ઇન્ટરનૅશનલ એબલ્ડ-બૉડી ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થનારી પહેલી પૅરા-ઍથ્લીટ બની : એશિયા કપ સ્ટેજ-3 માટે ભારતની આર્ચરી ટીમમાં શીતલદેવીને સ્થાન, સપ્ટેમ્બરમાં જ પૅરા-આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી
તીરંદાજ શીતલદેવી
તીરંદાજ શીતલદેવીના નામે ઐતિહાસિક રેકૉર્ડ નોંધાયો છે. સાઉદી અરેબિયામાં આયોજિત થનારા આગામી એશિયા કપ સ્ટેજ-3 માટે ભારતની એબલ્ડ એટલે કે રેગ્યુલર જુનિયર ટીમમાં ૧૮ વર્ષની શીતલદેવીને પણ સ્થાન આપવામાં આવ્યું હોવાની જાહેરાત ગઈ કાલે થઈ હતી. જન્મથી જ બન્ને હાથ ન હોવાને લીધે શીતલદેવી દિવ્યાંગો માટેની કૅટેગરીમાં ભાગ લે છે, પણ પહેલી વાર તેને રેગ્યુલર ટીમમાં સ્થાન મળ્યું છે.
ભારત સરકાર દ્વારા અર્જુન અવૉર્ડથી સન્માનિત શીતલદેવીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘જ્યારથી મેં તીરંદાજી શરૂ કરી ત્યારથી મારું એક નાનું સપનું હતું કે એક દિવસ એબલ્ડ તીરંદાજો સાથે સ્પર્ધા કરવી. શરૂઆતમાં તો હું સફળ થઈ નહોતી, પણ હું દરેક નિષ્ફળતામાંથી શીખીને આગળ વધતી રહી અને આજે એ સપનાની એક ડગલું નજીક પહોંચી છું.’


