મીર રોડમાં રહેતાં ૬૦ વર્ષનાં જ્યોતિ મહેતાને બન્ને આંખોથી જરાય દેખાતું નથી છતાં તેઓ ઘરનાં કામકાજ કરવાની સાથે સ્વરાજ મસાલા નામનો પોતાનો સ્ટૉલ ચલાવે છે
જ્યોતિ મહેતા
મીર રોડમાં રહેતાં ૬૦ વર્ષનાં જ્યોતિ મહેતાને બન્ને આંખોથી જરાય દેખાતું નથી છતાં તેઓ ઘરનાં કામકાજ કરવાની સાથે સ્વરાજ મસાલા નામનો પોતાનો સ્ટૉલ ચલાવે છે. તેમના પતિ વિરેશભાઈ પણ બ્લાઇન્ડ હતા. ૨૦૧૮માં તેમનું અવસાન થયું એ પછી જ્યોતિબહેન એકલાં પડી ગયાં હતાં, પણ તેમ છતાં તેમણે નિરાશા ખંખેરીને પોતાનો સ્ટૉલ ચાલુ રાખ્યો. આજે તો દીકરો મોટો થઈને કમાવા લાગ્યો છે અને મમ્મીને આરામ કરવાનું કહે છે, પણ આત્મનિર્ભરતાની મિસાલ જેવાં જ્યોતિબહેન કામ બંધ નથી કરવા માગતાં
વ્યક્તિની કામ કરીને જીવનમાં આગળ વધવાની ઇચ્છા હોય તો દૃષ્ટિહીનતા પણ નડતી નથી એ સાબિત કરીને દેખાડ્યું છે મીરા રોડમાં રહેતાં ૬૦ વર્ષનાં જ્યોતિ મહેતાએ. જ્યોતિબહેન ૧૦૦ ટકા બ્લાઇન્ડ છે છતાં એકલા હાથે સવારથી સાંજ સુધી પોતાનો મસાલા સ્ટૉલ ચલાવે છે. તેમના પતિનું સાત વર્ષ પહેલાં અવસાન થયું એ સમયે તો દીકરો પણ હજી નોકરીએ લાગ્યો નહોતો એટલે ઘર ચલાવવા માટે તેમણે પોતાનાં દુઃખોને ખંખેરીને ફરી બેઠાં થવાનો નિર્ણય લીધો.
ADVERTISEMENT
સ્ટૉલ આ રીતે થાય મૅનેજ
સ્ટૉલ વિશે વાત કરતાં જ્યોતિબહેન કહે છે, ‘હું ૧૯૯૪થી સ્ટૉલ ચલાવી રહી છું. શરૂઆતમાં હુ પબ્લિક ફોનનો સ્ટૉલ ચલાવતી. એ પછીથી મોબાઇલ ફોનનો વપરાશ વધતાં મેં ૨૦૦૯-૨૦૧૦માં ખાખરા, પાપડ, મસાલા વેચવાનું શરૂ કર્યું. અમારા ઘરથી આ સ્ટૉલ બે મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર જ છે. એટલે હું જાતે સ્ટૉલ પર બ્લાઇન્ડ-સ્ટિકની મદદથી જતી રહું. હું દરરોજ સવારે સાડાઆઠ વાગ્યે સ્ટૉલ પર જવા નીકળી જાઉં અને બપોરે સાડાબાર વાગ્યા સુધી ત્યાં બેસું. એ પછી ઘરે આવીને થોડો રેસ્ટ કરું. ફરી સાંજે પાંચ વાગ્યે સ્ટૉલ પર જવા ઊપડી જાઉં અને રાત્રે ૧૦ વાગ્યા સુધી સ્ટૉલ સંભાળું. અમારા સ્ટૉલમાં ડિફરન્ટ વરાઇટીના ખાખરા, છાસ-ચા વગેરેના મસાલા, પાપડ, મુખવાસ વગેરે છે. આ બધી જ વસ્તુઓ રાખવા માટેની મેં એક ફિક્સ જગ્યા નક્કી