મહેરબાની કરીને એવું નહીં કહેતો કે આ પ્યુન શૉર્ટ સર્કિટમાં નથી મર્યો.’ પાટીલના જીભ પર ખીજ હતી પણ ચહેરા પર સ્માઇલ હતું
ઇલસ્ટ્રેશન
‘પાટીલ, તને હસવું આવશે પણ એક વાત કહું?’
‘મહેરબાની કરીને એવું નહીં કહેતો કે આ પ્યુન શૉર્ટ સર્કિટમાં નથી મર્યો.’ પાટીલના જીભ પર ખીજ હતી પણ ચહેરા પર સ્માઇલ હતું, ‘હવે આ કેસમાં તું કંઈ નહીં કરે સોમચંદ.’
ADVERTISEMENT
‘આ કેસમાં હું કંઈ નહીં કરું પણ પાટીલ, વંદનાના કેસમાં તો આગળ વધવાની છૂટ છેને?’ પાટીલ કંઈ કહે એ પહેલાં જ ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘મને લાગે છે કે વંદના અને આ પ્યુનવાળો કેસ એક જ છે.’
‘તું...’
‘હું નહીં તું, તું એક પણ શબ્દ હવે નહીં બોલ. હવે મને મારી રીતે કામ કરવા દે.’
‘ના, મને પહેલાં સમજાવ કે કઈ વાતથી તને એવું લાગે છે કે પ્યુન શૉર્ટ સર્કિટમાં નથી મર્યો.’ ઇન્સ્પેક્ટર પાટીલની વાત વાજબી હતી, ‘કેસની ફાઇલ ખુલ્લી રહે તો જવાબ મારે આપવો પડે.’
‘આવ...’
પાટીલનો હાથ પકડી સોમચંદ પ્યુન વસંત દામલેના ઘરમાં લઈ ગયો.
‘આ દામલેનો રૂમ છે. જો તું આ...’ દામલેની બૉડી તરફ હાથ કરતાં સોમચંદે કહ્યું, ‘આ રૂમમાં કોઈ આવ્યું નથી. દામલેની વાઇફે સૌથી પહેલી જાણ ઍમ્બ્યુલન્સ માટે કરી અને એ પછી સિવિલ હૉસ્પિટલથી તને મેસેજ આવ્યો અને તું અહીં આવ્યો, રાઇટ?’
‘હં... તો?’
‘પાટીલ, તું જો... દામલે પોતાના રૂમમાં ઍર-કન્ડિશનર ચાલુ કરીને બેઠો હોય અને એ પછી તેને ઠંડી લાગે એટલે તે હીટર ચાલુ કરે?’ ડિટેક્ટિવ સોમચંદે ટેબલ અને પછી ચાદર સ્પર્શ કરીને કહ્યું, ‘તું એક વાર ટચ કર... તને ખબર પડશે કે દામલે ઑલરેડી ઍર-કન્ડિશનર ચાલુ કરીને બેઠો હતો. માનવામાં ન આવતું હોય તો એક કામ કર, AC ઑન કર. કૂલિંગ પકડાશે તો તને સમજાશે કે એ ઝડપથી કૉમ્પ્રેસર કેમ ચાલુ કરે છે. તને ન ખબર હોય તો પાટીલ, કૉમ્પ્રેસરનો નિયમ છે, એ પહેલી વાર ચાલુ થવામાં જ લોડ લે અને ત્રણ મિનિટે સ્ટાર્ટ થાય પણ જો કૉમ્પ્રેસર તમે એક વાર ઑન કરી દીધું હોય તો પછી મિનિમમ ત્રણ કલાક સુધી એ રીસ્ટાર્ટ થવામાં વાર નથી લાગતી.’
સોમચંદ પોતે ACની સ્વિચ પાસે ગયા અને ઇન્સ્પેક્ટર પાટીલ સામે જોયું.
‘કરું ચાલું?’
પાટીલની હા આવે એ પહેલાં જ સોમચંદે સ્વિચ ઑન કરી દીધી અને કહી પણ દીધું, ‘મને હતું જ કે તું ના ન પાડ...’
પંદરેક સેકન્ડ પછી ACના યુનિટ પાસે હાથ રાખીને સોમચંદે ઇન્સ્પેક્ટર પાટીલને પાસે આવવા ઇશારો કર્યો અને હાથ રાખીને જોવા માટે સમજાવ્યું.
ઇન્સ્પેક્ટર પાટીલે પણ ડિટેક્ટિવ સોમચંદની જેમ જ હવામાં હાથ ઊંચો કરી ઍર-કન્ડિશનરની ઠંડી હવા ચેક કરવાનું શરૂ કર્યું.
‘કૉમ્પ્રેસર ચાલુ થયા વિના આવી ઠંડી હવા ક્યારેય આવે જ નહીં.’ સોમચંદ ફરી પોતાની વાત પર આવ્યા, ‘પાટીલ, જે માણસ ઘરમાં કૂલિંગ સાથે મસ્ત રીતે સૂતો છે, તેને અચાનક જ ઠંડી લાગવા માંડે અને રિમોટથી AC બંધ કરવાને બદલે ઊભો થઈને હીટર ચાલુ કરવા જાય એ વાત માનવામાં નથી આવતી. જેને ઠંડી ચડી છે એ માણસ હીટર ચાલુ કરવા માટે પણ જાતે તસ્દી લેવાને બદલે સૌથી પહેલાં તો પગ પાસે પડેલી ચાદર ઓઢે. જો તું આ...’
બેડ પર પડેલી ચાદર દેખાડતાં સોમચંદે ઇન્સ્પેક્ટર પાટીલ સામે જોયું.
‘ચાદરની ઘડી સુધ્ધાં ખોલવામાં નથી આવી અને આપણે માનીએ છીએ કે હીટર ચાલુ કરવા જતાં શૉર્ટ સર્કિટ થઈ અને વસંતભાઈ દામલે ગુજરી ગયા.’ સોમચંદે દાંત ભીંસ્યા, ‘ઇટ્સ સચ રિડિક્યુલસ. પાટીલ, અત્યારે આપણે એ જ જોઈએ છીએ જે વંદનાનો કિલર આપણને દેખાડવા માગે છે.’
‘વંદના અને વસંત દામલેમાં કૉમન કનેક્શન શું હોઈ શકે?’
‘હંમ... નાઇસ ક્વેશ્ચન.’ સોમચંદે જમણા હાથની પહેલી આંગળીના પહેલા વેઢા પર હાથ મૂકતાં કહ્યું, ‘એક, એન. એન. કૉલેજ અને બન્ને સાથે આટલા જ દિવસોના અંતરમાં એક સરખી ઘટના ઘટી. બીજું, વંદના મૅડમ વસંત દામલેને વધારે સારી રીતે રાખતાં હતાં જે હું ત્યાંથી જાણીને આવ્યો છું. ત્રીજું, વસંત દામલેએ એક દિવસ પહેલાં જ પંદર દિવસની છુટ્ટી માટે કૉલેજમાં અૅપ્લિકેશન આપી અને ચોથું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ...’
ડિટેક્ટિવ સોમચંદે જાણી જોઈને પૉઝ લીધો અને એ પૉઝથી ઇન્સ્પેક્ટર પાટીલ અકળાયા.
‘અરે બોલને જલદી... મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું?’
‘મને લાગે છે...’ સોમચંદના ચહેરા પર આત્મવિશ્વાસ ઝળકતો હતો, ‘વંદના અને વસંત દામલેના મોત વચ્ચે કનેક્શન છે. બેમાંથી એક પણ ઘટના એ દેખાય છે એવી સરળ કે સીધી નથી. બન્ને ઘટનાને ઇચ્છા મુજબનું રૂપ આપવામાં આવ્યું છે. જોવાનું એ છે કે કોણ ઇચ્છે છે કે તે જે દેખાડે એ જ આપણે જોઈએ.’
