હાલમાં અનુપમ ખેરે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ઉંમરે તેમને પોતાનું બાળક ન હોવાનું દુઃખ સતાવે છે. મોટા ભાગે ૨૦-૪૦ વર્ષની ઉંમરમાં વ્યક્તિને આ દુઃખ સતાવતું હોય એ સમજી શકાય,
અનુપમ ખેર, પત્ની કિરણ ખેર
હાલમાં અનુપમ ખેરે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ઉંમરે તેમને પોતાનું બાળક ન હોવાનું દુઃખ સતાવે છે. મોટા ભાગે ૨૦-૪૦ વર્ષની ઉંમરમાં વ્યક્તિને આ દુઃખ સતાવતું હોય એ સમજી શકાય, પણ ૬૦ વર્ષ પછી આ દુઃખ સતાવવા પાછળનાં શું કારણ હોઈ શકે? મળીએ કેટલાંક વડીલ દંપતીઓને જેમને બાળક નથી અને જાણીએ કે શું તેઓ પણ અનુપમ ખેર જેવી જ લાગણી ધરાવે છે કે પછી આજના બદલાયેલા સમયની એ લાગણીઓ પર કોઈ ખાસ અસર છે? આવો સમજીએ સમાજની કેટલીક હૃદયદ્રાવક વાસ્તવિકતાઓને
તાજેતરમાં અનુપમ ખેરને જ્યારે ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમને બાળક નથી એ વાતનું દુઃખ છે? એ વાતનો જવાબ આપતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘પહેલાં એવો અફસોસ નહોતો થતો, પરંતુ છેલ્લાં ૭-૮ વર્ષથી થાય છે. એનો અર્થ એ નથી કે હું સિકંદરથી ખુશ નથી પણ હવે એવું લાગે છે કે એક બાળકને મોટું થતું જોવું એ ખુશી જ અલગ છે. એ કુદરતી બૉન્ડ છે. એની મજા જુદી છે. બાળક નથી એનો અહેસાસ મોડો એટલે થયો કારણ કે હું ખૂબ વ્યસ્ત હતો. ખૂબ કામ કરી રહ્યો હતો. પણ કંઈ નહીં, કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા, કિસીકો ઝમીન કિસીકો આસમાન નહીં મિલતા.’
ADVERTISEMENT
અનુપમ ખેરનાં પત્ની કિરણ ખેરને તેમનાં પહેલાં લગ્નથી એક દીકરો છે, સિકંદર ખેર. તે ૪ વર્ષની ઉંમરથી અનુપમ ખેરના જીવનમાં છે. તેમણે અને કિરણ ખેરે બાળક માટે પ્રયત્ન કર્યો પણ બાળક થયું નહીં. બાળકના સુખની કામના જવાનીમાં હોય એ સમજાય પણ જો એ ઇચ્છા પૂરી ન થાય તો એનો વસવસો છેક વૃદ્ધાવસ્થા સુધી રહેતો હશે? એવું શું થતું હશે જેથી આ ઉંમરે સંતાનની કમી વ્યક્તિને મહેસૂસ થાય? સંતાન સાથેનો સંબંધ અને સંતાન બાબતની પીડા આમ તો દરેકની અંગત હોય છે. જેમને સંતાન છે એ માતા-પિતા પણ આ ઉંમરે દુખી છે, પરંતુ જેમને નથી તેમની શું પરિસ્થિતિ છે? અનુપમ ખેરને મોટી ઉંમરે સંતાન નથી એની પીડા કે ખાલીપો સતાવે છે એવા જ હાલ બાળક વગરનાં બીજાં વડીલ દંપતીઓના છે કે તેમની લાગણી કંઈ અલગ છે એ આજે જાણવાની અને માણસના આ કૉમ્પ્લેક્સ ઇમોશનને સમજવાનો પ્રયાસ કરીએ.
