થોડી જ સેકન્ડમાં વાત પ્રિન્સિપાલની ચેમ્બરમાં અને ટીચર્સ રૂમમાં પહોંચી. એ લોકો પણ અવાજ આવ્યો હતો એ સ્થળ પર પહોંચ્યા. તેમની આંખોમાં પણ સ્તબ્ધતા પ્રસરી ગઈ.
ઇલસ્ટ્રેશન
ધડામ...
પહેલાં મોટો અવાજ અને એ પછી કારના ડોર સાથે જોડવામાં આવેલી સાઇરનનો અવાજ એન. એન. કૉલેજના કૅમ્પસને ગજવી ગયો.
ADVERTISEMENT
ફ્રી પિરિયડમાં કૅમ્પસમાં ફરતા સ્ટુડન્ટ્સ અવાજની દિશામાં દોડતા પહોંચ્યા અને દૃશ્ય જોઈને હેબતાઈ ગયા. થોડી જ સેકન્ડમાં વાત પ્રિન્સિપાલની ચેમ્બરમાં અને ટીચર્સ રૂમમાં પહોંચી. એ લોકો પણ અવાજ આવ્યો હતો એ સ્થળ પર પહોંચ્યા. તેમની આંખોમાં પણ સ્તબ્ધતા પ્રસરી ગઈ.
‘હેલો સર, હું એન. એન. કૉલેજમાંથી વાત કરું છું.’ પ્રિન્સિપાલે અંધેરી પોલીસ સ્ટેશને ફોન લગાડી દીધો હતો, ‘જલદી કૉલેજ આવોને, અમારી એક ટીચરે સુસાઇડ કર્યું છે... પ્લીઝ જલદી આવો.’
પોલીસ-સ્ટેશનથી ઍમ્બ્યુલન્સ માટે ફોન થઈ ગયો અને મોબાઇલ વૅનને પણ જાણ કરી દેવામાં આવી. ગણતરીની મિનિટોમાં બન્ને ઘટનાસ્થળે પહોંચ્યાં અને એરિયા કૉર્ડન કરી લેવામાં આવ્યો.
અડધા કલાકમાં ટીવી પર બ્રેકિંગ ન્યુઝ ઑનઍર થઈ ગયા.
‘મુંબઈની ખ્યાતનામ એન. એન. કૉલેજનાં અસિસ્ટન્ટ પ્રિન્સિપાલ વંદના મિત્રાએ કર્યું સુસાઇડ, કૉલેજ કૅમ્પસનો જ કર્યો ઉપયોગ.’
lll
‘તારે આવવું હોય તો આવ સોમચંદ પણ એક વાત યાદ રાખજે...’ ઇન્સ્પેક્ટર પાટીલે ડિટેક્ટિવ સોમચંદને તાકીદ કરી, ‘એક પણ જાતનું દોઢડહાપણ મને નથી જોઈતું. સિમ્પલ કેસ લાગે છે અને મારી પાસે કામનો ભરાવો છે. બેટર છે તું જસ્ટ સાથે રહે.’
‘પાટીલ, તું બોલે છે એવી રીતે જાણે કે મને મુંબઈ પોલીસ માટે મફતમાં કામ કરવાની આદત પડી ગઈ હોય.’ સોમચંદ ઊભા થયા, ‘પોલીસ-સ્ટેશનના કેસમાં વધારો કરવામાં મને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને માત્ર એટલી ખબર પડે છે, જેની સાથે અન્યાય થયો હોય તેને ન્યાય મળવો જોઈએ. જો તમારી ભાવના એવી ન હોય તો...’
‘અરે ના, હું એમ નથી કહેતો.’ પાટીલે બચાવ કરતાં કહ્યું, ‘મારું કહેવું માત્ર એટલું છે કે જો એ લોકોની ઇચ્છા ન હોય તો આપણે વધારે ઊંડા ઊતરવાની જરૂર નથી.’
