લોકો મને એવું પૂછતા પણ હતા. મારા ઘરમાં વંદનાના કારણે ઇશ્યુ પણ શરૂ થયા અને એને લીધે એકાદ વાર વાત વધી પણ ગઈ.
ઇલસ્ટ્રેશન
‘તારા અને વંદનાના સંબંધો કેવા હતા?’ અશ્વિન જવાબ આપે એ પહેલાં જ ડિટેક્ટિવ સોમચંદે તેને કહી દીધું, ‘મને એ જવાબ નથી જોઈતો જે તું તારી વાઇફને આપતો હો, એ જવાબ આપ જે સાચો છે.’
અશ્વિનના મોઢામાંથી નિસાસો નીકળી ગયો.
ADVERTISEMENT
‘ઘણા સારા સંબંધો. તમે એમ કહો કે કોઈને એવું જ લાગે કે અમારી વચ્ચે અફેર છે. લોકો મને એવું પૂછતા પણ હતા. મારા ઘરમાં વંદનાના કારણે ઇશ્યુ પણ શરૂ થયા અને એને લીધે એકાદ વાર વાત વધી પણ ગઈ.’
‘વંદનાને એ બધી ખબર હતી?’
‘હા પણ સર, અમારી વચ્ચે એવું કંઈ નહોતું. બહુ ઇનોસન્ટ રિલેશનશિપ હતી.’ અશ્વિનના અવાજમાં ઉત્સાહ આવી ગયો હતો, ‘એકલી છોકરીને કોઈ સારી રીતે બોલાવે, રાખે એ નૅચરલી તેને ગમે. બસ, એનાથી વિશેષ તેને પણ મારા માટે કંઈ નહોતું.’
‘અશ્વિન, એક વાત તને કહી દઉં.’ ડિટેક્ટિવ સોમચંદે જીન્સના પૉકેટના પાછળના ખિસ્સામાંથી ઘડી કરેલાં પેપર્સ કાઢ્યાં, ‘મારી પાસે તારી કૉલ-ડીટેલ્સ પણ છે અને તારી અને વંદનાની ચૅટની ડીટેલ્સ પણ છે.’
‘કંઈ વાંધો નહીં સર.’ અશ્વિનના અવાજમાં સચ્ચાઈ હતી, ‘મારા મોબાઇલમાં એક પણ ચૅટ કે કૉલ દેખાશે નહીં. કારણ વાઇફ... તે મારો મોબાઇલ ચેક કરતી રહે અને પછી વંદનાનું નામ જુએ તો અમારે ઝઘડા થાય. મને એ બધામાં પડવું નહોતું એટલે શક્ય હોય ત્યાં સુધી હું મોબાઇલમાં વંદના સાથેની ચૅટ કે કૉલ રહેવા દેતો નહીં.’
‘અશ્વિન, મને એક વાત સમજાતી નથી.’ સોમચંદે પૂછ્યું, ‘તારી વાઇફને આ રિલેશનથી પ્રૉબ્લેમ હતો, તારે અને વંદનાને કોઈ એવાં સ્પેસિફિક રિલેશન નહોતાં તો પણ તું શું કામ એ સંબંધમાં આગળ વધતો હતો?’
‘સિમ્પલ વાત છે સર. અમારા સંબંધો પવિત્ર હોય તો હું શું કામ કોઈની બીકે અમારા રિલેશનને તોડું?’
‘કોઈની બીકની વાત નથી, તારી વાઇફની વાત છે.’ સોમચંદના શબ્દોમાં વજન હતું, ‘તેની વાત છે જે તારી લાઇફની અર્ધાંગિની છે, જે તારા માટે પોતાનું બધું છોડીને આવી છે, જેણે તારા માટે પોતાનું લાસ્ટ નેમ છોડ્યું, જેણે તારા માટે પોતાનું કલ્ચર બદલી નાખ્યું, જેણે તારા માટે પોતાની જાત ભુલાવી દીધી... તેના માટે તું આ રિલેશન કેમ છોડી શક્યો નહીં?’
‘સાચું કહું તો મેં આટલું વિચાર્યું નહોતું. અત્યાર સુધી, આ મિનિટ સુધી. મારા મનમાં સિમ્પલ વાત હતી કે હું વાઇફને પણ રાજી રાખું છું ને મને ગમતા ફ્રેન્ડ સાથે પણ ખુશ રહું છું.’ અશ્વિનના શબ્દોમાં પ્રામાણિકતા હતી, ‘તમારી વાત પણ સાચી છે. જો તમે મને પહેલાં મળ્યા હોત તો કદાચ મેં વંદના સાથેની રિલેશનશિપ છોડી દીધી હોત.’
‘હંમ...’ સોમચંદે પણ વાસ્તવિકતા દર્શાવી, ‘જો તેં રીલેશનશિપ છોડી દીધી હોત તો અત્યારે તું આમ જવાબ આપવા માટે બંધાયો ન હોત ને કદાચ, વંદનાએ સુસાઇડ પણ ન કર્યું હોત. ઍનીવેઝ, તારી ચૅટમાં કે તારી કૉલ-હિસ્ટરીના રેકૉર્ડિંગમાં ક્યાંય કશું વાંધાજનક મળ્યું નથી, જેની મને ખુશી પણ છે ને અચરજ પણ. પણ ઠીક છે.’
સોમચંદ અશ્વિન ચંદારાણાથી છૂટો પડ્યો અને બીજી જ સેકન્ડે અશ્વિને બહારથી જ તેની વાઇફને ફોન કર્યો.
‘હું મારા ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું, મને પાછા આવતાં કલાક થશે.’
સામેથી કંઈ કહેવા કે પૂછવામાં આવે એ પહેલાં અશ્વિને મોબાઇલ કટ કરી નાખ્યો.
lll
‘સર, પ્લીઝ. મને આમાંથી તમે બહાર કાઢો. નહીં તો હું, હું સામે ચાલીને પોલીસ પાસે જઈને બધું કહી દઈશ.’ શબ્દો ધમકીના હતા પણ ફરિયાદ કરનારાના અવાજમાં ડર હતો, ‘પોલીસ આજે મારા ઘર સુધી પહોંચી ગઈ અને સર, સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે આ જે માણસ છે એ પૈસાથી ખરીદાય એવો નથી.’
‘ઉપર વાત થઈ ગઈ છે.’ સત્તાવાહી અવાજ સાથે સૂચના આવી, ‘ત્યાં સુધી એવું હોય તો તમે ઑફિશ્યલ રજા પર ઊતરી જાઓ.’
‘હું પોલીસની નજરે ચડી જઈશ... તમે સમજો.’
‘આઉટ.’
સામેથી અવાજ ઊંચો થયો અને પછી ટેબલ પર હાથ પછડાવાનો અવાજ આવ્યો જેણે આખી ચેમ્બર ધ્રુજાવી દીધી.
‘ગેટ આઉટ.’
હવે વધુ વાત થઈ શકવાની નહોતી એ આગંતુક સમજી ગયો અને તેણે અવળા પગે પાછા ફરવાનું શરૂ કરી દીધું.
lll
‘આર યુ જોકિંગ?’ સોમચંદનો અવાજ ફાટી ગયો હતો, ‘તારી... તારી ભૂલ થાય છે. હું હજી કાલ તો
તેને મળ્યો.’
‘તું મળે એનો અર્થ એવો થોડો થાય કે તેનું આયુષ્ય વધી ગયું!’ ચાનો કપ ખાલી કરતાં ઇન્સ્પેક્ટર પાટીલે સોમચંદને કહ્યું, ‘આયુષ્ય આજે પૂરું થવાનું હતું, થઈ ગયું.’
‘કારણ?’
‘શંકાશીલ પત્ની.’ પાટીલે લિફ્ટનું બટન દબાવતાં સોમચંદને કહી પણ દીધું, ‘તારે આવવાનું હોય તો જલદી હા કહે... હું લિફ્ટમાં જાઉં છું, પછી અવાજ બ્રેક થશે.’
‘આવું છું, અંધેરી સ્ટેશને મૅક્ડોનલ્ડ્સની બહાર તારી રાહ જોઉં છું.’ સૉક્સ વિના જ શૂઝમાં પગ નાખતાં સોમચંદે કહ્યું,
‘આવ જલદી...’
lll
‘આવું બને જ કઈ રીતે યાર?’ સોમચંદ હજી પણ આઘાતમાં હતા, ‘કાલે મારે તેની સાથે વાત થાય છે ત્યારે પણ એ માણસ ડિસ્ટર્બ નથી લાગતો. આ જ ટૉપિક પર અમારે વાત થઈ. મને, મને ખાતરી છે કે મારા ગયા પછી મારે લીધે અશ્વિન અને તેની વાઇફને ઝઘડો થયો હશે. આ, આ એનું જ પરિણામ છે...’
‘એવું પર્સનલી લેવાની જરૂર નથી.’ અશ્વિન ચંદારાણાના ફેસ પરથી નજર હટાવતાં ઇન્સ્પેક્ટર પાટીલે સોમચંદ સામે જોયું, ‘તને જાણ મેં એટલા માટે કરી કે તું કૉઇન્સિડન્સ જોઈ શકે. જે એન. એન. કૉલેજ છેલ્લાં પચાસ વર્ષમાં પેપરમાં નહોતી ચમકી, એ એન. એન. કૉલેજ છેલ્લા એક વીકમાં કેટલી વાર પેપરમાં ચમકી ગઈ? કૉલેજ સાથે સંકળાયેલા વધુ એકનું ડેથ...’