કમી વર્તાય
વિલે પાર્લેમાં રહેતાં ૭૬ વર્ષનાં કલ્પનાબહેન અને ૭૮ વર્ષના નવીનભાઈ દોશીનાં લગ્નને ૫૧ વર્ષ થઈ ગયાં. તેમને બાળક નથી એ વાત તેમના જીવનનું સત્ય છે એટલે તેમણે સ્વીકારેલું છે. છતાં ક્યારેક ઓછું આવી જાય એમ જણાવતાં કલ્પનાબહેન કહે છે, ‘ક્યારેક ઘરમાં એકબીજા સાથે રકઝક થાય તો મને એમ થાય કે અહીં બાળક હોત તો મારું ઉપરાણું ખેંચત. બાળકો માતા-પિતા વચ્ચેની કડી હોય છે. એમાં પણ મેં જોયું છે કે મા માટે બાળકો થોડી વધુ લાગણી ધરાવતાં હોય છે, તેનું ઉપરાણું લેતાં હોય છે. ઘરમાં કંઈ વસાવવું હોય કે કંઈ નવું કરવું હોય તો તે (નવીનભાઈ) ઝટ દઈને માને નહીં એટલે એમ થાય કે બાળક હોત તો ફરક પડત. કોઈ એવું હોય જે કહે કે પપ્પા, મમ્મી સાચાં છે!’
નવીન અને કલ્પના દોશી
ઘડપણનો સહારો
એક સમયે તો બાળકને જન્મ આપવાનું કારણ જ એ હતું કે તે તેમના વૃદ્ધત્વનો સહારો બનશે. બાળકોને પણ એમ જ કહેવામાં આવતું કે તમારાં માતા-પિતાએ જેવું તમારું બાળપણમાં ધ્યાન રાખ્યું એવું જ તમારે તેમનું વૃદ્ધાવસ્થામાં રાખવું, પરંતુ જ્યાં બાળક નથી ત્યાં માતા-પિતાને પોતાના ઘડપણની ચિંતા તો રહેવાની જ. એ બાબતે વાત કરતાં કલ્પનાબહેન કહે છે, ‘આમ રૂટીનમાં એવું ન લાગે, પણ ઘરમાં અમારામાંથી કોઈ એક માંદું પડે તો એમ થાય કે આ સંજોગોમાં બાળક હોત તો સારું હોત. ચિંતા પણ થાય કે અમારું હવે કોણ કરશે કે શું થશે? બાળકો નથી એટલે ઘડપણમાં કોઈ સેવા કરવાવાળું નથી. જોકે સામે પક્ષે મને ખબર પણ છે કે આ સેવા આજની તારીખે વહુઓ કરતી નથી. દીકરાઓને રસ નથી. મને લાગે છે કે ભગવાને એક દીકરી આપી હોત તો આ ચિંતા ન રહેત, કારણ કે કોઈ કરે ન કરે, દીકરીઓને માતા-પિતાનું ધ્યાન પૂરું રાખતી મેં જોઈ છે.’
લાગણીનું ધ્યાન
તમારી માગણીઓનું ધ્યાન ઈશ્વર રાખે કે નહીં પણ લાગણીઓનું ધ્યાન ઈશ્વર ચોક્કસ રાખે છે. એ વાતનો અનુભવ કરનાર કલ્પનાબહેન કહે છે, ‘ઈશ્વર પાસે દરેક વસ્તુનો તોડ છે. મને બાળક નથી આપ્યું પણ મને ૩ નાની બહેનો આપી છે જેમને હું મારાં બાળકો જ સમજું છું અને એ જ રીતે અમે મોટાં થયાં છીએ. આ સિવાય મારા પાડોશીનો દીકરો માનવ મારી પાસે જ મોટો થયો છે. લોકો મને તેની જશોદા કહે છે. તે નાનો હતો ત્યારે મારે પિયર ભાવનગર એક મહિનો પણ મારી સાથે રોકાતો. આજે તો તે બાવીસ વર્ષનો થઈ ગયો છે.’
