ઈશ્વરે આપેલી તમામ સંપદા વેડફાવી જોઈએ નહીં એવો વિચાર ત્યાંના ‘મોહતાઇનાઇ’ નામના સિદ્ધાંતમાં છુપાયેલો છે. આપણી સંપદામાં સમય, આવડત, પ્રયાસ અને પૈસાનો સમાવેશ થાય છે. આપણે એનો સારામાં સારો ઉપયોગ કરવા વિશે આજે મોહતાઇનાઇના આધારે વાત કરીશું.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
જપાનીઓ કોઈ પણ વસ્તુનો બગાડ થવા દેતા નથી એ વાત આપણે જાણીએ છીએ. ઈશ્વરે આપેલી તમામ સંપદા વેડફાવી જોઈએ નહીં એવો વિચાર ત્યાંના ‘મોહતાઇનાઇ’ નામના સિદ્ધાંતમાં છુપાયેલો છે. આપણી સંપદામાં સમય, આવડત, પ્રયાસ અને પૈસાનો સમાવેશ થાય છે. આપણે એનો સારામાં સારો ઉપયોગ કરવા વિશે આજે મોહતાઇનાઇના આધારે વાત કરીશું.
કિશોરવયીન વ્યક્તિઓ માટે
ADVERTISEMENT
થોડો સમય વાપરેલી વસ્તુઓ, દાખલા તરીકે સ્કૂલ/કૉલેજની બૅગ, શૂઝ વગેરેને અમુક વખત પછી ફેંકી દેવાનું ચલણ બદલવા માટે કિશોરો/કિશોરીઓને પ્રોત્સાહિત કરી શકાય છે. નવાં પાઠ્યપુસ્તકોને બદલે સેકન્ડહૅન્ડ પુસ્તકો ખરીદી શકાય છે. આ રીતે પૈસાની બચત કરી શકાય છે. આવડતમાં ઉમેરો કરવા માટે સૌથી પહેલાં તો મોબાઇલના ઉપયોગમાં મર્યાદા લાવવી જરૂરી બને છે. આ ઉપરાંત કોઈ નવું કૌશલ્ય પ્રાપ્ત કરવાનું અથવા ઘરમાં અનેક રીતે ઉપયોગી થવાનું પણ શીખવું જોઈએ. ઉંમરના આ તબક્કે સમય સૌથી મોટી મૂડી છે જે વેડફવી જોઈએ નહીં.
વાલીઓ માટે
આપણે ત્યાં ઘણી વાર કિચન માટે વધારે પડતી વસ્તુઓ ખરીદવામાં આવે છે. એ મોહ પણ ટાળી શકાય છે. ઘરમાં વપરાયા વગર પડી રહેલી વસ્તુઓમાંથી કંઈક નવું બનાવવા માટે સમગ્ર પરિવારને સાથે રાખીને પારિવારિક સુમેળ સાધી શકાય છે. આ રીતે નાણાંની બચત થવાની સાથે-સાથે બાળકોને નીતિમૂલ્યોનું શિક્ષણ પણ મળી રહે છે.
વડીલો માટે
મોટી ઉંમરની વ્યક્તિઓ પાસે અનુભવનો ખજાનો હોય છે. એમાંથી બિનજરૂરી સલાહ આપવાનું કે દલીલો કરવાનું ટાળવું. જૂની વાતોને વાર્તાના સ્વરૂપે ઢાળવી અને એના દ્વારા પારિવારિક મનોરંજન અને સાથે-સાથે સંવાદનું માધ્યમ બનવું. નાણાકીય વિષયના દસ્તાવેજોને યોગ્ય રીતે રાખવા, બાળકો સાથે નાણાકીય ચર્ચા કરવી, વસિયતનામું બનાવી લેવું વગેરે અનેક પ્રવૃત્તિઓ દ્વારા ઉપયોગી બનવું.
આ મહિને તમે મોહતાઇનાઇને કઈ રીતે જીવનમાં ઉતારી શકો છો એને લગતાં કેટલાંક સૂચનો અહીં રજૂ કરું છું.
ઘરમાં આવશ્યક રિપેરિંગ કે રીયુઝ માટે રવિવારનો ઉપયોગ કરવો. કપડાંને બટન ટાંકવાં, બાટલીઓ અને ક્રૉકરીની સાફસફાઈ કરીને એને નવી રીતે ઉપયોગમાં લેવી, બગડેલી સ્વિચ રિપેર કરવી વગેરે અનેક કાર્યોનો એમાં સમાવેશ થઈ શકે છે.
ઘરમાં પડેલી વસ્તુઓ જ્યાં સુધી પૂરેપૂરી વપરાઈ જાય નહીં ત્યાં સુધી નવું શૉપિંગ કરવાનું ટાળવું.
શુક્રવારનો ઉપયોગ : સોમવારથી શુક્રવાર સુધીમાં ક્યાંય નાણાંનો બગાડ થયો છે કે કેમ એનો વિચાર કરવો. નાણાંની બચત કરવી, એનું યોગ્ય રોકાણ કરવું એ બાબતે વિચારમંથન કરવું.
ઘરનું બજેટ બનાવવામાં બધાએ ભાગ લેવો અને જીવનમાં નવીનતા લાવવાનાં શ્રીગણેશ કરવાં.
મોહતાઇનાઇનો અર્થ ભોગ આપવો એવો નહીં, પરંતુ જીવનને નવી રીતે મહાલવું એવો થાય છે. આપણી આસપાસ ઘણા પ્રકારની સમૃદ્ધિ રહેલી છે જેની પ્રાપ્તિ માટે સપરિવાર પ્રયત્ન કરવાનો બોધ એમાં અપાયેલો છે. ભારતીય પરિવારો પરંપરાની સાથે-સાથે મોહતાઇનાઇના વિચારને ભેળવીને જીવનને વધુ પ્રફુલ્લિત-સુંદર બનાવી શકે છે.