‘હા...’ સોમચંદનું દિમાગ તરત જ કામે લાગી ગયું, ‘પાટીલ, હવે હું તને ખાતરી સાથે કહું છું કે આ એક પણ નૉર્મલ ડેથ નથી. બધેબધાં મર્ડર છે.’
‘સોમચંદ પ્લીઝ, હવે તો બહાર આવ...’ ઇન્સ્પેક્ટર પાટીલના ચહેરા પર અણગમો હતો, ‘માન્યું, વંદનાની સુસાઇડ-નોટ નથી મળી પણ એનો અર્થ એવો નથી કે તેણે સુસાઇડ નથી કર્યું. તું ગમે તે કહે પણ હું હજી પણ એ જ કહું છું કે વસંત દામલેનું મોત ઍક્સિડન્ટથી જ થયું છે. અશ્વિન તો ઑલરેડી સુસાઇડ-નોટ લખીને મર્યો છે. પોતાની નોટમાં તે લખે છે કે વાઇફ સાથેના ઝઘડાથી તે કંટાળ્યો. તેં પણ મને રસ્તામાં કહ્યું કે અશ્વિન વાઇફથી બહુ ડરતો હતો. હવે તને આમાં ક્યાં મર્ડર દેખાયાં?’
‘એ નથી ખબર મને પાટીલ, પણ એટલું પાક્કું છે આ કોઈ નૉર્મલ ડેથ નથી. બધેબધાં મોત ઊભાં કરવામાં આવ્યાં છે.’ ઇન્સપેક્ટર સોમચંદનો અવાજ ધ્રૂજતો હતો, ‘તું કહે તો હું કમિશનરને વાત કરું પાટીલ, પણ આ કેસમાં જરૂર પડે તો CBIને ઇન્વૉલ્વ કરીને હવે કેસ એને સોંપી દે. આ નાનો કેસ નથી.’
‘નાનો એટલે કેટલો નાનો કેસ છે ખબર છે તને...’ ટચલી આંગળીનો નખ દેખાડતાં પાટીલે કહ્યું, ‘આટલો નાનો કેસ છે ને આ નખ જેટલો ક્લિયર છે એટલો જ ક્લિયર આ કેસ છે. સોમચંદ, તું ખોટો સમય વેડફે છે. બેટર છે હવે તું આમાંથી હટી જા અને થોડો આરામ કરી નવા કામ પર લાગી જા.’
સોમચંદ ચૂપ રહ્યા એટલે ઇન્સ્પેક્ટર પાટીલની હિંમત ખૂલી.
‘સોમચંદ, મારી તો એટલી જ વાત છે કે આપણે આ કેસને અહીં પૂરો કરીએ. આમ પણ તને ખબર છે, મારા પર પ્રેશર છે. કમિશનર પર પણ પ્રેશર છે અને ક્યાં તારી-મારી પાસે ઓછાં કામ છે. જો તને એવું લાગતું હોય, થતું હોય કે તેં થોડો વધારે સમય આ બધામાં ખર્ચી નાખ્યો તો હું ડિપાર્ટમેન્ટને કહીને એકાદ વાઉચર પાસ કરાવી દઉં.’
‘અરે ના, એવી વાત નથી પાટીલ... તને તો ખબર છે.’ સોમચંદે પાટીલ સામે જોયું, ‘શાહની શાહુકારી તો કડકીમાં પણ અકબંધ રહે છે.’
‘તો મૂકને મારા ભાઈ આ બધી લપ. વગર કારણે બધાનો સમય બરબાદ થાય છે અને એ પછી પણ બદનામી તો તારી ને મારી જ થવાની છે.’
‘એક નાનકડી ચોખવટ કરી લઈએ પાટીલ. તારી ને મારી નહીં, બદનામી તારી જ થવાની છે.’ સોમચંદના શબ્દોએ પાટીલના પગ થંભાવી દીધા, ‘તને ખબર છે કે હું સાચો છું કે નહીં ને મને પણ દેખાય છે તું કેટલો સાચો છો ને કેટલો વેચાયેલો છો.’
‘તું મારા પર આક્ષેપ મૂકે છે?’
