વહાબે બટને બે જ દિવસમાં કમિટીમાંથી કાઢવો પડ્યો, કબડ્ડી લીગના પ્રારંભમાં ગુજરાત પછી યુ મુમ્બાની જીત અને વધુ સમાચાર
બોલર ફાતિમા સના (ડાબે) અને બૅટર શવાલ ઝુલ્ફિકાર.
ફાસ્ટ બોલર ફાતિમા સનાએ ગઈ કાલે ડનેડિનમાં પાકિસ્તાન વિમેન્સ ટીમને ન્યુ ઝીલૅન્ડ સામે ટી૨૦માં સૌપ્રથમ વિજય અપાવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૬ વિકેટે ૧૨૭ રન બનાવી શકી હતી અને ત્યાર બાદ નિદા દરના સુકાનમાં પાકિસ્તાને ૧૮.૨ ઓવરમાં (૧૦ બૉલ બાકી રાખીને) ત્રણ વિકેટે ૧૩૨ રન બનાવીને ૭ વિકેટે ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી હતી. શવાલ ઝુલ્ફિકારે સૌથી વધુ ૪૧ રન બનાવ્યા હતા. કિવી બોલર સૉફી ડેવાઇને ૨૩ રનમાં બે વિકેટ લીધી હતી.
વહાબે બટને બે જ દિવસમાં કમિટીમાંથી કાઢવો પડ્યો
ADVERTISEMENT
પાકિસ્તાનની ટીમ ૧૪ ડિસેમ્બરે પર્થમાં શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ માટે ઑસ્ટ્રેલિયા ગઈ છે ત્યાં પાકિસ્તાન ક્રિકેટમાં વિવાદ પછી મોટો ફેરફાર થયો છે. નવા ચીફ સિલેક્ટર વહાબ રિયાઝે સ્પૉટ-ફિક્સિંગથી કલંકિત ભૂતપૂર્વ કૅપ્ટન સલમાન બટને કન્સલ્ટન્ટ મેમ્બર તરીકે સિલેક્શન કમિટીમાં લીધા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં આ નિયુક્તિના મુદ્દે ભારે વિરોધ થતાં નિર્ણય બદલીને કમિટીમાંથી બટનું નામ પાછું ખેંચી લીધું હતું. વહાબે ગઈ કાલે જાહેરાતમાં કહ્યું હતું કે ‘સલમાન બટની નિમણૂક પર શરૂઆતથી સમીક્ષા થઈ જ રહી હતી જે પૂરી થતાં તેને કમિટીમાં ન સમાવવાનું નક્કી કરાયું છે.
કબડ્ડી લીગના પ્રારંભમાં ગુજરાત પછી યુ મુમ્બાની જીત
અમદાવાદમાં શનિવારે પ્રો કબડ્ડી લીગની ૧૦મી સીઝનના પ્રારંભિક દિવસે પહેલી બન્ને મૅચ રોમાંચક થઈ હતી. એકા અરીના ખાતે સૌથી પહેલી મૅચમાં ગુજરાત જાયન્ટ્સે રેઇડર સોનુના અગિયાર અને રાકેશના પાંચ ટચ પૉઇન્ટની મદદથી તેલુગુ ટાઇટન્સ ટીમને ૩૮-૩૨થી હરાવી દીધી હતી. ત્યાર બાદ બીજી મૅચમાં યુ મુમ્બાનો પાવરહાઉસ ગણાતી યુપી યોદ્ધાઝ ટીમને ૩૪-૩૧થી હરાવી હતી. આ જીતમાં અમીર મોહમ્મદ ઝફરદાનેશ (૧૧ પૉઇન્ટ) અને રિન્કુ તથા ગુમાન સિંહના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતા.