વિરાટ કોહલીએ જાહેર કર્યું કે ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. ટેસ્ટ અને ટી૨૦માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા કોહલી હવે ૨૦૨૭માં ભારતને વર્લ્ડ કપ જીતાડવાના લક્ષ્ય સાથે રમશે.
વિરાટ કોહલી
ક્રિકેટના કિંગે આખરે દિલની વાત કહી દીધી છે અને આ વાત સાંભળીને કરોડો ફૅન્સની આંખો ભીની થઈ જશે. ભારતના સૌથી મોટા મૅચવિનર વિરાટ કોહલીએ જાહેર કરી દીધું છે કે ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ તેની કરીઅરનો છેલ્લો વર્લ્ડ કપ હશે. ૩૭ વર્ષના થઈ ચૂકેલા આ દિગ્ગજે ટેસ્ટ અને T20ને અલવિદા કહી દીધું છે અને હવે માત્ર એક જ મિશન બાકી છે અને એ છે ૨૦૨૭માં ભારતને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવું.
કોહલીએ ભાવુક થતાં કહ્યું હતું કે ‘મારા માટે આ છેલ્લો વર્લ્ડ કપ હશે અને એ જ મારી સૌથી મોટી પ્રેરણા છે, જે કંઈ કરવું પડે એ કરી છૂટીશ પણ ટ્રોફી તો જીતવી જ છે.’
આગામી વર્લ્ડ કપ ૨૦૨૭ની ૪ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે.
કોહલીએ કહ્યું હતું કે ‘લોકોને લાગે છે કે વન-ડે સહેલું છે પણ હકીકતમાં આ સૌથી અઘરું ફૉર્મેટ છે, કારણ કે તમારે એક જ દિવસમાં T20 જેવી તીવ્રતાથી અઢી ગણું ક્રિકેટ રમવું પડે છે અને એ પણ સતત ૧૦ મૅચ સુધી. શરીર અને મગજ બન્ને નીચોવાઈ જાય છે.’
કોહલી અત્યાર સુધી ૨૦૧૧, ૨૦૧૫, ૨૦૧૯ અને ૨૦૨૩ એમ ૪ વર્લ્ડ કપ રમી ચૂક્યો છે, જેમાં તેણે ૩૭ મૅચમાં પાંચ સદી સાથે ૧૭૯૫ રન બનાવ્યા છે. ૨૦૧૧માં ધોનીની ટીમ સાથે તેણે કપ ઉપાડ્યો હતો જ્યારે ૨૦૨૩માં અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામે હારનું દર્દ પણ જોયું છે.