હાથના ઇશારે ધરપત આપી ડિટેક્ટિવ સોમચંદે ઇન્સ્પેક્ટર પાટીલની પાછળ પગ ઉપાડ્યા. એ સમયે ન તો ઇન્સ્પેક્ટર પાટીલ અને સોમચંદ શાહને ખબર હતી કે અચાનક જ તે એક એવા કેસની ઇન્ક્વાયરીમાં લાગી જશે જે કેસ મુંબઈ આખાને ધ્રુજાવી જશે.
lll
‘સોમચંદ, કેમ કંઈ બોલતો નથી?’
‘બોલવાની તેં ના પાડી છે પછી ક્યાંથી હું કોઈ વાત કરું?’
‘મેં બોલવાની ના નથી પાડી.’ ઇન્સ્પેક્ટર પાટીલે કહ્યું, ‘મેં વધારે બોલવાની ના પાડી છે. જો ક્યાંય તને એવું લાગતું હોય કે આ કેસમાં આગળ વધવું તો...’
‘લાગે છે.’ ડિટેક્ટિવ સોમચંદે તરત જ જવાબ આપ્યો, ‘મને લાગે છે આ કેસમાં ઇન્ક્વાયરી થવી જોઈએ અને એ માટે મારી પાસે કારણો પણ છે.’
‘સર, જો કેસમાં બીજું કંઈ ન હોય તો પ્લીઝ...’ શબ્દોની સાથોસાથ પ્રિન્સિપાલના ચહેરા પર પણ વિનંતી હતી, ‘કૉલેજનું નામ ખરાબ થશે. આ વર્ષે અમારી કૉલેજ લંડન અને કૅનેડામાં પણ શરૂ થવા જઈ રહી છે. મૅનેજમેન્ટ નારાજ થશે, પ્લીઝ...’
‘મૅનેજમેન્ટની નારાજગી અને કેસની ઇન્ક્વાયરીને કંઈ લાગે-વળગે નહીં મિસ્ટર.’
સોમચંદની આંખોમાં રહેલો પ્રશ્ન પારખીને પ્રિન્સિપાલે જવાબ આપ્યો.
‘સુમંતો ચૅટરજી. હું અહીં પ્રિન્સિપાલ છું અને અમારી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની પોઝિશન પર છું.’
‘તમારે તો પહેલાં એવી ડિમાન્ડ કરવી જોઈએ કે આ કેસની ન્યુટ્રલ તપાસ થવી જોઈએ. તમે એવું સ્ટૅન્ડ લેશો તો જ તો એન. એન. કૉલેજની વિશ્વસનીયતા અકબંધ રહેશે.’
સોમચંદે પ્રિન્સિપાલ સામે જોયું, ‘ઘટનાને નકારાત્મકતાથી જોવાને બદલે એને તમે કૉલેજની નીતિમત્તા સાથે જોડી દેશો તો સ્ટુડન્ટ્સ અને તેમના પેરન્ટ્સને તમારા માટે ટ્રસ્ટ વધશે.’
‘આ કેસમાં ઇન્ક્વાયરી શું કામ કરવી જોઈએ?’
પ્રિન્સિપાલના સવાલને ઇન્સ્પેક્ટર પાટીલે ઊંચકી લીધો.
‘બરાબર છે, આ તો ક્લિયર કટ કેસ છે. ઓપન ઍન્ડ શટ...’
નકારમાં નૉડ કરતાં ડિટેક્ટિવ સોમચંદે પાટીલ સામે જોયું.
‘એવું નથી પાટીલ. આ ઓપન ઍન્ડ શટ કેસ બનાવવામાં આવ્યો છે. બાકી આ લેડીએ સુસાઇડ કર્યું હોય એવું લાગતું નથી.’
ડિટેક્ટિવ સોમચંદની આંખ સામે એ તમામ દૃશ્યો ફરતાં હતાં જે તેણે ઇન્ક્વાયરી દરમ્યાન જોયાં હતાં.
