Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનધારા...મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૩)

જીવનધારા...મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૩)

Published : 05 November, 2025 10:40 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

રિદ્વાર આવ્યાના છઠ્ઠા મહિને સ્વામીજીએ વાત કાઢતાં ઓમને સંન્યાસના સંકલ્પનું સ્મરણ થયું. થોડું ઝંખવાઈ જવાયું. અહીં આવ્યો ત્યારે ભગવાં પહેરવા અધીરો હતો અને હવે...

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


ઓમ નમઃ શિવાય...

પરોઢની વેળા દૂર ક્યાંક લતાના કંઠમાં ગુંજતી શિવજીની સ્તુતિએ ચિત્તમાં શાતા પ્રસરાવી હોય એમ અગાસીમાંથી ઓમ ગંગામૈયાના ખળખળ વહેણને નિહાળી રહ્યો.



મનુષ્યની જીવનધારા પણ નદીના વહેણની જેમ કેવી ફંટાતી રહે છે! વરસો અગાઉ મૈયાના ધામમાં જીવનને નવો વળાંક મળી ગયો; નવું નામ, નવી ઓળખ મળી; ભૂતકાળના આર્જવમાંથી હું વર્તમાનનો ઓમ બની ગયો!


ઓમ વાગોળી રહ્યો:

ઝરણાએ અમીરીના તોલમાં પ્રીત વિસારી ને સંસાર અસાર લાગવા માંડ્યો હોય એમ બધું વેચી-સાટી આર્જવે હરિદ્વારની વાટ પકડી લીધી.


આમેય તે અહીં આવતો રહેલો એ દરમ્યાન સ્વામી વિજયાનંદજીનાં પ્રવચનો સાંભળીને તેમના સહવાસમાં રહેતો પણ ખરો. એટલે સ્ટેશને ઊતરીને ટાંગો સીધો આશ્રમે લેવડાવ્યો હતો.

સદ્ભાગ્યે સ્વામીજી આશ્રમમાં હતા. આર્જવને ભાળીને પ્રસન્ન થયા. દિવસે તો નિરાંતે મળવાનું ન થયું, પણ રાતે વાળુ કરીને ઘાટ તરફ જતાં તેમણે આર્જવને સાથે લીધો : તારા ભગ્ન હૃદયની વ્યથા ખોલી દે વત્સ!

સ્વામીજી વિના કહ્યે આર્જવનું હૈયું તૂટ્યાનો ભેદ પામી ગયા!

આર્જવે ઝરણાના પરિચયથી શરૂ કરીને વિગતે પ્રેમની નિષ્ફળતા કહીને સ્વામીજીનાં ચરણ પકડી લીધાં : મને તમારા શરણમાં લઈ લો, મને સંસારનો મોહ નથી રહ્યો!

‘તારે સંસાર ત્યજીને સંન્યાસી બનવું છે!’

વિજયાનંદ આર્જવને તાકી રહ્યા, જાણે કપાળે ભાગ્યની રેખા વાંચતા હોય. ઘણી વારે તેમના હોઠ ઊઘડ્યા, ‘મને બહુ ગમતું ઓમકાર નામ તને અત્યારે જ આપી દઉં વત્સ, પણ સંન્યાસનો નિર્ણય થોડા દિવસ પછી લેવાનું રાખીએ તો?’ પૂછીને તેમણે કારણ પણ આપી દીધું : તારા જેવો આદમી તો સંસારના તપથી પણ દીપી ઊઠે એમ છે...

સંસારનું તપ? સ્વામીજીના શબ્દો ઓમ બનેલા આર્જવને પૂરેપૂરા સમજાયા નહોતા, પણ તેમની સામે દલીલ ન હોય.

એ રાતે તેને નિરાંતની નીંદર આવી. બીજી સવારથી તેણે આશ્રમનાં સેવાકાર્યો ઉપાડી લીધાં. આમેય આશ્રમ કે આશ્રમવાસીઓ તેનાથી અજાણ્યા નહોતા.

