વાંચો આખું પ્રકરણ - ૧૩ અહીં
ઇલસ્ટ્રેશન
વહેલી સવારથી ધીમો-ધીમો વરસાદ વરસી રહ્યો હતો.
ઘરના ઝાંપાની બહાર દરવાજે વીંટળાયેલી બોગનવેલનાં પાંદડાં વરસાદમાં નાહીને લીલાંછમ થયાં હતાં. બોગનવેલનાં ઘેરાં ગુલાબી ફૂલોની પાંદડીઓ વરસાદના પાણીનો ભાર ઝીલી નહોતી શકતી. આકાશમાં વરસાદી અંધારું ઘેરાયેલું હતું અને ઠંડો પવન વાઈ રહ્યો હતો. વૃક્ષો જાણે ડાળીઓ સંકોરીને વરસાદમાં તપ કરવા બેઠાં હતાં. ઘરની બહાર પિલર પર ચડેલી નાગરવેલનાં પાંદડાંઓ વાછટ છાતીએ વળગાડીને જાણે કે ઝૂમી રહ્યાં હતાં.
ADVERTISEMENT
અનિકાએ પોતાના ક્વૉર્ટરની છત સાથે માટીનાં નાનાં મટકાંઓ બાંધી રાખ્યાં હતાં. ત્રણેય બાજુ પક્ષીઓને ઊડવા પ્રવેશવા મળે એવા દરવાજાવાળાં એ માટલાંઓમાં ચકલી અને બુલબુલ જેવાં પક્ષીઓએ તણખલાંઓ ભેગાં કરી માળો બનાવ્યો હતો. વરસાદી પવનમાં એ માટલાંઓ હલતાં અને અંદરથી ચકલી-બુલબુલનાં બચ્ચાંઓનો કલબલાટ સંભળાતો. મેજર રણજિત પક્ષીઓના ચણ માટે જુવારના દાણા ભરેલી માટીની કુલડી ઘરની પાળી પર ગોઠવી રહ્યા હતા. અનિકા ગઈ કાલ રાતની રોટલીના ટુકડાઓ ભરેલી
થાળી લઈને રસોડામાંથી આવી અને બાબાના હાથમાં થાળી પકડાવી. મેજર રણજિત ખિસકોલીઓ જ્યાં રોજ ગેલ કરતી એ ખૂણામાં રોટલીના ટુકડાઓ મૂકી રહ્યા હતા. ઘરમાં મોગરાનાં તાજા ફૂલોની સુગંધ આવી રહી હતી. ગૂગળનો ધૂપ વાતાવરણને વધુ પ્રફુલ્લિત બનાવતો હતો.
ગ્રામોફોનમાં લતાજીનું ગીત સંભળાતું હતું...
ઓ સજના, બરખા બહાર આઈ
રસ કી ફુહાર લાઈ, અખિયોં મેં પ્યાર લાઈ ઓ સજના...
તુમકો પુકારે મેરે મન કા પપિહરા
મીઠી મીઠી અગની મેં, જલે મોરા જિયરા
ઓ સજના...
રણજિત સોફા પર ગોઠવાયા અને નૅપ્કિનથી હાથ લૂછતાં બોલ્યા, ‘અનિકા, એક મસ્ત આદુંવાળી ચા બનાવ. શાંતિથી પીએ.’
‘બાબા, આપણે વહેલી સવારે ચા બનાવી એમાં દૂધ પૂરું થઈ ગયું. ખબર નહીં કેમ આજે હજી સુધી દૂધવાળો પણ આવ્યો નથી.’
‘તો એમાં શું? તું ગૅસ પર તપેલી ચડાવ. આદું અને ચાપત્તી બરાબર ઊકળી જાય ત્યાં સુધીમાં હું દૂધ લઈને હમણાં આવ્યો.’
‘ના બાબા, આવા વરસાદમાં ક્યાંય નથી જવું.’
‘મુંબઈમાં ક્યાંય ન જવા માટે કે કશું ન કરવા માટે વરસાદ ક્યારેય બહાનું ન હોઈ શકે. વરસાદ અને મુંબઈ બન્નેને એકબીજાની ટેવ છે. જે લોકો મુંબઈમાં રહેતા હોય છે તેમને મન શિયાળાની નવાઈ, વરસાદની નહીં.’
‘ઓહો... ત્રણ મહિનામાં મુંબઈગરા થઈ ગયા બાબા.’
‘મારી દીકરીનું ઘર એ મારું ઘર.’
અનિકા કશું બોલી નહીં. થોડી ક્ષણો આ સુખને મમળાવતી રહી. વાતાવરણમાં વરસાદનો ધીમો ગડગડાટ સંભળાયો, આછી વીજળી ચમકી. અનિકાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઊગી, ‘આર યુ શ્યૉર બાબા? થોડો વરસાદ ધીમો પડે એની રાહ જુઓ તો સારું.’
