‘બિચારો કાર્લોસ...’’ મેલિસાએ ડચકારો કર્યો. ‘પોતાની આબરૂ બચાવવા માટે મને છૂટાછેડા આપવા સિવાય તેની પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો! અને તમે શું ધારો છો, હું એ અક્ષમ બુઢ્ઢાને શા માટે પરણી હતી?’’
ઇલસ્ટ્રેશન
બસ? ‘જવા દો આને...’ એટલું જ?
મનજિતે ફિજીના સૌથી ખતરનાક અન્ડરવર્લ્ડના ડૉનને મોઢા પર ચોપડાવી દીધી કે ‘તારી બૈરીને સાચવી ન શકતો હોય તો ઘરમાં રાખને!’
એ સાંભળતાં જ પેલો વ્હીલચૅર પર બેઠેલો ડોસલો કાર્લોસ ઢીલો પડી ગયો હતો. પછી જ્યારે મનજિતે આખો ભાંડો જ ફોડી નાખ્યો કે ‘તારી બૈરી મેલિસાનું પેલા બિલ્ડર મૅક્કાર્ટની જોડે લફરું ચાલી રહ્યું છે, એ પણ બિન્દાસ! અને ડોસલા, તને જ ખબર નથી, બાકી આખું ફિજી આ વાત જાણે છે.’
આ સાંભળ્યા પછી તો કાર્લોસના ચહેરા પરથી જાણે નૂર જ ઊડી ગયું હતું! તેના લબડી રહેલા હોઠ ધ્રૂજવા લાગ્યા હતા અને તે માંડ-માંડ એટલું બોલ્યો કે ‘જવા દો આને...’
બસ, પછી તે પોતાની વ્હીલચૅરને ઊલટી દિશામાં ઘુમાવીને જતો રહ્યો!
અહીં તેના ગુંડાઓ સ્તબ્ધ બનીને ઊભા હતા. પેલા બે પડછંદ લઠ્ઠાઓ તો પોતપોતાની ટાલ ખંજવાળી રહ્યા હતા કે ‘બૉસ યે ક્યા બોલ ગયા?’
કૉટેજના વિશાળ ચોકની લાદી ઉપરથી કાર્લોસની વ્હીલચૅર જવાનો માત્ર ‘કિચૂડ.. કિચૂડ...’ અવાજ સંભળાતો રહ્યો.
મનજિત હજી જાણે હમણાં જ કોઈ વિચિત્ર સપનામાંથી બહાર આવ્યો હોય એમ ગૂંચવાયેલો હતો... બસ? ‘જવા દો આને...’ એટલું જ?
આખરે જ્યારે કાર્લોસની વ્હીલચૅરનું ‘કિચૂડ કિચૂડ’ સંભળાતું બંધ થયું ત્યારે મનજિત હોશમાં આવ્યો. તેણે ગળું ખોંખારીને કહ્યું :
‘તુમ લોગોંને સુના નહીં? ચલો, ખોલો મુઝે...’
મોં બગાડીને પેલા લઠ્ઠાએ મનજિતના હાથે-પગે બાંધેલાં દોરડાં છોડ્યાં. મનજિત ઊભો થયો. હજી તેનાં જડબાં દુખી રહ્યાં હતાં. એક કાનમાં તો પેલી બુલેટને કારણે ધાક પડી ગઈ હતી. એમાંથી ‘ચીંઈંઈંઈં...’ જેવો અવાજ સતત આવી રહ્યો હતો.
દોરડાં છૂટ્યા પછી મનજિતે ઊભા થઈને કમર વાંકીચૂંકી કરી. હાથપગ લાંબાટૂંકા કર્યા. અને તે કૉટેજની બહાર નીકળ્યો...
કમ્પાઉન્ડના ગેટમાંથી બહાર નીકળ્યા પછી તેણે પાછળ વળીને જોઈ લીધું કે સાલું, કંઈ ‘શોલે’ના ગબ્બર જેવી મજાક તો નથીને? કૉટેજના છાપરે કોઈ ટેલિસ્કોપવાળી ગન લઈને તો નથી બેઠુંને?
પણ એવું કંઈ જ નહોતું.
મનજિતે ચાલવા માંડ્યું. પણ હવે જવું કઈ દિશામાં? જે દિશામાંથી તેને પેલી જીપમાં બેસાડીને અહીં લાવવામાં આવ્યો હતો એ બાજુ તેણે ડગલાં માંડ્યાં.
પણ હવે હોટેલ સુધી શી રીતે પહોંચવાનું? અને કયા રસ્તે?
ત્યાં તો પાછળથી એક છકડા જેવું વાહન આવીને ઊભું રહ્યું. એમાં બેઠેલો માણસ બોલ્યો : ‘બેસી જાઓ, હોટેલ પહોંચાડવાના છે તમને.’
lll
મનજિત હોટેલ પહોંચ્યો ત્યારે વધુ આશ્ચર્યો તેની રાહ જોઈ રહ્યાં હતાં.
