અંધેરીમાં રહેતી તોરલ શાહ અને ચેમ્બુરમાં રહેતા અંકિત નંદુનો ફોટોગ્રાફી માટેનો લગાવ એકબીજા પ્રત્યેના લગાવનું કારણ બન્યો.
તોરલ શાહ, અંકિત નંદુ
અંધેરીમાં રહેતી તોરલ શાહ અને ચેમ્બુરમાં રહેતા અંકિત નંદુનો ફોટોગ્રાફી માટેનો લગાવ એકબીજા પ્રત્યેના લગાવનું કારણ બન્યો. તોરલ વકીલાતનું ભણી પણ તેને બનવું હતું ફોટોગ્રાફર અને મનથી ફોટોગ્રાફીને વરેલા અંકિતને ફાઇનૅન્સમાં માસ્ટર્સ કરીને ફૅમિલી-બિઝનેસ જૉઇન કરવાનો હતો. જોકે કુદરતે આ બન્નેને મેળવી દીધાં અને જાણો કેવી એક્સાઇટિંગ રીતે શરૂ થઈ તેમની પ્રેમકહાણી
‘હું તો એકદમ સાચું કહું છું કે જો અંકિત મારી લાઇફમાં ન આવ્યો હોત તો સોએ સો ટકા હું આજે ફોટોગ્રાફીને આગળ ન વધારી શકી હોત. આજે હું મારા ઇમૅજિનેશનને કૅપ્ચર કરીને અંકિત સાથે મળીને દુનિયાને એક નવી નજરે જોઈ રહી છું. અમારા પૅશન અને પ્રોફેશન એક છે અને લકીલી અમે બન્ને પણ એક છીએ. આનાથી વધારે ભગવાન શું આપી શકે?’
ADVERTISEMENT
તોરલ શાહ નંદુના આ શબ્દો છે. ૧૦ વર્ષ પહેલાં અંકિત નંદુ સાથે મળીને તેમણે ‘કૅપ્ચરગ્રાફ’ નામની પોતાની કંપની શરૂ કરી છે જેને એક બાળકની જેમ બન્ને જણ મોટી કરી રહ્યાં છે. જોકે તોરલનો પ્રેમ તેના ફોટોગ્રાફીના પ્રેમથી ઇન્સ્પાયર્ડ છે અને અંકિતની લાઇફ-પાર્ટનર તોરલ બની એમાં પણ તેના ફોટોગ્રાફી માટેના પૅશનનો રોલ છે. તોરલ બાકાયદા વકીલ છે. તેણે LLBનો કોર્સ ફર્સ્ટક્લાસ સાથે પૂરો કર્યો છે. બીજી બાજુ અંકિતના પિતાનો પ્રિન્ટિંગનો બિઝનેસ છે અને એકનો એક દીકરો પિતાના જ બિઝનેસને સંભાળશે એ ધારીને તેની પાસે ફાઇનૅન્સમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરાવવામાં આવ્યું. જોકે તેમના પ્રેમ અને પૅશનને કારણે તેમની ડેસ્ટિની કોઈક જુદી જ દિશામાં જવાની હતી.
