ઇંગ્લૅન્ડના ૧૭૧/૯ના જવાબમાં ભારતના ૧૪૫/૯ : ૪૩૫ દિવસ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાછો ફરેલો મોહમ્મદ શમી વિકેટલેસ, પણ વરુણ ચક્રવર્તીએ લીધી પાંચ વિકેટ
વરુણ ચક્રવર્તીએ શાનદાર લીધી પાંચ વિકેટ લીધી. જોફ્રા આર્ચરની વિકેટ લીધા બાદ તેને અભિનંદન આપી રહેલો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ.
ગઈ કાલે રાજકોટમાં રમાયેલી T20 મૅચમાં ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝની પહેલી જીત મેળવી હતી. ભારતનો ઘરઆંગણે ૪૨૬ દિવસ પછી કોઈ T20 મૅચમાં પરાજય થયો છે. ઇંગ્લૅન્ડે ૨૦ ઓવરમાં ૯ વિકેટે કરેલા ૧૭૧ રન સામે ભારત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૫ રન કરી શક્યું હતું. સિરીઝની ચોથી મૅચ શુક્રવારે પુણેમાં રમાશે.
ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એક વાર ટૉસ જીતીને મહેમાન ટીમને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમમાં ૪૩૫ દિવસ બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી થઈ. ૧૦૦ T20 વિકેટથી બે ડગલાં દૂર રહેલા ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આ મૅચમાં આરામ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ત્રીજી મૅચમાં ઇંગ્લૅન્ડે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૭૧ રન ફટકાર્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી બેન ડકેટ ૨૮ બૉલમાં ૭ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૧ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો હતો. તેના પછી લિયામ લિવિંગસ્ટને ૨૪ બૉલમાં એક ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને ૪૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં ૨૪ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ બે વિકેટ જ્યારે સ્પિનર રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.
૧૭૨ રનના ટાર્ગેટ સામે ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા ૪૦ રન કરીને ભારતનો હાઇએસ્ટ સ્કોરર બન્યો હતો. તેના સિવાય બીજું કોઈ પચીસ રનના આંકડાને પાર નહોતું કરી શક્યું. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સતત ત્રીજી મૅચમાં નિષ્ફળ રહ્યો હતો. તે ૧૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.