હજી તે ફોયરમાં દાખલ થયો ત્યાં તો રિસેપ્શન પરથી બે જણ દોડતા આવ્યા.
‘ઓહોહો સર! તમને તો કાન પર ઇન્જરી થઈ છે. તમે પ્લીઝ રૂમમાં પહોંચો. અમે તરત જ મેડિકલ સપોર્ટની વ્યવસ્થા કરીએ છીએ...’
મનજિત હોટેલના રૂમમાં પહોંચ્યો એની પાંચ જ મિનિટમાં એક ડૉક્ટર અને એક નર્સ આવી પહોંચ્યાં. મનજિતના કાને સરસ રીતે ડ્રેસિંગ કરવામાં આવ્યું. ડૉક્ટરે તેને તાત્કાલિક પીડા શમાવનારું ઇન્જેક્શન આપી દીધું. સાથે-સાથે ત્રણ ગોળીઓ પણ પીવડાવી દીધી.
મનજિતને થયું, સાલું, આવી ટ્રીટમેન્ટ તો કદાચ પેલા ડોનલ્ડ ટ્રમ્પને પણ નહીં મળી હોય! જોકે ટ્રમ્પના કાનની તો માત્ર બૂટ જ વિંધાઈ હતી જ્યારે અહીં તો મનજિતનો આખો કાન ગાયબ
હતો. છતાં...
lll
મનજિત હજી હૂંફાળા પાણીના ટબમાંથી નહાઈને બહાર આવ્યો ત્યાં તો કાર્લોસના બે માણસો એક બૅગ મૂકી ગયા.
મનજિતને તો હજી ડાઉટ હતો કે બૅગમાં સાલો જરૂર કોઈ બૉમ્બ હશે! પણ કાર્લોસના માણસો બોલ્યા : ‘સર, આમાં તમારા માટે થોડા પૈસા છે. સાથે એક કવરમાં આપના માટે ખાસ કાર્લોસ સરે એક મેસેજ લખીને મૂક્યો છે. ફુરસદે વાંચી લેજો...’
છતાં મનજિતને ભરોસો પડતો નહોતો.
આખરે રાતના સાડાનવેક વાગ્યે જ્યારે મેલિસાનો ફોન આવ્યો :
‘હલો મનજિત! હાઉ આર યુ? આઇ ઍમ રિયલી સૉરી, તમને મારા લીધે ઘણી તકલીફ પડી છે. પરંતુ હવે બધું જ પતી ગયું છે. થૅન્ક યુ સો મચ.’
‘થૅન્ક યુ?’ મનજિત હજી ધૂંધવાયેલો હતો. ‘શેનું થૅન્ક યુ? તમારા ખડૂસ હસબન્ડે મને બહુ માર ખવડાવ્યો છે. મારો એક કાન બુલેટ વડે વીંધી નાખ્યો છે અને તમે મને થૅન્ક યુ કહો છો? અને હલો, તમે કહો છો કે બધું પતી ગયું છે તો શું પતી ગયું છે?’
સામેથી મેલિસાનું હળવું હાસ્ય સંભળાયું. ‘તમારા બધા જ સવાલોના જવાબ તમને કાલે મળી જશે. તમે કાલે ઍરપોર્ટ પર આવશોને ત્યારે...’
lll
બીજા દિવસે મનજિત સેઠી ફિજીના ઍરપોર્ટની લાઉન્જમાં ઊભો હતો. તેની મેલિસાએ કરાવેલી રિટર્ન ટિકિટની તારીખ કરતાં તે ત્રણ દિવસ વહેલો પાછો ફરી રહ્યો હતો.
તેની આ રિટર્ન ટિકિટ કાર્લોસે કરાવી હતી. કાર્લોસે તેને ઉપરથી બીજા ૨૫ લાખ રૂપિયા પણ આપ્યા હતા. એ પણ ઇન્ડિયન કરન્સીમાં. ઉપરથી તેને એક ખાસ રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે આ વિશે ભારતમાં તે કોઈ વાત ન કરે અને ફિજીમાં તે ક્યારેય પગ ન મૂકે.
મનજિતને માટે આ સોદો લૉટરી જેવો હતો. મેલિસાના દસ લાખ અને કાર્લોસના વીસ લાખ!
હા, તેનો એક કાન ગયો હતો. મનજિત વિચારતો હતો કે એક કાનની આટલી કિંમત વાજબી કહેવાય કે વધારે? ત્યાં જ તેને દૂરથી મેલિસા આવતી દેખાઈ.
મેલિસાએ નજીક આવીને તેની સાથે હાથ મિલાવ્યા. ‘થૅન્ક યુ મિસ્ટર સેઠી.’ તે બોલી, ‘તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું.’
‘ધૅટ્સ ઓકે.’ મનજિતે કહ્યું, ‘પણ હવે કાર્લોસ તને જીવતી નહીં છોડે.’’
