ટેક્નૉલૉજીને સસ્ટેનેબલ બનાવવાનું ૨૧ વર્ષના યુગ ભાટિયાએ જોયેલું સપનું અત્યારે કેટલી સુંદર રીતે આકાર પામી રહ્યું છે એ જાણીએ
કન્ટ્રોલ ઝીનો ફાઉન્ડર યુગ ભાટિયા.
ગુડગાંવ જેવા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક મોબાઇલ કંપની પર્યાવરણને બચાવવા માટે કમર કસી રહી છે અને વાંસ-માટીમાંથી ISO9001:2015-QMS સર્ટિફાઇડ ફૅક્ટરી બનાવી છે જેમાં હાઇલી ટેક્નિકલ રોબોઝ પણ કામ કરે છે. કન્ટ્રોલ ઝી નામની આ કંપની જૂના અને ફેંકી દેવા પડે એવા સ્માર્ટફોનને કચરાના ડબ્બામાં જતા અટકાવીને એને નવાનક્કોર અને નવા કરતાં વધુ વૉરન્ટી ધરાવતા સ્માર્ટફોનમાં તબદીલ કરી આપે છે જેનાથી વર્ષે ૫૦,૦૦૦ ટન કાર્બન ડાયોક્સાઇડ એમિશન ઘટે છે. ટેક્નૉલૉજીને સસ્ટેનેબલ બનાવવાનું ૨૧ વર્ષના યુગ ભાટિયાએ જોયેલું સપનું અત્યારે કેટલી સુંદર રીતે આકાર પામી રહ્યું છે એ જાણીએ
દિલ્હીમાં ઊછરેલો ૨૧ વર્ષનો જૅન ઝી યુગ ભાટિયાને સ્માર્ટફોન માટે અતિશય પ્રેમ. જોકે તેનો પરિવાર હાડોહાડ ઇકો-ફ્રેન્ડ્લી વિચારધારાવાળો. સસ્ટેનેબલ અને પર્યાવરણના સ્રોતોનો ઓછામાં ઓછો યુઝ કરીને સંવર્ધિત કરવાનું પૅશન ધરાવતા પરિવારની વિચારધારાએ યુગને સસ્ટેનેબલ ટેક્નૉલૉજી કેવી હોઈ શકે એ વિચારવા પ્રેર્યો અને એમાંથી જન્મ થયો કન્ટ્રોલ ઝીનો. ૨૦૨૦ના કોરોનાના લૉકડાઉનમાં આ વિચારનાં બીજ રોપાયાં. લોકો નવાં-નવાં મોબાઇલ ડિવાઇસની ઘેલછા પાછળ સારી કન્ડિશનના સ્માર્ટફોન કાઢી નાખતા એ જોઈને યુગના દિલમાં ટીસ ઊઠતી. દિલમાં પર્યાવરણ માટેનું પૅશન અને આજના યુગની ટેક્નૉલૉજી માટેના પ્રેમને કારણે તેણે ભારતની મોબાઇલ-ઇન્ડસ્ટ્રીનો ઊંડો અભ્યાસ કર્યો. જે રીતે લોકો બે-ત્રણ વર્ષ જૂના બ્રૅન્ડેડ મોબાઇલ ડિવાઇસને કાઢી નાખતા એ જોઈને તેને થયું કે આ વેસ્ટેજ તો બચાવી શકાય એવો છે જ. તેણે શરૂ કર્યું મોબાઇલ રિપેરિંગનું કામ. જે ઉંમરે યુવાનો નવી ટેક્નૉલૉજી અને સૉફ્ટવેઅર ડેવલપ કરીને લાખો-કરોડો રૂપિયાનું પૅકેજ અપાવતી જૉબની પાછળ પડ્યા હોય ત્યારે યુગે મોબાઇલના રિપેરિંગ-કામને અવ્વલ દરજ્જે પહોંચાડવાનું બીડું ઝડપ્યું. એ માટે પહેલાં તો સ્ટડી થયો કે કેમ સ્માર્ટફોન્સ ઝડપથી સ્લો થઈ જાય છે.
ADVERTISEMENT
વાંસ, કાચ અને માટીથી બનેલું રિન્યુ હબ બહારથી આવું લાગે છે.
આપણે કોઈ પણ નવો સ્માર્ટફોન ખરીદીએ તો એની વૉરન્ટી લગભગ છ મહિના કે એક વર્ષની હોય છે. વળી દર વર્ષે મોબાઇલ કંપનીઓ નવાં-નવાં મૉડલ્સ બહાર પાડ્યા કરે છે. એકમાં કૅમેરાની ક્વૉલિટી વધુ હોય તો બીજામાં મ્યુઝિકની ક્વૉલિટી, ત્રીજામાં વળી ડિસ્પ્લે જુદું હોય તો ચોથામાં વળી સ્માર્ટ લુક. આઇફોનની જ વાત કરીએ તો દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થતાં નવાં-નવાં અપગ્રેડેડ ડિવાઇસિસની ટેક્નૉલૉજીમાં કંઈ આભ-જમીનનો ફરક નથી હોતો. છતાં આઇફોનપ્રેમીઓ લેટેસ્ટ મોબાઇલ લેવા તલપાપડ થતા રહેતા હોય છે. જેઓ નથી લઈ શકતા તેઓ પણ ખિસ્સું ખેંચીનેય ‘મોંઘો’ સ્માર્ટફોન લેવાનું પ્રિફર કરે છે. જોકે તમે જોયું હોય તો બે-ત્રણ વર્ષમાં જ એ મોંઘા સ્માર્ટફોનનો પર્ફોર્મન્સ ધીમો પડવા લાગે છે. સ્માર્ટફોનના મૅન્યુફૅક્ચરિંગ વખતે કેટલાક લૂપહોલ્સ જાણીજોઈને ક્રીએટ કરવામાં આવે છે જેથી કસ્ટમર બે-ત્રણ વર્ષમાં જ નવો ફોન ખરીદવા માટે પ્રેરાય. આઇફોન, સૅમસંગ, વનપ્લસ, ઓપો કે વિવો જ નહીં; દરેક કંપનીના ફોનમાં આવું થાય છે જેને કારણે દર વર્ષે લગભગ ૩૦ કરોડ જેટલાં સ્માર્ટફોન અને ટૅબ્લેટ્સ ડિવાઇસ કચરામાં જાય છે. એમાંથી લગભગ ૩૦ ટકા જેટલાં ડિવાઇસ રિપેર કરી શકાય એવાં હોય છે અને લગભગ ૩ ટકા ડિવાઇસ તો રીફર્બિશ એટલે કે નવાં જેવાં જ ફરીથી બનાવી શકાય એમ હોય છે.
આ જૂનાં અથવા તો ડિફેક્ટિવ પીસ તરીકે કાઢી નખાયેલા સ્માર્ટફોન્સને નવાનક્કોર બનાવીને માર્કેટમાં મૂકીએ તો એટલો ઇલેક્ટ્રૉનિક વેસ્ટ ઘટી જાય. આ વેસ્ટ ઘટે તો પર્યાવરણને કેટલું નુકસાન થતું અટકે એની ગણતરી પણ યુગ ભાટિયાએ કરી લીધી.
મોબાઇલ રિફર્બિશિંગ ફૅસિલિટી.
સામાન્ય રીતે એક ફોન બનાવવા માટે મેટલની ખાણોમાંથી ૩૦ કિલો જેટલું ખનન થાય છે. એક સ્માર્ટફોન બનાવતી વખતે ૮૫ કિલો જેટલું લિક્વિડ અને સૉલિડ વેસ્ટ પેદા થાય અને ૧૩ ટન પાણીનો વપરાશ થાય. એક મોબાઇલ બનાવવા માટે જેટલી વીજળી વપરાય એનાથી એ ફોનને ૧૦ વર્ષ સુધી ચાર્જ કરી શકાય એમ હોય છે. એ પછી પણ સામાન્ય રીતે બે વર્ષની અંદર ફોનને ડિસ્કાર્ડ કરી દેવામાં આવે છે કેમ કે એનો પર્ફોર્મન્સ ધીમો પડી જાય છે. અત્યાર સુધીમાં ૧.૫ અબજ સ્માર્ટફોન કાટમાળમાં તબદીલ થઈ ગયા છે અને હજી એમાં ઉત્તરોત્તર વધારો થતો જ રહે છે. આ કાટમાળમાં ઝડપી વધારો ન થાય એ માટે જૂના મોબાઇલને રીફર્બિશ કરવા જેવો ઉત્તમ વિકલ્પ બીજો શું હોઈ શકે?