‘પાટીલ, કેસને પહેલાં તું એક વાર ધ્યાનથી જોઈ લે. વંદના ક્લૉક-ટાવરની ટેરેસ પર ગઈ અને ત્યાંથી તેણે પડતું મૂક્યું. જે સમયે તે પડી એ સમયે એક્ઝૅક્ટ એક એટલે કે બ્રિટિશ ટાઇમ મુજબ ૧૩ વાગ્યા હતા. રાઇટ...’ સોમચંદે ફાઇલ હાથમાં લીધી, ‘બપોરે એક વાગ્યે વંદનાએ લેક્ચર માટે જવાનું હોય. લેક્ચરમાં જવાને બદલે એ લેડી સીધી ટેરેસમાં જાય છે અને સુસાઇડ કરે છે.’
‘સોમચંદ સર, એ લેડી ઑલરેડી ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી. અમને પણ તેણે કહ્યું છે અને કૉલેજમાં બીજા લોકોને પણ એની ખબર છે.’
‘ડિપ્રેશનમાં હતી તો એની ટ્રીટમેન્ટ પણ ચાલતી હશેને?’ સોમચંદનો સવાલ વાજબી હતો, ‘જો ટ્રીટમેન્ટ ચાલતી હોય તો માણસ ડિપ્રેશનમાંથી બહાર પણ આવવાનો શરૂ થાય એટલે એવું ધારી લેવાની જરૂર નથી કે ડિપ્રેશનમાં ગયો તે પર્મનન્ટ ડિપ્રેશનમાં જ રહે...’
‘એની ના નથી, પણ વંદનાની જે ફ્રેન્ડ્સ હતી તેની પાસેથી તો મૅનેજમેન્ટને ખબર પડે કે નહીં?’ પ્રિન્સિપાલના સવાલમાં લૉજિક હતું, ‘અમે છેલ્લાં ૮ વર્ષથી વંદનાને ઓળખીએ છીએ, પણ આ આઠ વર્ષમાં વંદના આટલું વિચિત્ર ક્યારેય વર્તી નથી જેટલું તે છેલ્લા છ મહિનામાં વર્તી છે.’
કમ્પ્યુટરના કીબોર્ડ પર હાથ ચલાવતાં પ્રિન્સિપાલે સોમચંદને કહ્યું, ‘છેલ્લા છ મહિનામાં આ લેડીએ દોઢ મહિનો રજા લીધી છે. એક્ઝૅક્ટ ૪પ દિવસ. ને આ જુઓ, તેણે નેક્સ્ટ વીક આખાની લીવ માટે ઑલરેડી મેઇલ કરી દીધી છે. આ મેઇલની તો મને ખબર પણ નહોતી.’
‘ચાલો, તમારી વાત માની લીધી. હવે તમે મને એક વાતનો જવાબ આપો...’ સોમચંદે પ્રિન્સિપાલ અને ઇન્સ્પેક્ટર બન્ને સામે નજર માંડી, ‘તમે સુસાઇડનું વિચારો ત્યારે તમારા મનમાં શું ચાલતું હોય? એ સમયે તમને શેના વિચારો આવતા હોય?’
‘એક પણ નહીં... બસ, મરવાનું મન થતું હોય...’
જવાબ ઇન્સ્પેક્ટર પાટીલે આપ્યો એટલે સોમચંદે પ્રિન્સિપાલની સામે જોયું. આંખોમાં રહેલાં સવાલને ઓળખી પ્રિન્સિપાલે કહ્યું, ‘મારા ગયા પછી મારી ફૅમિલીનું શું થશે, એ લોકો કેવી રીતે મૅનેજ કરશે, એ લોકોની હેરાનગતિ...’
‘રાઇટ... પણ તમે એવું વિચારો ખરા કે ચાલો હું મરવા જાઉં છું તો એક કામ કરું, હું મારાં ચંપલ ઉતારી નાખું?’ પ્રિન્સિપાલ અને ઇન્સ્પેક્ટરના ચહેરા પર આવેલા અચરજને ઓળખી સોમચંદે પોતાનો મોબાઇલ આગળ ધર્યો, ‘જુઓ આ... વંદનાએ જે પાળી પર ચડીને નીચે જમ્પ માર્યો એ પાળીથી ઑલમોસ્ટ ૧૦ ફીટ દૂર તેણે પોતાનાં ચંપલ કાઢી નાખ્યાં છે. શું કામ કોઈ આવી રીતે ચંપલ કાઢે?’
‘હંમ... પાળી પર ચડવામાં નડતાં હોય એટલે?’
‘ના. જો પાળી પર ચડવામાં નડતાં હોય તો એ પાળી પાસે ચંપલ કાઢે. ૧૦ ફીટ દૂર કાઢવા શું કામ જાય?’ સોમચંદે કહ્યું, ‘બીજી વાત, જો પાળી પર ચડવામાં ચંપલ નડતાં હોય તો એ નડતરથી શું બને, તમે નીચે પડી જાઓ પણ અહીં તો વંદનાને નીચે જ પડવું હતું તો તે એવી ચિંતા કરે જ શું કામ?’
‘હંમ...’ હવે અનુમાન પ્રિન્સિપાલે બાંધ્યું, ‘એવું બને કે વંદનાએ ચંપલ પહેર્યાં જ ન હોય.’
‘યસ, ધેર યુ આર.’ સોમચંદના ફેસ પર ચમક આવી ગઈ, ‘એવું બની શકે પણ જો એવું બન્યું હોય તો સવાલ એ થવો જોઈએ કે સુસાઇડ પછી ત્યાં ચંપલ મૂકવા ગયું કોણ અને શું કામ?’
‘એ તો CCTV કૅમેરામાં જોઈ શકાશેને?’
ઇન્સ્પેક્ટર પાટીલના મનમાં જન્મેલા પ્રશ્નનો ક્ષય કરતાં સોમચંદે તેને યાદ દેવડાવ્યું, ‘એ શક્ય નથી પાટીલ. પ્રિન્સિપાલે આપણને પહેલાં જ કહ્યું કે ટેરેસ પર કૅમેરા નથી એટલે વંદનાની લાસ્ટ મોમેન્ટ આપણને જોવા મળવાની નથી.’
બોલી લીધા પછી તરત જ સોમચંદના મનમાં વિચાર ઝબકી ગયો.
‘એક મિનિટ પાટીલ. ટેરેસ પર કૅમેરા નથી એ વાતનો પણ કદાચ લાભ લેવામાં આવ્યો છે. હવે, હવે મને ખાતરી થતી જાય છે કે આ સુસાઇડ નથી, સુસાઇડ દેખાડવાનું કામ થયું છે.’
‘ટેરેસ પર જવા માટે જે સીડી છે એના પર CCTV છે?’
‘હા...’
‘ચાલો જોઈએ.’ પ્રિન્સિપાલનો જવાબ સાંભળીને સોમચંદ ઊભો થઈ ગયો, ‘વંદનાની પાછળ કોઈ ટેરેસ પર ગયું હતું કે નહીં એની ખબર પડશે. ક્યાં છે કન્ટ્રોલ રૂમ?’
સોમચંદની પાછળ પ્રિન્સિપાલ અને ઇન્સ્પેક્ટર પાટીલે પણ ઊભા થવું પડ્યું. અલબત્ત, તે બન્નેના મનમાં એ સમયે એક જ વાત ચાલતી હતી કે આ માણસને રોકવો કઈ રીતે? પાટીલને પોતાની રજાનું ટેન્શન હતું તો પ્રિન્સિપાલને મૅનેજમેન્ટનું.
lll
‘વંદના એકલી જ ઉપર ગઈ છે.’ સોમચંદે પાટીલની સામે જોયું, ‘પાટીલ, વિચાર તું... આ લેડી એકલી ઉપર ગયાના એક કલાક પછી સુસાઇડ કરે છે. મને... મને આ વાત નૉર્મલ નથી લાગતી.’
