Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારા લગ્નજીવનમાં કેવા પ્રકારનું ચીટિંગ અલાઉડ છે?

તમારા લગ્નજીવનમાં કેવા પ્રકારનું ચીટિંગ અલાઉડ છે?

Published : 29 October, 2025 01:18 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

કાજોલ, કરણ જોહર અને ટ‍્વિન્કલ ખન્નાને સંબંધમાં ફિઝિકલ ચીટિંગ સામે વાંધો નથી પણ ઇમોશનલ ચીટિંગની તેઓ વિરુદ્ધ છે; જ્યારે જાહ‍્નવી કપૂરને એકેય ચીટિંગ સ્વીકાર્ય નથી

તમારા લગ્નજીવનમાં કેવા પ્રકારનું ચીટિંગ અલાઉડ છે?

તમારા લગ્નજીવનમાં કેવા પ્રકારનું ચીટિંગ અલાઉડ છે?


આધુનિક જમાનામાં સંબંધોનું સ્વરૂપ બદલાતાં ચીટિંગની જે પરિભાષા હતી એ પણ બદલાઈ ગઈ છે. ચીટિંગ એટલે વિશ્વાસઘાત એટલો સરળ એનો અર્થ હવે રહ્યો નથી. દરેક કપલની નજરમાં વિશ્વાસઘાતની એક અલગ વ્યાખ્યા છે એટલે એને સમજવું પણ ઘણું કૉમ્પ્લીકેટેડ થઈ ગયું છે

ફિઝિકલ અને ઇમોશનલ ચીટિંગનો મુદ્દો અત્યારે સોશ્યલ મીડિયા પર ખૂબ ગાજી રહ્યો છે. એનું કારણ છે ટ‍્વિન્કલ ખન્ના અને કાજોલનો ટૉક-શો ‘ટૂ મચ​ વિથ કાજોલ અૅન્ડ ટ‍્વિન્કલ’. આ શોમાં કરણ જોહર અને જાહ‍્નવી કપૂર ગેસ્ટ બનીને આવ્યાં હતાં. શોમાં એ‍વો એક પ્રશ્ન પુછાયો કે શું ઇમોશનલ ચીટિંગ ફિઝિકલ ચીટિંગ કરતાં પણ વધારે ખરાબ છે? એના જવાબમાં ટ‍્વિન્કલ , કાજોલ અને કરણે ઇમોશનલ ચી​ટિંગને ખરાબ ગણાવ્યું. ફિઝિકલ ચીટિંગ તેમના માટે એટલી ખરાબ વસ્તુ નહોતી જેના કારણે સંબંધ તોડી શકાય. ટ‍્વિન્કલે તો ત્યાં સુધી કહી દીધું કે રાત ગઈ, બાત ગઈ. શોમાં ફક્ત જાહ‍્નવી કપૂરે જ એવું કહ્યું કે તેના માટે ઇમોશનલ અને ફિઝિકલ બન્ને ચીટિંગ ખરાબ જ છે, જો તેનો પાર્ટનર એવું કરે તો તે સંબંધ તોડી નાખવાનું પસંદ કરશે. એવામાં આજે આપણે ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી પાસેથી જાણીએ કે આજકાલનાં મૉડર્ન કપલ માટે ચીટિંગની પરિભાષા શું છે. સોશ્યલ મીડિયાના જમાનામાં ચીટિંગનું સ્વરૂપ કેટલું બદલાયું છે, શા માટે ઘણા લોકો માટે ફિઝિકલ ચીટિંગ કરતાં પણ ઇમોશનલ ચીટિંગ વધારે પેઇનફુલ હોય છે? શું સ્ત્રી અને પુરુષો ફિઝિકલ અને ઇમોશનલ ચીટિંગને જુદી રીતે અનુભવે છે? 



તેજલ કારિયાના પોતાના જ શબ્દોમાં વાંચો...


