Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય તો કમરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?

જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય તો કમરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?

Published : 26 July, 2025 03:31 PM | Modified : 26 July, 2025 03:35 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી રૉયલ ઇન્ડિયન ઍરફોર્સને પાઇલટની તાતી જરૂર જણાવા લાગી. ૧૯૪૦ના ઑગસ્ટની પહેલી તારીખે એક દિવસ માટે તેણે નવા પાઇલટની ભરતી કરી

ઘટનાસ્થળે શું બન્યું હશે એની રજૂઆત કરતાં બચાવ પક્ષે તૈયાર કરેલાં ચિત્ર.

ચલ મન મુંબઈનગરી

ઘટનાસ્થળે શું બન્યું હશે એની રજૂઆત કરતાં બચાવ પક્ષે તૈયાર કરેલાં ચિત્ર.


૧૯૭૦માં આવેલી ફિલ્મ ‘હમજોલી’, ૧૯૭૬માં આવેલી ‘બૈરાગ’, ૧૯૮૩માં આવેલી ‘મહાન’, ૧૯૮૪માં આવેલી ‘જૉન જાની જનાર્દન’, ૧૯૯૬માં આવેલી ‘ઇંગ્લિશ બાબુ દેશી મૅમ’, ૨૦૦૮માં આવેલી ‘ઓયે લકી! લકી ઓયે!’ અને નાણાવટી મર્ડર કેસ વચ્ચે કઈ બાબત સરખી છે? ના. આમાંની એકે ફિલ્મ આ કેસ પરથી બની નથી. તો? આ બધી ફિલ્મોમાં એક જ ઍક્ટરે એક નહીં, બે નહીં; પણ ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ ઍક્ટરો તે અનુક્રમે મેહમૂદ, દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાન્ત, શાહરુખ ખાન અને પરેશ રાવલ. આ બધાએ ત્રણ-ત્રણ પાત્રો ભજવ્યાં હતાં. પણ નાણાવટી ખૂનકેસ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ તો વાસ્તવિક જીવનમાં ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ વ્યક્તિ તે કાર્લ જમશેદ ખંડાલાવાલા.


૧૯૦૪ના માર્ચની ૧૬મીએ જન્મ. ૧૯૯૫ના ડિસેમ્બરની ૨૩મી તારીખે બેહસ્તનશીન થયા. તેમણે પહેલી ભૂમિકા ભજવી એ રૉયલ ઇન્ડિયન ઍરફોર્સના પાઇલટની. ખંડાલાવાલાએ અગાઉ સિવિલ ફ્લાઇંગ (પાઇલટ તરીકેનું) લાઇસન્સ મેળવ્યું હતું. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી રૉયલ ઇન્ડિયન ઍરફોર્સને પાઇલટની તાતી જરૂર જણાવા લાગી. ૧૯૪૦ના ઑગસ્ટની પહેલી તારીખે એક દિવસ માટે તેણે નવા પાઇલટની ભરતી કરી. આવા કુલ ૭૨ પાઇલટને રૉયલ ઇન્ડિયન ઍરફોર્સમાં દાખલ કરવામાં આવ્યા. ખંડાલાવાલા એમાંના એક. આ બધાને વધુ ટ્રેઇનિંગ માટે લાહોર મોકલવામાં આવ્યા. ખંડાલાવાલા પણ ગયા. પણ પછી, કારણ તો જાણવા મળતું નથી પણ એ જ વરસના નવેમ્બરની ૩૦મી તારીખથી ખંડાલાવાલા રૉયલ ઇન્ડિયન ઍરફોર્સમાંથી છૂટા થયા.




રૉયલ ઇન્ડિયન ઍરફોર્સના પાઇલટ કાર્લ ખંડાલાવાલા.

