‘હમારે કાર્લોસ બૉસ ફિજી કે અન્ડરવર્લ્ડ કે સબ સે બડે બાદશાહ હૈં... સમઝા ક્યા? ઝ્યાદા શાણપટ્ટી કી તો તેરી લાશ કે ટુકડે ભી નહીં મિલેંગે! સમઝતા હૈ ના?’
ઇલસ્ટ્રેશન
‘અબે ..., ઔર કોઈ કામધંધા નહીં હૈ ક્યા? હમારી મૅડમ પે લાઇન મારતા હૈ?’
એકના હાથમાં બેઝબૉલનું બૅટ હતું અને તે છ ફીટનો ઊંચો પડછંદ માણસ હતો. બીજો પણ એટલો જ ઊંચો અને પડછંદ હતો. તેના હાથમાં શૉટગન હતી.
મનજિતને પરસેવો છૂટી ગયો, ‘મૅડમ ! અરે મૈં તો...’
‘મૈં તો મૈં તો ક્યા કરતા હૈ?’’ પેલાએ તરત જ તેના કપાળે શૉટગન ધરી દીધી. ‘મેલિસા મૅડમ કે આસપાસ કહીં નઝર ભી આયા તો ભેજા ઉડા દૂંગા!’
મનજિત હજી કંઈ બોલે એ પહેલાં પેલાએ ઘોડો દાબી દીધો!
‘ધડામ્’ કરતો જે ધડાકો થયો એના કારણે તેના કાનમાં ધાક પડી ગઈ. આંખોમાં અંધારાં છવાઈ ગયાં અને તેને થયું કે હૃદય ધડકતું બંધ થઈ ગયું છે.
પણ ના, હૃદય હજી ધડકતું હતું. આંખો સામે છવાઈ ગયેલાં અંધારાં દૂર થયાં. પછી તેણે કાન પર હાથ મૂક્યો. તેના હાથમાં કંઈક ભીનું લાગ્યું. તેણે જોયું, એ લોહી હતું!
પેલાએ શૉટગન વડે તેનો આખો કાન ઉડાવી દીધો હતો. મનજિત ચીસ પાડી ઊઠ્યો...
પણ તરત જ પેલાએ તેના પેટમાં એક જોરદાર લાત મારી. ‘ફિજીમેં રહના હૈ કિ નહીં? મેલિસા મૅડમ પર અખ્ખા ફિજીમેં કોઈ આંખ ઉઠાકે નહીં દેખ સકતા. સમઝા ક્યા?’
‘લેકિન...’ મનજિતના મોંમાંથી માંડ-માંડ શબ્દો નીકળ્યા. ‘મૈં તો ઇન્ડિયા સે આયા હૂં. ઘૂમને... મૈં તો જાનતા ભી નહીં કે મેલિસા મૅડમ કૌન હૈ.’
‘જાનતા નહીં તો જાન લે.’ પેલાએ તેનું શર્ટ મુઠ્ઠીમાં પકડીને ઊભો કર્યો. ‘મેલિસા મૅડમ હમારે બૉસ કાર્લોસ કી બીવી હૈ, અબ સમઝા?’
‘હાં સમઝા.’ મનજિતે કાન પરથી દદડતા લોહીને અટકાવવા પોતાનો હાથ મૂકતાં કહ્યું:
‘મેલિસા મૅડમ કાર્લોસ બૉસ
કી બીવી હૈ મગર... યે કાર્લોસ
કૌન હૈ?’
મનજિતે આ સવાલ નહોતો પૂછવો જોઈતો.
કારણ કે પેલા બે હટ્ટાકટ્ટા છ ફુટિયાઓની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ!
બન્ને જણે પહેલાં તો એકબીજા સામે જોયું પછી તેની સામે જોયું અને પછી ફરી એકબીજા સામે જોઈ બન્ને સાથે બોલ્યા :
‘લગતા હૈ ઇસકો બૉસ કે પાસ હી લે જાના પડેગા.’
એક જણે તેને બોચીમાંથી પકડીને જાણે કોઈ થેલો ખભા પર નાખતો હોય એ રીતે ઊંચક્યો અને પછી થોડાં ડગલાં દૂર જઈને તેને એક ખુલ્લી જીપમાં પડતો મૂક્યો.
જીપ ઊપડી.
પૂરપાટ ઝડપે જતી જીપમાં પાછલી સીટમાં મનજિત કોઈ કોથળાની જેમ ઊછળતો રહ્યો. પેલા બે જણ આગળ બેઠા હતા. પાછળ ફરીને જોતા પણ નહોતા... ખુલ્લી જીપમાંથી કૂદકો મારી ભાગી છુટાય એવું હોવા છતાં મનજિતની ભાગી છૂટવાની હિંમત ન ચાલી.
lll
ખાસ્સા પોણા કલાક પછી શહેરથી દૂર એક હરિયાળાં વૃક્ષોથી છવાયેલા વિસ્તારમાં એક વિશાળ ગેટમાં જીપ દાખલ થઈ અને પાંચેક મિનિટ પછી એક આલીશાન વિલા સામે ઊભી રહી.
