તમારા ભપકાની ઉંમર કેટલી છે? દેખાદેખી અને મર્યાદાની બહાર ખર્ચ કરીને તમે મોટામાં મોટો પ્રસંગ પાર પણ પાડી દીધો તો એનાથી તમારા વ્યક્તિગત જીવનમાં શું સુધારો આવવાનો?
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક સમય હતો જ્યારે સમાજની અગ્રણી સંસ્થાઓ સમાજના લોકોને દીકરા અને દીકરીને સરખો દરજ્જો આપો અને દીકરીને પણ દીકરાની જેમ ઉચ્ચ શિક્ષણ આપો જેવા મુદ્દાઓ માટે આહવાન કરતી હતી. છેલ્લાં પચ્ચીસેક વર્ષમાં આ બાબતોમાં ઘણો બદલાવ આવ્યો જે આપણી નજર સામે છે. આજે એ વિષયો માટે ઉદ્ઘોષણાની જરૂર નથી, પરંતુ આજે સમાજના લોકોને જો કંઈ શીખવવાની જરૂર હોય તો એ છે બચત કરો અને ખોટા ખર્ચથી બચો.
માત્ર પટેલ સમાજમાં જ નહીં, તમે જોશો તો આજે દરેક સમાજમાં દેખાદેખીનું પ્રમાણ અકલ્પનીય રીતે વધ્યું છે. કોઈ પણ પ્રસંગ તમે લઈ લો. પ્રસંગોના પ્રકાર બદલાયા, એમાં કેટલીયે નવી-નવી બાબતો ઉમેરાઈ અને દરેકનો ભપકો જુદા સ્તરનો થયો છે. પૈસેટકે પહોંચેલા લોકોએ શરૂ કરેલા આ ટ્રેન્ડને નાના માણસો પણ કરવા પ્રેરાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી દેખાડો વધ્યો અને દેખાડાની સાથે દેખાદેખી વધી. ફલાણાએ પોતાના દીકરાનાં લગ્નમાં આ કરેલું તો હું પણ કરું, પછી ભલે એ માટે ઘર ગિરવી મૂકવું પડે. આ કંઈ રીત છે? પહેલાં લગ્ન થતાં અને આજે લગ્ન થતાં હોય એમાં કાર્યક્રમો કેટલા વધ્યા છે એનો હિસાબ લગાવશો તો અક્કલ કામ નહીં કરે. લગ્નમાં પાંચ-સાત પ્રોગ્રામ હોય. દરેક માટે પરિવારના સભ્યોનાં જુદાં કપડાં, જુદા હૉલ અને માપ વિના લોકોને નિમંત્રણ હોય અને બસ, ખાઈ-પીને જલસા કરવાના. એ સિવાય તમે જોશો તો મરણમાં પણ એ જ રીતે પાંચસો-હજાર લોકોનું જમવાનું સહજ થઈ ગયું છે. લગ્ન પછી દીકરીનું સીમંત, એ પહેલાંના પ્રસંગો, એ પછીના પ્રસંગો બધું જ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયું છે. આની ખરેખર જરૂર છે? પૂછો જાતને.
ADVERTISEMENT
તમારા ભપકાની ઉંમર કેટલી છે? દેખાદેખી અને મર્યાદાની બહાર ખર્ચ કરીને તમે મોટામાં મોટો પ્રસંગ પાર પણ પાડી દીધો તો એનાથી તમારા વ્યક્તિગત જીવનમાં શું સુધારો આવવાનો? આજે એ પૈસા બચાવ્યા હશે અને ક્યારેક સંકટ સમયે એની જરૂર પડી તો તમારે કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે. કોવિડ આવ્યો ત્યારે ઘણા લોકોની હાલત ખરાબ થઈ હતી. આ બચેલા પૈસા આવા સંજોગોમાં તમારા પડખે ઊભા રહેશે. બીમારીઓ વધી રહી છે. ભગવાન ન કરે એવી કોઈ ગંભીર બીમારી આવી તો આ બચેલા પૈસા ત્યારે કામ લાગશે. બસ, એટલું જ કહીશ કે દેખાદેખીમાં નહીં બચતમાં માનો. એમાં તમારો લાંબા ગાળે વધુ ફાયદો છે.
- રમેશ ભલાણી (પટેલ સોશ્યલ ગ્રુપમાં ટ્રેઝરર અને ડાયમન્ડ મૅન્યુફૅક્ચરર રમેશ ભલાણી ૨૫ વર્ષથી સામાજિક કાર્યોમાં સક્રિય છે.)


