ધરમશાલામાં અડધા કલાકમાં અંધાધૂંધી વિના પચીસ હજાર ફૅન્સને સ્ટેડિયમમાંથી બહાર કાઢવા માટે કોને ક્રેડિટ આપી IPLના ચૅરમૅને?
IPL ચૅરમૅન અરુણ ધુમલ
ગયા ગુરુવારે ધરમશાલાના નજીકનાં શહેરો પઠાણકોટ (ધરમશાલાથી ૮૫ કિલોમીટર) અને જમ્મુ (લગભગ ૨૦૦ કિલોમીટર) પર પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલા બાદ પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચ અધવચ્ચે રોકવી પડી હતી. ફ્લડલાઇટ્સ ઝાંખી કરી દેવામાં આવી હતી અને થોડા સમય પછી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. બ્લૅકઆઉટ પ્રોટોકૉલ લાગુ કરીને તમામ લોકોને સ્ટેડિયમની બહાર પણ કાઢવામાં આવ્યા હતા.
એ દિવસની કહાણી સંભળાવતાં સ્ટેડિયમમાં હાજર IPL ચૅરમૅન અરુણ ધુમલ કહે છે, ‘એ મૅચ ખૂબ જ રોમાંચક હતી. આ સમગ્ર કાર્ય સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની મદદ વિના શક્ય નહોતું. તેમણે ખૂબ સારું કામ કર્યું. બધું શક્ય એટલા ઓછા સમયમાં સરળતાથી થાય એ સુનિશ્ચિત કરવું એક પડકાર હતો, પરંતુ સ્ટેડિયમમાં શિસ્તબદ્ધ ફૅન્સ હતા જેમણે કોઈ પણ વિરોધ વિના સ્ટેડિયમ ખાલી કરી દીધું. સારા સંકલનને કારણે IPL ઑપરેટિંગ ટીમ અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રે ૧૦ મિનિટમાં મૅચ સ્થગિત કરી દીધી અને અડધા કલાકથી ઓછા સમયમાં પચીસ હજાર ફૅન્સને સ્ટેડિયમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. અમે એ વાતનું ધ્યાન રાખ્યું કે ફૅન્સને કોઈ પણ ગભરાટ અને ભાગદોડ વિના બહાર કાઢવામાં આવે.’ એ દિવસે સ્ટેડિયમમાંથી બહાર નીકળતાં ફૅન્સ ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા.