‘કોણ હોઈ શકે?’
‘કહેવું અઘરું પણ છે અને વહેલું પણ છે.’ પાટીલના ખભા પર હાથ મૂકી સોમચંદ ધીમી ચાલે ઘરની બહાર નીકળવા માંડ્યા, ‘પાટીલ, કનેક્ટ ધ ડૉટ્સની થિયરી સાથે જો વાર્તા ઊભી કરવાની હોય તો આપણે અનુમાન લગાવી શકીએ કે કોઈ એવું હતું જેને વંદનાની હયાતી ખૂંચતી હતી. કાં તો વંદના એ વ્યક્તિને બ્લૅકમેઇલ કરતી હતી અને કાં તો વંદના જે-તે વ્યક્તિનું કોઈ એવું સસ્પેન્સ જાણી ગઈ હતી જે બહાર આવે તો પેલાને નુકસાન થાય. આવા કોઈ કારણસર વંદનાને રસ્તામાંથી હટાવવામાં આવી.’
‘ઓકે... આ જ થિયરીને આગળ વધારીએ તો જવાબ આપ, વસંતને હટાવવાનું કારણ શું હોઈ શકે?’
‘કારણ એક, વસંત એ ઘટના જોઈ ગયો હોય અને તેણે એવી ડિમાન્ડ કરી હોય જે ડિમાન્ડના બદલામાં મોત આપવું સહેલું હોય.’ સોમચંદે અનુમાન આગળ વધાર્યું, ‘કારણ નંબર બે, વસંત પહેલેથી જ વંદના સાથે જોડાયેલો હોય એટલે મર્ડરરે પહેલેથી જ નક્કી રાખ્યું હોય કે તે પહેલાં વંદનાની અને પછી વસંતની હત્યા કરશે.’
‘એવું હોય તો-તો વંદનાના મોત પછી વસંત અલર્ટ થઈ જવો જોઈએ.’
‘અલર્ટ થવાથી અલાર્મ તો નથી વાગતુંને પાટીલ.’ સોમચંદે ઇન્સ્પેક્ટર પાટીલની આંખોમાં જોયું, ‘વસંત સાવચેત થઈ પણ ગયો હોય તો પણ તકલીફ એ હતી કે પોતે કહેવા કોને જાય? કારણ કે વાત તો બ્લૅકમેઇલ રિલેટેડ જ હતી. માણસ પોતે ખોટું કરતો હોય ત્યારે તે બીજા પાસે સત્યની અપેક્ષા કેવી રીતે રાખી શકે?’
‘હંમ... છેલ્લો સવાલ.’ ઇન્સ્પેક્ટર પાટીલે સોમચંદ સામે જોયું, ‘વસંત અને વંદનાનો કાતિલ હવે ત્રીજા કોઈ સુધી પહોંચે એવું તને લાગે છે?’
‘જો ત્રીજું કોઈ એ વિશે જાણતું હશે તો...’ સોમચંદે ઊંડો શ્વાસ લીધો, ‘પ્રૂફ નથી એટલે અનુમાનના આધારે આગળ વધીએ. મારું મન કહે છે, ત્રીજા કોઈ પર પણ હુમલો થઈ શકે છે પણ આપણે એ ત્રીજાને સાવચેત કરવાની જરૂર નથી, આપણે સાવચેત થઈ જઈએ એટલે ઘણું...’
‘સોમચંદ, તને ભાન છે તું શું બોલે છે?’ ઇન્સ્પેક્ટર પાટીલનું ટેન્શન સાચું હતું, ‘એવું કરવામાં તું ને હું હજી વધુ એકનો જીવ જોખમમાં મૂકીશું.’