કલ્પનાબહેનની જેમ નવીનભાઈને પણ કેટલીક બાબતોમાં સંતાનની ખોટ સાલે છે. એના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારે સંતાન નથી પણ હું માનું છું કે સંતાન તો જોઈએ. દરેક વ્યક્તિને પોતાનો વારસદાર જોઈએ જેના થકી વંશવેલો આગળ વધે. મને ક્યારેક લાગે છે કે આટલી મહેનતથી કમાયેલો પૈસો સાચવવા માટે, ભોગવવા માટે કે એને આગળ વધારવા માટે કોઈ નથી. એટલે અમે એ પૈસો સારા કામમાં વાપરીએ. અમારો ધર્મ એ કહે છે કે પાછલા ભવોમાં જે કર્મો કર્યાં છે એ બધાએ ભોગવવાં તો પડે જ છે. તો અમે પણ ભોગવી રહ્યાં છીએ. એ પણ હસતે મોઢે, કારણ કે એ જ યોગ્ય રસ્તો છે.’
આજની પરિસ્થિતિ
બાળક ન હોવાનો અફસોસ વૃદ્ધત્વમાં ઓછો થાય કે ન થાય એવા પણ ઘણાં કારણો આજે સમાજના ખૂણેખાંચરે જોવા મળે જ છે. એ બાબતે અતિશય દુઃખ સાથે વાત કરતાં ઘાટકોપરમાં રહેતા સુનીલ કોઠારી કહે છે, ‘બાળક નથી એ બાબતે દુખી થવા કરતાં આજે જ્યારે સમાજમાં અમારી ઉંમરના વૃદ્ધોની હાલત જોઈએ ત્યારે લાગે છે કે અમે ખૂબ લકી છીએ કે અમારે આ ઉંમરમાં આવા ભયંકર દુઃખમાંથી પસાર થવું નથી પડી રહ્યું. મારા ખૂબ જ નજીકના સગા છે જેમના દીકરા માટે છોકરી જોવા ગયેલા. એ છોકરીએ પૂછ્યું કે તમારા ઘરમાં કેટલાં ડસ્ટબિન છે? તે ઘરમાં રહેલા વૃદ્ધોને ડસ્ટબિન કહી રહી હતી. જે સમાજમાં માતા-પિતાની આવી હાલત બાળકો કરતાં હોય, જ્યાં આજની પેઢીને પાછલી પેઢી આટલી કઠતી હોય એવા સમાજમાં હું અને મારી પત્ની ભગવાનનો ક્યારેક પાડ માનીએ છીએ કે તમે અમને બચાવી લીધાં. બાળક ન હોવાનું દુખ અલગ છે, પણ બાળક હોય અને આવું દુખ મળે એ અસહ્ય છે.’
પરિવાર પર આધાર
૭૧ વર્ષના સુનીલભાઈ અને ૬૯ વર્ષનાં હિનાબહેનનાં લગ્નને ૪૨ વર્ષ થયાં છે. લગ્નનાં પાંચ વર્ષ તેમણે બાળક માટે પ્રયત્ન કર્યો. એ પછી એ વાતનો સ્વીકાર કરી લીધો કે આ શક્ય નથી. બાળકની કમી તમને કોઈ પરિસ્થિતિમાં લાગે ખરી? એ પ્રશ્નનો જવાબ આપતાં સુનીલભાઈ કહે છે, ‘આ કમી લાગે કે નહીં એનો મોટો આધાર તમારો પરિવાર કેવો છે અને તમારા પરિવાર સાથેના તમારા સંબંધો કેવા છે એના પર આધાર રાખે છે. મને અને હિનાને પરિવાર સાથે ખૂબ મજબૂત સંબંધો છે. મારાં ભાઈ-બહેનનાં બાળકો અમારાં જ બાળકો છે એમ અમારે માનવું નથી પડતું, એવું જ છે. એ બાળકો અમને માતા-પિતા જ ગણે છે. સારા-નરસા સમયમાં પરિવારના બધા લોકો અમારા પડખે ઊભા હોય છે. બાકી અમારી પાસે જૂનો સ્ટાફ છે. ઘડપણમાં શરીરથી કે મગજથી જે કામ ન થાય એ માટે સ્ટાફ હોય, હાઉસ-હેલ્પ હોય તો એનાથી ઉત્તમ કંઈ નથી. અમે બે જણ છીએ પણ સ્ટાફમાં અમે ૪ જણને રાખ્યા છે. તેઓ જૂના અને જાણીતા છે એટલે અમારી સારી કાળજી રાખે છે.’
