કારકિર્દીમાં અઢળક ઉતાર-ચડાવ વચ્ચે કઈ રીતે તેમણે પોતાની અંદરના ખેડૂતને હજીયે જીવતો રાખ્યો છે એ જર્ની જાણવા જેવી છે
જયરાજ શેઠ
લોઅર પરેલમાં રહેતા જયરાજ શેઠ એક તબક્કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની ઝળહળતી કારકિર્દી છોડીને ખેડૂત બનવા માટે મુંબઈ છોડીને દમણ પાસે આવેલા પોતાના ગામડે જતા રહ્યા હતા. જોકે સ્પેશ્યલ ચાઇલ્ડ દીકરીને જરૂરી સારવાર અને માવજત આપવા માટે નાછૂટકે તેમણે ફરી મુંબઈની ડગર પકડવી પડી. કારકિર્દીમાં અઢળક ઉતાર-ચડાવ વચ્ચે કઈ રીતે તેમણે પોતાની અંદરના ખેડૂતને હજીયે જીવતો રાખ્યો છે એ જર્ની જાણવા જેવી છે
મુંબઈની ટૉપ ફર્મમાં તમે પાર્ટનર બની ગયા હો અને તમારી કલ્પના કરતાં સારી આવક સાથે તમારી કારકિર્દી પાટા પર ચડી ગઈ હોય એની વચ્ચે તમે એ કારકિર્દીને અલવિદા કહીને પોતાના પૅશનને અનુસરીને ખેતી કરવા નીકળી પડો એ નિર્ણય આજના બુદ્ધિશાળી વર્ગને પાગલપન જેવો લાગી શકે છે. જોકે લોઅર પરેલમાં રહેતા જયરાજ શેઠ આવો નિર્ણય લઈ ચૂક્યા છે. આ એક નહીં પણ આવા અઢળક બોલ્ડ અને સાંભળનારાને અવ્યવહારુ લાગે એવા નિર્ણયો તેમણે જીવનમાં અઢળક વાર લીધા છે. ક્યારેક ફૅમિલીની કમ્ફર્ટ ફોકસમાં હતી તો ક્યારેક પોતાને પડકારવાની મનશા હતી. એક અનોખા ફાર્મર-કમ-ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને મળીએ આજે.
ADVERTISEMENT
પપ્પાનો ઉછેર
વાપીથી લગભગ ૧૭ કિલોમીટરના અંતરે આવેલા ફણસા નામના ગામના મૂળ વતની જયરાજ સંપતરાય શેઠને પ્રકૃતિ માટેનો પ્રેમ અને સાદગીભર્યા જીવનનો રંગ તેમના પિતાને કારણે જ લાગ્યો. તેઓ કહે છે, ‘મારા પિતાજી ફ્રીડમ-ફાઇટર હતા. ૧૯૪૪માં તેઓ બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ગયા. અહીં આવ્યા પછી હિન્દુસ્તાન લિવરમાં જોડાયા. એ પછી મુંબઈ હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા અને સાથે અમારી વારસાગત જમીન પર ખેતી પણ કરતા. મારો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા પરંતુ ગામડામાં આવજા ખૂબ નિયમિત હતી. અમારું વેકેશન, અમારા વીક-એન્ડ બધું જ અમારા ગામ ફણસામાં હોય. મારા પિતાજીએ ફણસામાં ઝાડ નીચે એક સ્કૂલ શરૂ કરી હતી, જે આગળ જતાં વિશાળ થઈ. બાળપણથી જ ગામડાની આ સાદી જિંદગીનું એક્સપોઝર હતું અને મુંબઈમાં ભણતો ત્યારે પણ એ શુદ્ધ હવા-પાણીને ખૂબ મિસ કરતો. ઇન ફૅક્ટ, હું ન્યુ એરા સ્કૂલમાં ભણ્યો છું અને મારી સ્કૂલનો કૅમ્પ પણ અમારા ગામડે યોજ્યો હતો.’