‘મૂકવો પડશે પાટીલ, એ વિના આ વાત બહાર નહીં આવે.’ પાટીલના ખભા પર હાથ મૂકી સોમચંદે સાંત્વન સાથે કહ્યું, ‘એ ત્રીજાની ચિંતા તું નહીં કર. હું છુંને!’
lll
‘મિસ્ટર ચૅટરજી, ગઈ કાલે તમે ક્યાં હતા?’
‘ગઈ કાલે એટલે...’
‘બુધવારે... બુધવારે કૉલેજ પછી તમે ક્યાં હતા?’
‘હું... હું છ વાગ્યા સુધી કૉલેજમાં જ હોઉં છું. કાલે પણ અહીં જ હતો.’ સુમંતોએ માગ્યા વિના જ પ્રૂફ સોમચંદ સામે મૂકતાં કહ્યું, ‘જુઓ, આ રહી અમારી મૅનેજમેન્ટની મીટિંગની મિનિટ્સ. એમાં મારી સાઇન બોલે છે.’
‘અરે, મને એ બધું જોવાની જરૂર નથી. આ તો જસ્ટ પૂછ્યું.’ સોમચંદે સુમંતોની સામે જોયું, ‘તમે અહીં હતા. મૅનેજમેન્ટ સાથે મીટિંગ હતી તો પછી પ્યુન વસંત દામલે કેવી રીતે ઘરે વહેલો પહોંચી ગયો? તેણે ઍડ્વાન્સમાં રજા...’
‘ના, તેણે રજા નહોતી લીધી પણ કાલે અચાનક તેની તબિયત બગડી ગઈ એટલે મને રિક્વેસ્ટ કરી અને મેં જવાની હા પાડી.’
‘દામલેની તબિયતને શું થયું હતું?’ સોમચંદના અવાજમાં સહજતા હતી, ‘તેણે કંઈ કહ્યું હોય ને તમને યાદ હોય તો...’
‘તે તો એવું કંઈ બોલ્યો હોય એવું મને યાદ... હા, હા. યાદ આવ્યું.’ ચૅટરજીએ તરત જ કહ્યું, ‘તેને અચાનક ઠંડી ચડી હતી. તમને તો ખબર છે કે એન. એન. કૉલેજ મુંબઈની બેસ્ટ કૉલેજ છે. કૅમ્પસનો મોટા ભાગનો એરિયા સેન્ટ્રલી ઍર-કન્ડિશન્ડ છે અને દામલેએ કામ પણ એ જગ્યાએ કરવાનું હોય એટલે તેનાથી ઠંડી સહન નહોતી થતી.’
‘રાઇટ.’ ઊભા થઈને સોમચંદે હાથ લંબાવ્યો, ‘થૅન્ક યુ સર. તમે તમારા ટાઇટ શેડ્યુલમાંથી સમય કાઢીને મને આપ્યો.’
‘મિસ્ટર સોમચંદ, વૉટ યુ ફીલ?’
દરવાજાની બહાર પગ મૂકે એ પહેલાં ચૅટરજીનો અવાજ સોમચંદની પીઠ પર અથડાયો.
‘આ બન્ને કેસ પૂરો કરવા માટે અમારે શું કરવું જોઈએ?’
‘ઈઝી રસ્તો દેખાડું કે પછી અઘરો અને અસંભવ હોય એવો?’
‘અરે, ઈઝી રસ્તો જ હોયને...’ પ્રિન્સિપાલ ચૅરમાંથી ઊભા થઈ ગયા, ‘શું છે, મૅનેજમેન્ટ બહુ નારાજ છે. દરરોજ મીડિયામાં કૉલેજનું નામ આવે છે, કૉલેજની ઇમ્પ્રેશન બહુ ખરાબ ઊભી થશે.’
‘બહુ ટેન્શન કરવાની જરૂર નથી સર, બહુ ઈઝી રસ્તો છે.’ ચૅટરજી સામે સ્માઇલ કરતાં સોમચંદે કહ્યું, ‘હા, એ રસ્તો તમને અઘરો લાગી શકે છે.’
‘અરે, તમે એની ચિંતા નહીં કરો.’ અવાજ ધીમો કરતાં ચૅટરજીએ આજુબાજુમાં જોઈ લીધું, ‘તમે એકેય બાબતની ફિકર નહીં કરતા. ડિપાર્ટમેન્ટને સાચવી લીધા પછી તમારું પણ સચવાઈ જશે એની જવાબદારી મારી.’
‘પાકુંને?’ ચૅટરજીએ જેવી હા પાડી કે તરત ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘તમે મારું કામ આસાન કરી દીધું. મૅનેજમેન્ટને મારો મેસેજ આપી દો કે આરોપી હાજર કરી દે એટલે વાત પૂરી. કૉલેજની સામે એક પણ પોલીસવાળો નહીં જુએ.’
ચૅટરજી આંખો ફાડીને સોમચંદની સામે જોતો રહ્યો.
‘શું થયું? બહુ ઈઝી રસ્તો છે. આ રસ્તો વાપરો એટલે તમને કાયમની નિરાંત. આ સિવાયનો બીજો કોઈ રસ્તો તો મને નથી ખબર... અને આ જ સૌથી ઈઝી રસ્તો છે.’
‘મિસ્ટર સોમચંદ, તમારી જાણ ખાતર. આ બન્ને કેસ ઍક્સિડન્ટ માત્ર છે. વંદનાએ પોતાની ઇચ્છાથી મોતનો રસ્તો પસંદ કર્યો છે ને વસંત દામલેને કરન્ટ લાગતાં તેનો જીવ ગયો છે.’
‘રાઇટ... પણ સર, મોટો પ્રશ્ન એ છે કે એ આપણને દેખાય છે.’ સોમચંદે ચૅટરજીના ગાલ પર ટપલી મારી, ‘મને એ જોઈએ છે જે દેખાડવામાં નથી આવતું. જો થઈ શકે તો મૅનેજમેન્ટને કહો આટલી હેલ્પ કરે. મેટર એન્ડ...’
ડિટેક્ટિવ સોમચંદ ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા અને સુમંતો ચૅટરજી સોમચંદની પીઠ તાકતા રહ્યા.
lll
‘સર અશ્વિનભાઈ, તમને મળવા મારે છેક ઘરે આવવું પડ્યું, પણ વાત જ એવી હતી એટલે આવી ગયો.’
‘વાંધો નહીં પણ... સર, એક નાનકડી હેલ્પ કરશો?’ સોમચંદને વિનંતીના સૂર સાથે અશ્વિન ચંદારાણાએ કહ્યું, ‘વંદનાના સુસાઇડ કેસની વાત આપણે અહીં ન કરીએ તો...’
‘કેમ, તમારાં વાઇફને પસંદ નથી?’
જવાબ આપવાને બદલે અશ્વિને માત્ર નકારમાં ગરદન ધુણાવી એટલે સોમચંદે નીચેનો હોઠ બહાર કાઢ્યો.
‘મારે વાત તો એ જ કરવાની છે. હવે શું કરીશું?’ રસ્તો પણ સોમચંદ શાહે જ કાઢી લીધો, ‘એક કામ કરીએ, બહાર જઈએ. હું ભાભીજીને કહી દઉં છું કે તમારો ભાવનગરનો જૂનો ફ્રેન્ડ છું, તમારી સાથે થોડી વાતો કરવા આવ્યો છું.’
અશ્વિન કંઈ કહે એ પહેલાં તો સોમચંદ ઊભા થઈ ગયા અને તેણે અશ્વિનનો હાથ પકડી લીધો.
‘ચાલો બહાર...’
સોમચંદના હાથની પક્કડમાં મક્કમતા પણ સ્પષ્ટ વર્તાતી હતી.
(વધુ આવતી કાલે)