‘અદ્ભુત!’

હરિદ્વાર આવ્યાના બીજા અઠવાડિયે બપોરની વેળાએ આશ્રમના ઘાટ પર સફાઈ માટે જતો ઓમ ચકિત થયો. એક નાજુક યુવતી કૅન્વસ પર સામા તટે આવેલા શિવમંદિરના પરિસરને હૂબહૂ કંડારી રહી હતી.

‘તમારી ચિત્રકળા ખરેખર અદ્ભુત છે.’

ઓમનાં વખાણે તે સહેજ સંકોચાઈ, થોડી લજાઈ.

‘તમે પેઇન્ટર છો?’

ઓમે પૂછતાં તેણે કહેવું પડ્યું, ‘નહીં રે, હું તો કેવળ શોખ ખાતર ચિત્રો દોરું છું. બીજું તો મારાથી થાય પણ શું!’

ઓમની કીકીમાં પ્રશ્નાર્થ ઝળક્યો.

‘મતલબ, મારું હૃદય બાળપણથી નબળું છે, દોડભાગ મારાથી થઈ નથી શકતી એટલે પરિસ્થિતિને અનુરૂપ હૉબી મેં કેળવી લીધી... એ હિસાબે સારું-ખરાબ જેવું પણ ચિત્રકામ કરું એ સેલ્ફ-મેડ છે, મેં ચિત્રકળાની વિધિવત્ તાલીમ નથી લીધી.’

ઓમ તેને તાકી રહ્યો. નબળા હૃદયની વાત કેટલી નિખાલસપણે કહી. છોકરી તનથી નાજુક હશે, મનની મક્કમ છે. આશ્રમના ઘાટ પર છે એટલે સ્વામીજીની ઓળખાણમાં પણ હશે.

‘તમે અહીં ચિત્રો દોરવા આવો છો?’

તે હસી, ‘નહીં રે. હૃષીકેશથી મહિને-બે મહિને પપ્પા સાથે સ્વામીજીની ચરણવંદના માટે આવતી હોઉં છું... અહીંના પાવન વાતાવરણમાં ચિત્તને શાતા સાંપડે છે ને ચિત્રો માટે પીંછી આપોઆપ ઊપડે છે...’

પોતાનો પરિચય આપીને તે ઓમ વિશે જાણવા તેને ટાંપે છે કે...

ઘાટના બીજા છેડે દેકારો ગાજ્યો. એ દિશામાં જોતાં જ આસિતાની આંખો પહોળી થઈ, ઓમ અવાક બન્યો.

માતેલો સાંઢ ફૂલ-પ્રસાદની રાવટીઓનો ખુડદો બોલાવતો આ તરફ જ ધસી આવતો હતો.

‘ભા...ગો!’ ઓમ આશ્રમના ગેટ તરફ દોડ્યો ને બીજી જ સેકન્ડે અટક્યો. નબળા હૃદયવાળી આસિતાથી ક્યાં દોડાય એમ હતું? વળતી પળે આસિતા તરફ દોડી બલિષ્ઠ ભુજામાં તેને ઊંચકીને ઓમ ગેટ તરફ ભાગ્યો.

અને બીજી પળે કૅન્વસના સ્ટૅન્ડને ફટકો મારીને સાંઢ આગળ વધી ગયો.

‘તમે મારી દીકરીના તારણહાર બનીને આવ્યા...’

જે બન્યું, જે બનતાં રહી ગયું એ વિશે જાણીને આસિતાના પિતા કિશોરચંદે ગળગળા સાદે ઓમનો આભાર માન્યો, સ્વામીજીએ પણ તેને બિરદાવ્યો.

‘મને ખોટો વખાણો નહીં. આ બધો તો સ્વામીજીની નિશ્રાનો પ્રતાપ છે.’ ઓમના વિવેકમાં દંભ નહોતો એ પારખીને રાતે વાળુ પછી ઘાટ પર લટાર મારવા જતા ઓમને રોકીને આસિતાએ પૂછી લીધું : તમને સવારે ઘાટ પર આવવાનું ફાવશે? મારે તમારી તસવીર બનાવવી છે – તમે મને બચાવી એની યાદગીરીરૂપે.

