સોમચંદે સીધો જ સવાલ પૂછ્યો અને સીધા સવાલો જ જીવનમાં મૂંઝવણ ઊભી કરતા હોય છે. અશ્વિન સાથે એવું જ થયું.
ઇલસ્ટ્રેશન
‘કેટલા સમયથી તું વંદનાને ઓળખે?’
‘આઇ થિન્ક, વંદનાએ મારા પછી કૉલેજ જૉઇન કરી એટલે તમે કહી શકો કે લગભગ દસેક વર્ષથી ઓળખતો હોઈશ...’
ADVERTISEMENT
‘તારા તેની સાથેના અફેરની જે વાત છે એનું શું?’
સોમચંદે સીધો જ સવાલ પૂછ્યો અને સીધા સવાલો જ જીવનમાં મૂંઝવણ ઊભી કરતા હોય છે. અશ્વિન સાથે એવું જ થયું.
‘તમે... તમે કહેવા શું માગો છો ઇન્સ્પેક્ટર?’
અરે વાહ, આ તો પહેલે ઝાટકે જ પોલીસવાળો માને છે તો પછી આ તક થોડી જતી કરવાની હોય?
વિચારોમાંથી બહાર આવીને સોમચંદે અશ્વિન સામે જોયું.
‘એ જે તમે સમજવા રાજી નથી. મારો સવાલ છે, તમારા અને વંદનાના અફેરની જે વાત છે એમાં તથ્ય કેટલું?’
‘બિલકુલ નહીં. તમને તો ખબર છે કે આપણે ત્યાં આજે પણ એક છોકરા અને એક છોકરી વચ્ચે દોસ્તી કોઈ સ્વીકારી શકતું નથી.’
‘એમ છતાં એક છોકરો અને છોકરી દોસ્તી કરતાં પણ હોય જ છેને?’ ડિટેક્ટિવ સોમચંદે અશ્વિનના ખભા પર હાથ મૂક્યો, ‘મિસ્ટર ચંદારાણા, જો તમે પોતે બધું કહેશો તો બે ફાયદા થશે. એક, મારે બીજી કોઈ દિશામાં ચંચુપાત નહીં કરવો પડે અને બીજું, મારો સમય બચશે... જે મારો સમય બચાવે તેના તરફ હું હંમેશાં રહેમદિલી દાખવું છું...’
‘સર, અફેર નહીં પણ બહુ સારી દોસ્તી તમે કહી શકો...’ વિચારવામાં પણ સમય વેડફ્યા વિના અશ્વિન ચંદારાણાએ વાત શરૂ કરી દીધી, ‘તમને ખબર હશે, વંદના અનમૅરિડ હતી એટલે નૅચરલી તેની પાસે ખાસ કોઈ કંપની હતી નહીં. અમારા બન્નેના શોખ સરખા, બન્નેના અણગમા પણ સરખા એટલે અમારી વચ્ચે થોડું વધારે બૉન્ડિંગ થઈ ગયું, જેને અમે કન્ટિન્યુ કર્યું.’
‘કન્ટિન્યુ કેટલું કર્યું?’ અશ્વિનનાં એક્સપ્રેશન્સ જોઈને સોમચંદે વધારે ચોખવટ સાથે સવાલ પૂછ્યો, ‘આગળ વધ્યાં એ મને સમજાઈ ગયું, પણ કેટલાં આગળ વધ્યાં?’
‘અરે, તમે સમજો છો એવી રીતે હું આગળ નથી વધ્યો સર...’ અશ્વિન બૅકફુટ થયો, ‘રિલેશન કન્ટિન્યુ કર્યા એટલે એમ કે બીજાની પરવા કર્યા વિના અમે બન્ને એકબીજા સાથે દોસ્તી અકબંધ રાખી. બીજું કંઈ નહીં...’
‘હં... થૅન્ક્સ.’ સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘આશા રાખું કે તમે જે કહ્યું છે એ વાત પણ એ લેવલ પર જ હશે; પણ જો મિસ્ટર ચંદારાણા, વાત વધારે નીકળી તો... તમને ખબર છે... અમારો ઈગો બહુ ખરાબ હોય. ઈગો એક વાર હર્ટ થયો તો જેણે એ કામ કર્યું હોય તેના શરીરનો એક પણ વિભાગ સાજો રહેવા દઈએ નહીં.’
સોમચંદે હાથ લંબાવ્યો.
‘મળીએ...’
lll
‘શું છે ખબર ભાઈ?’ ઇન્સ્પેક્ટર પાટીલે ફોન પર સોમચંદને પૂછ્યું, ‘પ્રેશર ચાલુ થઈ ગયું છે કે કેસ જલદી બંધ કરો. આજે એજ્યુકેશન મિનિસ્ટરના સેક્રેટરીનો ફોન પણ આવી ગયો કે એન. એન. કૉલેજના મામલામાં આગળ નથી વધવાનું.’
‘પાટીલ, મને એક વિચાર આવે છે...’ સોમચંદના ફેસ પર અકળામણ હતી, ‘આ કૉલેજને કેસ સાથે કંઈ લેવાદેવા હોય એવું લાગતું નથી તો પણ શું કામ આવું પ્રેશર કર્યા કરે છે? આ વંદનાની પર્સનલ મૅટર હોવાના ચાન્સિસ છે ત્યારે...’
‘સોમચંદ, સીધી વાત છે. લોકોને વંદનામાં ઇન્ટરેસ્ટ નથી. લોકોને એન. એન. કૉલેજ નામની મુંબઈની મોસ્ટ પૉપ્યુલર કૉલેજની ટીચરના કેસમાં ઇન્ટરેસ્ટ છે.’ ઇન્સ્પેક્ટર પાટીલની વાતમાં તથ્ય હતું, ‘જેટલી વખત મીડિયાવાળા આ કેસ વિશે લખશે એટલી વાર એ લોકો કૉલેજનું નામ પણ લખશે અને કૉલેજને લાગે છે કે એને કારણે મૅનેજમેન્ટની બદનામી થશે.’
‘હં... સમજી ગયો, પણ તું એક કામ કર. તું સિમ્પલ જવાબ આપ. વંદના અને મૅનેજમેન્ટને કંઈ નિસબત નથી એટલે મૅનેજમેન્ટ ટેન્શન ન કરે અને સેકન્ડલી, મીડિયાને ઇન્ટરવ્યુ કે બ્રીફ આપતી વખતે તમે લોકો પણ ટ્રાય કરો કે કૉલેજનું નામ તમારી જીભ પર ન આવે.’ સોમચંદે વાત પૂરી કરતાં કહ્યું, ‘અશ્વિન પર નજર રાખવાની જરૂર લાગે છે, પણ અત્યારે તો ક્યાંય એવું લાગતું નથી કે અશ્વિન આ કેસમાં હોય.’
‘રાઇટ, વંદનાનું સુસાઇડ થયું ત્યારે અશ્વિન તો ઑલરેડી ક્લાસમાં હતો.’
‘એ જ તો કહું છું...’ સોમચંદે જવાબ આપ્યો, ‘અશ્વિન ક્લાસમાં હતો એ સાબિત કરવા માટે તેની પાસે ૨૦ સ્ટુડન્ટ્સ છે જે એ સમયે તેનો પિરિયડ અટેન્ડ કરતા હતા અને આ એક જ વાત મને ખટકે છે.’
‘અશ્વિન થોડી વાર માટે પણ બહાર ગયો હોય એવું...’
પાટીલના સવાલનો જવાબ આપતાં સોમચંદે કહ્યું, ‘ના, એક મિનિટ પૂરતો પણ નહીં અને પાટીલ આ જ વાત મને અકળાવે છે.’
lll
‘સૉરી, પણ એક વાત કહું સર...’ અશ્વિનની સ્ટુડન્ટ ભૈરવીના ફેસ પર સ્માઇલ અને શરમ બન્ને હતાં, ‘સરને છેને, વૉશરૂમ બહુ જવા જોઈએ. અમારો એક કલાકનો પિરિયડ હોય તો તે એકાદ વાર તો ફ્રેશ થવા માટે જાય જ. વંદનામૅમ સાથે બન્યું એ દિવસે અમે ફ્રેન્ડ્સ એ જ મસ્તી કરતા હતા કે સર આજે એક વાર પણ ફ્રેશ થવા નથી ગયા.’
‘અશ્વિનને ડાયાબિટીઝ છે?’
‘નો આઇડિયા સર...’
‘અશ્વિન અને વંદના વચ્ચે કેવા રિલેશન હતા?’
‘બહુ એટલે બહુ સારા... અફકોર્સ, બીજા લોકોને એમાં ખરાબી દેખાતી, પણ મને તો એવું કંઈ લાગતું નહીં.’
‘તે લોકો કૉલેજમાં જ મળતાં કે બહાર પણ...’
‘મારું નામ નહીં આપતા સર... પણ એક વાર હું તેમને આઇનૉક્સમાં મળી ગઈ હતી.’ કોઈની પર્સનલ વાત કરવાની ગ્લાનિ ભૈરવીના ચહેરા પર આવી ગઈ હતી, ‘હું મારી સોસાયટીના ફ્રેન્ડ્સ સાથે ફિલ્મ જોવા ગઈ હતી ત્યારે સર અને મૅડમ બન્ને ફિલ્મ જોવા આવ્યાં હતાં.’