જીવનભર ભજવેલી બીજી અને ત્રીજી ભૂમિકા વિશે ખંડાલાવાલા ઘણી વાર કહેતા : ‘કલા મારો વ્યવસાય છે. કાયદો તો એક શોખ છે.’ કલાસમીક્ષા અને કાયદો બન્ને ક્ષેત્રે તેઓ લગભગ જીવનના અંત સુધી કાર્યરત રહ્યા. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય ચિત્રો, મૂર્તિઓ, ચીજવસ્તુઓનો તેમનો વિશાળ સંગ્રહ જેટલો પૈસાને આધારે નહીં એટલો જ્ઞાન અને સમજણને આધારે ઊભો થયો હતો. તેમના એક નજીકના સગા બરજોર ટ્રેસુરવાલા પાસે મિનિએચર પેઇન્ટિંગનો મોટો સંગ્રહ. છેક ૧૯૨૧થી એ સંગ્રહનો અભ્યાસ કરવાની ખંડાલાવાલાને તક મળી. પછીનાં સોળ વર્ષમાં એક બાજુ વકીલોનું કાશી-કરબલા ગણાતા મિડલ ટેમ્પલ, ઇન્સ ઑફ કોર્ટ, લંડનમાંથી બાર-ઍટ-લૉ બન્યા. તો બીજી બાજુ ભારતીય કલાકૃતિઓના અભ્યાસ અને સંગ્રહ માટે આખા હિન્દુસ્તાનમાં ફરી વળ્યા. ૧૯૩૭થી પોતાનો અંગત કલાસંગ્રહ ઊભો કરવાનું શરૂ કર્યું. ૧૯૫૦માં દિલ્હીના નૅશનલ મ્યુઝિયમની ‘આર્ટ પર્ચેઝ કમિટી’ના સભ્ય નિમાયા એ સાથે અંગત સંગ્રહ માટે ખરીદી બંધ કરી જેથી conflict of interestને નામે કોઈ તેમની સામે આંગળી ચીંધી ન શકે. પણ સાથોસાથ ભારતીય કલા વિશેનાં પુસ્તકોનો અંગત સંગ્રહ કરવાનું શરૂ કર્યું. વખત જતાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય)ના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ બન્યા. પોતાનો ખૂબ મૂલ્યવાન કલાસંગ્રહ તેમણે આ મ્યુઝિયમને ભેટ આપી દીધો. આ સંગ્રહને માટે ખાસ એક અલાયદી ગૅલરી ઊભી કરીને મ્યુઝિયમે એને નામ આપ્યું ‘કાર્લ અને મેહરબાઈ ખંડાલાવાલા ગૅલરી’. ૨૦૧૨ના એપ્રિલની દસમી તારીખે એનું ઉદ્ઘાટન થયું. ભારતીય કલા વિશેનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં, દેશ-વિદેશમાં પ્રવચનો આપ્યાં. ૧૯૭૦માં તેમને પદ્મશ્રીનું બહુમાન ભારત સરકાર તરફથી મળ્યું અને ૧૯૮૦માં દિલ્હીની લલિત કલા અકાદમીના ફેલો બન્યા.


પણ હવે કલાની હદ ઓળંગીને પાછા જઈએ કાયદાની સરહદમાં.

અદાલત ફરી મળી ત્યારે ઇન્ડિયન નેવીના કમાન્ડિંગ ઑફિસર કમાન્ડર માઇકલ બેન્જામિન સૅમ્યુઅલને જુબાની માટે બોલાવવામાં આવ્યા.

જજ મહેતા : ૨૭ એપ્રિલની બપોરે શું થયું હતું એ વિગતે જણાવો.