નક્કી કર્યું કે ખેતી જ કરવી
મુંબઈમાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી જયરાજભાઈ ફુલટાઇમ ખેતી માટે ગામડે શિફ્ટ થઈ ગયા. તેઓ કહે છે, ‘આ નિર્ણય બોલ્ડ હતો કારણ કે પિતા બૅરિસ્ટર હતા. છ ભાઈ-બહેનોમાં હું સૌથી નાનો અને મારી સ્કૂલમાં મોટા ભાગના લોકો CA કે એન્જિનિયરિંગમાં ગયા હતા અને હું કૉમર્સ ગ્રૅજ્યુએશન કર્યા પછી ખેતી કરવાની જીદ પર હતો. જોકે મારા પિતાજીનો ફુલ સપોર્ટ મળ્યો. હું વીસ વર્ષનો હતો અને ગામડાની સ્થિતિ આમ નબળી, કારણ કે વીજળી અને પાણીની ભારે અછત. મારે સાદું જીવન જીવવું છે એવું મનમાં નક્કી હતું એટલે મને એનાથી પણ પ્રૉબ્લેમ નહોતો, પરંતુ ખેતીના કામને આગળ વધારવા માટે ભારે તકલીફ પડી રહી હતી. ૧૦૦ એકર જમીન હતી એટલે ખેતીનો સ્કોપ ઘણો હતો પણ પાણી વગર કેટલું ચાલે? જોકે સવારે ખેતરમાં કામ કરવાનું અને સાંજે ગામનાં બાળકોને ઇંગ્લિશ ભણાવવાનું આ રૂટીન મસ્ત જામેલું હતું. પપ્પાએ મારી સાથે વાત કરી કે હવે આગળ ભણી લે, કારણ કે અહીં ખાસ ડેવલપમેન્ટ થાય એની સંભાવના નથી.’
CA બનવાનું નક્કી કર્યું
પિતાજીએ વકીલાતનું ભણવાનું સજેશન આપેલું પરંતુ બહેન-બનેવી દક્ષાબહેન અને જવાહર બક્ષી એ સમયે CA થયેલાં. જયરાજભાઈ કહે છે, ‘તેઓ મને બંસી મહેતા ફર્મમાં મળવા લઈ ગયાં અને ત્યાં નક્કી કર્યું કે અહીં કામ કરતાં-કરતાં CAની તૈયારીઓ કરવી. પહેલી બે એક્ઝામ મેં પાસ કરી અને એમાં હું ભારતમાં ૧૭મા નંબરે આવ્યો એટલે બંસીભાઈને થયું કે છોકરો બ્રાઇટ છે એટલે તેમણે મને ફાઇનલ માટે વધુ ધ્યાનથી ભણવા પણ કહ્યું અને સાથે પાસ થયા પછી પાર્ટનરશિપની હિન્ટ પણ આપી દીધી હતી. હું બરાબર ભણી શકું એટલે ઑડિટ પર મોકલવાને બદલે મને ઑફિસનાં જ કામ આપવામાં આવતાં. મને બાજુમાં બેસાડીને તેઓ કામ શીખવતા. મારી ફાઇનલ એક્ઝામ નજીક હતી અને એક દુર્ઘટના ઘટી. મારા પપ્પા હાર્ટ-અટૅકને કારણે ગુજરી ગયા. મારા માટે અકલ્પનીય રીતે આઘાતજનક ઘટના હતી. બાર કે તેર દિવસમાં જ એક્ઝામ હતી. તેમની અંતિમવિધિ તો મુંબઈમાં થઈ એટલે હાજર રહી શક્યો, પરંતુ એ પછી બારમું વગેરે તમામ વ્યવહાર ફણસામાં થયા એટલે હું એમાં હાજર ન રહી શક્યો, જોકે એ સમયે મારા કુટુંબને બંસીભાઈએ જ સમજાવ્યું કે તે છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યો છે, તેને એક્ઝામ આપવા દો. મારા બાપુજીનું બારમું હતું એ દિવસે હું મુંબઈમાં એક્ઝામ આપવા ગયો હતો. એક્ઝામમાં હું એક ગ્રુપમાં ફેલ થયો. બંસીભાઈની ફર્મમાં પાર્ટનર ન બની શક્યો, પણ એ વખતે મારા શેઠ-કમ-ગુરુ બંસીભાઈએ ફરી એક્ઝામ અપાવડાવી અને ગઈ એક્ઝામમાં જે વિષયમાં હું ફેલ થયો હતો એમાં મને ટૉપર લેવલના માર્ક્સ આવ્યા. જાન્યુઆરીમાં CA બન્યો અને એપ્રિલમાં મને બંસી મહેતાની ફર્મમાં પાર્ટનર બનાવી દેવામાં આવ્યો. પચીસ વર્ષની ઉંમરે પાર્ટનરશિપ આપી હોય એવો હું પહેલો દાખલો હતો. પાંચ વર્ષ આ ફર્મમાં કામ કર્યા પછી મેં ફેલો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી લઈ લીધી. જોકે આ તમામ જર્નીમાં મારી અંદરનો ખેડૂત મને ચિલ્લાઈ-ચિલ્લાઈને કહેતો કે ગામડે જા અને હું પણ દર થોડાક દિવસે ગામડે જતો. ઇન ફૅક્ટ, અમારી ફર્મના દુબઈના એક અગ્રણી ક્લાયન્ટે જ મને ‘ફાર્મર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ’નું બિરુદ આપ્યું હતું.’
અહીં ઉલ્લેખનીય છે કે પિતાની હયાતીમાં જયરાજભાઈની સગાઈ થઈ ગઈ હતી અને પિતાએ નક્કી કરેલી તારીખે જ તેમનાં લગ્ન થયાં. તેમને ત્યાં દીકરી વૈદેહીનો જન્મ થયો જે તેમના જીવનનો ખૂબ મોટો ટર્નિંગ પૉઇન્ટ બનવાની હતી.
પાછા પહોંચ્યા ગામડે, પણ...
મુંબઈમાં CAની પ્રૅક્ટિસમાં લગભગ સાત-આઠ વર્ષ કામ કર્યા પછી ફરી પાછા સહપરિવાર ફણસા શિફ્ટ થવાનો બોલ્ડ ડિસિઝન ૩૨ વર્ષની ઉંમરે જયરાજભાઈએ લીધો હતો. તેઓ કહે છે, ‘ગામડાનું ઘર મોટું હતું. દીકરી નાની હતી અને ત્યાં જ સારા વાતાવરણમાં તેનો ઉછેર થાય એવું ઇચ્છતો હતો. બધું બરાબર ચાલતું હતું. ખેતીને લગતા પડકારો હતા પણ એને પહોંચી વળાય એમ હતું. જોકે ખરો પડકાર આવ્યો જ્યારે દીકરી થોડીક મોટી થઈ એ પછી તેની મૂવમેન્ટ અને એક્સપ્રેશન જોતાં લાગ્યું કે કંઈક ગરબડ છે. ડૉક્ટરને દેખાડ્યું તો ખબર પડી કે સ્પેશ્યલ ચાઇલ્ડ છે. તેને ભણાવવા વાપીની સ્કૂલમાં મૂકી પણ અન્ય પેરન્ટ્સે વિરોધ કર્યો અને ડૉક્ટરના કહેવા મુજબ તેનું સ્કૂલમાં જવું કમ્પલ્સરી હતું. દીકરીને જો સ્કૂલિંગ અને અને સપોર્ટ આપવાં હોય તો મુંબઈ સિવાય ઑપ્શન નહોતો. ફરી એક વાર ૨૦૦૦ની સાલમાં મુંબઈ પાછો આવ્યો.’
એક્સપર્ટીઝ કામ લાગી
૩૯ વર્ષની ઉંમર. ખેતી અને આઠ વર્ષ બંસી મહેતાની ફર્મમાં કામનો અનુભવ અને વચ્ચે આટલો મોટો બ્રેક. જયરાજભાઈ સામે પડકાર હતો જ. તેઓ કહે છે, ‘આ સમયે મારાં કલીગ અને ગુરુ એવાં ભાવનાબહેન દોશી અને ગૌતમભાઈ દોશી મારો બહુ મોટો સપોર્ટ બન્યાં. તેમણે મને બંસી મહેતા ફર્મમાં કામ કરતાં જોયો હતો. તેમણે એક-બે કંપનીમાં મારી સિફારિશ પણ કરી. કોઈકે રિજેક્ટ કર્યો. જોકે કે.પી.એમ.જી. ફર્મમાં મારા ઇન્ટરવ્યુ પછી રાખી લેવાયો. ભાવનાબહેનની મેન્ટરશિપ સાથે તૈયાર થયો અને આગળ જતાં એ જ કંપનીમાં ડિરેક્ટર બનવા સુધી પહોંચ્યો. એ દરમ્યાન રિલાયન્સમાં મોટી પોઝિશન અને મોટા પગાર સાથેની ઑફર આવી. રિલાયન્સમાં પણ રીટેલમાં ઇન્ડાયરેક્ટ ટૅક્સમાં વાઇસ પ્રેસિડન્ટ પદથી ફાઇનૅન્સ કન્ટ્રોલરના લેવલ પર હતો અને પછી એમાં અઢળક નવી જવાબદારીઓ ઉમેરાતી ગઈ. શાખ વધી હતી. માર્કેટમાં મારા ઓપિનિયનની રાહ જોવાતી. જોકે કામના બોજ વચ્ચે જોયું કે સ્પેશ્યલ ચાઇલ્ડ દીકરીના વધી રહેલા બિહેવિયરલ પ્રૉબ્લેમને મારી વાઇફ સુધા એકલી હૅન્ડલ કરી શકે એમ નહોતી, કારણ કે નાની દીકરી માનસી કાયદાનો અભ્યાસ કરવા માટે જિંદલ ઇન્સ્ટિટ્યૂટમાં હતી જ્યાં તે એકમાત્ર સ્ટુડન્ટ હતી જેને સ્કૉલરશિપ મળી હતી. જોકે જે જવાબદારી લઈને બેઠો હતો ત્યાં એ સપોર્ટ આપવો શક્ય નહોતો. રિલાયન્સ છોડવાનો નિર્ણય લીધો. મુકેશભાઈ અંબાણીએ આ નિર્ણય માટે સ્પેશ્યલ મીટિંગ કરી અને તેમણે તમામ અનુકૂળતાની તૈયારી દેખાડી. થોડોક સમય એ રીતે પ્રયાસ કર્યા પણ ઘરની જવાબદારીઓ બોલાવી રહી હતી એટલે છેલ્લે એ નિર્ણય પર અડગ જ રહેવું પડ્યું. રિલાયન્સ બાદ અન્ય ટૉપની કંપનીઓમાં સમયમર્યાદાઓ નિશ્ચિત કરીને કામ કર્યું પણ એમાં મેળ ન પડ્યો અને છેલ્લે નક્કી કર્યું કે હવે પોતાની કન્સલ્ટન્સી શરૂ કરવી. એ દરમ્યાન નાની દીકરીનું ભણવાનું ચાલુ હતું. મેં વધુ ઘરે રહેવાનું શરૂ કર્યું. કોવિડમાં કેટલાક અન્ય મૅનેજમેન્ટ કોર્સ કર્યા અને આજે કન્સલ્ટન્ટ તરીકે ઍક્ટિવ છું. લેક્ચર્સ આપું છું અને દર થોડા દિવસે ગામડે જઈને પ્રકૃતિની સાથેનો અનુબંધ પણ જોડેલો રાખ્યો છે.’
૬૦મી વર્ષગાંઠનું યુનિક સેલિબ્રેશન
કોવિડ વખતે ૬૦મી વર્ષગાંઠે જયરાજભાઈએ પોતાની વારસાગત જમીનમાં વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો એની વાત કરતાં તેઓ કહે છે, ‘વૃક્ષો પ્રત્યે પ્રેમ તો હતો જ એટલે નક્કી કર્યું કે ૬૦ હજાર વૃક્ષો વાવીશ. ૨૦૨૨માં મારી દીકરી વૈદેહી પાસે પહેલું ઝાડ રોપાવ્યું. એ પછી પંદર દિવસમાં બધાં જ વૃક્ષો રોપી શકાય એવું આયોજન કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી એ વૃક્ષોની માવજત ચાલે છે. અફકોર્સ, અમુક વૃક્ષો બદલાયેલા વાતાવરણ વચ્ચે, વાવાઝોડામાં, ખૂબ વરસાદમાં ડૅમેજ પણ થયાં છે પરંતુ મોટા ભાગનાં વૃક્ષો સલામત છે અને અત્યારે મારા માટે એ એક્સટેન્ડેડ ફૅમિલી જેવાં છે.’