‘વરસાદ ઓછો નહીં થાય અને હમણાં તારી યુનિવર્સિટીનો ટાઇમ થઈ જશે. લેક્ચર માટે ઉતાવળી થઈશ કે બાબા, મારા સ્ટુડન્ટ્સને હું રાહ ન જોવડાવી શકું ઍન્ડ ઑલ... એટલે હું આ ભાગ્યો અને આ આવ્યો!’
અનિકા વધારે દલીલ ન કરી શકી. બાબાએ હાથમાં છત્રી લીધી, કાપડની નાની થેલી પકડી અને સ્લિપર્સ પહેર્યાં. મેજર રણજિત વરસાદની વાછટથી ખાસ બચવાનો પ્રયત્ન કર્યા વગર છત્રી લઈને ઘરની બહાર નીકળ્યા. અનિકા ઘરના દરવાજે ઉંબર પર ઊભી હતી. બાબાએ પાછું વળીને અનિકા તરફ જોયું.
આછી ગુલાબી કૉટનની સાડી, ખુલ્લા વાળ, આંખોમાં કાજળ, કપાળ પર નાનકડી બ્લુ બિંદી, કાનમાં ચાંદીનાં ઝૂમકા, ગળામાં ચાંદીનાં મોતીઓની એક લાંબી માળા, હાથમાં ચાંદીનાં કંગન. વરસાદી પવનને કારણે અનિકાના ખુલ્લા વાળ વારંવાર ચહેરા પર આવી જતા હતા. તે વાળને કાન પાછળ ધકેલવા મથતી હતી.
‘શું જુઓ છો બાબા?’
‘તને.’
‘વૉટ?’ અનિકા શરમાઈ.
‘જોઉં છું કે મારી દીકરી કેટલી રૂપાળી છે.’
‘થૅન્ક યુ બાબા.’ અનિકાએ નજરો ઢાળી અને તેના ગાલ પર વરસાદની વાછટ આવી. તેણે નજર ઊંચી કરી તો બાબા હજી પણ આંગણામાં ઊભા હતા.
‘બાબા, જો આ રૂપથી તમારી મોસમ મસ્ત થઈ જતી હોય તો ચાનો પ્લાન કૅન્સલ રાખીએ.’
‘ના-ના, ચા તો જોઈશે જ.’
અનિકા હસી પડી.
‘અચ્છા, ઘર માટે બીજો કોઈ સામાન લાવવાનો છે?’
‘ના, માત્ર દૂધ લઈ આવો.’
રણજિતે હકારમાં માથું ધુણાવ્યું અને ઝાંપો ખોલીને બહાર નીકળ્યા. અનિકા તેમને ક્યાંય સુધી આમ વરસાદમાં ચાલી જતા જોઈ રહી. તેણે દરવાજે માથું ટેકવી સુખની આ મોસમને ઊંડા શ્વાસ લઈ છાતીમાં ભરી.
વર્ષોથી આવી કોઈ ટેવ જ નહોતી પડી કે આ ઘરમાંથી કોઈ બહાર જતું હોય અને અનિકાને પૂછે કે ‘હું બહાર જાઉં છું, કશું લાવવું હોય તો
મને કહેજે!’
પ્રમાણમાં બહુ નાની લાગતી આ વાતમાં બહુ મોટો ટેકો છે એ વાત અનિકા બરાબર જાણે છે.
ઘરમાં તમારા સિવાય કોઈ બીજું જણ પણ છે. એવું જણ જે આ ઘરને, ઘરના વાતાવરણને અને ઘરની જરૂરિયાતોને તમારા જેટલું જ સમજે છે.
કોઈ એક એવું જણ જે તમારી સાથે ઘરમાં ખૂટતા કરિયાણા વિશે વાત કરે, જે ઘરમાં આવતી ઊધઈની ચર્ચા કરે, જે તમારી સાથે ઘરના પડદાઓ બદલવાની હવે જરૂર છે એ બાબતે વિચાર કરે, જે બારીઓને ઑઇલિંગની કેટલી જરૂર છે એ વિશે પોતાનો અભિપ્રાય આપે, જે ઘરમાં દરેક દીવાલ એક રંગની રાખવી કે નહીં એવા વિષય પર કલાકો સુધી ઝઘડો કરી શકે, જે પથારીથી લઈને પગલૂછણિયા સુધી દરેક બાબતમાં તમારી સાથે દલીલો કરે.
જો ઘરમાં આપણા સિવાય બીજું કોઈ જણ નથી તો ઘર ધીરે-ધીરે મકાન કે રૂમ બનવા લાગે છે.
એકલો રહેતો જણ ચૂપ થઈ જાય એ સાથે જ ઘરનાં વાસણો મૂંગાં થઈ જાય છે, ઘરના દરવાજા અને બારીનાં બારણાંનો કિચૂડાટ બોદો થઈ જાય છે, સોફાનાં કવરના રંગો ફીકા પડી જાય છે, બાથરૂમમાંથી નળ સતત ટપક્યા કરે છે. દૂર કોઈ ખૂણે જાળું બાઝેલું છે જ્યાં પહોંચાતું નથી, પંખાનાં પાંખડાંઓની ઉપરની બાજુ વળેલી ધૂળ દેખાતી નથી, માટલું કેટલામા દિવસે વીછળીને ભરવું જોઈએ એની ગણતરી ખોટી પડવા લાગે છે. રાતે ભૂખ લાગે ત્યારે રસોડામાં જઈને ચકરી, ખાખરો કે ચવાણું એકલા ખાવાનો કંટાળો આવે છે. ફ્રિજમાં દિવસો સૂધી મૂકી રખાયેલો આઇસક્રીમ ભુલાઈ જાય છે. ટેબલ પર મહિનાના હિસાબ-કિતાબ માટે વસાવેલી ડાયરીનાં પાનાંઓ પીળાં પડી જાય છે આપોઆપ. તકિયા, ગાદલાં અને ગોદડાં તડકો માગવાનું બંધ કરી ભેજને ઓઢી લે છે. ઘરમાં એકલતાની ગંધ અનુભવાય. ફર્શમાં ગમેએટલી સાવરણી ફેરવો તોય કાંકરા વાગે.
છાતીમાં તિરાડો પડી જાય છે.
સંવાદમાં ઊધઈ બેસી જાય છે.
આંખમાં લીલ બાઝી જાય છે.
વર્તનમાં કાટ લાગી જાય છે.
ઘરમાં એકલો રહેતો જણ ધીમે-ધીમે ફર્નિચર બનતો જાય છે!
સંજના આવી ત્યાં સુધી અનિકા પોતાના ઘરમાં એક વધારાનું ફર્નિચર જ હતી. સંજનાએ ચુપ્પી સાધેલા જીવનના તાર પર આંગળીઓ મૂકી ત્યારે પહેલી વાર અનિકાને સાત સૂર સંભળાયા. સંજનાએ ઝઘડો કરીને કબાટમાં માત્ર બ્લુ સાડીઓના કલેક્શન સામે વાંધો ઉઠાવ્યો અને લાલ, લીલા, ગુલાબી, કેસરી, પીળા રંગોની સાડીઓ લેવડાવી ત્યારે પહેલી વાર અનિકાને લાગ્યું કે રંગોને પહેરીને અનુભવી શકાય છે. સંજનાએ અનિકાને સમજાવ્યું હતું કે આ જગતમાં સૌને સુખી થવાનો અધિકાર છે, જાતને પંપાળવી એ ગુનો નથી!
શરૂ-શરૂમાં સંજના બહુ લાઉડ લાગેલી. સંજનાની વાતોમાં ડેપ્થ નથી એવું સમજીને તેણે સંજના સાથે વાતો ઓછી કરી, પણ ધીમે-ધીમે સમજાયું કે સંજનાની વાતોમાં નહીં પણ સમજદારીમાં ઘણી ડેપ્થ છે.
દરવાજે ઊભી-ઊભી અનિકા છત્રીની કોરથી વરસાદના છાંટાઓને હાથમાં ઝીલીને રસ્તા પર ચાલતા મેજર રણજિતને જોઈ રહી. ધોધમાર વરસાદના છાંટાઓમાં બાબા દેખાતા બંધ થયા ત્યાં સુધી તે ઘરના ઉંબર પર ઊભી રહી.
પછી રસોડામાં ગઈ અને ગૅસ પર ચાની તપેલી ચડાવી.
lll
મેજર રણજિતે દૂધની થેલી લીધી, બાજુમાં ફૂલવાળી બાઈ પાસેથી ટગર ફૂલોની વેણી ખરીદી, ફ્રૂટની લારીએથી ઘર માટે થોડાં તાજાં ફળો ખરીદ્યાં. વરસાદ થોડો ધીરો પડ્યો. છાંટાઓ આછા થયા અને ફોરાં બન્યાં. યુનિવર્સિટીના પ્રોફેસર બંગલોઝ વિસ્તારમાં ચહલપહલ વધી. સવારના સાડાનવનો સુમાર હતો.