કમાન્ડર સૅમ્યુઅલ : ન્યુ ક્વીન્સ રોડ પર આવેલા ‘મૂન લાઇટ’ નામના મકાનમાં ભોંયતળિયે આવેલા ફ્લૅટમાં હું રહું છું. મારા સ્ટડી રૂમની બારી બરાબર રસ્તા પર ખૂલે છે. એ દિવસે બપોરે હું બારીમાં ઊભો હતો. મેં એક માણસને મારા ઘર તરફ આવતો જોયો. જરા પાસે આવતાં મેં તેને ઓળખ્યો. એ હતા કમાન્ડર નાણાવટી. તેઓ હાંફળા-ફાંફળા જણાતા હતા. તેઓ બારી પાસે આવ્યા અને મને કહ્યું : Something very terrible has happened.

ભારતીય કલાઓના અભ્યાસી અને સંગ્રાહક કાર્લ ખંડાલાવાલા.

સૅમ્યુઅલ : પણ થયું છે શું એ તો કહો.

નાણાવટી : મને પૂરેપૂરી ખાતરી નથી પણ મોટે ભાગે મેં મારી પિસ્તોલમાંથી ચલાવેલી ગોળીને કારણે એક માણસ મરાયો છે.

સૅમ્યુઅલ : પણ આવું બન્યું કઈ રીતે?

નાણાવટી : એ માણસે મારી પત્નીને ભોળવી હતી. બન્ને વચ્ચે લફરું ચાલતું હતું. અને આવું હું કોઈ રીતે સાંખી ન શકું.

સૅમ્યુઅલ : એ રિવૉલ્વર ક્યાં છે?

નાણાવટી : મારી મોટરમાં.

સૅમ્યુઅલ : તમે ઘરમાં આવો. અને મને વિગતવાર કહો કે શું થયું છે.

નાણાવટી : ના. થૅન્ક યુ. મારે જવું જોઈએ. મને એ કહો કે મારે આ બાબત કોને જણાવવી જોઈએ?

સૅમ્યુઅલ : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને.

નાણાવટી : પ્લીઝ, તમે તેમને ફોન કરીને કહેશો કે હું તેમને મળવા આવું છું.

સૅમ્યુઅલ : હા, જરૂર.

સૅમ્યુઅલ : પછી નાણાવટી તેમની મોટર તરફ ચાલવા લાગ્યા પણ થોડુંક ચાલીને પાછા આવ્યા.

નાણાવટી : મારું એક કામ કરશો? ઘરની ચાવીઓનો આ ઝૂડો મારી પત્ની સિલ્વિયાને પહોંચાડશો?

સૅમ્યુઅલ : મેં હા પાડી. પછી ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને ફોન કરીને કહ્યું કે કમાન્ડર નાણાવટી તમને મળવા આવે છે. તેમણે પોતાની સર્વિસ રિવૉલ્વરમાંથી એક માણસ પર ગોળી ચલાવી છે. આ બનાવ રિપોર્ટ કરવા તે તમારી પાસે આવે છે. તેઓ પોતાની કાર જાતે ચલાવીને આવે છે. 

પછી તમે ચાવીઓ મિસિસ નાણાવટીને પહોંચાડી?

ના જી, કારણ હું તેમનો કૉન્ટૅક્ટ કરી શક્યો નહીં. સાંજે એક CID ઑફિસર મારી પાસે આવ્યા અને ચાવીઓ સોંપી દેવા મને જણાવ્યું એટલે મેં એ ચાવીઓ તેમને સોંપી દીધી.

રામ જેઠમલાણી : શું તમે નાણાવટીના ઉપરી છો?

સૅમ્યુઅલ : ના જી. અમારી બન્નેની રૅન્ક સરખી છે. પણ નોકરીનાં વર્ષોની બાબતમાં તેઓ મારા સિનિયર છે.

રામ જેઠમલાણી : શું તમે એમ કહેવા માગો છો કે આ બધી વાત તમને પૂરી સ્વસ્થતાથી કરી હતી?