ચીટિંગનું બદલાયેલું રૂપ
કોને ચીટિંગ ગણવી એને લઈને દરેક વ્યક્તિની પોતાની એક પરિ​ભાષા હોય છે. અગાઉ ચીટિંગનો અર્થ એવો હતો કે રિલેશનશિપમાં કે લગ્નબંધનમાં હોવા છતાં અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ બાંધવો. અત્યારના સમયમાં જોશો તો ઘણા લોકો ઓપન રિલેશનશિપમાં હોય છે. એ લોકોનાં પાર્ટનર સાથે તો રિલેશન હોય જ છે, સાથે અન્યને પણ ડેટ કરી રહ્યા હોય. મૅરિડ કપલમાં પણ પાર્ટનર-સ્વૉપિંગ જેવું ચાલતું હોય જેમાં બે અથવા એનાથી વધુ કપલ્સ મળીને આપસમાં તેમના પાર્ટનર એક્સચેન્જ કરે અને સહમતીથી શારીરિક સંબંધ બાંધે. ઘણાં કપલ્સ જે ઓપન મૅરેજમાં હોય છે એમાં પતિ અને પત્ની બન્નેના લગ્નબાહ્ય સંબંધો હોય અને બન્નેને એકબીજા વિશે ખબર હોય. હવે આ પ્રકારની રિલેશનશિપમાં જે કપલ છે તેમના માટે ફિઝિકલ ચીટિંગ જેવું કદાચ કંઈ નથી. પાર્ટનરનાં અન્યો સાથેનાં ફિઝિકલ રિલેશનથી તમે કેટલા કમ્ફર્ટેબલ છો એના પરથી એ વસ્તુ નક્કી થાય છે કે તમારા માટે એ વસ્તુ ચીટિંગ છે કે નહીં. એવી જ રીતે તમે એવી વ્યક્તિ છો જે એવું માને છે કે જીવનમાં જીવનસાથી એક જ હોવો જોઈએ, તેનાં મારા સિવાય બીજા કોઈ સાથે ફિઝિકલ કે ઇમોશનલ રિલેશન ન હોવાં જોઈએ તો એવા વખતે જો તમારા પાર્ટનરનું અન્ય સાથે રિલેશન હોવાની ખબર પડે તો તમારા માટે એ ચીટિંગ છે. 

અગાઉ ઇમોશનલ ચીટિંગ જેવું કંઈ નહોતું, પણ આજે એવું રહ્યું નથી. ઘણાં એવાં કપલ્સ છે જે રિલેશનશિપમાં છે, પણ કામ માટે થઈને અલગ-અલગ સિટીમાં રહેતાં હોય. એવા સમયે ઑફિસ-કલીગ સાથે તમારું મન મળી ગયું હોય, તેની સાથે તમને સમય પસાર કરવાનું ગમતું હોય, તમારા જીવનની અંગત વાતો તમે તેમની સાથે કરતા થઈ ગયા હો એને ઇમોશનલ ચીટિંગ કહેવાય. તમે તમારા પાર્ટનરને છોડીને અન્ય સાથે ઇમોશનલી ઇન્ટિમેટ થઈ રહ્યા છો. એમાં ભલે કોઈ પણ જાતના શારીરિક સંબંધ ઇન્વૉલ્વ ન હોય, પણ તેમ છતાં પોતાના પાર્ટનરને અવગણીને અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક નિકટતા કેળવી લેવી એને પણ આજના મૉડર્ન જમાનામાં લોકો ચીટિંગ તરીકે જુએ છે. ઘણા લોકો માટે તો ​ઇમોશનલ ચીટિંગ ફિઝિકલ ચીટિંગ કરતાં પણ વધારે ખરાબ હોય છે. ઘણાં એવાં કપલ છે જે એક ઘરમાં સાથે રહે છે, એકબીજાની શારીરિક જરૂરિયાતોનું ધ્યાન પણ રાખે છે; પણ તેમની વચ્ચે ઇમોશનલ ઇન્ટિમસી જેવું કંઈ નથી. સંતાનો, પરિવાર, સોસાયટી માટે થઈને સાથે રહેતા હોય છે. એટલે એક રીતે જોવા જઈએ તો એ પણ ચીટિંગ જ છે. 