કરી છે. એટલે વસ્તુઓને શોધવામાં વધારે વાર ન લાગે. ચલણી નોટોને સ્પર્શ કરીને મને ખબર પડી જાય કે કસ્ટમરે મને કેટલા આપ્યા અને મારે કેટલા પૈસા પરત ચૂકવવાના છે. મારો દીકરો પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરે છે અને સાથે મને પણ સ્ટૉલના કામમાં મદદ કરે છે. સ્ટૉલમાં કેટલો સામાન વેચાયો, કેટલો સામાન ભરાવવો પડશે એનો હિસાબ રાખવાનું અને ક્યારેક બલ્કમાં કોઈ ઑર્ડર આવ્યો હોય તો એને ડિલિવર કરવાનું કામ તે કરે છે. જોકે મને બધો હિસાબ માઇન્ડમાં હોય છે એટલે હું તેને તરત કહી દઉં કે આજે આ વસ્તુ આટલી વેચાઈ છે, હવે આટલી બાકી છે તો તું પણ જરા એક વાર કાઉન્ટ કરી લે એટલે આપણે એ રીતે મગાવવાની ખબર પડે. અમે જે પણ સામાન મગાવીએ છીએ એ મહિલા ગૃહઉદ્યોગમાંથી મગાવીએ છીએ એટલે એ મહિલાઓ પણ આર્થિક રીતે સધ્ધર થાય.’
પતિ-પત્ની બન્ને બ્લાઇન્ડ
જ્યોતિબહેનને વિઝન-લૉસ કઈ રીતે થયો એ વિશે માહિતી આપતાં તેમનો દીકરો સુરાજ કહે છે, ‘મારી મમ્મીનો જન્મ અમરેલીના સાવરકુંડલાના સાકરપરા ગામમાં થયેલો. તેમનો ઉછેર ગરીબીમાં થયેલો છે. એ લોકો ચાર ભાઈઓ અને બે બહેનો હતાં. મમ્મીને આંખમાં બાળપણથી જ પ્રૉબ્લેમ તો હતો જ, પણ કોઈએ કંઈ એટલું ધ્યાન આપ્યું નહીં. નાના એટલું ભણેલા નહોતા એટલે તેમને કંઈ વધુ ખબર પડે નહીં. મમ્મીને ગ્લૉકોમાની તકલીફ હતી. દિવસે-દિવસે તેમને ઝાંખું દેખાતું ગયું અને સારવારના અભાવે એક દિવસ એવું થયું કે સૂઈને ઊઠ્યાં ત્યાં તેમને સાવ દેખાવાનું બંધ થઈ ગયું. એ પછી તેમને બ્લાઇન્ડ સ્કૂલમાં ભણાવવા માટે રાજકોટ મોકલેલાં, પણ ચાર ધોરણ ભણીને તેમણે ભણવાનું છોડી દીધેલું. મારા પપ્પા વિરેશ પણ બ્લાઇન્ડ જ હતા. જન્મથી જ તેમને એક આંખમાં દેખાતું નહોતું અને બીજી આંખમાં થોડું વિઝન હતું, પણ પચીસ વર્ષની ઉંમરે દેખાવાનું સાવ બંધ થયેલું. તેમને પણ સેમ આંખનું પ્રેશર વધી ગયેલું અને એમાં દેખાવાનું બંધ થઈ ગયેલું. મારા પપ્પાએ તો BA કરેલું અને એ પછી MSW એટલે કે માસ્ટર ઑફ સોશ્યલ વર્ક કરેલું. એક રીતે તે મમ્મી કરતાં પણ વધારે ઍક્ટિવ હતા. સ્ક્રીનટચ મોબાઇલ ચલાવી લેતા. હરવા-ફરવાના પણ એટલા શોખીન.’