સુનીલ અને હિના કોઠારી
આ ઉંમરે નહીં
બાળકની કમી યુવાન વયે વધુ લાગે એમ સ્પષ્ટતા કરતાં હિનાબહેન કહે છે, ‘જ્યારે તમે ૨૦-૪૦ વર્ષના હો ત્યારે અંદરથી માતૃત્વ પોકારે, પણ મારી સાથે સારું એ થયું કે મારાં નણંદનાં છોકરાઓ મારી પાસે જ મોટાં થયાં છે એટલે મને એ કમી વર્તાઈ નહીં. તેઓ જતાં રહ્યા પછી મારી પાસે ટિપ્સી (તેમની ડૉગી) આવી. અમે તો મિડલ ક્લાસ ઘરનાં હતાં. ઘરમાં જગ્યા પણ નહોતી કે કોઈ પેટને ઘરે લાવીએ, પણ અચાનક મારી બહેને કહ્યું કે ટિપ્સીને તમે રાખશો? તો મારી લાગણીનું ધ્યાન કરીને જ તે (સુનીલભાઈ) ટિપ્સીને લઈ આવ્યા. આમ ૧૭ વર્ષ એનાથી ઘર ભર્યુંભાદર્યું રહ્યું. એટલે મેં અને સુનીલે બાળકોને મિસ કર્યાં હોય એવું થયું નથી. વળી આ ઉંમરે આવીને તો ઊલટું સંતોષ હોય જીવનમાં, એટલે એવું લાગે નહીં કે બાળક નથી.’
અઘરી વાસ્તવિકતા
આ ઉંમરે એક વસ્તુની ચિંતા ચોક્કસ હોઈ શકે કે બન્ને એકલાં છે અને બન્નેમાંથી જો એક જતું રહ્યું તો બીજું એકલું કઈ રીતે જીવશે? સુનીલભાઈ હાર્ટના દરદી છે. આમ તો મૃત્યુ કોઈને પણ ક્યારેય આવી શકે છે, પણ જે બીમાર છે તેને એ વાતની ચિંતા વધુ હોય એ પણ સહજ છે. આ બાબતે હિનાબહેન કહે છે, ‘આ એક નરી વાસ્તવિકતા છે. જ્યારે બાળક નથી ત્યારે તમારે અમુક પ્રકારની સજ્જતા કેળવવી પડે. તેઓ (સુનીલભાઈ) મને એકલાં રહેતાં શીખવે છે. હું ભણેલી છું એટલે બૅન્કનાં કામ આવડે છે. તેમણે મને કહ્યું હતું કે હું ન રહું ત્યારે તું કોઈ વૃદ્ધાશ્રમમાં જતી રહેજે જ્યાં તારી સારી સંભાળ થાય. પરંતુ મેં તેમને કહ્યું, ના; તમે ચિંતા ન કરો, હું મારી સંભાળ રાખી લઈશ; હું રહીશ તો ઘરમાં જ.’