તેને ઉતારતાં પેલો બોલ્યો, ‘હમારે કાર્લોસ બૉસ ફિજી કે અન્ડરવર્લ્ડ કે સબ સે બડે બાદશાહ હૈં... સમઝા ક્યા? ઝ્યાદા શાણપટ્ટી કી તો તેરી લાશ કે ટુકડે ભી નહીં મિલેંગે! સમઝતા હૈ ના?’
મનજિતે હકારમાં ગરદન હલાવી.
તેને એક ખુલ્લા ચોકમાં એક ખુરસી પર બેસાડવામાં આવ્યો. તેના હાથપગ બાંધી દેવામાં આવ્યા અને તેના મોંમાં ડૂચો મારીને કપડું બાંધી દેવામાં આવ્યું. પછી પેલા બે જણ જતા રહ્યા.
આખા ચોકમાં છેક છેડા પર હાથમાં મશીનગન લઈને બે વરદીધારીઓ સિવાય અહીં કોઈ નહોતું.
પેલાઓ જતાં-જતાં કહી ગયા હતા, ‘બૉસ આએંગે તબ તક ચેંચૂં મત કરના.’
હકીકતમાં ‘ચેંચૂં’ તો પેલી ખુરસી કરી રહી હતી જેની ઉપર મનજિતને બાંધવામાં આવ્યો હતો.
મનજિત પોતાના બંધાયેલા
હાથ-પગ વડે જેટલું જોર અજમાવી રહ્યો હતો એટલું જ ‘ચેંચૂં’ પેલી લાકડાની ખુરસી કરી રહી હતી.
‘સાલું, આસમાન સે ગિરે ઔર ખજૂર મેં અટકે... જેવી હાલત છે!’
મોંમાં ડૂચો ભરેલો હતો છતાં મનજિતના દિમાગમાં વિચારોના ઉંદરડા કૂદાકૂદ કરી રહ્યા હતા. તેને આખો મામલો કંઈ સમજાતો જ નહોતો...
‘યાર, માંડ-માંડ આખા વર્ષની કડકી દૂર થાય એવો એક કેસ હાથમાં આવ્યો હતો, પણ હવે?’
મનજિતના દિમાગમાં સરવાળા-બાદબાકી ચાલી રહ્યા હતા : ‘મેલિસા મૅડમે ઍડ્વાન્સ પેટે જે પાંચ લાખ મોકલ્યા હતા એમાંથી સાલા ચાર લાખ મુંબઈમાં જ મૂકીને આવ્યો હોત તો કમ સે કમ એટલા તો બચી જાત, પણ ના, અહીં આ ડિટેક્ટિવ સાહેબને લાખ રૂપિયાનું શૉપિંગ કરીને, ફૅશનેબલ બનીને વટ મારવાના શોખ હતા.’
હવે બાકીના રૂપિયા મળશે કે કેમ એ પણ સવાલ હતો. અરે, બાકીના રૂપિયા પણ ત્યારે જ મળેને જ્યારે પોતે અહીંથી છૂટીને મેલિસા મૅડમને જઈને મળે!
અને જો મેલિસા, આ લોકો કહે છે એમ અહીંના કોઈ અન્ડરવર્લ્ડના બાદશાહની પત્ની હોય તો-તો પતી જ ગયું!
જો એ બાઈ તેના હસબન્ડની સામે ફક્ત એટલું જ બોલે કે ‘હા, આ મવાલી મારી પાછળ પડ્યો હતો...’ તો મારો અહીં જ ઘડોલાડવો થઈ જવાનો છે!
‘સાલું, અહીંથી જીવતા બચીને પાછા મુંબઈ જવાશે કે નહીં એ જ મેઇન સવાલ છે...’
lll
મનજિતે હવે ખુરસીને હચમચાવવાનું છોડી દીધું. અહીં ચારે બાજુ સન્નાટો હતો. આ વિશાળ આલીશાન કૉટેજમાંથી પણ કોઈ ચહલપહલનો અવાજ આવી રહ્યો નહોતો. કૉટેજની વચ્ચોવચ આવેલા આ ખુલ્લા ચોકની બરાબર સેન્ટરમાં મનજિતની ખુરસી હતી.
હિન્દી ફિલ્મોની હિરોઇન જે રીતે ખુરસીમાં બંધાયેલી હાલતમાં પણ લંગડી ઘોડીની માફક ઠેકડા મારીને વિલનના અડ્ડામાંથી નીકળી જતી હતી એવો કોઈ ફિલ્મી ચાન્સ પણ મનજિતને દેખાતો નહોતો.
હવે અહીં ચૂપચાપ બેસી રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ
ક્યાં હતો?
ક્લાક સુધી તે આમનો આમ ખુરસી પર બંધાયેલો બેસી રહ્યો. મનજિત સેઠી વિચારવા લાગ્યો ઃ સાલું, ક્યાંથી ક્યાં ફસાયો?
