સિંધુ દસેક દિવસ પહેલાં હૉન્ગકૉન્ગ ઓપનમાં અને એ પહેલાં આ જ વર્ષે વર્લ્ડ ટૂર ઇવેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી
પી. વી. સિંધુ
ચીનના શેન્ઝેનમાં શરૂ થયેલી ચાઇના માસ્ટર્સ સુપર ૭૫૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર ખેલાડી પી. વી. સિંધુએ પ્રથમ રાઉન્ડના પડકારને પાર કરીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સિંધુ દસેક દિવસ પહેલાં હૉન્ગકૉન્ગ ઓપનમાં અને એ પહેલાં આ જ વર્ષે વર્લ્ડ ટૂર ઇવેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. જોકે પહેલા રાઉન્ડમાં હારના ભૂતને દૂર કરીને સિંધુએ ગઈ કાલે બે વાર ઑલિમ્પિક મેડલ જીતનાર ડેન્માર્કની જુલિયા જેકબસનને માત્ર ૨૭ મિનિટમાં ૨૧-૪, ૨૧-૧૦થી હરાવી હતી.
જોકે અન્ય ભારતીય ખેલાડીઓએ નિરાશ કર્યા હતા. યંગ આયુષ શેટ્ટી પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ રૅન્કિંગ્સમાં પાંચમો ક્રમ ધરાવતા ચાઇનીઝ તાઇપેઇના ખેલાડી સામે જબરા સંઘર્ષ બાદ ૧૯-૨૧, ૨૧-૧૨, ૧૬-૨૧થી હારીને બહાર થઈ ગયો હતો. મિક્સ ડબલ્સમાં રુત્વિકા ગડ્ડે અને રોહન કપૂરની જોડી પણ જપાનની જોડી સામે ૧૭-૨૧, ૧૧-૨૧થી સીધા સેટમાં હારી ગઈ હતી.