વૃક્ષોની હારમાળાઓ વચ્ચે ભીની લૉન પર ધીરે-ધીરે ચાલી રહેલા રણજિતે વડલાના એક ઝાડ નીચે પાંચેક વર્ષની એક નાનકડી છોકરીને મૂંઝાયેલી જોઈ. વાદળી સ્કૂલડ્રેસ, ગુલાબી સ્કૂલબૅગ, ગળામાં ગુલાબી વૉટરબૅગ, હાથમાં નાનકડી ગુલાબી છત્રી હતી અને પગમાં પહેરેલાં ગુલાબી શૂઝ જેની લેસ ખુલ્લી હતી. મેજરનાં પગલાં ધીમાં પડ્યાં. રણજિતે પોતાની છત્રી સંકેલી અને આ નાનકડી છોકરી પાસે આવ્યા.
‘બેટા, શું થયું? મે આઇ હેલ્પ યુ?’
‘આહના!’
‘શું?’
‘મારું નામ આહના છે.’
રણજિતના ચહેરા પર સ્માઇલ આવ્યું.
‘ઓકે આહના બેટા, અહીં કેમ એકલી ઊભી છે? કોઈ મદદ જોઈએ છે?’
‘અંકલ, મારાં શૂઝની લેસ ખૂલી ગઈ છે.’
આટલું બોલતાં સુધીમાં તો એ નાનકડી છોકરીની આંખમાં આંસુ છલકાઈ ગયાં.
‘અરે, એમાં મૂંઝાઈ શું ગઈ? લાવ, હું તને હેલ્પ કરું.’
આટલું કહીને રણજિતે બાજુમાં લાકડાની બેન્ચ પર પોતાનો સામાન મૂક્યો, કૉટનની થેલીથી બેન્ચ પર ઢોળાયેલું પાણી લૂછ્યું અને નાનકડી આહનાને તેડીને બેન્ચ પર બેસાડી.
અને ત્યાં સુધીમાં તે નાનકડી છોકરીનાં આંસુ આંખમાંથી ગાલ સુધી રેલાઈ ગયાં.
‘અરે, રડવાનું નહીં બેટા. લે તું ફળ ખા.’ રણજિતે ફ્રૂટ્સવાળી થેલી ફંફોસી ત્યાં આહના બોલી,
‘સ્ટ્રૉબેરી છે?’
હવે મૂંઝાવાનો વારો રણજિતનો હતો.
‘બેટા, એ તો નથી. ચીકુ ભાવે?’
‘યક! એ તો કેવાં ગંદાં કરે કપડાં. ટીચર ખિજાય.’
રણજિતના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘સારું, ફ્રૂટ્સનો આઇડિયા કૅન્સલ. તારી શૂલેસ બાંધી આપું ચાલ.’
રણજિત ઘૂંટણના ટેકે નીચે બેઠા એટલામાં થોડો વરસાદ વધ્યો. આહનાએ તરત પોતાની ગુલાબી છત્રી રણજિત તરફ ધરી. બાર્બી ડૉલ્સની ડિઝાઇનવાળી નાનકડી ગુલાબી છત્રીમાં રણજિત અને આહના વરસાદમાં પલળતાં હતાં કે બચતાં હતાં એ સમજવું મુશ્કેલ હતું.
બાબાને બહુ વાર લાગી એવું વિચારીને કંઈકેટલીયે અમંગળ કલ્પનાઓમાં રાચતી અનિકા છત્રી લઈને નીકળી પડી હતી. દૂરથી અનિકાએ આ દૃશ્ય જોયું. લાકડાની બેન્ચ પાસે રસ્તાની એક બાજુ હાથમાં ગુલાબી છત્રી પકડીને કોઈ નાનકડી સ્કૂલગર્લ બેઠી છે. બાબા ઘૂંટણિયાભેર નીચે બેઠા છે. એ બન્ને જણ પર ગુલાબી રંગની ઝાંયવાળાં ફોરાંઓ વરસી રહ્યાં છે. બાબા પેલી નાનકડી છોકરીનાં શૂઝની લેસ બાંધી રહ્યા છે. અનિકા આંબલીના એક ઝાડના થડની પાછળ સંતાઈ ગઈ અને આ ગુલાબી ઘટના જોવા લાગી ચૂપચાપ.
મેજર રણજિતે કસકસાવીને લેસ ખેંચી અને તેમનાં મજબૂત કાંડાંઓ સ્પીડમાં ગોળ-ગોળ ફર્યાં. આર્મીનાં શૂઝની લેસ બાંધવાના કાયમી અનુભવે તેમણે ગાંઠ બાંધી કે પેલી નાનકડી આહના ચિલ્લાઈ, ‘આહ અંકલ, શું કરો છો?’
‘બેટા, તારાં શૂઝની લેસ બાંધું છું. તને હેલ્પ કરું છું.’
‘હેલ્પ કરો છો કે પનિશ કરો છો?’
