ખાતું પણ ન ખોલાવી શકતાં બાબર થયો ભારે ટ્રોલ
બાબર ઝીરો રનમાં આઉટ થઈ ગયો હતો
મંગળવારે રાવલપિંડીમાં શરૂ થયેલી ટ્રાયેન્ગ્યુલર T20 સિરીઝની પ્રથમ મૅચમાં યજમાન પાકિસ્તાન ઝિમ્બાબ્વે સામે છેલ્લી ઓવરમાં માંડ-માંડ જીત મેળવી શક્યું હતું. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનરો અને કૅપ્ટન સિંકદર રઝાના ઉપયોગી યોગદાનના જોરે ઝિમ્બાબ્વેએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૭ રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને એક સમયે ૧૦મી ઓવરમાં ૫૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પણ ત્યાર બાદ ફખર ઝમાને ૩૨ બૉલમાં ૪૪ અને ઉસ્માન ખાને ૨૮ બૉલમાં ૩૭ રન સાથે ૩૯ બૉલમાં ૬૧ રન ફટકારીને ટીમને વહારે આવ્યા હતા અને છેલ્લે મોહમ્મદ નવાઝે ૧૨ બૉલમાં ૨૧ રન ફટકારીને ટીમને ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે વિજય અપાવ્યો હતો. આમ ઝિમ્બાબ્વે સામે પણ પાકિસ્તાને છેલ્લી ઓવર સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.
છેલ્લી ઓવરમાં જીત મેળવીને પાકિસ્તાન ટીમે લાજ બચાવી હતી, પણ એના ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ ખાતું પણ ન ખોલાવી શકતાં ભારે ટ્રોલ થયો હતો. આવતા વર્ષે રમાનારા T20 વર્લ્ડ કપમાં ટીમમાં સ્થાન પાકું કરવા સંઘર્ષ કરી રહેલો બાબર આઝમ બે બૉલ રમ્યા બાદ ત્રીજા બૉલે એલબીડબ્લ્યુ થઈ ગયો હતો. T20 ઇન્ટરનૅશનલમાં બાબર નવમી વાર ઝીરો પર આઉટ થયો હતો. આ સાથે શાહિદ આફ્રિદી (૮ વાર ઝીરો)ને વટાવીને સૌથી વધુ વાર ઝીરો પર આઉટ થનાર પાકિસ્તાની બૅટરોમાં તે બીજા નંબરે પહોંચી ગયો હતો. ઉમર અકમલ અને સઇમ અયુબ ૧૦ વાર ઝીરો સાથે ટૉપમાં છે. આ લિસ્ટમાં ઓવરઑલ રેકૉર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન દાસુન શનાકાનો ૧૪ વાર ઝીરોનો છે.