સૅમ્યુઅલ : ના જી. તેઓ બિલકુલ અસંબદ્ધ બોલતા હતા. વચમાં-વચમાં અચકાતા હતા. પહેલાં તો તેઓ શું કહેવા માગે છે એ હું સમજી શક્યો નહોતો.

lll

આ કેસ શરૂ થયો ત્યાં સુધીમાં ડેપ્યુટી કમિશનર લોબોની બદલી અમદાવાદના સિનિયર જિલ્લા  સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે થઈ ચૂકી હતી. તેમને જુબાની માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું :

લોબો : બનાવના દિવસે હું બૉમ્બે પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ પર હતો. સાંજે પોણાપાંચના સુમારે મને કમાન્ડર સૅમ્યુઅલનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે મારી સલાહ પ્રમાણે કમાન્ડર નાણાવટી તમારી પાસે સરન્ડર કરવા આવે છે.

લોબો : કમાન્ડર નાણાવટી સાથે બીજું કોઈ છે? ડ્રાઇવર કે એસ્કોર્ટ?

સૅમ્યુઅલ : ના. તેઓ જાતે પોતાની ગાડી ચલાવીને આવે છે.

લોબો : પછી મેં ક્રાઇમ બ્રાન્ચના સુપરિન્ટેન્ડન્ટ કોરડે અને ઇન્સ્પેક્ટર મોકાશેને બોલાવ્યા. થોડી વાર પછી બહાર કોઈકના બોલવાનો અવાજ સંભળાયો : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોની ઑફિસ ક્યાં છે? મેં એ માણસને અંદર બોલાવ્યો. અંદર આવીને કમાન્ડર નાણાવટી મારી સામેની ખુરસીમાં બેસી ગયા અને જે કાંઈ બન્યું હતું એ જણાવ્યું. એ વખતે કોરડે અને મોકાશે બન્ને હાજર હતા. સ્ટેટમેન્ટ નોંધાવ્યા પછી કમાન્ડર નાણાવટીએ કહ્યું કે સર્વિસ રિવૉલ્વર અને વધેલી ગોળીઓ મારી મોટરમાં છે. મેં નાણાવટીને તાબામાં લેવા મોકાશેને કહ્યું અને નાણાવટીને સાથે લઈ જઈને પંચનામું કરીને તેમની મોટરમાંથી રિવૉલ્વર અને ગોળીઓ જપ્ત કરવા જણાવ્યું.

પછીના સાક્ષી હતા ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સપેક્ટર ગૌતમ. તેમણે જણાવ્યું કે બનાવના દિવસે હું મારબાવડી ખાતેના મારા ઘરે હતો ત્યારે સાંજે લગભગ સાડાપાંચ વાગ્યે મને મારા ગામદેવી પોલીસ સ્ટેશન પર ડ્યુટી માટે તાબડતોબ હાજર થવા જણાવાયું હતું. સેતલવડ રોડ પરના એક મકાનમાં ગોળીબારની ઘટના બની છે એમ મને કહેવામાં આવ્યું. લગભગ ૫.૩૫ વાગ્યે હું જીવનજ્યોત બિલ્ડિંગમાં પહોંચ્યો. ત્યારે આહુજાનું મોત થઈ ચૂક્યું હતું.

‘તમે ત્યાં પહોંચ્યા પછી શું કર્યું?

‘કાયદા પ્રમાણે પંચનામાની વિધિ કરી. મરનારના શરીર પર એકમાત્ર લાલ ટુવાલ વીંટાળેલો હતો.’

‘જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય અથવા મરનારે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હોય તો કમરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?’

‘સાધારણ રીતે નહીં.’

‘અચ્છા. તમે બીજું શું-શું જોયું?’

મરનારની છાતીના વચલા ભાગમાં, માથાની ડાબી બાજુએ અને ડાબા હાથની હથેળી પર ટચલી આંગળી નજીક ઘાનાં નિશાન હતાં. બેડરૂમમાંનું બધું જ ફર્નિચર વ્યવસ્થિત હતું. બેડરૂમની અંદર આવેલા બાથરૂમની બારીના કાચનો ઉપલો ભાગ તૂટી ગયો હતો. એના ટુકડા નીચે જમીન પર પડ્યા હતા. બનાવના સ્થળેથી બે વપરાયેલાં કારતૂસ, એક જોડ ચશ્માં અને એક ચંપલ મળી આવ્યાં હતાં; જ્યારે બીજું ચંપલ બેડરૂમમાં આવેલા પલંગ નજીકથી મળી આવ્યું હતું. બાથરૂમની પશ્ચિમ બાજુની દીવાલ પર લોહીના ડાઘ હતા. બાથરૂમના બારણા પર અને એના હૅન્ડલ પર પણ લોહીના ડાઘ હતા. બેડરૂમમાં આવેલા કબાટના એક ખાનામાંથી મને ૨૬ પત્રો અને બે ફોટોગ્રાફ મળી આવ્યા હતા. એક મોટા કવરમાં એ મૂકેલા હતા. આ ઉપરાંત જુદા-જુદા પ્રકારનો દારૂ ભરેલી બાટલીઓ તથા કેટલીક ખાલી બાટલી મળી આવી હતી. બેડરૂમમાં આવેલા કબાટ પર રાખેલી એક સૂટકેસમાં આ બધી બાટલીઓ રાખવામાં આવી હતી. આ ઉપરાંત પીળા રંગના કાગળનું એક મોટું કવર મળી આવ્યું હતું જેના પર લખ્યું હતું : લેફ્ટનન્ટ કમાન્ડર કે. એમ. નાણાવટી. પંચનામું કરીને મેં આ બધી વસ્તુઓ તાબામાં લીધી હતી. આ બનાવ વિશે વધુ તપાસ કરવાનું કામ મેં ઇન્સ્પેક્ટર મોકાશેને સોંપ્યું હતું.

વકીલ : તમે કહ્યું કે બાથરૂમની બારીનો એક કાચ તૂટેલો હતો અને એના ટુકડા બાથરૂમની ભોંય પર પડ્યા હતા.

તો તમે એ ટુકડા તાબામાં લીધેલા કે નહીં?

ના જી.

કેમ?

પંચનામામાં એની નોંધ લેવાનું મને જરૂરી લાગ્યું નહોતું એટલે. મને જરૂરી લાગી એટલી વસ્તુઓની જ મેં પંચનામામાં નોંધ લીધી હતી.

તમે આખા ઘરની તલાશી લીધી હતી?

ના જી. મેં માત્ર બેડરૂમ અને એમાં આવેલા બાથરૂમની જ તલાશી લીધી હતી.

અચ્છા. તો બેડરૂમ અને બાથરૂમની દીવાલો પર ક્યાંય ગોળીનાં નિશાન હતાં?

ના જી. જો મેં જોયાં હોત તો પંચનામામાં નોંધાવ્યાં હોત.

આહુજાના મોત માટે જવાબદાર ગણી શકાય એવી કોઈ વસ્તુ કે હથિયાર તમને બનાવવાળી જગ્યાએથી મળી આવ્યાં હતાં?

ના જી. મળી આવ્યાં હોત તો મેં પંચનામામાં નોંધ કરાવી હોત.

આ તબક્કે પંચનામામાં નોંધાયેલી વસ્તુઓ અદાલતમાં રજૂ કરવામાં આવી, જે ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ગૌતમે ઓળખી બતાવી હતી.

અદાલતની કારવાઈ પૂરી થાય એ પહેલાં જજ મહેતાએ જાહેરાત કરી કે આવતી કાલે અદાલત, એના કેટલાક કર્મચારીઓ તથા લાગતાવળગતા વકીલો જીવનજ્યોત બિલ્ડિંગમાં આવેલા ઘટનાસ્થળની મુલાકાત લેશે એટલે અદાલતમાંની આગળની કારવાઈ એ પછીના દિવસ પર મુલતવી રાખવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2025 03:35 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK