ગોરેગામમાં રહેતાં પ્રજ્ઞા મારુએ ત્રણ દીકરીઓના હાયર એજ્યુકેશન માટે મીઠાઈઓ બનાવવાનું શરૂ કર્યું હતું, એ પછી કૉર્પોરેટમાં રોજની પાંચ-સાત હજાર રોટલીઓ બનાવીને મોકલતાં
પ્રજ્ઞા મારુ
ગોરેગામમાં રહેતાં પ્રજ્ઞા મારુએ ત્રણ દીકરીઓના હાયર એજ્યુકેશન માટે મીઠાઈઓ બનાવવાનું શરૂ કર્યું હતું, એ પછી કૉર્પોરેટમાં રોજની પાંચ-સાત હજાર રોટલીઓ બનાવીને મોકલતાં. એ પછી ડ્રમસ્ટિક, મિલેટ્સ, પમ્પકિનની પૂરી, મિલેટ્સના ગાંઠિયા જેવાં ઇનોવેટિવ ફરસાણ વેચવાનું શરૂ કર્યું છે અને એની ડિમાન્ડ પણ સતત વધી રહી છે
સ્ત્રી પાવરફુલ છે પરંતુ એ સ્ત્રી જ્યારે માતા બને ત્યારે તે ડબલ પાવરફુલ બની જતી હોય છે. માતા તરીકે પોતાનાં સંતાનોની જરૂરિયાત માટે પર્વત પાર કરી જાય અને તોફાની દરિયો પણ તરી જાય એવા અઢળક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. ગોરેગામમાં રહેતાં ૫૬ વર્ષનાં પ્રજ્ઞા મારુના જીવનની દિશા પણ માતા તરીકે મનમાં ઊભી થયેલી કેટલીક ચિંતાઓને કારણે બદલાઈ અને આજે એ દિશામાં જ તેઓ મક્કમતા સાથે આગળ વધી રહ્યાં છે. ત્રણ દીકરીઓનાં મમ્મી પ્રજ્ઞાબહેન મુંબઈમાં જ જન્મ્યાં અને ઊછર્યાં છે. જોકે નબળી આર્થિક સ્થિતિ વચ્ચે જીવનને આગળ વધારવાનો સંઘર્ષ તેમણે બાળપણમાં જ જોયો હતો. તેમના મનમાં એમ જ હતું કે ગમે તે થાય તો પણ જે સંઘર્ષ મેં વેઠ્યો છે એ મારી દીકરીઓને ન વેઠવો પડે અને એમાં જ ગૃહઉદ્યોગની ડગરમાં તેઓ આગળ વધ્યાં.
ADVERTISEMENT
જરૂરિયાત સમજાઈ
એક પાર્ટનર સાથે મળીને હસબન્ડ કરિયાણાની દુકાન ચલાવે છે અને પ્રજ્ઞાબહેન સાડીઓને ફૉલ-બિડિંગ કરવા જેવાં નાનાં-મોટાં સિલાઈકામ કરતાં. વાતની શરૂઆત કરતાં તેઓ કહે છે, ‘હું હાથખર્ચ જેટલું સિલાઈકામમાં મેળવી લેતી. ત્રણ દીકરીઓ હતી એટલે તેમના ઉછેરમાં પણ સમય જઈ રહ્યો હતો. જોકે દીકરીઓ મોટી થઈ અને લાગ્યું કે હવે તેમને આગળ ભણવું હશે તો એનો ખર્ચ વધશે અને મારા હસબન્ડ એકલા હાથે પહોંચી નહીં શકે તો? મારે દીકરીઓને હાયર એજ્યુકેશન આપવું હોય તો કંઈક કામ કરીને આવક ઊભી કરવી જોઈએ. કૉલેજની ફી વગેરેને પહોંચી વળવાનું કામ સરળ નહોતું. લગ્ન પછી સાસુ પાસેથી જ કુકિંગ શીખી હતી અને મીઠાઈઓ બનાવતાં પણ શીખી હતી. એટલે ઘરે જ રહીને મેં ટ્રેડિશનલ મીઠાઈઓ અને કેટલીક મૉડર્ન મીઠાઈઓ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો પરિચિતો પાસેથી ઑર્ડર આવતો અને મહિનાની પાંચ-દસ હજારની આવક શરૂ થઈ. એ પછી ધીમે-ધીમે માઉથ-પબ્લિસિટીથી વધુ લોકો સુધી વાત પહોંચી. આ કામ ચાલી રહ્યુ હતું ત્યારે કોઈકે કહ્યું કે કૉર્પોરેટ કંપનીમાં દિવાળીમાં મોટા ઑર્ડર મળી શકે અને ખરેખર એવું બન્યું. દિવાળીમાં હું મારી દીકરીઓના સપોર્ટથી આખી આખી રાત જાગીને મીઠાઈના બલ્ક ઑર્ડર માટે મહેનત કરતી અને ક્લાયન્ટને સમયસર ડિલિવરી કરતી. એવું પણ બન્યું છે કે એક જ સીઝનમાં અઢી-ત્રણ લાખનો બિઝનેસ થયો હોય. જોકે ક્યારેક એવું પણ બન્યું કે મીઠાઈઓ બનાવી દીધી પણ પૂરતો ઑર્ડર ન મળ્યો. જોકે હિંમત ન હારી. એ દરમ્યાન કોઈકે કહ્યું કે પોતાની દુકાન કરો તો વધુ માલની ખપત થાય. એ અખતરો પણ કરી જોયો. જોકે એમાં ખાસ જામ્યું નહીં.’
દરરોજની ૮ હજાર રોટલી
એક સમયે કૉર્પોરેટ કંપનીમાં દરરોજની પાંચથી સાત હજાર રોટલીઓ બનાવીને પ્રજ્ઞાબહેન પહોંચાડતાં. તેમને એક કંપનીના કર્મચારીઓ માટે ભોજન મોકલવાનો ઑર્ડર હતો. એના માટે પણ દરરોજ અઢીસો જણ માટે શાક અને પાંચ હજાર જેટલા પરાઠાં બનાવીને મોકલતાં. એ સમયે આઠ માણસોનો સ્ટાફ મેં રાખ્યો હતો એમ જણાવીને પ્રજ્ઞાબહેન કહે છે, ‘૨૦૧૭માં એક પરિચિતે કહ્યું કે કૉર્પોરેટ કંપનીઓમાં રોટલીની ખાસ્સી ડિમાન્ડ હોય છે, તમે જો એ કામ કરો તો. મેં એ પણ શરૂ કર્યું. રોટલીનું કામ જામી ગયું હતું એટલે મેં પાંચ લાખમાં એક રોટી-મેકર મશીન જ લઈ લીધું હતું. એના માટે બૅન્કમાંથી મુદ્રા યોજના હેઠળ લોન લીધી હતી. રોટી-મેકર મશીનને કારણે યુનિફૉર્મિટી જળવાતી અને સાથે હાઇજીન પણ રહેતું. એક સમયે દરરોજની આઠ હજાર રોટલીઓ અમે ડિલિવર કરતાં હતાં. જોકે થોડોક સમય એ કામ કર્યું પણ પછી એમાં પણ ઉતારચડાવ આવતા હતા અને કામમાં કંઈક ખૂટતું લાગતું હતું. એ દરમ્યાન ઇનોવેટિવ પૂરી બનાવવાનો વિચાર આવ્યો. તમને જો યાદ હોય તો કોવિડ પછી ડ્રમસ્ટિકના હેલ્થ-બેનિફિટ્સની ખૂબ વાતો થઈ રહી હતી. સાથે પમ્પકિન સીડ્સ વગેરેનો ઉપયોગ પણ લોકો કરી રહ્યા હોવાનું જોયું. કંઈક એવું બનાવવું જેની રોટલી કરતાં વધુ ટકાઉ હોય અને જે બીજું કોઈ બનાવતું પણ ન હોય. એટલે રોટી-મેકર મશીન વેચીને એના બદલે પૂરી-મેકર મશીન ખરીદ્યું જેમાં મેં થોડીક ઇનોવેટિવ પૂરીનો કન્સેપ્ટ ટ્રાય કર્યો. મોરિંગા એટલે કે સરગવાની સિંગની પૂરી, પમ્પકિન સીડ્સની પૂરી અને મઠિયાની પૂરી આ ત્રણ મુખ્ય પૂરીની પૅટર્ન લૉન્ચ કરી અને ફરસાણની દુકાનોનો સંપર્ક કરીને તેમને આ વરાઇટી આપી. એક વર્ષમાં એટલી ડિમાન્ડ હતી કે એને પૂરી કરવામાં જ સમય નીકળી જતો. એ દરમ્યાન પોતાની ફૅક્ટરી કરી લીધી હતી અને કામ માણસોને સોંપીને મેં બીજા કન્સેપ્ટ વિચારવાનું કામ શરૂ કર્યું.’