૨૦૨૦માં આ સ્ટાર્ટ-અપનાં મૂળ નખાયાં. જોકે કોઈ એવું ન સમજી લેતા કે આ કોઈ મોબાઇલ રિપેરિંગ સેન્ટર છે. યુગ ભાટિયાએ કન્ટ્રોલ ઝીના સ્માર્ટફોનને માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ નવાનક્કોર બનાવવાનું બીડું ઝડપ્યું હતું જે તેણે કરી પણ બતાવ્યું છે. આ કંપની ડિસ્કાર્ડ થયેલા મોબાઇલને રીફર્બિશ કરે છે. એ માટે કામચલાઉ રિપેરિંગ નથી થતું. સૌથી પહેલાં તો દરેક સિંગલ મોબાઇલને ડિસેમ્બલ કરવામાં આવે છે. એકેએક પાર્ટને જુદો કરવાનો. દરેકેદરેક પાર્ટની કામગીરી અને કન્ડિશન તપાસવાની. દરેક પાર્ટની એફિશ્યન્સી સુધારવા માટે જરૂરી સૉફ્ટવેઅર કે હાર્ડવેઅરની જરૂરિયાત પર કામ કરવાનું અને પછી એને એસેમ્બલ કરીને એના લુકને એક્ઝૅક્ટ નવા જેવો જ બનાવવાનું. આ પ્રક્રિયાનાં અનેક સ્ટેપ્સ માટે રોબો જેવાં મશીનો ડેવલપ કરવામાં આવ્યાં છે જે દરેક પાર્ટની એફિશ્યન્સી તપાસવાનું અને સુધારવાનું કામ કરે છે એને કારણે ચોકસાઈ લગભગ ૯૯.૯ ટકા જેટલી હોવાનો દાવો કંપની કરી શકે છે.
શરૂઆતનાં બેથી ત્રણ વર્ષ આ ટેક્નૉલૉજી ડેવલપ કરવામાં અને ટ્રાયલ રનમાં ગયા બાદ કન્ટ્રોલ ઝી ખરા અર્થમાં ૨૦૨૩ની સાલથી કામ કરતી થઈ છે. ૨૦૨૩માં ૧૦,૦૦૦ અને ૨૦૨૪માં ૨૫,૦૦૦ જૂનાં ડિવાઇસને નવાંનક્કોર કરીને વેચવામાં આવ્યાં હતાં. હવે ટાર્ગેટ છે ૫૦,૦૦૦ ડિવાઇસને રીફર્બિશ કરવાનો.
રિન્યુ હબનું કૅફેટેરિયા.
ફૅક્ટરી છે કે ફાર્મહાઉસ?