દીકરાનો ઉછેર સારી રીતે કર્યો
બ્લાઇન્ડ માતા-પિતાના સંતાન તરીકે થયેલા ઉછેર વિશે વાત કરતાં સુરાજ કહે છે, ‘મારાં મમ્મી-પપ્પાનાં લગ્ન ૧૯૯૭માં થયેલાં. તેમનાં અરેન્જ્ડ મૅરેજ હતાં. એનાં બે વર્ષ પછી ૧૯૯૯માં મારો જન્મ થયેલો. મારા ઉછેરમાં મારાં માતા-પિતાએ કોઈ કચાશ રાખી નથી. તેમણે મને કયારેય એવું ફીલ નથી થવા દીધું કે મારા પેરન્ટ્સ બ્લાઇન્ડ છે. મારાં મમ્મી-પપ્પાએ શરૂઆતમાં ઘર વસાવ્યું ત્યારે રસોઈ, ઘરનાં કામકાજ એટલાં ફાવતાં નહીં છતાં તેઓ શીખ્યાં. મને નવડાવવાનું, કપડાં પહેરાવવાનાં, ખવડાવવાનું બધું જ તેઓ કરતાં. મારી મમ્મી તેના હાથેથી રોટલી બનાવીને ખવડાવતી. ભલે એ કદાચ બીજા જેટલી પર્ફેક્ટ ન હોય પણ મીઠાશ ખૂબ હતી. મોટો થયો એટલે શાળાએ પણ મોકલતાં. હું કોઈ દિવસ ટ્યુશન ગયો નથી. મૅથ્સ માટે એક ક્લાસ રખાવેલા બાકી થિયરીના સબ્જેક્ટ્સ હું વાંચીને સંભળાવતો જાઉં અને પપ્પા મને એનો અર્થ સમજાવતા જાય. અમે ત્રણેય બહાર પણ ફરવા જતા. મને આજે પણ યાદ છે મમ્મી-પપ્પાના એક હાથમાં બ્લાઇન્ડ-સ્ટિક હોય અને વચ્ચે હું બન્નેની આંગળી પકડીને ચાલતો. એ પછી હું મોટો થયો એટલે હું તેમને રસ્તા પર દોરવાનું કામ કરતો. હું ભાગ્યશાળી છું કે હું મારાં મમ્મી-પપ્પા સાથે પાલિતાણા, ગિરનાર, સમેતશિખરજી જેવાં પવિત્ર તીર્થસ્થળોએ જઈ શક્યો.’
મારી મમ્મી બહુ સ્ટ્રૉન્ગ છે
પતિના ગુજરી ગયા પછી જ્યોતિબહેને કઈ રીતે પોતાની જાતને સંભાળી એ વિશે વાત કરતાં સુરાજ કહે છે, ‘મારાં મમ્મી-પપ્પા એકબીજાનો સહારો હતાં. મારા પપ્પા ઘરમાં રહીને જ સ્ટૉકમાર્કેટનું અને સોસાયટીના સેક્રેટરી તરીકેનું જે કામ હોય એ કરતા. સમય મળે ત્યારે મમ્મી સાથે સ્ટૉલમાં જઈને બેસતા. પપ્પાને ૨૦૧૪માં હાર્ટ-અટૅક આવેલો અને ત્યારે તેમની બાયપાસ સર્જરી કરવી પડેલી. એ પછી ફરી તેમને ૨૦૧૮માં કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો. અમે એક જગ્યાએથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક છાતીમાં દુખાવો શરૂ થઈ જતાં ૧૫ મિનિટમાં જ તેઓ ઑન ધ સ્પૉટ ગુજરી ગયા હતા. મારા પપ્પા હતા ત્યાં સુધી મારો તેમની સાથેનો બૉન્ડ સ્ટ્રોન્ગ હતો. હું સ્કૂલ-કૉલેજથી ઘરે આવું એટલે મોટા ભાગે પપ્પા સાથે જ સમય વિતાવવાનો હોય. મમ્મી તો સ્ટૉલ સંભાળતાં. એ સમયે મને હંમેશાં એમ લાગતું કે મમ્મી કરતાં પપ્પા વધારે સ્ટ્રૉન્ગ છે. જોકે પપ્પાના ગયા પછી મને સમજાયું કે મારી મમ્મી વધારે સ્ટ્રૉન્ગ છે. મારા પપ્પા ગુજરી ગયા ત્યારે મેં હજી જૉબ કરવાનું શરૂ કર્યું નહોતું એટલે આર્થિક તંગી તો હતી જ. પપ્પાના ગયા પછી મમ્મીને એકલવાયું લાગવા લાગેલું. નિરાશ-ઉદાસ રહેવા લાગેલાં. એમ છતાં પરિસ્થિતિનો સ્વીકાર કરીને ઝડપથી આગળ વધી ગયાં. મારું વિચારીને તેમણે ફરી સ્ટૉલ પર જવાનું ડેઇલી રૂટીન ચાલુ કર્યું. તેમની સાથે હું છું, પણ જીવનસાથીની કમી કોઈ પૂરી ન કરી શકે. આજે પણ તેમની વાતો પરથી લાગે કે તેઓ પપ્પાને બહુ મિસ કરી રહ્યાં છે.’
બ્લાઇન્ડ બિચારા નથી હોતા
જ્યોતિબહેન ભલે જોઈ નથી શકતાં, પણ તેઓ હંમેશાં આર્થિક રીતે પગભર જ રહ્યાં છે. એ વિશે વાત કરતાં સુરાજ કહે છે, ‘લગ્ન પહેલાંથી મારી મમ્મી પબ્લિક ફોનનું બૂથ ચલાવતાં. તેમણે સમૂહમાં લગ્ન કરેલાં પણ બીજો જે નાનો-મોટો ખર્ચો થાય એ તેમણે તેમના પૈસામાંથી જ કરેલો. ઘર ચલાવવામાં પણ તેમણે પપ્પાને પૂરો સાથ-સહકાર આપ્યો. અત્યારે હું જૉબ કરું છું. ઘર ચલાવવા માટે તેમને સ્ટૉલમાં બેસવાની જરૂર નથી છતાં તેઓ વર્ષોથી જે કામ કરતાં આવ્યાં છે એ છોડવા ઇચ્છતાં નથી. સ્ટૉલ ચલાવવાની સાથે ઘરમાં પણ પાણી ભરવાનું, ઝાડુ-પોતું મારવાનું, વાસણ ઘસવાનાં, કપડા ધોવાનાં આ બધાં જ કામ તેઓ કરી લે છે. છેલ્લા થોડા સમયથી મેં રસોઇયો રાખ્યો છે, કારણ કે ભૂતકાળમાં તેઓ એક-બે વાર દાઝી ગયેલાં. જોકે એ ન આવવાના હોય ત્યારે મમ્મી ખાવાનું બનાવી લે. મારી મમ્મીનું વ્યવહારુ જ્ઞાન પણ સારુંએવું છે. તેમને ગરબા રમતાં આવડે, જૂનાં લગ્નગીતો ગાતાં આવડે, ભજન લખવાં ગમે. તેમને દેખાતું નથી પણ સિરિયલ સાંભળવાનો તેમને બહુ શોખ. તેમની યાદશક્તિ એટલી સારી છે કે તેમને બધાના બર્થ-ડે, ઍનિવર્સિરીની તારીખો યાદ હોય. ભગવાને તેમને ભલે દૃષ્ટિ નથી આપી, પણ તેમની સિક્સ્થ સેન્સ બહુ સ્ટ્રૉન્ગ હોય છે. વર્ષો પછીયે કોઈ તેમને મળ્યું તો અવાજ સાંભળતાં તેમને કોણ વ્યક્તિ વાત કરે છે એ ખબર પડી જાય. ઘણા લોકો દિવ્યાંગોને બિચારા ગણે છે, પણ એવું જરાય નથી.’