સોશ્યલ મીડિયાને કારણે ફિઝિકલ અને ઇમોશનલ ચીટિંગ વચ્ચેની જે રેખા છે એ પણ ભૂંસાતી જઈ રહી છે. સેક્સટિંગ, પ્રાઇવેટ ફોટોગ્રાફ શૅર કરવા, વિડિયો-કૉલ પર ફિઝિકલી રિવીલ થવું આ બધું થતું હોય છે. તમે તમારા લાઇફ-પાર્ટનરથી છૂપી રીતે અન્ય વ્યક્તિ સાથે આ બધું કરતા હો તો એ પણ ચીટિંગ છે. ભલે ડિજિટલ ઇન્ટિમસીમાં ફિઝિકલ કૉન્ટૅક્ટ ન હોય, પણ એની સાઇકોલૉજિકલ અને ઇમોશનલ અસર એવી જ હોય છે જેવી ​ફિઝિકલ ​ચીટિંગની હોય છે. લોકો પાસે એટલીબધી ઍપ્સ અવેલેબલ છે કે અમુક સેકન્ડમાં તેઓ અન્ય સાથે ઈઝીલી કનેક્ટ થઈ શકે છે. એવામાં લોકો માટે લિમિટ્સ અને બાઉન્ડરીઝ જાળવવી મુશ્કેલ બની ગઈ છે. 

ચીટિંગની અસર
ફિઝિકલ ચીટિંગ ઘણી વાર ક્ષણિક આવેગમાં થઈ જતી હોય છે, પણ ઇમોશનલ ચીટિંગ ધીરે-ધીરે સમજી-વિચારીને બિલ્ડ થતી હોય છે. એટલે ઘણા લોકો એમ માને કે ફિઝિકલ ચીટિંગ એક વાર માફ થઈ શકે અથવા તો એને જતું કરી શકાય, પણ ઇમોશનલ ચીટિંગ નહીં કારણ કે એ સમજી-વિચારીને કરવામાં આવેલો વિશ્વાસઘાત છે. ફિઝિકલ ચીટિંગને એક મિસ્ટેક સમજીને લોકો માફ કરી દેતા હોય છે, પણ ઇમોશનલ ચીટિંગને લોકો ​વિશ્વાસઘાત સમજે છે કારણ કે એમાં ડીપ ઇમોશન્સ સામેલ હોય છે. 

રિલેશનશિપમાં જે પાર્ટનર સાથે ચીટિંગ થઈ હોય એ વ્યક્તિ અંદરથી આખી તૂટી જાય છે. તેના વિશ્વાસને ઠેસ પહોંચે છે. તેને એમ લાગવા માંડે કે હું તેના માટે પૂરતી નથી, મારામાં જ કોઈ કમી છે. આ રિજેક્શનનો ઘાવ એટલો ઊંડો હોય કે વ્યક્તિનું આત્મસન્માન ઘવાઈ જાય છે. તેની ઇમોશનલ સ્ટેબિલિટી ખોવાઈ છે. એ લોકોની ​ઇન્સિક્યૉરિટી વધી જાય છે. એ વ્યક્તિ કોઈ દિવસ પછી ભરોસો કરી શકતી નથી. 

લૉયલ્ટી-કમિટમેન્ટમાં બદલાવ
સમય સાથે લૉયલ્ટી અને કમિટમેન્ટની જે વ્યાખ્યા છે એ બદલાઈ રહી છે. અગાઉ લૉયલ્ટીનો એવો અર્થ થતો કે એક જ વ્યક્તિ સાથે આખું જીવન વિતાવી નાખવું; પણ હવે લૉયલ્ટીને સંબંધમાં ઓપનનેસ, ઑનેસ્ટી અને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ સાથે જોડીને જોવાય છે. હવે તેઓ સંબંધોમાં સિચુએશનશિપ, ઓપન રિલેશનશિપ, લિવ-ઇન વગેરે જેવી વિવિધ પ્રકારનાં કમિટમેન્ટ્સનો પણ સ્વીકાર કરી રહ્યા છે. એવા માહોલમાં કપલ્સ માટે મર્યાદાઓ નક્કી કરવી ખૂબ જરૂરી છે. તેમના માટે અગાઉથી જ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે રિલેશનશિપમાં કઈ વસ્તુ સ્વીકાર્ય અને કઈ સ્વીકાર્ય નથી. એનાથી બન્ને પાર્ટનર્સ વચ્ચે ટ્રસ્ટ, સેફ્ટી અને ઇમોશનલ સિક્યૉરિટી જળવાઈ રહે છે. ખૂલીને વાતચીત કરવાથી અને બાઉન્ડરીઝ સેટ કરવાથી બન્ને પાર્ટનર્સને એક સ્પષ્ટતા અને ખાતરી મળે છે જે રિલેશનશિપને હેલ્ધી અને બૅલૅન્સ્ડ બનાવે છે. આમાં પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ ખૂબ મદદ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2025 01:18 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK