Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઈશ કરશે સવાલ, શું કરશું?

ઈશ કરશે સવાલ, શું કરશું?

Published : 03 August, 2025 04:45 PM | IST | Mumbai
Hiten Anandpara

ધાર્યું ન હોય એવા ખૂણેથી સમસ્યા સાપની જેમ આવીને ડંખી જાય. કરોળિયો પોતાના જાળામાં કદી ફસાતો નથી, પણ આપણે પોતે જ કરેલા પથારામાં આબાદ ફસાઈ જઈએ છીએ

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


કેટલીક વાર એવી  સમસ્યાઓ ઊભી થઈ જાય કે એને ઉકેલવા શું કરીશું એ પ્રાણપ્રશ્ન પરેશાન કરી મૂકે. ધાર્યું ન હોય એવા ખૂણેથી સમસ્યા સાપની જેમ આવીને ડંખી જાય. કરોળિયો પોતાના જાળામાં કદી ફસાતો નથી, પણ આપણે પોતે જ કરેલા પથારામાં આબાદ ફસાઈ જઈએ છીએ. એવી વસ્તુઓ સાચવીએ જે ખપની ન હોય અને એવા સંબંધો ગુમાવી દઈએ જે જિંદગીને ટકાવી રાખવા જરૂરી હોય. અઝીઝ ટંકારવી ચિંતનાત્મક તારણ રજૂ કરે છે...


ક્યાં આરોઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી



આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી


જળનું કામ વહેવાનું છે. જન્મારો પણ આમ જુઓ તો ક્યાં વીતી જાય છે એની ખબર નથી પડતી. એક સમયે બળદગાડાની જેમ જતો સમય હવે વંદે ભારતની ગતિ પકડી ચૂક્યો છે. ગાંધીજી પોરબંદરથી રાજકોટ બળદગાડામાં ગયા હતા. તેમને પાંચ દિવસ લાગેલા. અત્યારે ચાર-પાંચ કલાકમાં પહોંચી જવાય છે. વિકાસ વાહનથી માંડીને વૈકુંઠ સુધી પહોંચી ગયો છે. અનેક પ્રકારનાં અવકાશી સંશોધનોથી માંડીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું સામ્રાજય વિસ્તરી રહ્યું છે. સ્મિત પણ આર્ટિફિશ્યલ બની ગયું છે. હવે આપણને ડૂબકી લગાવ્યા વગર મોતી જોઈએ છે, તારતાર થયા વગર તારણ જોઈએ છે. ડૉ. મહેશ રાવલ જીવનસફરને આ રીતે નિરૂપે છે...

હવે થઈ ખાતરી તું ક્યાંક ભીતર છે


અને હું માત્ર બારોબાર શોધું છું

પછી કરશું મરણના અર્થની ચર્ચા

હજુ તો, જિંદગીનો સાર શોધું છું

જિંદગી કોઈ એક આયામ પર ઘડાતી નથી. શીખવાની પ્રક્રિયા લગભગ આખી જિંદગી ચાલતી રહે છે. આંખ અને કાન ખુલ્લાં રાખીએ તો નવું-નવું શીખી શકાય. એંસી વર્ષે કમ્પ્યુટર શીખતા કોઈ વરિષ્ઠ નાગરિકને હોય એવી જિજ્ઞાસા જિંદગી જીવવાનું પ્રેરકબળ બને છે. મરણ આવવાને ભલે છેટું ન હોય, પણ જેટલા શ્વાસ બચ્યા છે એમનો તો કોઈ ગુનો નથી કે એમને હડધૂત કરીએ. મનસુખ લશ્કરી સંતુલન રાખવાનું કહે છે...

પાંદનો અવતાર છે, તડકા-તમસને આવકારો
પણ ક-ટાણે પાનખર પહેલાં ખરીને શું કરીશું?

શું કરીશું? શું કરીશું? શું કરે છે? ગોત ઉત્તર
પંડને આ વૈખરીથી તંતરીને શું કરીશું!

વૈખરી એટલે કર્કશ વાણી, લવારો. તંતરવું એટલે છેતરવું. આપણે જાતને પણ છેતરતા અચકાતા નથી. અંદરનો અવાજ ના પાડતો હોય છતાં ટૂંકા ગાળાના લાભ માટે લાંબા ગાળાની ભૂલો કરીએ છીએ. પ્રાપ્તિ આપણા માટે એટલી મહત્ત્વની બની જાય કે સંતુષ્ટિનો અર્થ સમૂળગો ભુલાઈ જાય. જાતને તો શું જગતનિયંતાને પણ આપણે છેતરીએ છીએ. બરકત વીરાણી ‘બેફામ’ ડર વ્યક્ત કરે છે...

સૌથી પહેલાં તો હૃદયની તાપણી કરશું અમે
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું અમે

છે ખુદા સૌનો અને એથી એ સંતાઈ ગયો
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે

ભગવાન ખરેખર આપણાથી ડરતો હશે. તેની સ્થાપના ભૂમિ જોઈને થવી જોઈએ. આપણે તો ગમે ત્યાં ફુટપાથ પર આડેધડ તેને ખોડી દઈએ છીએ. ભગવાન આપણા અંતરાય દૂર કરવા છે એવું આપણે માનીએ છીએ, પણ બિચારો તે જ આપણા રસ્તામાં અંતરાય બનીને ખોડાઈ જાય છે. મૂર્તિ કોર્ટમાં કેસ કરી નથી શકતી, નહીંતર માણસજાત પર અનેક કેસનો થપ્પો અદાલતોમાં થઈ ગયો હોત. આસ્થા આડેધડ ન હોવી જોઈએ. ધર્મસ્થાનકો અને વિદ્યાલયોમાં કેટલીક વાર નિયત સ્થાપિત કરવાની જ રહી જાય છે. આમાં સરતચૂક હોતી નથી, હૃદયચૂક હોય છે. કવિ સાહિલ લખે છે...

ના જળનો દઈ શકો તો દ્યો જામ ઝાંઝવાંનો
અભિનય તૃષા છીપ્યાનો કરશું અમે મજાનો

આ રેતિયા નગરમાં છે કારભાર મારો
પાણી ઉપર પડેલા તડકાઓ વેચવાનો

અખબારમાં માત્ર લખાણને જ નહીં, જિંદગીમાં લાગણીને પણ સ્થળસંકોચ નડતો હોય છે. એટલે શેખાદમ આબુવાલાની પંક્તિ સાથે સાદર વિરમીએ...

મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું

જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટા પડીને મુલાકાત કરશું

લાસ્ટ લાઇન

ઈશ કરશે સવાલ, શું કરશું?

ક્યાં કરી છે કમાલ, શું કરશું?

            આપણું નામ એક પરપોટો

            પ્રાપ્ત પળમાં ધમાલ શું કરશું?

વેચવા કાઢશે હવાને પણ

હીચકારા દલાલ શું કરશું?

            આજ, ગઈ પૂંછડું પછાડીને

            અવતરે થઈને કાલ શું કરશું?

અબ્ધિ છોડી જવું, જવું તો ક્યાં?

ફેર પથરાઈ જાલ શું કરશું?

            સાબદા થાવ સામનો કરવા

            કાળ બદલે ચાલ શું કરશું?

છે હજી ઝૂરતો અલી ડોસો

આવશે ના ટપાલ શું કરશું?

- આબિદ ભટ્ટ

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2025 04:45 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK