Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનધારા...મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૪)

જીવનધારા...મૈં દિલ તૂ મેરી ધડકન (પ્રકરણ ૪)

Published : 06 November, 2025 12:38 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

પથારીમાં હવાતિયાં મારતા પતિની વિકૃતિ લગ્નના ત્રીજા વરસે ખૂલી હતી. બિઝનેસ માટેના વિદેશપ્રવાસ દરમ્યાન તે મેલ સ્ટ્રિપર તેડાવીને અકુદરતી હરકતોનો વિડિયો ઉતારે. અનાયાસ તેના ફોનમાં આવો એકાદ વિડિયો જોઈને ઝરણાના પગ નીચેથી જમીન સરકી ગયેલી

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘દિલ્હી-આગરા-હરિદ્વારની ટૂરનું બુકિંગ થઈ ગયું છે. બે વીકનો પ્રોગ્રામ છે. આવવા-જવાની ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ છે. દિલ્હીથી બે કાર આપણી સાથે રહેશે. આપણો મુખ્ય સ્ટે દિલ્હીની સેવનસ્ટાર હોટેલમાં રાખ્યો છે. બાજુ-બાજુના જ બે સ્વીટ છે. હું પહેલા ૩ દિવસ રહીશ, જેમાં આપણે આગરા ફરી લઈશું. પછી તમતમારે દિલ્હી, ફતેહપુર ફરજો. છેલ્લે હરિદ્વારમાં બે દિવસનું રોકાણ રાખ્યું છે ત્યારે પાછો હું આવીશ...’

પતિને ઉત્સાહથી ટૂર-પ્લાન કહેતો સાંભળીને ઝરણાને જરાતરા નવાઈ



પણ લાગી.


‘હરિદ્વારમાં ગંગાસ્નાનનો મહિમા અપરંપાર છે.’

સાસુની ટિપ્પણી સામે ચિરંતન હસ્યો : એટલે દિલ્હીમાં કરેલાં પાપ ધોવાઈ જાય એ પણ ખરુંને!


તેનાં વેણ તો ઝરણાને સમજાયાં નહીં; પણ દિલ્હીની ટૂર બાબત ચિરંતન જ નહીં, સાસુ-સસરા પણ ઉત્સુક જણાય છે એ કેવું! હું એ બાજુ પહેલી વાર જવાની, પણ આ લોકો તો કેટલીયે વાર ફર્યા છે તોય આવો ધખારો! કદાચ લગ્ન પછી અમે પહેલી વાર સાથે જવાના એટલે હશે...

એમાં ચિરંતને અમારા દિલ્હી-પ્રવાસની વચમાં પોતાની શૉર્ટ ફૉરેન ટ્રિપ ગોઠવી કાઢી છે... અ ડર્ટી ટ્રિપ!

પથારીમાં હવાતિયાં મારતા પતિની વિકૃતિ લગ્નના ત્રીજા વરસે ખૂલી હતી. બિઝનેસ માટેના વિદેશપ્રવાસ દરમ્યાન તે મેલ સ્ટ્રિપર તેડાવીને અકુદરતી હરકતોનો વિડિયો ઉતારે. અનાયાસ તેના ફોનમાં આવો એકાદ વિડિયો જોઈને ઝરણાના પગ નીચેથી જમીન સરકી ગયેલી : આ બધું શું છે ચિરંતન?

‘આમાં આટલી શૉક્ડ શું કામ થાય છે! કામસુખના અનુભવનો મારી પાસે બીજો કોઈ માર્ગ છે?’

કૉલેજમાં, મિત્રોની વાતોમાં ચર્ચાતા પુખ્ત વયના અનુભવ પોતાને કેમ થતા નથી એની ગુપ્ત મૂંઝવણ ચિરંતનને ડૉક્ટર સુધી દોરી ગઈ અને તપાસમાં સાંપડેલા નિદાને પહેલાં તો આપઘાતનો જ વિચાર આવેલો : બધી રીતે સ્વસ્થ જણાતો હું પુરુષમાં જ ન હોઉં તો શો અર્થ છે આ ધનવૈભવનો, આ જિંદગીનો!

‘ત્યારે સ્ફુર્યું કે કુદરતે મને ઊણપ આપી છે એનું મારણ અકુદરતી રસ્તે

કેમ ન કરવું! બસ, આ ઉકેલે હું ટકી ગયો...’ ચિરંતને ખભા ઉલાળેલા : ઘરે લગ્નની વાતોએ જોર પકડ્યું ત્યારે મારે માબાપને કહેવું પડ્યું... ‘ઝવેરી કુટુંબનો દીકરો વાંઢો રહે તો સમાજમાં જાત-જાતની વાતો થાય એટલે...’

‘એટલે ગરીબ ઘરની એવી કન્યા ગોતી જે તમારી એબ જાણીને પણ ધાકમાં રહે...’ ઝરણાનો આક્રોશ ફાટ્યો, ‘બટ નાઓ નો મોર. તમારા માર્ગે ચાલવાનો મને પણ હક છે. હું પણ એસ્કોર્ટ તેડાવી...’

સટાક. ચિરંતને કચકચાવીને લાફો વીંઝેલો : ‘ખબરદાર, તારે રહેવાનું તો ઝવેરી કુટુંબની માનમર્યાદામાં જ. નહીં બને તો હાલતી થા.’

- એ તો શક્ય ન બન્યું, પણ હરિદ્વારની યાત્રામાં આર્જવનો ભેટો થઈ ગયો તો...

ઝરણાથી સિસકારો થઈ ગયો.

lll

‘અરે, જોજો!’

દિલ્હીની રૉયલ હોટેલના સ્વીટમાં તેમનો ઉતારો હતો. બાજુના સ્વીટમાં સાસુ-સસરા ઊતર્યાં હતાં.

રૂમમાં થાળે પડીને ચિરંતન પલંગ પર પડતું મૂકવા જાય છે કે ઝરણાએ ચેતવ્યો : સંભાળો, બાજુમાં અણીદાર હાથીદાંત છે એ તો જુઓ!

રૂમની વેસ્ટ-ફેસિંગ દીવાલને અડીને મુકાયેલા પલંગની ડાબે-જમણે પાંચેક ફુટની ઊંચાઈએ બબ્બે આઇવરી રંગના હાથીદાંતની રેપ્લિકા ખરેખર તો લોખંડની બનેલી હતી.

‘હોટેલવાળા પણ ખરા છે... ધ્યાન ન રહે તો વાગે એમ શોપીસ ગોઠવાતાં હશે!’ ઝરણા બબડી. ચિરંતન

હસ્યો : ‘આપણને હોટેલવાળાનો ઇરાદો સમજાઈ ગયો! એ લોકો સૂચવવા માગે છે કે તમારે આજુબાજુનું કામ જ શું છે, તમે પલંગમાં જ પડ્યા રહીને જે કરવું હોય એ કરોને!’

-હં! એ માટે સ્ત્રી પાસે પુરુષ પાણીદાર હોવો જોઈએ!

ઝરણાના હોઠ સુધી આવી ગયું. હોઠ વંકાવીને તેણે હાથીદાંત તરફથી નજર ફેરવી લીધી.

ત્યારે તેને ક્યાં ખબર હતી કે આવનારા દિવસોમાં હાથીદાંતનો આઇવરી કલર લોહીના લાલ રંગથી ખરડાઈ જવાનો છે!

lll

‘તમે પણ ગ્રહણ ટાણે સાપ કાઢો એવા છો.’

મમતા શેઠાણી પતિદેવ પર બરાબર બગડ્યાં હતાં. ગઈ કાલે આગરાથી પરત થયા. ચિરંતને મુંબઈની ફ્લાઇટ પકડી ને આ બાજુ ભાનુશેઠની તબિયત બગડી. ઝાડા-ઊલટીએ તેમને પાણીથી પાતળા કરી મૂક્યા હોય એમ પરોઢિયે તો એઇમ્સમાં ઍડ્મિટ કરવા પડ્યા. ડૉક્ટરે તપાસીને કહી દીધું કે વાઇરલ ઇન્ફેક્શન છે, રિકવરીમાં ઓછામાં ઓછા દસથી ૧૨ દિવસ તો લાગવાના... પણ આમાં બિચારા પપ્પાજીનો શું વાંક કે મમ્મીજી આમ વઢે છે!

ઝરણાને સમજાયું નહીં. હા, હવે દિલ્હીનું રોકાણ લંબાતાં હરિદ્વાર જવાનું લંબાઈ ગયું, આર્જવના મેળનું મુરત એટલું મોડું હશે, બીજું શું!

lll

‘આઇ ઍમ હૅપી હિયરિંગ ધૅટ કે તમે આસિતાની સારવારમાં સાથે છો.’ ડૉક્ટર સિસોદિયાએ ઓમને બિરદાવીને હરખમાં ઉમેરો કર્યો, ‘આપણે જે કંઈ પ્રી-ટેસ્ટ્સ કરી છે એના રિપોર્ટ્સ એન્કરેજિંગ છે...’

ઓમ-આસિતાની નજરો મળી.

આસિતાએ ટ્રીટમેન્ટના સાથનું વચન માગ્યા પછી પાછીપાની થઈ શકવાની નહોતી. સ્વામીજી હિમાલયના અજ્ઞાતવાસમાં નીકળી ચૂકેલા એટલે તેમની સલાહ લેવાઈ નહીં, પણ તેમના આશિષ હોય જ અને બધું સારું જ થવાનું એમ માનીને ડગ માંડ્યું જ છે તો આગળ વધવું રહ્યું.

‘યા, હવે આગળની પ્રોસેસ સમજી લો...’ ડૉક્ટર કહેતા રહ્યા.

lll

આ કોણ, આ...ર્જ...વ તો નહીં!

એઇમ્સની લૅબમાંથી શ્વશુરજીનો રિપોર્ટ લઈને પાછી વળતી ઝરણાની નજર સામી લૉબીમાંથી પસાર થતા કપલ પર પડી એવી જ તે ચમકી : હા, તે જ છે! સાથે તેની પત્ની હશે? લાગે છે તો એવું જ. બેઉ હાથ પરોવીને ચાલે છે, બાઈની સૌભાગ્યની નિશાની આટલે દૂરથી પણ મને વર્તાય છે... શરીરે એવી કાંઈ ભરાવદાર નથી...

