એના ૫ર એક બેસી ગયેલા ડાચાવાળો ઘરડો માણસ બેઠો હતો. એક બૉડીગાર્ડ વ્હીલચૅર ચલાવી રહ્યો હતો. તેના આવતાં જ આજુબાજુ ચહલપહલ વધી ગઈ. છ-સાત લઠ્ઠાઓ અદબ વાળીને ઊભા રહી ગયા.
ઇલસ્ટ્રેશન
મનજિતને પૈડાંઓનો કિચૂડાટ સંભળાયો. થોડી વાર પછી એક વ્હીલચૅર આવતી દેખાઈ.
એના ૫ર એક બેસી ગયેલા ડાચાવાળો ઘરડો માણસ બેઠો હતો. એક બૉડીગાર્ડ વ્હીલચૅર ચલાવી રહ્યો હતો. તેના આવતાં જ આજુબાજુ ચહલપહલ વધી ગઈ. છ-સાત લઠ્ઠાઓ અદબ વાળીને ઊભા રહી ગયા. એ પેલા બે પણ જેણે બેઝબૉલ વડે મનજિતની ધુલાઈ કરીને શૉટગન વડે તેનો કાન ઉડાડી માર્યો હતો, તે પેલા વ્હીલચૅરવાળા બુઢ્ઢાની ડાબે-જમણે ગોઠવાઈ ગયા.
મનજિત સમજી ગયો કે આ જ કાર્લોસ હશે...
તેને જોઈને મનજિતને થયું:
‘આ? આવો બુઢ્ઢો ખૂંસટ, ખખડી ગયેલી ઑટોરિક્ષા જેવો ડોસલો પેલી મેલિસા જેવી ખૂબસૂરત સ્ત્રીનો હસબન્ડ?’
મનજિતને એક બાજુ આ ખડખડપાંચમ કાર્લોસને જોઈને મનમાં હસવું આવી રહ્યું હતું તો બીજી તરફ તેને મેલિસાની દયા આવી રહી હતી. બિચારીની જરૂર કોઈ મજબૂરી હશે જેના કારણે તે આવા હચમચી રહેલા ડામચિયા જેવા માણસને પરણી હશે. બાકી કોઈ યુવતી સામે ચાલીને પોતાની જિંદગીને શા માટે બરબાદ કરવા માગતી હોય?
કાર્લોસની લાંબી કાબરચીતરી દાઢી છેક છાતી સુધી લબડી રહી હતી. માથા ઉપર જે ખરબચડી ટાલ હતી એમાં જે રહ્યાસહ્યા લાંબા વાળ હતા એ આળસુ સાપોલિયાંની માફક કાનની આસપાસ ઝળૂંબી રહ્યા હતા. તેના ચહેરાની ચામડી કટાઈ ગયેલા લોખંડ જેવી, ક્યાંક-ક્યાંક કાળી અને ક્યાંક રતૂમડાં ચાઠાં પડી ગયેલી હોય એવી હતી. કાર્લોસની આંખોના ડોળા મોટા હતા પરંતુ ભ્રમર નીચેના ઊંડા ગોખલામાં દેડકાની જેમ ટૂંટિયું વળીને ગોઠવાયેલા હોય એવા લાગતા હતા. એ જ મોટા ડોળા પર જાણે ઢીલી છત્રી ધરીને ઊભાં હોય એવાં કાર્લોસનાં મોટાં-મોટાં પોપચાં હતાં. તેની પાતળી સરખી ગરદન પર ફૂલેલી નસો ઊપસી આવેલી દેખાતી હતી.
એક ક્ષણ માટે તો મનજિતને વિચાર આવી ગયો કે આ સાલા બુઢ્ઢાને જો એક જ લાત કચકચાવીને મારવાની તક મળે તો તેને અહીં જ ખતમ કરી નાખું! પછી તો બિચારી મેલિસા ‘મુક્ત’ થઈ જાયને?