‘જરૂર...’ ઓમ મલક્યો, ‘જોકે મારો ચહેરો તસવીરને લાયક નથી, બટ...’

‘તમે કેટલા લાયક છો ઓમ એ કોઈ છોકરીના દિલને પૂછો.’

આસિતા બોલી. ઘડીભર જાણે સમય થંભી ગયો. આભનું તારામઢ્યું અજવાળું, વીજળીના દીવાનો પીળો પ્રકાશ, પવનથી ફર-ફર થતો આસિતાની સાડીનો પાલવ, વારે-વારે ગાલ સાથે રમત રમી જતી તેના લાંબા વાળની લટ... આસિતાની નાજુક-નબળી કાયામાં પણ કેવું આકર્ષણ ભર્યું છે!

‘દિલની વાતોમાં બહુ પડવા જેવું નથી...’ બીજી પળે સભાન બનતા ઓમે હળવો નિ:શ્વાસ નાખીને ફિક્કું સ્મિત વેર્યું, ‘છોકરીના દિલથી દાઝીને તો અહીં આવ્યો છું...’

પછી તો રોજ પરોઢિયે ચિત્ર માટે ગોઠવાવાનો ક્રમ અઠવાડિયા સુધી ચાલ્યો. દરમ્યાન બેઉનાં મન મળતાં ગયેલાં. પિતાના લાડ વિશે કહેતાં આસિતા ભાવુક બનતી. ઓમની કથની આસિતાથી છૂપી નહોતી. તે ઓમને જુદી રીતે આશ્વસ્ત કરતી : ઓમ, તમે લતાજીનું પેલું ગીત સાંભળ્યું છે? છોડ દે સારી દુનિયા કિસીકે લિએ, યે મુનાસિબ નહીં આદમી કે લિએ...

ઓમ તેને તાકી રહેતો. હોઠે આવી જતું : કાશ, ઝરણા પહેલાં તું મને મળી હોત તો...

છેવટે હૃષીકેશ જવાના દિવસે આસિતાએ ઓમને તસવીર આપી : આ મારી નમ્ર ભેટ!

પરોઢની વેળાએ ઘાટ પર ધ્યાનમાં બેઠેલા ઓમનું એ આબેહૂબ ચિત્ર હતું.

‘આ ચિત્ર જેટલી જ ઉમદા ઘાટ પર આપણે વિતાવેલી પળો હતી, એ સદા હૈયે જીવંત રહેવાની.’

સાંભળીને તે મ્લાન મલકી. જતાં-જતાં એટલું બોલી ગઈ : તમારી આંખો અત્યંત સોહામણી છે ઓમ, એમાંથી ઉદાસી ખંખેરી નાખતા હો તો!

પછી તો ઘણી વાર રાતે તેના શબ્દો સાંભરી જતા ને ઓમ મલકી પડતો. ક્યારેક ઑફિસના નંબરે આસિતાનો ફોન આવે ને વાતોમાં કલાક ક્યાં વહી જાય એની ગત ન રહે. આસિતા આશ્રમે આવી હોય તો બેઉ એકમેકની કંપની ખોળતાં જોવા મળે.

‘લાગે છે ઓમ, તારા રુદિયાનો ઘા રુઝાઈ ગયો છે...’

હરિદ્વાર આવ્યાના છઠ્ઠા મહિને સ્વામીજીએ વાત કાઢતાં ઓમને સંન્યાસના સંકલ્પનું સ્મરણ થયું. થોડું ઝંખવાઈ જવાયું. અહીં આવ્યો ત્યારે ભગવાં પહેરવા અધીરો હતો અને હવે...

‘તને આસિતા ગમે છે?’

સીધો જ સવાલ. ઓમની ગરદન સહેજ ઝૂકી ગઈ.

‘તને યાદ છે ઓમ, મેં તને સંસારતપ વિશે કહેલું?’