અનિકાને રમૂજ પડી આખી વાતમાં. મેજર રણજિત મૂંઝાયા. તેમને સમજાયું નહીં કે આ નાનકડી સોપારી જેવી છોકરી શું કહી રહી છે.
‘અંકલ, એકદમ પેઇન થઈ જાય એવી નૉટ કેમ બાંધો છો? બહુ ટાઇટ છે.’
‘તો બેટા કેવી ગાંઠ મારવાની હોય?’
‘તમને બાર્બી ફ્લાવર નૉટ આવડે છે?’
‘મતલબ?’
‘ઓફ્ઓ, તમને આટલીયે ખબર નથી?’
રણજિતને લાગ્યું જાણે અત્યાર સુધી જેટલું જીવ્યો છું એ સાતેય દાયકાની જિંદગી અત્યારે હિસાબ માગી રહી છે કે ‘જીવનમાં બધું શીખ્યા મેજરસાહેબ, બસ એક આ બાર્બી ફ્લાવર નૉટ ન શીખ્યા?’
‘આજે મારા ડૅડીને મીટિંગ હતી તો તે જલદી ઑફિસ જતા રહ્યા. મને તો રોજ મારા ડૅડી જ ફ્લાવર નૉટ બાંધી આપે છે. મારા ડૅડીને તો આવડે છે. અંકલ, તમને તમારી દીકરીએ પણ ક્યારેય કહ્યું નહીં કે ડૅડી, મને મારા શૂઝની લેસમાં ફ્લાવર નૉટ કરી આપો!’
નાનકડી આહનાની નાનકડી લાગતી આ વાતમાં સહરાનું રણ ભીંજાઈ જાય એવો સવાલ હતો. આ સવાલની અંદર રહેલી ભીનાશ રણજિત બરાબર સમજી શકતા હતા. એક ક્ષણમાં તેમને ડલહાઉઝીના લાકડાવાળા ઘરમાં બીજા માળે કાચની બારી પાસે બેસેલી ફ્લાવર પ્રિન્ટેડ ફ્રૉક પહેરેલી સાત વર્ષની અનિકા યાદ આવી ગઈ.
‘સૉરી બેટા, મને તો નથી આવડતું!’
રણજિતના આ જવાબ પર પેલી નાનકડી આહના થોડી વાર વિચારતી રહી અને પછી તરત તેને આઇડિયા સૂઝ્યો, ‘મોબાઇલ છે તમારી પાસે? યુટ્યુબ ઑન કરો.’
રણજિતે પોતાનો મોબાઇલ નાનકડી સ્કૂલગર્લ આહનાની નાનકડી હથેળીમાં મૂક્યો. આહનાએ તાત્કાલિક યુટ્યુબમાં જઈને શૂઝની ‘બાર્બી ફ્લાવર નૉટ’ કેવી રીતે બાંધી શકાય એનો ટ્યુટોરિયલ વિડિયો શોધી કાઢ્યો. સ્ક્રીન રણજિત તરફ ધરીને તે બોલી, ‘આ વિડિયો જોઈ જોઈને બાંધો ચલો.’
રણજિતના ચહેરા પર ફરી સ્માઇલ ઊગ્યું. આંબલીના ઝાડ પાછળ સંતાઈને અનિકા જોઈ રહી હતી કે ગુલાબી છત્રીવાળી નાનકડી છોકરી મોબાઇલ પકડીને બેન્ચ પર બેઠી છે.
સિત્તેર વર્ષના મેજર રણજિત ઘૂંટણિયે પડી ગુલાબી છત્રીમાંથી નીતરતાં વરસાદી ટીપાંઓ ઝીલતાં-ઝીલતાં મોબાઇલ વિડિયોમાંથી જોઈ-જોઈને ધ્રૂજતી આંગળીઓની મદદથી ધીરે-ધીરે બાર્બી ફ્લાવર નૉટ બાંધી રહ્યા છે.
બન્ને ગુલાબી શૂઝમાં બાર્બી ફ્લાવર નૉટ બંધાઈ ગઈ.
આહનાએ પોતાનાં શૂઝ તરફ જોયું. ચહેરા પર સુખની ગુલાબી ઝાંય હતી. મેજર રણજિતે જાણે જીવનની બહુ મોટી પરીક્ષા આપી હોય એમ પરિણામની ચિંતા સાથે નાનકડી આહના સામે જોયું.
પોતાના કપાળ પર જમણા હાથની પહેલી આંગળી મૂકીને જાણે બહુ જ ગંભીર વાત વિચારતી હોય એમ નાનકડી આહનાએ સ્માઇલ કર્યું, ‘હમમમમમમ. ગુડ જૉબ અંકલ, પણ મારા ડૅડી જેવી ફ્લાવર નૉટ તો તમે ન જ બાંધી શક્યા. તમે કોશિશ કરી અને સરસ જ બાંધી, પણ મારા ડૅડી જેવી તો નહીં જ. તમારા માટે એક થૅન્ક યુ ગિફ્ટ...’