સોશ્યલ મીડિયામાંથી નંબર મેળવીને મેલિસા નામની ખૂબસૂરત છોકરી મને ફોન કરે છે... દસ લાખ રૂપિયાની ઑફર આપીને મને વિમાનમાં અહીં બોલાવે છે. ચકાચક હોટલમાં ઉતારો આપે છે. અને કામ શું સોંપે છે? પૉલ મૅક્કાર્ટની નામના એક બિલ્ડરની ઉપર નજર રાખવાનું...
પણ નવાઈની વાત તો એ છે કે ખુદ તે પૉલની પર્સનલ સેક્રેટરી તરીકે નોકરી કરે છે!
જો મેલિસા ખરેખર આ કાર્લોસ નામના ફિજીના અન્ડરવર્લ્ડ ડૉનની પત્ની હોય તો તે આવી મામૂલી નોકરી શા માટે કરે છે?
ધારો કે કરતી પણ હોય તો તે મને છેક મુંબઈથી પૉલ મૅક્કાર્ટની ૫૨ નજર રાખવા શા માટે બોલાવે છે? એ કામ તો કાર્લોસનો કોઈ પણ ભાડૂતી ગુંડો કરી શકે.
અને હા, તે તો એમ કહેતી હતી કે પૉલ કદાચ તેનું ખૂન કરવાનું કાવતરું ઘડી રહ્યો છે!
અરે, જો પૉલ તેનું મર્ડર કરી નાખવાનો હોય તો પોતાના પતિને માત્ર એક જ હિન્ટ આપવાની જરૂર હોય. બીજી જ ક્ષણે કાર્લોસ પૉલનો ઘડોલાડવો કરી નાખે!
આખરે આ ચક્કર શું છે?
મનજિત ક્યાંય સુધી વિચારતો રહ્યો. જો ખરેખર પૉલ મૅક્કાર્ટની નામનો ૫૦ વરસનો હૅન્ડસમ અને ખડતલ દેખાતો બિલ્ડર મેલિસાનું ખૂન કરવા માગતો હોય તો સાવ સહેલું હતું. બન્ને જણ આખા દિવસ દરમ્યાન સાથે ને સાથે જ રહેતાં હતાં. એટલું જ નહીં, મનજિતે જ્યારે પૉલનો પીછો કર્યો ત્યારે જોયું હતું કે બન્ને જણ પૉલની કારમાં બેસીને રોજ દરિયાકિનારે બંધાઈ રહેલાં નવાં કૉટેજિસનું સુપરવિઝન કરવા નીકળતાં હતાં. એક બંગલેથી બીજા બંગલે... દરેક બંગલામાં તેઓ વીસ-પચીસ મિનિટ માટે લગભગ એકલાં જ હતાં, કારણ કે ઘણા બંગલા તો બિલકુલ રેડી થઈ ગયા હોવાથી અંદર કોઈ મજૂરો કે કારીગરો પણ નહોતા!
મનજિતને હવે ધીરે-ધીરે ટ્યુબલાઇટ થઈ રહી હતી...
‘ક્યાંક મેલિસા પોતે જ પેલા બિલ્ડરના પ્રેમમાં નહોતી? મારા બેટા, બન્ને જણ દરેક બંગલામાં વીસ-પચીસ મિનિટ માટે ભરાઈ જતાં હતાં! અને અંદર કોને ખબર શું ચાલતું હોય?’ મનજિતને પોતાને પણ દૂરથી બાઇનૉક્યુલરમાં ઝાઝું કંઈ જોવા મળ્યું નહોતું.
બસ, તો વાત આમ જ હોવી જોઈએ.
મેલિસા એક ખૂબસૂરત યુવતી છે અને તેને આ હૅન્ડસમ ૫૦ વર્ષનો સ્ટાઇલિશ અને મજબૂત બાંધાવાળો પુરુષ ગમી ગયો છે! તે કોઈ ચોક્કસ મજબૂરીને કારણે કાર્લોસ જેવા ગુનેગારને ૫૨ણી છે અને...
lll
મનજિતના વિચારોની ચેઇન તૂટી ગઈ.
તેને પૈડાંઓનો કિચૂડાટ સંભળાયો. થોડી વાર પછી એક વ્હીલચૅર આવતી દેખાઈ. એના ૫ર એક બેસી ગયેલા ડાચાવાળો ઘરડો માણસ બેઠો હતો. એક બૉડીગાર્ડ વ્હીલચૅર ચલાવી રહ્યો હતો. તેના આવતાં જ આજુબાજુ ચહલપહલ વધી ગઈ. છ-સાત લઠ્ઠાઓ અદબ વાળીને ઊભા રહી ગયા. પેલા બે ખડતલ ટાલિયા, જેમણે બેઝબૉલ વડે મનજિતની ધુલાઈ કરીને શૉટગન વડે તેનો કાન ઉડાડી માર્યો હતો તે પેલા વ્હીલચૅરવાળા બુઢ્ઢાની ડાબે-જમણે ગોઠવાઈ ગયા.
મનજિત સમજી ગયો કે આ જ કાર્લોસ હશે.
(ક્રમશઃ)