‘જી સ્વામીજી...’ ઓમ ટટ્ટાર થયો.

‘આસિતા સાથેનું સહજીવન તપથી કમ નહીં હોય... તેની કાયા નાજુક છે, કાચના વાસણની જેમ તારે એની જાળવણી કરવી પડશે. ત્યાં સુધી કે પુરુષ તરીકે તું તેનો ભોગવટો પણ નહીં કરી શકે. બોલ, તારાથી એ બનશે?’

કશુંક બોલવા જતા ઓમને સ્વામીજીએ ઇશારાથી અટકાવ્યો, ‘દયાભાવે નહીં, ઉપકારભાવે નહીં; હૃદયનો સાચો સ્નેહભાવ હોય તો જ હા ભણજે.’

‘આર્જવની કાંચળી હું ઉતારી ચૂક્યો સ્વામીજી, સાથે ઝરણા પણ અંતરેથી ઊતરી ગઈ. ઓમના હૈયે આસિતા બિરાજે છે, તેનો સાથ મારું સદ્ભાગ્ય હશે.’

‘તારા તરફથી મને આવા જ પ્રત્યુત્તરની અપેક્ષા હતી... છતાં એક વાર તું દિલ્હીના મોટા ડૉક્ટરને મળી લે, આસિતાની અવસ્થા સમજી લે. પછી જોઈએ.’

ડૉક્ટરને મળ્યા પછી પણ ઓમનો નિર્ણય ડગ્યો નહીં. ઓમની તૈયારી જાણીને સ્વામીજીએ કિશોરચંદના કાને વાત નાખી, ઓમનો ભૂતકાળ છુપાવ્યો નહીં. ઓમને મળ્યા પછી આસિતા ઉમંગમાં રહેવા લાગી છે એ પિતાથી છૂપું નહોતું. ઓમની ભલામણ સ્વામીજી કરતા હોય પછી વિચારવાનું પણ શું!  

‘નહીં, નહીં!’ વાંધો આસિતાને પડ્યો, ‘ઓમને સુખી, ખુશ જોવાની તમન્ના છે મને, કબૂલ; પણ મને પરણીને ઓમ શું સુખ પામવાના!’

‘એ તું મારા હૈયાને પૂછ આસિતા...’

આસિતાનો ઇનકાર જાણીને હૃષીકેશના ઘરે પહેલી વાર આવેલા ઓમે તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું અને વેલની જેમ આસિતા તેને વીંટળાઈ રહી.

સ્વામીજીના આશ્રમમાં સાદાઈથી લગ્ન લેવાયાં... ભલે અમારો તનમેળ નથી થયો, પણ એની ઊણપ વર્તાય નહીં એટલો સ્નેહ છે. મહત્ત્વ એનું જને!

ઓમના મુખ પર સુખનું સ્મિત પ્રસરી ગયું.

lll

‘એક્સ્ટ્રીમલી હેલ્ધી!’

આસિતાને ચેક કરી કન્સલ્ટિંગ રૂમનું પાર્ટિશન સરકાવીને સિસોદિયાસાહેબે કૅબિનમાં પ્રવેશીને સામે બેઠેલા ઓમ તરફ સ્મિત ફરકાવ્યું, ‘તમે પત્નીનો ખૂબ ખ્યાલ રાખો છો ઓમ! આસિતાનું વજન વધ્યું છે, સુખી જીવનની પ્રસન્નતા તેના વદન પર વર્તાય છે...’

‘મારું કંઈ નથી સાહેબ, બધો આપની સારવાર અને સ્વામીજીના આશીર્વાદનો પ્રતાપ છે.’

ડૉક્ટર ઘડીભર ઓમને નિહાળી રહ્યા.

‘તમને મારી સારવારમાં આટલો વિશ્વાસ હોય ઓમ તો મારી વાત માની કેમ નથી લેતા!’