કાલી-કાલી ભાષામાં આટલું બોલીને નાનકડી આહના મેજર રણજિતના ચહેરા પાસે ઝૂકી. રણજિત વધુ નજીક આવ્યા કે આહનાએ રણજિતના ગાલ પર હળવું ચુંબન કર્યું. જાણે બગીચામાં કોઈ ખૂણે ઊગેલું નાનકડું અજાણ્યું ફૂલ સ્પર્શ્યું.
રણજિતની આંખો ભીની થઈ. આ તેમના જીવનનો પહેલો અનુભવ હતો.
આવા નિર્દોષ અને પવિત્ર થૅન્ક યુનો સ્પર્શ તો તેમને આજ સુધી નહોતો થયો.
અનિકાએ આ દૃશ્યને જોયું, ધરાઈ-ધરાઈને નિરાંતે જોયું. તેના હોઠ પર સ્મિત હતું અને આંખમાંથી સુખની ભીનાશ ગાલ પર નીતરી રહી હતી. કદાચ રડી પડાશે એ ડરે અનિકા જલદી પોતાના ઘર તરફ દોડી ગઈ.
lll
મેજર રણજિત ઘરે આવ્યા. આખા ઘરમાં આદું અને ફુદીનાની સુગંધ તરી રહી હતી. રસોડામાં ગૅસ પર ચડાવેલી તપેલીમાં ચાની પત્તી બરાબર ઊકળી રહી હતી. એની ખુશ્બૂ ચોમાસાની ગંધમાં ભળી ગઈ હતી. મેજર રણજિતે બહારથી લાવેલો સામાન રસોડામાં ટેબલ પર મૂક્યો. અનિકાનું ધ્યાન ચાના ઊભરા સામે હતું.
‘અનિકા!’
‘હા બાબા.’
‘મને એક પ્રશ્નનો જવાબ આપ બેટા.’
‘બોલોને!’
‘તું નાની હતી અને દેહરાદૂનની બોર્ડિંગ સ્કૂલમાં ભણતી ત્યારે તારાં સ્કૂલ-શૂઝની લેસમાં ફ્લાવર નૉટ કોણ બાંધી આપતું?’
અનિકાએ બાબાની આંખમાં જોયું. ગુલાબી ઝાંય હજીયે અકબંધ હતી.
અવાજમાં જરાય કડવાશ ન આવે એની પૂરતી કાળજી રાખીને તે બોલી, ‘બાબા, હું વેલ્ક્રો શૂઝ પહેરતી!’
હળવો સન્નાટો તોળાતો રહ્યો
બાપ-દીકરીની વચ્ચે.
ગરમ થયેલા પાણીમાં ચાપત્તી ઊભરા સાથે તપેલીની કિનારીઓ પર ડોકિયાં કરવા લાગી. અનિકાએ દૂધની થેલી તોડી. દૂધની ધાર તપેલીમાં ઊકળતી ચાપત્તીમાં નવો રંગ ઘાટ્ટો કરવા લાગી. ઊભરો શાંત થયો.
lll
મેજર રણજિત હીંચકા પર બેઠા હતા. અનિકાના જવાબ વિશે તે વિચારી રહ્યા હતા. મનમાં કશુંક ચચરી રહ્યું હતું, પણ આંગળી મૂકીને સ્પષ્ટપણે કહી શકાય એવું પીડાનું કોઈ ઠેકાણું મળી નહોતું રહ્યું. અનિકા વરંડામાં ચાનો કપ લઈને આવી. રણજિતના હાથમાં ચાનો કપ પકડાવીને તે બોલી, ‘બાબા, મને મોડું થયું છે. હું યુનિવર્સિટી જાઉં છું. કાલે બપોરે તમારું અને સંજનાનું લંચ પૃથ્વી કૅફેમાં છે. જુહુ બીચ પાસે પૃથ્વી થિયેટરમાં આ સરસ કૅફે છે. તમને ગમશે. તમને સંજનાનો નંબર મોકલી આપ્યો છે. સંજના પાસે તમારો નંબર છે જ. આજે યુનિવર્સિટીની એક ઇવેન્ટ છે. સાંજે કદાચ ઘરે આવતાં મને મોડું થશે. અવનમાં ગરમ કરીને જમી લેજો. પરાઠા અને પુલાવ બનાવ્યા છે.’
અનિકા પીઠ ફેરવીને ચાલતી થઈ ત્યારે રણજિતે અનિકાના ખુલ્લા વાળમાં પોતે હમણાં માર્કેટમાંથી ખરીદી હતી એ ટગર ફૂલોની વેણી જોઈ. મેજર રણજિતના ચહેરા પર ટગર ફૂલો મહોરી ઊઠ્યાં, સંતોષનું સુખ મઘમઘી ઊઠ્યું.
lll
આખો દિવસ એકધારો વરસાદ વરસ્યો હતો એટલે રાત વધુ ઠંડી હતી. અડધી રાતનો સમય. દરરોજ આ સમયે રણજિત સૂઈ જતા, પણ આજે તેમને ઊંઘ નહોતી આવતી. રણજિતના હાથમાં ઝવેરચંદ મેઘાણીએ લખેલી પહેલી નવલકથા ‘નિરંજન’ હતી. ડૉ. આદિત્ય કશ્યપે કહેલું કે ‘ઈ.સ. ૧૯૩૬માં ગુજરાતી ભાષામાં લખાયેલી આ નવલકથામાં મેઘાણીએ સજાતીય સંબંધ વિશે પોતાનાં પાત્રો પાસે જે ચર્ચા કરાવી એ ઘટના એના સમય કરતાં બહુ આગળ હતી. તમે વાંચજો.’
રણજિત આછી બત્તીના અજવાશમાં એ નવલકથા વાંચી રહ્યા હતા. નાયક નિરંજન અને દુર્જન વચ્ચે સજાતીય સંબંધો વિકૃતિ છે કે પ્રકૃતિ છે એ વિશે રસપ્રદ ચર્ચા ચાલી રહી હતી. એમાં વર્ણવાયેલી મૂંઝવણો, લોકલાજ અને વિટંબણાઓ આજે પોણોસો વર્ષે પણ કેટલી પ્રસ્તુત છે એવું વાંચતાં-વાંચતાં રણજિત અનુભવતા હતા.
રણજિતે ઘડિયાળમાં જોયું તો સવાબાર અને સાડાબારની વચ્ચે સમય ઝોકું ખાતો હતો.
હવે અનિકા ઘસઘસાટ સૂઈ ગઈ હશે. તેણે કહેલું કે ‘બાબા, હું સૂઈ જાઉં પછી ઢોલનગારાં વાગે તો પણ જાગી નથી શકતી એટલે કંઈ જોઈતું હોય કે પૂછવું હોય તો હું ઊંઘી જાઉં એ પહેલાં કહેજો.’
રણજિતે પોતાના રીડિંગ ટેબલ પર મૂકી રાખેલી કૉટનની બૅગ ધીરેથી ઉપાડી. ધીમા પગલે અનિકાના ઓરડા સુધી આવ્યા. દરવાજાને હળવેથી ધક્કો માર્યો. બારણાં ખૂલ્યાં. આછા ગુલાબી નાઇટ લૅમ્પના પ્રકાશમાં અનિકાનો રૂમ કોઈ સ્વપ્ન જેવો લાગતો હતો. રણજિત પોચા પગે અનિકાના બેડ સુધી આવ્યા અને અનિકાના પગ પાસે થોડી વાર બેસી રહ્યા. આસમાની નાઇટ ડ્રેસમાં અનિકા ઘસઘસાટ ઊંઘી રહી હતી. તેના શ્વાસોશ્વાસમાં નિરાંત હતી, ચહેરા પર આશ્વસ્ત સ્મિત હતું. બંધ પોપચાંવાળા એ ચહેરાને ધારી-ધારીને જોયા પછી રણજિતને ખબર પડી કે અનિકાની પાંપણો લાંબી છે, કોઈ ઢીંગલી જેવી. મેજરને પોતાની દીકરી પર વહાલ ઊભરાયું. થયું કે તેના ગાલ પર હાથ મૂકીને પંપાળી લઉં, પણ તેમણે જાત પર કાબૂ રાખ્યો. અનિકા જાગી જશે તો આજે મોડી રાત સુધી પરાણે જાગી રહેવાનો આખો પ્લાન નિષ્ફળ જશે.
રણજિતે અનિકાના પગની પાનીઓ તરફ જોયું અને કાપડની થેલીમાંથી હળવેથી બૉક્સ કાઢ્યું. એ બૉક્સ ખોલ્યું તો એમાં ગુલાબી રંગનાં શૂઝ હતાં. શૂઝની લેસ ખુલ્લી હતી. મેજર રણજિતે સાવચેતીપૂર્વક બૉક્સમાંથી એક પછી એક બન્ને શૂઝ કાઢ્યાં. વારાફરતી બન્ને ગુલાબી શૂઝ અનિકાના પગમાં પહેરાવવાનો પ્રયત્ન કર્યો, પણ અનિકાના પગના માપથી અજાણ મેજર રણજિત નાનાં શૂઝ લઈને આવ્યા હતા. અનિકાનાં પગમાં ગુલાબી શૂઝ ફિટ ન થયાં.