પહેલી મુલાકાત
બન્યું એવું કે તોરલની કઝિનનાં લગ્ન હતાં. લગ્નમાં પહેલી વાર અંકિત સાથે મુલાકાત થઈ. તોરલ કહે છે, ‘મારી કઝિન અને અંકિતનો કઝિન લગ્ન કરી રહ્યાં હતાં એટલે બધા જ પ્રસંગોમાં ક્લોઝ્લી અમે બન્ને જોડાવાનાં હતાં. એમાં જ પરિચય થયો. જોકે લગ્નમાં તો આપણે ઑપોઝિટ સાઇડના ઘણા લોકોને મળતા હોઈએ. મેં ત્યારે બહુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ મારું પહેલું ફોકસ ત્યારે ગયું જ્યારે મેં જોયું કે અંકિત પાસે DSLR કૅમેરા છે. મને ફોટોગ્રાફીનો શોખ હતો અને ત્યારે મને ઇચ્છા પણ હતી કે હું ફોટોગ્રાફર જ બનું. જોકે મારા પેરન્ટ્સ, ખાસ કરીને મારા પપ્પા એ વાતથી ખુશ નહોતા કારણ કે આજથી બારેક વર્ષ પહેલાં ફોટોગ્રાફી કંઈ રિસ્પેક્ટફુલ પ્રોફેશન નહોતો. પ્લસ એમાં એવી આવક પણ નહીં. સૌથી મહત્ત્વનું વાત, છોકરી હોવાને કારણે લેટનાઇટ શૂટ હોય કે ડેસ્ટિનેશન વેડિંગ માટે બહારગામ જવાનું આવે એ તેમને બરાબર નહોતું લાગતું. લગ્ન પછી સાસરિયા પક્ષ આવું બધું ન ચલાવે અને એમાં કરીઅર પણ લાંબી ન ચાલે એટલે મેં મારું ડ્રીમ પડતું મૂક્યું હતું. મારા ફાધર પ્રોફેસર છે અને મમ્મી પણ LLB થયેલાં છે. એટલે મેં LLB ભણવાનું શરૂ કર્યું. ભણવાનું ચાલુ જ હતું અને અંકિત સાથે ઓળખાણ થઈ અને બસ, પછી તો ફોટોગ્રાફીના કૉમન શોખને કારણે અમારી વચ્ચે વાતો ચાલુ થઈ. તે મને DSLR કેવી રીતે વપરાય એ શીખવતો અને હું એક્સાઇટમેન્ટ સાથે મારા આઇડિયાઝ તેની સાથે શૅર કરતી.’
કામ શરૂ કર્યું સાથે
અંકિતના મનમાં પણ નક્કી હતું કે હૉબી તરીકે જ તે ફોટોગ્રાફીમાં આગળ વધી શકશે. જોકે એવામાં એક ઑફર આવી. અંકિત કહે છે, ‘મારા એક કઝિનને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવું હતું. ત્યારે આપણે ત્યાં પ્રી-વેડિંગ ફોટોશૂટની એવી કોઈ બોલબાલા નહોતી. એટલે મેં તોરલને પૂછ્યું તે મારી હેલ્પ કરી શકે તો. આ કોઈ પ્રોફેશનલ અસાઇનમેન્ટ નહોતું, માત્ર શોખને કારણે જ કઝિને પૂછેલું ને મેં હા પાડી દીધી. તોરલે એના માટે ખૂબ રિસર્ચ કર્યું. અમે લોકોએ લોકેશન્સ ફાઇનલ કરીને આખું શૂટ કર્યું, એડિટિંગ પણ કર્યું. ત્યારે મેં ફોટોગ્રાફીને લગતો એક કોર્સ કરી લીધો હતો.’
તોરલ કહે છે, ‘મને પણ અંકિતે એ કોર્સ માટે પૂછેલું પણ મને ઘરેથી પરમિશન ન મળી. એટલે જ જ્યારે આ પ્રી-વેડિંગમાં હેલ્પ માટે અંકિતે પૂછ્યું ત્યારે પણ મેં એ જ કહેલું કે મને કંઈ જ નથી આવડતું. જોકે સાથે કામ કરવામાં હું પણ ઘણું શીખી અને અંકિત પણ મારા વિઝનથી ઇમ્પ્રેસ થઈ ગયો હતો. એ પછી તો વાયા-વાયા બીજા બે-ત્રણ પ્રોજેક્ટ આવ્યા જેમાં અમે સાથે કામ કર્યું અને અમને એ દરમ્યાન સમજાઈ ગયું હતું કે અમારી વચ્ચે એક જોરદાર કેમિસ્ટ્રી છે અને સાથે હોઈએ ત્યારે બન્નેમાં જુદો જ નિખાર હોય છે.’
ભાઈનાં મૅરેજ
બન્ને સાથે કામ કરતાં ત્યારે નૅચરલી બન્નેના પરિવારોને અંદેશો આવી રહ્યો હતો કે કોઈક જુદી ખીચડી બન્ને વચ્ચે બની રહી છે. તોરલ કહે છે, ‘મારા પપ્પાને શરૂઆતમાં તકલીફ હતી, કારણ કે ફોટોગ્રાફીને તેઓ બહુ ગ્રેટ રીતે નહોતા જોતા. જોકે એકાદ વર્ષ કામ જોયા પછી તેમને થયું કે નહીં, મારી દીકરી આની સાથે ખુશ રહેશે અને અંકિતની ફૅમિલીએ પણ સ્વીકારી લીધું. અમારા પહેલા પ્રોજેક્ટ પછી તરત જ અમે અમારી કંપની શરૂ કરી હતી. શરૂઆતમાં અંકિત ઍન્ડ તોરલ ફોટોગ્રાફી લખતા ત્યારે પરિવારને એ ગમતું નહોતું એટલે જ કંપની બનાવવાનો વિચાર આવેલો. અમારા બન્નેની જોડીને જોકે ફૅમિલીએ મારા ભાઈનાં લગ્નમાં પૂરેપૂરી ઍક્સેપ્ટ કરી લીધી. બહુ જ લૅવિશ રીતે લગ્ન કરેલાં જેમાં ફોટોગ્રાફર તરીકે અમે બન્ને હતાં. એમાં અમારું કામ અમારા રિલેશન પર પણ થપ્પો મારી ગયું અને સાથે અમારા માટે એક નવી જ દુનિયાના દરવાજા પણ કાયમ માટે ખોલી ગયું. એ વખતે અમે કરેલા કામની ક્વૉલિટીએ દુનિયાને દેખાડી દીધું કે ફોટોગ્રાફી કયા સ્તરનું આર્ટ-ફૉર્મ છે.’
પોતાનાં લગ્નમાં
છેલ્લાં પાંચ વર્ષથી સર્ટિફાઇડ ન્યુ-બૉર્ન ફોટોગ્રાફર પણ બની ગયેલી તોરલ અને અંકિતનાં લગ્નને પણ ૬ વર્ષ થઈ ગયાં છે. પોતાનાં લગ્નની અને પોતાના પ્રી-વેડિંગની ફોટોગ્રાફી પણ તેમના ગાઇડન્સ પ્રમાણે તેમની ટીમે કરી હતી. તોરલ કહે છે, ‘મને યાદ છે કે સંગીતમાં મારી બહેન મને લિટરલી વઢી હતી કે તું અત્યારે ફોટોગ્રાફર નહીં પણ બ્રાઇડ છે, ડોન્ટ ફર્ગેટ ઇટ. કારણ કે ત્યારે પણ હું ફોટોગ્રાફરને ગાઇડ કરી રહી હતી અને મારું ધ્યાન લગ્નની વિધિ વખતે પણ ફોટોગ્રાફરના ઍન્ગલ પર હતું. હાથમાં માત્ર વૉકીટૉકી નહોતું પણ મગજ તો બન્નેના ટીમનો કયો મેમ્બર કઈ મોમેન્ટ કૅપ્ચર કરી રહ્યો છે અને તેમના કૅમેરાના ઍન્ગલ કેવા છે એ જ વિચારવામાં હતું.’
ફોટોગ્રાફી અને તોરલ બન્ને મળી ગયાં એ વાતથી પારાવાર સંતુષ્ટ અંકિત કહે છે, ‘મારી લાઇફના બન્ને લવ સતત મારી સાથે હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે એકબીજાથી થાકતાં કે કંટાળતાં નથી? કારણ કે નૉર્મલી કપલ પોતાના પ્રોફેશનલ કામને કારણે જુદાં પડે અને પાછાં ભેગાં થાય. ઍટ લીસ્ટ દિવસના સાતથી આઠ કલાક તો જુદાં હોય જ. અમારા કેસમાં અમે મોટા ભાગે બધે જ સાથે હોઈએ. ઇન ફૅક્ટ, હવે તો એવું છે કે ક્યારેક તોરલ ન હોય તો મને કામ કરવાનું મોટિવેશન જ ન હોય. મારી ઇન્સ્પિરેશન, મારી લાઇફ-પાર્ટનર, મારી વર્ક-પાર્ટનર તોરલ જ છે. તેનું વિઝ્યુઅલાઇઝેશન સ્ટ્રૉન્ગ છે અને હું ટેક્નિકલી સાઉન્ડ છું. એ રીતે અમે બન્ને એકબીજાને સારી રીતે કૉમ્પ્લીમેન્ટ કરતાં હોઈએ છીએ.’