હવે તમને થશે કે શું યુગ ભાટિયાની કન્ટ્રોલ ઝીમાં માત્ર ટેક્નૉલૉજી જ એનર્જી સેવિંગ છે? ના, ગુડગાંવ જેવા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આ યુવાને ઇકો-કૉન્શ્યસ ફૅક્ટરી બનાવી છે. બહારથી જોઈને કોઈ કલ્પી પણ ન શકે કે આ કોઈ ટેક્નૉલૉજી કંપની છે અને એને ISO9001:2015-QMSનું સર્ટિફિકેશન મળ્યું છે. ખરા અર્થમાં એનર્જી કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ છે આ ફૅક્ટરી. એનું નામ પણ કંપનીના કામને અનુરૂપ છે - રિન્યુ હબ. બામ્બુ, કાદવ અને લાલ ઈંટોની મદદથી બનેલું આ હબ ઓછામાં ઓછી એનર્જીથી ચાલે એ રીતે બન્યું છે. ચોતરફ એટલાં વૃક્ષોની વનરાજી છે કે લાગે કે તમે કોઈ ફાર્મહાઉસમાં આવી ગયા છો. બામ્બુની દીવાલોની વચ્ચે કાચની અને ક્રૉસ વેન્ટિલેશન ધરાવતી બારીઓને કારણે ઇલેક્ટ્રિસિટીનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે. ઇન્ટીરિયર પણ મિનિમલિસ્ટિક અને ઇકો-ફ્રેન્ડ્લી છે. ક્યાંય કોઈ ફર્નિચર પર પણ તમને કેમિકલનો કોટ લાગેલો નહીં મળે. એટલું જ નહીં, પાણી અને વીજળી માટે આ ફૅક્ટરી આત્મનિર્ભર છે. સોલર સિસ્ટમની મદદથી ફૅક્ટરી ચલાવવા માટે જરૂરી ૮૦ ટકા વીજળી મળી જાય છે. રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને વૉટર રીસાઇક્લિંગ સિસ્ટમથી ઓછામાં ઓછા પાણીનો વ્યય થાય એવી વ્યવસ્થા એમાં બનાવેલી છે.
બામ્બુમાંથી બનાવેલું બિલ્ડિંગ ટકાઉ અને મજબૂત બની રહે એ માટે પણ પૂરતી કાળજી લેવામાં આવી છે અને પશ્ચિમ બંગાળના બામ્બુ આર્ટિસ્ટોની મદદથી એની ડિઝાઇન બનાવવામાં આવી છે. નૉર્થ-ઈસ્ટના વિસ્તારમાંથી મળતા ઉત્તમ પ્રકારના બામ્બુનો ઉપયોગ કરીને મડહાઉસ જેવી ફીલ આપતું બિલ્ડિંગ બનાવ્યું છે. એમાં નીચેના લેવલ પર લાલ ઈંટોનો ઉપયોગ થયો છે. યુગનું કહેવું છે કે આ બિલ્ડિંગમાં એક પણ ચીજ એવી નથી જે રીસાઇકલ ન થઈ શકે એમ હોય. જ્યાં હાઇલી ટેક્નિકલ મશીનો દ્વારા કામ લેવામાં આવે છે એ જગ્યાને ISO ક્લાસ 7 ક્લીનલીનેસ રેટિંગ મળેલું છે. ઠંડીમાં હૂંફ આપે અને ગરમીમાં પૂરતું કૂલિંગ આપે એવી બિલ્ડિંગની દીવાલો અને છાપરાની ડિઝાઇનને કારણે જ ખૂબ એનર્જી સેવિંગ થઈ જાય છે.
યુગનો એક જ મંત્ર છે – જો કામ ઇકો-કૉન્શ્યસ પ્રોડક્ટ્સ બનાવવાનું હોય તો એ પ્રોડક્ટ જેમાં બને છે એ જગ્યા પણ ઇકો-કૉન્શ્યસ જ હોવી જોઈએ. આ ફૅક્ટરી જાન્યુઆરી મહિનામાં જ કાર્યરત થઈ છે અને એને આગામી સમયમાં ઇકો-ફ્રેન્ડ્લી અને એનર્જી સેવિંગ ફૅક્ટરીની કૅટેગરીમાં અવૉર્ડ્સ મળે તો નવાઈ નહીં.
આટલું બચાવી ચૂકી છે કન્ટ્રોલ ઝી
૪૪,૪૧૨ ટન કાર્બન ડાયોક્સાઇડ એમિશન અટકાવ્યું છે
૯,૯૯,૦૦૦ સ્ક્વેર મીટરની જગ્યામાં પેદા થતું માઇનિંગ મટીરિયલ બચાવ્યું છે
૭૦.૧૮ અબજ લીટર પાણી વેડફાતું બચાવ્યું છે