મેજર રણજિત મનોમન બબડ્યા, ‘સંબંધો માપવામાં ને પામવામાં કાયમ ખોટો પડ્યો છું. આજ સુધી જીવનમાં બધું અંદાજિત અને આશરે અવસ્થામાં જ તો ચાલ્યું છે! ’
અનિકાના પગમાં અડધા પહેરાવેલાં ગુલાબી શૂઝને મેજર રણજિતે પંપાળ્યાં અને ધ્રૂજતી આંગળીઓ સાથે એ શૂઝની લેસ બાંધવા લાગ્યા. બહુ જાળવીને યાદ કરી-કરીને તેમણે બાર્બી ફ્લાવર નૉટ બાંધી. પછી પોતાનો મોબાઇલ કાઢીને બન્ને શૂઝની ફ્લાવર નૉટની તસવીર ક્લિક કરી. ફરી એક વાર ભારે સંતોષથી શૂઝની એ ફ્લાવર નૉટને અને સૂતેલી અનિકાને ભીની આંખે મેજર રણજિત જોવા લાગ્યા.
મનોમન વિચાર્યું કે કેવું સારું થાત કે પેલી નાનકડી આહનાની જેમ જ તેમની અનિકા પણ અત્યારે પથારીમાં બેઠી થઈને તેના બાબાના ગાલે થૅન્ક યુનું ચુંબન આપી શકત તો!
રણજિતને લાગ્યું કે હવે થોડો વધુ સમય જો તે અહીં બેસી રહેશે તો તેમનાથી રડી પડાશે. રણજિતે તરત હળવેકથી અનિકાની પગની પાનીઓ પરથી ગુલાબી શૂઝ હટાવ્યાં, બૉક્સમાં ગોઠવ્યાં અને પથારી પરથી ઊભા થયા. દરવાજે જઈને પાછું વળીને જોયું. ગુલાબી રંગના પ્રકાશમાં જાણે અનિકા સૂતી નહોતી પણ તરી રહી હતી.
મેજર રણજિત ઓરડાની બહાર નીકળ્યા અને જાળવીને બારણાં ખેંચીને દરવાજો બંધ કર્યો.
રૂમનાં બારણાં બંધ થયાં.
અનિકાએ ધીરેથી પોતાની આંખો ખોલી.
તે પથારીમાં બેઠી થઈ. બાબા બંધ કરીને ગયા એ બારણાં તરફ જોયું. આછા ગુલાબી અજવાશમાં અનિકાએ પોતાની ભીની આંખો લૂછી. પગની પાનીઓ પર બાબા ગુલાબી શૂઝ પહેરાવીને ગયા હતા એ પાનીઓને અનિકાએ હળવેથી પંપાળી. આંખ બંધ કરીને ફ્લાવર નૉટ બાંધતા બાબાવાળું દૃશ્ય તેણે મમળાવ્યું, ફરી-ફરીને મનમાં ધરાઈને એ દૃશ્ય મમળાવ્યું.
માત્ર અનિકા જ જાણતી હતી કે ગુલાબી શૂઝની લેસની ફૂલગાંઠ મારીને બાબાએ અનિકાની ભીતર વર્ષોથી અકબંધ કેટકેટલીયે ગાંઠો ખોલી નાખી હતી!
તેણે મોબાઇલ હાથમાં લીધો અને સંજનાને મેસેજ કર્યો...
‘ડિયર સંજના, કાલે મારા બાબા સાથે વાત કરતી વખતે એક વાત ધ્યાન રાખજે કે તું સિત્તેર વર્ષના એક બાળક સાથે વાત કરી રહી છે.
એક એવું બાળક જેણે હજી હમણાં જ આંખો ખોલીને રંગો જોયા છે.
એક એવું બાળક જેણે હજી હમણાં જ સ્પર્શની નવી ભાષા શીખી છે.
એક એવું બાળક જે હજી હમણાં એ વાત સમજ્યું છે કે રડી લેવું, હસી લેવું, સ્પર્શી લેવું, દુ:ખી થવું કે સુખી થવું એ ફરજ નહીં, હક છે.
સિત્તેર વર્ષનું એક એવું બાળક જેણે રમત-રમતમાં ‘સંબંધ’ નામનું રમકડું ખોઈ નાખ્યું હતું અને પછી તેને સમજાયું કે જે ગુમાવ્યું એ તેને મન કેટલું અગત્યનું હતું.
મારા બાબા માત્ર ગાંઠ નહીં, ફૂલગાંઠ છે; જરા જાળવજે!’
(ક્રમશ:)