‘તે બન્નેની બૉડી-લૅન્ગ્વેજ પરથી તું કંઈ કહી શકે ભૈરવી...’
‘સર, બહુ નૉર્મલ બૉડી-લૅન્ગ્વેજ હતી.’ ભૈરવીના અવાજમાં સચ્ચાઈ હતી, ‘બે ફ્રેન્ડ્સ હોય એવું જ લાગતું હતું. ક્યાંય તમને એવું લાગે નહીં કે... આમની વચ્ચે અફેર હશે. હા, ફ્રેન્ડશિપ બહુ સારી હતી એ હું કહીશ...’
lll
‘પાટીલ... ખબર પડી કંઈ?’ સોમચંદના અવાજમાં ઉત્સાહ હતો, ‘એન. એન. કૉલેજમાં શું થયું?’
‘સેકન્ડ સુસાઇડ?’
‘અરે ના હવે... ’ સોમચંદે ચોખવટ પણ કરી, ‘પહેલું પણ સુસાઇડ નહોતું.’
‘થયું શું એ કહે...’
‘ટાવર-ક્લૉકમાંથી એક કાંટો પડી ગયો...’
‘શુંઉઉઉ?!’ ઇન્સ્પેક્ટર પાટીલને અચરજ થયું, ‘એમ કેવી રીતે ટાવર-ક્લૉકમાંથી કાંટો પડે યાર...’
‘એ જ તો જાણવા જેવું છેને...’ ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘ત્રણ દિવસ પહેલાં આ ક્લૉક પરથી પડીને વંદના મૅડમની સુસાઇડની સ્ટોરી સામે આવે છે અને આજે હવે ટાવર-ક્લૉકનો આખો કાંટો પડી જાય છે.’
‘હં... તું એ જો... મારે મીટિંગ અટેન્ડ કરવાની છે. આપણે પછી વાત કરીએ.’
lll
‘આવું કેવી રીતે બને?’
ડિટેક્ટિવ સોમચંદ મૂળજી જેઠા માર્કેટમાં આવેલી બેસ્ટ ક્લૉકની ઑફિસમાં બેઠા હતા. બેસ્ટ ક્લૉક દેશની ટોચની ત્રણ કંપની પૈકીની એક કંપની હતી, જે માત્ર ટાવર-ક્લૉકના મેઇન્ટેનન્સ અને રિપેરિંગનું કામ કરે છે.
‘આવું અગાઉ ક્યારેય બન્યું છે જેમાં ટાવર-ક્લૉકમાંથી આખો કાંટો પડી ગયો હોય?’
‘ના, ક્યારેય નહીં. આવું અમારી હિસ્ટરીમાં તો પહેલી વાર બન્યું છે.’
‘આ એક કાંટાનું વજન શું હોઈ શકે?’ સોમચંદે અનુમાન લગાવવા કહ્યું, ‘અંદાજે કહી શકો તો પણ ચાલશે...’
‘અંદાજે શું કામ, તમને પર્ફેક્ટ વજન જ કહુંને...’ એન્જિનિયરે કમ્પ્યુટરમાં જોતાં કહ્યું, ‘જે કાંટો પડી ગયો એનું વજન ૧૭ કિલો ૮૦૦ ગ્રામ છે.’
‘ઓહ... એ કોઈના પર પડે તો...’
‘માણસ મરી જાય.’ એન્જિનિયરે તરત જવાબ આપ્યો, ‘સારું થયું જ્યારે આ કાંટો પડ્યો ત્યારે હજી કૉલેજ શરૂ નહોતી થઈ.’
‘છેલ્લો સવાલ, કાંટો પડવાનું કે પછી તૂટવાનું કારણ શું હોઈ શકે?’
‘જુઓ, એમ તો આ આખી ટેક્નિકલ વાત છે, પણ તમને સાદી ભાષામાં સમજાવું તો મને જે સંભાવના લાગે છે એ એવી છે કે આ એક કાંટા પર વજન વધી ગયું હોવું જોઈએ. વજન વધવાને કારણે કાંટો આગળના ભાગ તરફ ખેંચાયો હશે અને એ ખેંચાયા પછી કાંટો સેન્ટરની પકડમાંથી છૂટી ગયો હશે.’
‘હજી એક સવાલ. કાંટા પર વજન કેવી રીતે વધે?’
‘એ તો હું કેવી રીતે કહી શકું, પણ હા... વજન વધવા માટેનું કારણ હું ગમે એટલું વિચારું તો પણ મને મળતું નથી.’ એન્જિનિયરે કહ્યું, ‘ક્લૉક-ટાવરની મોટામાં મોટી ખાસિયત એ છે કે એના પર વેધરની અસર નથી થતી. જે-તે શહેર કે દેશના વેધરને ધ્યાનમાં રાખીને એ ઘડિયાળ બનાવવામાં આવે છે કારણ કે એ ઘડિયાળ બહાર, જાહેરમાં રહેવાની છે. એને કોઈ પ્રોટેક્શન નથી મળતું એટલે બહારના વાતાવરણને કારણે ઘડિયાળને ડૅમેજ થાય એવું ભાગ્યે જ બને.’
‘આ ઘડિયાળનો કાંટો પડી ગયો એ પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે? અંદરનું કે બહારનું?’
નકારમાં મસ્તક ધુણાવતાં એન્જિનિયરે ના પાડી.
‘કંઈ ન કહી શકાય...’
‘અનુભવ... તમારા અનુભવના આધારે કંઈ કહી શકાય?’ સોમચંદે રિક્વેસ્ટ સાથે કહ્યું, ‘તમારો જવાબ ખરેખર હેલ્પફુલ બનશે, પ્લીઝ...’
‘સાચે જ હું કંઈ કહી નહીં શકું... આમાં કંઈ આઇડિયા ન આવે. એવું પણ બની શકે કે પાર્ટ્સમાં કંઈ ખરાબી હોય, પાર્ટ્સને કાટ લાગી ગયો હોય અને એને લીધે એણે પકડ છોડી દીધી હોય.’ એન્જિનિયરથી અનાયાસ જ કહેવાઈ ગયું, ‘તમે પોલીસ ખાતામાં છો. મોકલો ક્લૉક ફૉરેન્સિક સાયન્સની લૅબોરેટરીમાં. તમને ખબર પડી જશે...’
‘રાઇટ...’
ઇન્સ્પેક્ટર પાટીલની ના હતી અને એ પછી પણ સોમચંદે એન. એન. કૉલેજમાં લાગેલી ટાવર-ક્લૉક ઊતરાવી લીધી અને ફૉરેન્સિક લૅબોરેટરીમાં રવાના કરી દીધી.
lll
‘સોમચંદ, તું મને ફસાવીશ... ભાન છે તને, સિનિયર મને સસ્પેન્ડ કરશે.’
‘તો આવી જજે મારી સાથે.’ ગંભીરતા સાથે સોમચંદે કહ્યું, ‘આમ પણ મને અસિસ્ટન્ટની તાતી જરૂર છે.’
‘ફૉરેન્સિકનો રિપોર્ટ ક્યારે આવશે?’
‘એ તો મારે તને પૂછવાનું હોયને? ડિપાર્ટમેન્ટમાં તું બેઠો છો, હું નહીં.’
‘એમ છતાં મારા કરતાં તારી પાસે વહેલો રિપોર્ટ પહોંચશે.’ ઇન્સ્પેક્ટર પાટીલે ફોન મૂકતાં કહ્યું, ‘એક વાત તને કહેતાં ભૂલી ગયો. આ એન. એન. કૉલેજની માઠી બેઠી છે.’
‘કેમ, હવે શું થયું?’
‘શૉર્ટ સર્કિટમાં કૉલેજનો પ્યુન મરી ગયો...’ સોમચંદ આગળ કંઈ કહે એ પહેલાં જ ઇન્સ્પેક્ટર પાટીલે કહ્યું, ‘આગળ કંઈ નહીં વિચારતો. પ્યુન તેના ઘરે મર્યો છે અને પ્યૉર, ક્લિયર કટ નૅચરલ ડેથ છે. આને અને વંદનાના કેસને કંઈ લાગતું-વળગતું નથી.’
lll
વંદના સુસાઇડ કરે છે.
ક્લૉક-ટાવરની ક્લૉકમાંથી કાંટો એમ જ પડે છે.
પ્યુનનું શૉર્ટ સર્કિટમાં મોત થાય છે.
આ ત્રણેય ઘટના એક જ વીકમાં બને છે. અગાઉ એન. એન. કૉલેજમાં કશું બનતું નથી અને હવે ૭ જ દિવસમાં ૩ એવી ઘટના ઘટે છે જેમની વચ્ચે કોઈ જ કનેક્શન નથી અથવા તો કનેક્શન નથી એવું દેખાડવાની કોશિશ થાય છે.
વાત શું છે?
ડિટેક્ટિવ સોમચંદનું દિમાગ ચકરાવે ચડી ગયું.
(ક્રમશ:)