પાટીલનો અવાજ મોટો થયો કે તરત સોમચંદે અવાજ હળવો કરવા તેને હાથથી ઇશારો કર્યો અને પછી દબાયેલા અવાજે કહ્યું, ‘પાટીલ, આક્ષેપ જ મૂકું છું એટલે અવાજ નીચો રાખ. શું છે, અશ્વિનની લાશ હજી ઘરમાં છે. જો એ લોકો સાંભળશે તો મારે નહીં, પણ તારે હન્ડ્રેડ પર્સન્ટ ભાગવું પડશે. બહેતર છે વાત તારી ને મારી વચ્ચે રાખીએ.’
‘સોમચંદ...’
ઇન્સ્પેક્ટર પાટીલ મહામુશ્કેલીએ ગુસ્સો કાબૂમાં રાખતા હતા, જે તેના ચહેરા પરથી સ્પષ્ટ થતું હતું.
‘તને મેં આવો નહોતો ધાર્યો. ખરેખર, ખરેખર દોસ્તીના નામે તું
કલંક છો.’
‘રાઇટ... દોસ્તીના નામે હું કલંક છું. મારે એવા મિત્ર સાથે દોસ્તી રાખવી ન જોઈએ જે કોઈના અધિકારને નહીં, પોતાના અધિકારીની સેવામાં હાજર રહે છે.’
‘સોમચંદ, વાત વધી જાય એ પહેલાં...’ ઇન્સ્પેક્ટર પાટીલે સોમચંદની સામે નજર મેળવવાનું ટાળ્યું, ‘તું જા અહીંથી. આપણે પછી વાત કરીશું. પ્લીઝ...’
‘શ્યૉર.’
સોમચંદે જવા માટે પગ ઉપાડ્યો અને બીજી જ સેકન્ડે તેની પીઠ પર ઇન્સ્પેક્ટર પાટીલનો અવાજ અથડાયો.
‘તું આ કેસમાં હવે કંઈ કામ નહીં કરે.’
‘ઍગ્રી.’ સોમચંદ ફર્યા વિના જ પાટીલને જવાબ આપ્યો, ‘પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આજથી, આ મિનિટથી હું આ કામમાંથી ફ્રી.’
ઇન્સ્પેક્ટર પાટીલના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘થૅન્ક્સ.’
ઇન્સ્પેક્ટર પાટીલ અવળા ફર્યા અને એ જ વખતે તેની પીઠ પર સોમચંદનો અવાજ અથડાયો.
‘એક્ઝક્યુઝ મી મિસ્ટર પાટીલ...’
પાટીલ ઝાટકા સાથે ફર્યો કે તેને સ્માઇલ સાથે હાથ લંબાવીને ઊભેલા ડિટેક્ટિવ સોમચંદ દેખાયા.
‘માયસેલ્ફ ડિટેક્ટિવ સોમચંદ શાહ. એન. એન. કૉલેજનાં વાઇસ પ્રિન્સિપાલ વંદના ભટ્ટના મોતની ઇન્ક્વાયરી હું કરું છું.’ ઇન્સ્પેક્ટર પાટીલના હાથમાં કાગળ મૂકતાં સોમચંદ શાહે કહ્યું, ‘વંદના ભટ્ટના નાના ભાઈ વિક્રાંત ભટ્ટે આ કેસ માટે મને અપૉઇન્ટ કર્યો છે. આ અપૉઇન્ટમેન્ટ લેટર.’
ઇન્સ્પેક્ટર પાટીલનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. અલબત્ત, એનાથી સોમચંદ શાહને કોઈ ફરક નહોતો પડ્યો.
‘પોલીસ-કમિશનર મીરા બોલવણકર સાથે મારે વાત થઈ ગઈ છે. આવતી કાલે સવારે દસ વાગ્યે મિસ બોલવણકર એન. એન. કૉલેજ આવે છે, મૅનેજમેન્ટ પણ આવશે. આ કેસનો સબમિશન રિપોર્ટ એ લોકો સામે રજૂ થશે. મારી ઇચ્છા છે કે તમારા જુરિસ્ડિક્શનમાં આવતા આ કેસના ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર તરીકે તમે પણ હાજર રહો.’ સોમચંદ શાહના ચહેરા પર સ્માઇલ હતું, ‘અફકોર્સ, તમારા માટે તો આ ઓપન-ઍન્ડ-શટ કેસ હતો પણ તમે હાજર રહેશો તો બધાને ખબર પડશે કે સાચે જ આ કેસમાં શું થયું?’
ડિટેક્ટિવ સોમચંદે ઇન્સ્પેક્ટર પાટીલ સામે હાથ જોડ્યા અને પ્રત્યુત્તરમાં પાટીલે દાંત ભીંસ્યા. જોકે તેમને ખબર નહોતી કે આવતા ચોવીસ કલાકમાં તેમણે શું-શું જોવું પડશે અને એ જોતી વખતે કેવું-કેવું સહન પણ કરવું પડશે.
(વધુ આવતી કાલે)