પહેલાંનાં આજ્ઞાકારી, સંસ્કારી અને માતા-પિતાની દેખરેખ રાખતાં બાળકો અને આજનાં બેફિકર, સ્વાર્થી અને માતા-પિતાને બોજ સમજતાં બાળકોમાં જેમ ફરક લાગે છે એવો મોટો ફરક વડીલોમાં પણ છે. પહેલાંનાં બાળકો પર પૂરી રીતે નિર્ભર રહેતાં માતા-પિતાની સામે આજના વડીલો ઘણા આત્મનિર્ભર છે. બાળકો પાસેથી સેવાનો દુરાગ્રહ તેમનામાં નથી. તેઓ પોતાની જવાબદારી ખૂબ સારી રીતે હૅન્ડલ કરતા હોય છે. એટલે જ આપણા સમાજમાં ૮૦ વર્ષે પણ રસોડામાં રાંધતાં બા જોવા મળે છે અને ૮૫ વર્ષે પણ પૈસો મૅનેજ કરી શકતા દાદાજી છે. બાળક હોય કે ન હોય, આજના વડીલ પહેલાંના વડીલની સરખામણીમાં બીજા પર નિર્ભર રહેવાનું ટાળે છે. ખુદથી બનતું બધું જ કરી જાણે છે, જેને લીધે બાળક ન હોય એમ છતાં સારું જીવન તેઓ જીવી શકે છે.
જો તમને મોટી ઉંમરે બાળકની કમી લાગતી હોય તો...
આમ તો જીવનનાં આટલાં વર્ષોના અનુભવે તમને ઘણા મજબૂત બનાવી દીધા હશે અને સમાજના ખૂણેખાંચરે બાળકો દ્વારા માતા-પિતાના અપમાનના કિસ્સાઓ જોઈને તમને ખુદને બાળક નથી એ વાતનો રહ્યોસહ્યો વસવસો પણ નીકળી જ ગયો હશે. છતાં જો ઉંમરના આ પડાવે તમે ઢીલા પડી રહ્યા હો તો રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ સોની શાહ પાસેથી જાણીએ કે તમારે શું કરવું જોઈએ.
સૌથી પહેલાં તો પરિસ્થિતિનો સ્વીકાર આવે. એ સ્વીકારવું જ રહ્યું કે તમને બાળક નથી.
એ સ્વીકાર પછી એને સંબંધિત ઉપાયો આવે. જો તમને લાગણીની રીતે ખાલીપો લાગતો હોય તો સેવાના કામમાં જોડાઓ. લોહીના સંબંધોથી ઉપર ઊઠો અને અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો કે સમાજનાં જરૂરિયાતમંદ બાળકો માટે કામ કરતી સંસ્થામાં જોડાઓ. ત્યાં સેવા આપો. આ કામ તમારા માટે થેરપી બનશે.
માણસ બાળકને એટલા માટે જન્મ આપે છે કે તેને વારસો આપવો હોય છે. વારસો એટલે ફક્ત પૈસા નહીં; સંસ્કાર, આવડત, જ્ઞાન, કળા વગેરે. તમારી પાસે બાળક નથી પરંતુ આ વારસો તમે સમાજમાં રહેતાં બીજાં બાળકોને આપી શકો છો. જો તમારાં સગાંવહાલાંનાં બાળકો હોય તો ઠીક છે, નહીં તો જેની સાથે મનના તાર જોડાય તેને તમે આ વારસો આપી શકો છો.
મારું ધ્યાન કોણ રાખશે એવી અસુરક્ષામાંથી બહાર આવો. તમે ખુદ તમારું ધ્યાન રાખી શકશો એ આત્મવિશ્વાસ કેળવો. મેડિક્લેમ જરૂરથી કરાવો. કપરા સમય માટે કેટલીક સંસ્થાઓ અને લોકોની વ્યવસ્થાનું પ્લાનિંગ ઍડ્વાન્સમાં કરી રાખો. આ વિચારો છો એટલું અઘરું નથી.