‘હા, પણ મને નૉર્મલ લાગે છે. તે ટેરેસ પર ગઈ. નિરાંતે બેસીને તેણે સુસાઇડ કરવું કે નહીં એના વિશે વિચાર કર્યો અને પછી તેણે મનોમન નક્કી કર્યું કે નથી જીવવું એટલે તેણે છલાંગ લગાવી દીધી.’
‘તે જ્યારે ઉપર બેઠી હતી ત્યારે જ તેણે ચંપલ કાઢ્યાં અને પછી એમ જ ઉઘાડા પગે પાળી પર ચડીને તેણે છલાંગ મારી દીધી.’ પ્રિન્સિપાલે વાત પૂરી કરી, ‘સિમ્પલ. આખી વાત ક્લિઅર થઈ ગઈ. આ, આ સુસાઇડ જ છે સોમચંદ સર...’
‘મને હજી પણ ડાઉટ છે.’ સોમચંદે કહ્યું, ‘તમારા લોકોની થીઅરી સાચી છે પણ ઘટનામાં કંઈક ઘાલમેલ છે.’
‘ઘાલમેલ?’ ઇન્સ્પેક્ટર પાટીલની આંખોનાં ભવાં એક થયાં, ‘એ શું હોય?’
‘તમારામાં ન હોય, અમારા ગુજરાતીમાં હોય... પછી તને નિરાંતે સમજાવીશ.’ સોમચંદે પ્રિન્સિપાલ સામે જોયું, ‘વંદના અનમૅરિડ હતીને?’
‘હા. તેણે મૅરેજ નથી કર્યાં.’
‘વંદનાને કૉલેજમાં સૌથી વધારે કોની સાથે બનતું? કોઈ ટીચર, સર... ખાસ ફ્રેન્ડ કૉલેજમાં...’
પ્રિન્સિપાલે આજુબાજુમાં જોઈને ખાતરી કરી કે કોઈ નથી. પછી તે સોમચંદની નજીક આવી દબાયેલા અવાજે બોલ્યા, ‘જુઓ, આવી બધી વાતોમાં હું બહુ પડતો નથી પણ મેં સાંભળ્યું છે કે વંદના અને અશ્વિન ચંદારાણા વચ્ચે અફેર હતું.’
‘કોણ છે આ અશ્વિન ચંદારાણા?’
‘અમારે ત્યાં જ છે. ફિઝિક્સના પ્રોફેસર છે.’
‘તમારા આ ફિઝિક્સના પ્રોફેસરની વધારે ઇન્ફર્મેશન જોઈતી હોય તો...’
‘સર, આમ તો એ પર્સનલ કહેવાય પણ...’ પ્રિન્સિપાલે ચેમ્બર તરફ જવા પગ ઉપાડ્યા, ‘સ્ટાફ-ડીટેલ્સ મળી જશે. પણ મારે એક વાર જોવું પડશે.’
lll
‘હમં...’
સોમચંદના કાનમાં થોડી મિનિટ પહેલાં પ્રિન્સિપાલ પાસેથી સાંભળેલી વિગતો ગુંજતી હતી.
અશ્વિન ચંદારાણા. મૅરિડ. જન્મ ભાવનગરમાં અને મૅરેજ બંગાળી છોકરી સાથે.
‘મને અશ્વિનને મળવું છે. કૉલેજમાં છે?’
હા પાડી પ્રિન્સિપાલે બેલ વગાડી, પણ સોમચંદે તરત જ કહ્યું, ‘અહીં તમારી હાજરીમાં નથી મળવું. પર્સનલી મળવું છે.’
(ક્રમશ:)

