કાલે સુપર 8માં સાઉથ આફ્રિકા સામે ૭૬ રનથી પરાજય : T20 વર્લ્ડ કપમાં સતત ૧૨ જીત બાદ હારી ટીમ : સાઉથ આફ્રિકાએ ગયા T20 વર્લ્ડ કપની ફાઇનલની ૭ રનની હારનો બદલો લીધો ૭૬ રનથી : ૧૮૮ રનના ટાર્ગેટ સામે ભારતીય ધુરંધરો ૧૧૧ રનમાં પૅવિલિયનભેગા : મિલર બન્યો મૅચનો હીરો
ગઈ કાલની હાર એ ભારતીય ટીમની T20 વર્લ્ડ કપમાં રનની દૃષ્ટિએ સૌથી મોટી હાર બની હતી. આ પહેલાં ૨૦૧૦માં ઑસ્ટ્રેલિયા સામેની ૪૯ રનની હાર સૌથી મોટી હતી.
ગઈ કાલે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ ઇન્ડિયાને સુપર 8ના પ્રથમ મુકાબલામાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ૨૦૨૪ના T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં ૭ રનથી મળેલી હારનો બદલો કચકચાવીને ૭૬ રનથી હરાવીને લીધો હતો.
આ સાથે ગઈ કાલે બન્ને યજમાનો શ્રીલંકા અને ભારતે પરાજય જોવો પડ્યો છે. છેલ્લી લીગ મૅચમાં આ જ મેદાન પર નેધરલૅન્ડ્સ જેવી ટીમ સામે જે હાલ થયા હતા એ પછી રવિવારે કંઈક અજુગતું બનશે એવી આશંકા હતી અને એ આખરે સાચી પડી. સાઉથ આફ્રિકાએ આપેલા ૧૮૮ રનના ટાર્ગેટ સામે ભારતીય ધુરંધરો ૧૮.૫ ઓવરમાં માત્ર ૧૧૧ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૭૬ રનથી મસમોટી હાર જોવી પડી હતી.
ADVERTISEMENT
આ સાથે T20 વર્લ્ડ કપમાં સતત ૧૨ જીત સાથે સડસડાટ દોડી રહેલો વિજયરથ આખરે ૧૩મી મૅચમાં ભૂંડા પરાજય સાથે અટક્યો હતો.
દુબે સિવાય બધા ફ્લૉપ

ગઈ કાલે બાવીસ રનમાં ચાર ઝટકા આપી ટીમ ઇન્ડિયાની કમર તોડી નાખી ૬.૮ ફુટના યાન્સેને
લીગ રાઉન્ડમાં સાધારણ પર્ફોર્મન્સ છતાં નબળા હરીફોને લીધે અણનમ રહેલી ટીમ ઇન્ડિયા ૧૮૮ રનના ટાર્ગેટ સામે લાચાર બની ગઈ હતી. અભિષેક શર્માએ આખરે આ વર્લ્ડ કપમાં ખાતું ખોલાવ્યું હતું પણ સાથી-ઓપનર અને મૅન ઇન ફૉર્મ ઈશાન કિશન એને સપોર્ટ આપતો હોય એમ એક પણ રન નહોતો બનાવી શક્યો. તિલક વર્મા ૧ અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ૧૮ રન સાથે ફ્લૉપ રહ્યા હતા. જોકે શિવમ દુબેએ તેનું ફૉર્મ જાળવી રાખતાં ૩૭ બૉલમાં ૩ સિક્સર અને એક ફોર સાથે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા વતી માર્કો યાન્સેને બાવીસ રનમાં સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી, જ્યારે કેશવ મહારાજે ૩, કૉર્બિન બૉશે બે અને કૅપ્ટન એઇડન માર્કરમે ભારતને એક ઝટકો આપ્યો હતો.
અનુભવી સાથે યુવા સ્ટાર્સ ઝળક્યા
સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ૪ ઓવરમાં તેમના ૨૦ રનમાં ટૉપ-થ્રી બૅટરો એેઇડન માર્કરમ (૪), ક્વિન્ટન ડી કૉક (૬) અને રાયન રિકલ્ટન (૭) આઉટ થઈ જતાં કૅપ્ટનનો નિર્ણય ખોટો લાગી રહ્યો હતો, પણ જૂના જોગી ડેવિડ મિલરે ૩૫ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથે ૬૩ રનની અફલાતૂન ઇનિંગ્સ અને તેને યુવા સ્ટાર્સ ડેવાલ્ડ બ્રેવિસ (૨૯ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોર સાથે ૪૫) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (૨૪ બાલમાં ૩ સિક્સર અને એક ફોર સાથે અણનમ ૪૪ રન)ને લીધે સાઉથ આફ્રિકાએ દમદાર કમબૅક કર્યું હતું અને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ચૅલેન્જિંગ ૧૮૭ રન સ્કોરબોર્ડ પર મૂકી દીધા હતા.

૩૫ બૉલમાં ૬૩ રન ફટકારી મિલર બન્યો મૅન ઑફ ધ મૅચ
ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે ૩ અને અર્શદીપ સિંહે બે વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેને એક-એક વિકેટ મળી હતી. ૪ ઓવરમાં વરુણે ૪૭ અને હાર્દિક પંડ્યાએ ૪૫ રન આપ્યા હતા જે મોંઘા પડ્યા હતા. શિવમ દુબેએ પણ બે ઓવરમાં ૩૨ રનની લહાણી કરી હતી.
કરવું પડશે કમબૅક
ઘરઆંગણે અને સતત બીજી વાર T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા આતુર ટીમ ઇન્ડિયાએ હવે ગુરુવારે ચેન્નઈમાં ઝિમ્બાબ્વે અને રવિવારે ઇડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝ સામે જીતવું જરૂરી બની ગયું છે.
ટ્રોફી લઈને બે દિગ્ગજો મેદાનમાં ઊતર્યા

ગઈ કાલે અમદાવાદમાં મૅચ પહેલાં નૅશનલ ઍન્થમ દરમ્યાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર અને ગૂગલના CEO સુંદર પિચાઈ T20 વર્લ્ડ કપની ટ્રોફી મેદાનમાં લાવ્યા હતા. સુંદર પિચાઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છવાયેલા ક્રિકેટ-ફીવરથી પ્રભાવિત થઈને એનું મોબાઇલથી રેકૉર્ડિંગ કરી લીધું હતું.
ચાહકોની પ્રાર્થના પણ કામ ન આવી

ગઈ કાલે પ્રયાગરાજમાં ગંગાકિનારે ચાહકોએ શિવલિંગ સામે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના ફોટો સાથે ટીમની સુપર 8 રાઉન્ડ તેમ જ અન્ય મૅચમાં શાનદાર પર્ફોર્મન્સ કરી ફરી વર્લ્ડ ચૅમ્પિયન બને એવી પ્રાર્થના કરી હતી. જોકે ભારતીય ટીમ પહેલી જ મૅચમાં હારી જતાં બધાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જોકે હજી પણ ટીમ ઇન્ડિયા બાકીની મૅચો જીતીને સેમી-ફાઇનલમાં તેમની દાવેદારી કરી શકે છે.
