માતૃભાષાનાં વાક્યો બોલતાં ભલે ભૂલો પડે, ઇંગ્લિશ તો શીખવું જ જોઈએ કારણ કે હવે ઑનલાઇન ઑર્ડરો આવે છે ને અપાય છે
પ્રતીકાત્મક તસવીર
- રમેશ આચાર્ય
ગુજરાતીઓ શેર કરતા નથી, શૅર ખરીદે છે. ગુજરાતીઓ માટે બુક એટલે પાસબુક. ગુજરાતીઓ પુસ્તક ડિસ્કાઉન્ટમાં ખરીદે અને શૅર પ્રીમિયમથી. માતૃભાષાનાં વાક્યો બોલતાં ભલે ભૂલો પડે, ઇંગ્લિશ તો શીખવું જ જોઈએ કારણ કે હવે ઑનલાઇન ઑર્ડરો આવે છે ને અપાય છે. જમાના પ્રમાણે બદલાવું ન પડે ભૈ? આ બદલાતા જમાનાએ આપણી માતૃભાષાને પાછલી હરોળમાં ધકેલી દીધી છે. હિન્દીમાં પરીક્ષા આપીને IAS, IPS થનારા અધિકારીની આસપાસ ગુજરાતી વાણિયો યસ સર-યસ સર કરતો ફરે છે. ભાષા પ્રત્યેનો પ્રેમ ક્યાં છે? આપણે તો પહેલેથી જ ‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર’માં માનનારા. (બાય ધ વે, આ ‘ભૂર’નો અર્થ શોધ્યો છે?)
ADVERTISEMENT
ભાષાનું ભૂત ફરી ધૂણ્યું છે. રાજકારણને બાજુમાં રાખીએ તો પણ ગુજરાતી અસ્મિતાને કેમ વિસરાય? પરાંનાં રેલવે-સ્ટેશનો પર ગુજરાતીમાં પણ નામ હતાં એ બહુ દૂરનો ભૂતકાળ નથી. ભાષાનું અસ્તિત્વ ટકાવવું એ આપણા જ હાથની વાત છે.
ભાષાને યોગ્ય રીતે બોલતાં-લખતાં શીખવવા માટેની દિશામાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય ઍકૅડેમી, પરિચય ટ્રસ્ટ, આપણુંઆંગણું બ્લૉગ અને બીજી ઘણી સંસ્થાઓ દ્વારા સરાહનીય પ્રયત્ન થઈ રહ્યા છે. ટેક્નૉલૉજીના ઉપયોગથી ઑનલાઇન શિબિરો ચલાવાય છે. એ પણ ફ્રીમાં. પુસ્તકો ભેટ અપાય છે, અફકોર્સ ફ્રીમાં જ! આ ખરેખર અભિનંદનીય છે. ગુજરાતીમાં શુદ્ધ બોલવાનો આગ્રહ રાખીએ. શુદ્ધ એટલે અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી ભદ્રંભદ્રીય પ્રયોગો નહીં પણ યોગ્ય શબ્દો અને વાક્યોના બરાબર ઉપયોગની તકેદારી રાખીએ તો પણ ઘણું. એ ‘વેદિયાવેડા’ નથી, ગંભીરતા છે. ઇંગ્લિશમાં sleepને બદલે slip કે weight ને બદલે wait બોલી જુઓ તો. તમે હાસ્યાસ્પદ થઈ જશો. ત્યાં સ અને શ વચ્ચે પણ કેટલી સભાનતા રાખવામાં આવે છે! આપણે કેમ આવી તકેદારી નથી રાખતા? અંગ્રેજી અખબારોમાં ખોટો સ્પેલિંગ કે ખોટી વાક્યરચના પર વાચકો તાત્કાલિક પત્ર લખી નાખે છે. ગુજરાતી અખબારોમાં? ‘સું કો’ છો તમે?’
એટલે જ તો વર્ષોથી પ્રચલિત છે કે :
અબે તબે કા સોલ હી આના,અઠે કઠે કા બાર;ઇકડમ તિકડમ આઠ હી આના,શું શા પૈસા ચાર.
(બાય ધ વે, જરા જુઓ તો ઘરમાં ગુજરાતી શબ્દકોશ ક્યાં છે?)
-યોગેશ શાહ