‘ઑન ધ કૉન્ટરરી,’ મેલિસાએ આમતેમ જોતાં ધીમા અવાજે કહ્યું, ‘કાર્લોસે મને ડિવૉર્સ આપી દીધા છે!’
મનજિત ડઘાઈ ગયો.
‘યસ!’ મેલિસાના ચહેરા પર સ્માઇલ હતું. ‘નાઓ આઇ ઍમ ફ્રી!’
મનજિતને હજી કંઈ સમજાતું નહોતું. ‘યુ મીન ટુ સે કે કાર્લોસ તમને કંઈ જ નહીં કરે? કાયદેસરના ડિવૉર્સમાં તો તેણે બહુ મોટી રકમ ચૂકવવી પડશે.’
‘ચૂકવી દીધી છે.’ મેલિસા હસી, ‘તેણે મને ૫૦ લાખ ડૉલર્સ ચૂકવી દીધા છે. હું કાલે જ અહીંથી સીધી લંડન જતી રહેવાની છું. તમારો ખૂબ-ખૂબ આભાર.’
‘મારો આભાર? શા માટે?’
‘જો તમે કાર્લોસના મોં પર ચોપડાવી ન હોત તો હજી તેની આંખો ન ઊઘડી હોત.’
‘આઇ સી. પણ હજી મને સમજાતું નથી, તમે લંડન શા માટે જઈ રહ્યાં છો? અહીં પૉલ મૅક્કાર્ટની સાથે નથી રહેવાનાં?’
‘પૉલ?’ મેલિસા હવે ખડખડાટ હસી પડી. ‘પૉલ અને મારી વચ્ચે કંઈ જ નથી. એ તો બિચારો બહુ સજ્જન માણસ છે.’
‘તો...’ મનજિતની જીભ તાળવે ચોંટી ગઈ. ‘તો પછી મને તેના પર નજર રાખવા માટે તમે શા માટે બોલાવ્યો હતો?’
‘એટલા માટે કે કાર્લોસનું મારા પર ધ્યાન ખેંચાય!’
‘હું સમજ્યો નહીં.’
‘સમજાવું.’ મેલિસાએ કહ્યું, ‘આખા ફિજીમાં કાર્લોસની એટલી જબરદસ્ત ધાક છે કે મારી સાથે કોઈ યુવાન માણસ તો અફેર કરે જ નહીં! પણ જો હું કોઈ ઉંમરલાયક માણસના પ્રેમમાં હોઉં તો પણ કોઈ એ વાત કાર્લોસને જઈને કહેવાની હિંમત ન કરે! એટલા માટે જ મેં તમને ખાસ મુંબઈથી બોલાવ્યા, તમારા જેવો હિંમતબાજ જુવાન જ કાર્લોસના મોઢા પર આવી વાત કહી શકે.’’
મનજિત મેલિસાને જોતો જ
રહી ગયો.
‘પણ મૅડમ, તમને શી રીતે - આઇ મીન, છેક મુંબઈથી તમે મને જ શા માટે અહીં આવવા માટે પસંદ કર્યો?’
‘તમારી હિંમત!’ મેલિસા હસી રહી હતી.
‘મને તો ખબર હતી કે તમે કોઈ મોટા બાહોશ ડિટેક્ટિવ છો જ નહીં પરંતુ તમારો જે એક વિડિયો વાઇરલ થયો હતોને...’
‘જેમાં મેં એક સડકછાપ ગુંડાના હાથમાંથી રિવૉલ્વર છીનવી લીધી હતી અને પછી તેની જ ગન વડે તેનું લમણું ટીચી નાખ્યું હતું, એ?’
‘હા, એ જ વિડિયો!’ મેલિસાએ કહ્યું, ‘મને ખાતરી હતી કે તમે કાર્લોસના ગુંડાની ગાળો સાંખી લો એવા નથી.’
‘ઓહ!’ મનજિત હવે હસી પડ્યો. ‘પણ હવે કાર્લોસનું શું? તેના પોતાના માણસો સામે જ તેની ઇજ્જતના ભડાકા થઈ ગયાને?’
‘બિચારો કાર્લોસ...’’ મેલિસાએ ડચકારો કર્યો. ‘પોતાની આબરૂ બચાવવા માટે મને છૂટાછેડા આપવા સિવાય તેની પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો! અને તમે શું ધારો છો, હું એ અક્ષમ બુઢ્ઢાને શા માટે પરણી હતી?’’
‘શા માટે?’
‘માત્ર છૂટાછેડા લેવા માટે!’
lll
મનજિતની મુંબઈ જનારી ફ્લાઇટ ઉતરાણ કરી રહી હતી. વિમાનની ઘરઘરાટી આખા ઍરપોર્ટમાં છવાઈ ગઈ. મેલિસા તેને બાય કરીને જતી રહી.
(સમાપ્ત)