ડૉક્ટરે સાદ ધીમો કર્યો, પણ ભૂલી ગયા કે પાર્ટિશન અધખુલ્લું છે અને એની પાછળ કપડાં સરખાં કરતી આસિતાના કાન તેમની વાતો પર જ મંડાયા છે!

‘સીધી વાત છે ડૉક્ટરસાહેબ, જે સારવારમાં આસિતાના જીવને એક ટકાનું પણ જોખમ હોય એ કરવી જ શું કામ!’

હેં! મતલબ, મારા નબળા હૃદયની કોઈ સારવાર છે જેમાં મારા જીવનું જોખમ હોવાથી ઓમને એ સ્વીકાર્ય નથી! આસિતા ગદ્ગદ થઈ.

‘અરે, એકની સામે ૯૯ ટકા સર્વાઇવલના છે એ કેમ નથી જોતા! આસિતા મારા-તમારા જેવી નૉર્મલ લાઇફ માણી શકશે એ કેમ નથી વિચારતા!’

‘સૉરી ડૉક્ટર, નથિંગ ડૂઇંગ. આસિતા જેવી છે, મને વહાલી છે.’

સાંભળીને પતિ પર ઓવારી જતી આસિતાએ દમ ભીડ્યો : ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી હોય તો જ આજે આ જાણ્યું. જીવનું જોખમ હોય તો ભલે, મારે એ સારવાર કરાવવી છે. હું મરીશ તો ઓમની તપસ્યાનો અંત આવશે ને જીવીશ તો ઓમને હું પૂર્ણપણે પામી શકીશ!

lll

‘ઓમ, તમે ગાડી કાઢો, હું જરા ડૉક્ટર પાસે જઈ આવું. મારું પર્સ તેમની કૅબિનમાં રહી ગયું...’

લૉબીમાં નીકળ્યા બાદ યાદ આવ્યું હોય એમ ઓમને પાર્કિંગમાં રવાના કરીને આસિતા ડૉક્ટર પાસે પાછી વળી, ‘હું પર્સ જાણીને ભૂલી ગઈ હતી સાહેબ... એટલું કહેવા કે તમે જે સારવાર વિશે મારા પતિને કહેતા રહ્યા એ મારે કોઈ પણ કિંમતે કરાવવી છે!’

સિસોદિયા પહોળી આંખે પેશન્ટને તાકી રહ્યા.

lll

 ‘શું જુએ છે?’

તકિયે કોણી ટેકવીને આસિતા પોતાને તાકી રહી એટલે ઓમ સહેજ મૂંઝાયો.

‘આજે તમારા પર બહુ વહાલ આવે છે ઓમ... તમે એટલા સુંદર દેખાઓ છો કે...’

‘બસ...બસ... મારી રાણી!’

ઓમ માટે આ નવું નહોતું. આસિતા ક્યારેક સ્પર્શસુખ માટે બહાવરી બની જતી ને ઓમ એ પળ સંયમથી સાચવી લેતો.

‘આજે હું કોઈ વાતે માનવાની નથી ઓમ... સિવાય કે તમે મને વચન આપો.’

વચન! ઓમ ચમક્યો. દિલ્હીથી આવ્યા પછી આસિતા જુદા જ મૂડમાં લાગે છે.

‘ઓહો, મારી સોત આણવાનું વચન નહીં માગું! ખરા છો, બૈરીને વચન આપવામાં આટલું વિચારવાનું!’

ત્યારે ઓમ હસી પડ્યો, ‘ચાલ, આપ્યું વચન!’

‘જુઓ, મારો હાથ પકડીને બોલ્યા છો, ફરી નહીં જતા...’

‘ફરે એ બીજા...’ ઓમે હાથના અંકોડા ભીંસ્યા, ‘તારા માટે તો જાન આપી દઉં... બોલ, વચનમાં શું જોઈએ?’

‘તમારો સાથ...’ આસિતાએ ઓમની આંખોમાં આંખ પરોવી, ‘ડૉક્ટરસાહેબે સૂચવેલી સારવારમાં તમારો સંપૂર્ણ સહકાર.’

હેં!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2025 10:40 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK