન્ચાઇઝી આવા વર્તનને સહન કરશે નહીં. છેલ્લી સીઝનથી HCA દ્વારા અનપ્રોફેશનલ પ્રવૃત્તિ વધી રહી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૮મી IPL સીઝનમાં અત્યાર સુધીમાં હૈદરાબાદમાં બે મૅચ રમી ચૂક્યું છે. પૅટ કમિન્સની ટીમે રાજસ્થાન રૉયલ્સને હરાવી છે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૬ એપ્રિલની ગુજરાત ટાઇટન્સ સામેની હોમ મૅચ પહેલાં HCA મીટિંગ કરીને હૈદરાબાદ સાથેના વિવાદનું સમાધાન કરવાનો પ્રયાસ કરશે.