અને જો મેલિસા આ ડોસલાથી છૂટી શકે તો કદાચ મને જે પૈસા આપવાની છે એના કરતાં બમણા પૈસા પણ આપી શકે.
પરંતુ એ બધા શેખચલ્લી જેવા વિચારો હતા. વાસ્તવિકતા એ હતી કે પોતાની જાતને ડિટેક્ટિવ માનનારો મનજિત સેઠી અહીં ફિજીના એક અન્ડરવર્લ્ડના બાદશાહ ગણાતા કાર્લોસ નામના ડૉનની કેદમાં હતો...
કાર્લોસે પોતાની વાંકીચૂકી આંગળીઓવાળા હાથ વડે વ્હીલચૅરનાં પૈડાંને ધક્કો માર્યો. નજીક આવીને તે મનજિતને ધારી-ધારીને જોતો રહ્યો.
મનજિતને આ ડોસાના શરીરમાંથી કંઈક વિચિત્ર પ્રકારની વાસ આવી રહી હતી. અણગમાથી મનજિતનું નાક ઊંચુંનીચું થઈ રહ્યું હતું.
કાર્લોસે કંઈ ઇશારો કર્યો.
તરત જ એક માણસ એક ટ્રેમાં કંઈક આપી ગયો. કાર્લોસે ટ્રેમાંથી એક હાથે લાઇટર ઉપાડ્યું અને બીજા હાથે ચાંદીના વરખમાં લપેટાયેલી કોઈ પાઉડર જેવી ચીજ ચહેરા નજીક ગોઠવી. પછી લાઇટર સળગાવીને પેલા ચાંદીના વરખ નીચે આગ આપવા માંડી. પાઉડર ગરમ થવાથી જે વરાળ નીકળી એને કાર્લોસ ઊંડા શ્વાસ લઈને ફેફસાંમાં ખેંચવા લાગ્યો.
મનજિત સમજી ગયો, આ ‘સ્મૅક’ પીએ છે. બ્રાઉન શુગર.
મનજિત એ પણ સમજી ગયો કે કાર્લોસ ભલે આટલો બુઢ્ઢો હોય પણ ડ્રગ્સની હેરાફેરીનો તેનો બહુ મોટો ધંધો હશે અને વર્ષોથી તે આ ધંધામાં હશે એટલું જ નહીં, પોતે ભલે આટલો ખખડી ગયેલો દેખાતો હોય પણ તેની આખા ફિજીમાં જબરદસ્ત ધાક હશે.
કાર્લોસે ખોંખારો ખાઈને પોતાનું નાક સાફ કર્યું.
‘મનજિત... એ જ નામ છેને તારું? મનજિત સેઠી. બરાબર?’ તે ઘોઘરા અવાજે બોલ્યો.
‘જી.’ મનજિતે કહ્યું.
કાર્લોસ બે ઘડી તેની સામે જોતો રહ્યો. તેની આંખો પટપટાવતો રહ્યો. ઢીલા લબડી પડેલા હોઠમાંથી ફરી ઘોઘરો અવાજ નીકળ્યો :
‘કેમ? મેલિસા બહુ ગમી ગઈ છે?’
‘અરે, ભાડમાં ગઈ તમારી મેલિસા!’ ક્યારથી અકળાઈ રહેલા મનજિતે અચાનક જ રોકડું પરખાવ્યું.
‘મેલિસા જેવી તો એક માગો ને દસ મળે છે મુંબઈમાં!’
આટલું બોલતાંની સાથે જ પેલા બે લઠ્ઠાઓ જે કાર્લોસની આજુબાજુ ઊભા હતા તે ધસી આવ્યા. બન્નેએ વારાફરતી બબ્બે મુક્કા મનજિતના મોઢા પર ઠોકી દીધા...
મનજિતને લાગ્યું કે તેની દાઢ હલબલી ગઈ છે. છતાં તેણે ગરમી છોડી નહીં.
‘અબે ચમચાઓ! મને મારીને તમે શું કાંદો કાઢી લેવાના હતા? હું કંઈ ખોટું નથી બોલતો. એક વાર મુંબઈ આવો તો તમને બતાડું કે તમારી મેલિસા મૅડમને ટક્કર મારે એવી-એવી આઇટમો ત્યાં રસ્તા પર આંટા મારતી મળે છે, સમજ્યા?’
‘અબે @##@!!!’ એક લઠ્ઠો બહુ મોટી ગાળ બોલ્યો. ‘મૅડમ કે બારે મેં ઐસા બોલતા હૈ? સાલે...’
‘સાલા હોગા તેરા બાપ!’
મનજિતની જૂની બીમારી સ્પ્રિંગની જેમ છટકી. ‘મૈં ડિટેક્ટિવ હૂં, ડિટેક્ટિવ! અભી ડિટેક્ટિવ ક્યા હોતા હૈ વો તો સમઝતા હૈ ના, ચિરકુટ?’
પેલો લઠ્ઠો કમરે લટકાવેલી શૉટગન ઉપાડીને મનજિત સામે તાકવા જ જતો હતો ત્યાં કાર્લોસે તેને ઇશારા વડે અટકાવ્યો. પછી વ્હીલચૅર વધારે નજીક લાવતાં પૂછ્યું.
‘એમ? તો પછી અહીં ફિજીમાં શા માટે આવ્યો છે?’
મનજિતના છેક હોઠ પર જવાબ આવી ગયો કે સાલા, તારી મેલિસાએ જ મને અહીં બોલાવ્યો છે, પણ તે અટકી ગયો.
તેને થયું કે આ બુઢ્ઢો કાર્લોસ આમેય મેલિસાને લાયક તો છે જ નહીં; જો હું બિચારી મેલિસાનું નામ દઈશ તો બુઢ્ઢો એના પર જુલમ કરશે, કોરડા વરસાવશે, રૂમમાં ગોંધી રાખશે; એના કરતાં બુઢ્ઢાને જ સીધો કરી નાખવો જોઈએ.
મનજિતે ધારદાર આંખે કાર્લોસ તરફ જોતાં કહ્યું, ‘બૈરીને સાચવી ન શકતો હોય તો ઘરમાં રાખને? આમ આખા ફિજીને દેખાય તેમ છુટ્ટી શા માટે મૂકી રાખી છે?’
કાર્લોસ ધૂંધવાઈ ઊઠ્યો. તેનો ઘોઘરા જેવો અવાજ ફાટી ગયો.
‘શટ અપ! ફિજીમાં કોઈની હિંમત નથી કે મેલિસા તરફ આંખ ઊંચકીને જુએ.’
‘આંખ?’ મનજિત હસ્યો.
‘કાર્લોસ, તારી મેલિસાનું પેલા બિલ્ડર મૅક્કાર્ટની જોડે લફરું ચાલી રહ્યું છે! અને એ પણ બિન્દાસ!’
‘શટ... અપ!’ કાર્લોસ આખેઆખો ધ્રૂજી ઊઠ્યો.
‘તું... સાલા બે કોડીના છોકરા... તું...’
મનજિત તરફ ચિંધાયેલી કાર્લોસની આંગળી સખત રીતે ધ્રૂજવા લાગી.
અચાનક કાર્લોસના પેલા બે ગુંડાઓ મનજિતની નજીક ધસી આવ્યા અને મનજિતના બન્ને લમણે શૉટગન ધરી દીધી.
પણ હવે મનજિતને પરવા નહોતી. તે જાણતો હતો કે તેણે કાર્લોસના મર્મ પર ઘા કર્યો છે અને તીર બરાબર તેના હૃદયમાં ઘૂસી ગયું છે.
વ્હીલચૅરમાં તરફડી રહેલા કાર્લોસ સામે તેણે તુચ્છ નજર નાખતાં કહ્યું : ‘જા-જા થાય તે કરી લે કાર્લોસ. તું કરી-કરીને શું કરીશ? તારા ભાડૂતી માણસો પાસે મને મારી નખાવીશ એ જ ને? મારી નાખ! પણ ...’
મનજિતે હવે કચકચાવીને પોતાનું તીર છોડી દીધું:
‘કાર્લોસ, તારી મેલિસા પેલા પૉલ મૅક્કાર્ટની જોડે રોજ રંગરેલિયાં મનાવે છે અને એ વાત આખું ફિજી જાણે છે!’
કાર્લોસ સાવ ઢીલો પડી ગયો.
મનજિતે જોયું કે કાર્લોસ ખરેખર અંદરથી હચમચી ગયો છે. તેનો અહંકાર ઊકળતા લાવાની માફક ઓગળી રહ્યો છે. વ્હીલચૅરમાં છટપટાઈ રહેલા કાર્લોસ પર મનજિતે હવે છેલ્લો પ્રહાર કરી દીધો : ‘તારે સચ્ચાઈ સાંભળવી છે? તો કાન ખોલીને સાંભળી લે! હું તો સળંગ બે દિવસથી પૉલ અને મેલિસા પાછળ પડછાયો બનીને નજર રાખી રહ્યો છું. એ મજબૂત કાયા ધરાવતો પૉલ અને તારી નાજુક નમણી ખૂબસૂરત મેલિસા રોજ સુપરવિઝન કરવાને બહાને દરિયાકિનારે આવેલાં નાનાં-નાનાં કૉટેજિસમાં જાય છે... અને દરેક કૉટેજમાં વીસ-પચીસ મિનિટ ગાળે છે... હવે તું જ વિચાર કર, જે કૉટેજમાં કોઈ ન હોય, કશું કામ પણ ન ચાલતું હોય એમાં જઈને એક પડછંદ પુરુષ અને ખૂબસૂરત સ્ત્રી શું કરતાં હોય?’
કાર્લોસના લબડી રહેલા હોઠ ધ્રૂજવા લાગ્યા.
મનજિતે હુમલો ચાલુ જ રાખ્યો.
‘જુઓ બૉસ, હું તો એક પ્રાઇવેટ ડિટેક્ટિવ છું. તમે મને થોડા પૈસા આપો અને ફક્ત પાંચ દિવસનો ટાઇમ આપો. એ બન્ને રંગેહાથ ઝડપાઈ ગયાં હોય એવા ફોટો અને વિડિયો પણ તમને લાવીને બતાવી શકું છું. બોલો, છે વિચાર?’
કાર્લોસ અચાનક સાવ ઢીલો પડી ગયો. તેની ગરદન સાવ ઝૂકી ગઈ. ક્યાંય લગી તે પોતાની આંખો નીચી કરીને બેસી રહ્યો.
પછી જાણે ગરદન પર ખૂબ મોટો ભાર ઊંચકી રહ્યો હોય એમ તેણે
ધીરે-ધીરે પોતાનું ધ્રૂજી રહેલું માથું ઉપર કર્યું.
અને તે માંડ-માંડ એટલું બોલ્યો : ‘જવા દો આને...’
પછી તરત જ તેણે વ્હીલચૅર ઊલટી દિશામાં ફેરવી નાખી.
કિચૂડ.. કિચૂડ... અવાજ કરતી તેની વ્હીલચૅર ચોકમાંથી બહાર જઈ રહી હતી.
આ તરફ કાર્લોસના ગુંડાઓ ડઘાયેલી હાલતમાં ત્યાં જ ઊભા હતા.
અને મનજિત?
તેને હજી સમજાતું નહોતું કે આ ખતરનાક ગૅન્ગસ્ટર શું બોલી ગયો?
(ક્રમશઃ)