સતત ઇનોવેશન
અત્યારે લગભગ ૧૬ જેટલી પૂરી અને ફરસાણની આઇટમોનું સર્જન કેવી રીતે થયું એની વાત કરતાં પ્રજ્ઞાબહેન કહે છે, ‘સરગવાની શિંગની પૂરીની ડિમાન્ડ અત્યારે સર્વાધિક છે પરંતુ એ સિવાય મિલેટ બાઇટ્સ, પમ્પકિન ચિપ્સ, જૅગરી પૂરી, બિટર-બેટર ગુડ ક્રિસ્પ નામની કારેલાંની પૂરી, મઠિયા પૂરી વગેરે પણ ખૂબ વેચાઈ રહ્યાં છે. આ બધી જ વસ્તુઓ સમૃદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની બ્રૅન્ડ હેઠળ વેચવાનું શરૂ કર્યું છે અને મોટા ભાગે તો બલ્ક ઑર્ડર પર જ વધારે ફોકસ હોય છે. જોકે એ સિવાય કોઈને વ્યક્તિગત જોઈતું હોય તો એમાં પણ મદદ કરીએ છીએ. અહીં હું ખાસ કહીશ કે આ આખી જર્નીમાં મને વર્ધમાન જૈન ગૃહ ઉદ્યોગનો ખૂબ સપોર્ટ મળ્યો છે. ઘણી પ્રોડક્ટ્સ ડેવલપ કર્યા પછી એને લોકો સુધી પહોંચાડવામાં આ સંસ્થા મારા માટે રાહબર જેવી હતી.’
અહીં ઉલ્લેખનીય છે કે જે દીકરીઓના હાયર એજ્યુકેશન માટે પ્રજ્ઞાબહેનની આ જર્ની શરૂ થઈ હતી એમાં પણ તેમને સફળતા મળી જેનો તેમને ભરપૂર સંતોષ છે. તેઓ કહે છે, ‘મોટી દીકરી અત્યારે લગ્ન પછી પણ PhD કરી રહી છે. વચલી દીકરીએ MCom કર્યું અને તેનાં પણ લગ્ન થઈ ગયાં છે. સૌથી નાની દીકરીએ વકીલાતની ડિગ્રી મેળવીને પ્રૅક્ટિસ શરૂ કરી છે. મારા મનમાં એક વાત હતી કે હું જ્યારે ભણતી હતી ત્યારે સમાજની સંસ્થા પાસેથી મદદ લઈને ભણી હતી. ઑલરેડી સમાજનું ઋણ મારા માથે હતું. મારે મારી દીકરીઓ માટે એ વાત રિપીટ નહોતી થવા દેવી. ઉપરવાળાની એવી કૃપા કે મને ડગલે ને પગલે સાચી દિશા દેખાડનારા લોકો મળતા ગયા. હજીયે હું નવી-નવી આઇટમો ડેવપલ કરવામાં મગજ દોડાવી રહી છું. હાર્ડ વર્ક ઓછું કર્યું છે પરંતુ માઇન્ડ વર્ક ચાલુ છે. આવનારા સમયમાં આની કંપની શરૂ કરું અને એક મોટી બ્રૅન્ડ તરીકે એનું નામ થાય અને મારી દીકરીઓને આ બ્રૅન્ડ આગળ વધારવા માટે સોંપી દઉં એ જ મારું સપનું છે. અત્યારે પણ દરરોજ ૧૨ કલાક કામ કરીને ૨૦૦ કિલો જેટલું ફરસાણ અમે બનાવીએ છીએ.’