અનાયાસ તેમને અનુસરતી ઝરણા પાર્કિંગમાં લક્ઝુરિયસ કારમાં તેમને બેસતા જોઈને ચકિત થઈ ગઈ. આર્જવ પાસે આટલો વૈભવ!

કપલ તો કારમાં નીકળી ગયું, પણ ઝરણાને કળ વળતી ન હોય એમ ત્યાં જ ખોડાઈ રહી.

આર્જવ પરણ્યો અને શ્રીમંત પણ બન્યો! જ્યારે હું શ્રીમંતને પરણી ખરી, પણ સુખ શું પામી!

ધગધગતો નિસાસો સરી ગયો.

વેઇટ. આ હૉસ્પિટલ છે. આર્જવના હાથમાં પેશન્ટની ફાઇલ હતી- મતલબ, અહીં તેમની કોઈ સારવાર ચાલી રહી છે! એ લોકો જે લૉબીમાં હતા ત્યાં ડૉ. સિસોદિયાની કૅબિન છે...

પાછલા ૬ દિવસથી શ્વશુરને ઍડ્મિટ કર્યા હોવાથી તેમની સંભાળમાં આખો દિવસ અહીં રહેતી ઝરણાને એઇમ્સની ભૂગોળનો ખ્યાલ હતો અને સ્ટાફ સાથે હાય-હલો પણ થઈ જતું.

-એટલે સાંજ સુધીમાં તો તેને જોઈતી માહિતી મળી પણ ગઈ.

lll

આર્જવ હૃષીકેશના વેપારી સ્વર્ગસ્થ કિશોરચંદની એકની એક દીકરી આસિતાને પરણ્યો છે જેનું હૃદય નાનપણથી નબળું છે!

હોટેલ પર આવીને રૂમમાં આંટા મારતી ઝરણા ડ્રેસિંગ મિરર સામે અટકી. પ્રતિબિંબ મલકતું લાગ્યું. ઝરણા વધુ નજીક ગઈ.

‘વિચારે છે શું ઝરણા! આ તો ગોલ્ડન ચાન્સ છે...’ પ્રતિબિંબ કુટિલ સ્મિત ફરકાવે છે, ‘તારો આર્જવ અહીં ઓમના બનાવટી નામે રહે છે... શક્ય છે તારાથી ચોટ પામેલો તે કોઈ પણ ભોગે શ્રીમંત થવા અમીર બાપની બીમાર દીકરીને જૂઠ બોલીને પરણ્યો હોય! સસરાના દેહાંત બાદ મિલકત પર તેનો કન્ટ્રોલ છે, મતલબ આસિતા સાથે તેની મૂડીનો પણ તે પતિ છે... હવે જો આસિતાનું પત્તું ખરી જાય તો તે એકલો મૂડીપતિ રહે જેને તો તું સહર્ષ અપનાવી જ શકે!’

‘હં...’ ઝરણાએ ધારીને પ્રતિબિંબને નિહાળ્યું, ‘અને આસિતાનું પત્તું ખરશે કઈ રીતે?’

‘અરે, એ તો બહુ સિમ્પલ છે! તે બિચારી નબળા હૃદયવાળી... તેને મળીને ઓમનો ભૂતકાળ ખોલી દે તો ત્યાં જ તેનું હાર્ટફેલ થઈ જવાનું! પછી છુટ્ટા ઘોડા જેવા આર્જવની લગામ કસતાં કેટલી વાર!’

ઝરણા પોતાના જ પ્રતિબિંબને ખડખડાટ હસતું જોઈ રહી.

lll

‘હવે પપ્પાને સારું છે...’

આજે ભાનુશેઠને ડિસ્ચાર્જ આપવાના હોવાથી ચિરંતન મુંબઈથી આવ્યો હતો. હોટેલથી પત્ની સાથે હૉસ્પિટલ જતાં તેણે વાત મૂકી, ‘છતાં ફૉલોઅપ માટે દિલ્હી રહેવું મસ્ટ છે. મારે તો આજે જ પાછા વળવું પડે એમ છે. બે દિવસ પછી મમ્મી સોશ્યલ કામ માટે ૪ દિવસ મુંબઈ આવશે. એ દિવસો તું સાચવી લેજે.’

‘હું એકલી!’ ઝરણા ચમકી, પણ ઇનકાર કરવામાં સાર નહોતો. માજી અહીં છે એ દરમ્યાન હરિદ્વારના બહાને હૃષીકેશની મુલાકાત ગોઠવીને આર્જવને દાણો ચાંપી જોઉં. પછી કદાચ મારે દિલ્હી પાછા આવવાનું પણ ન બને! પછી શીદ અત્યારે વાંધાવચકા કાઢવા?

‘ભલે...’ તેણે મંજૂરી દાખવી અને ચિરંતનના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું.

lll

‘હા મમ્મી, આપણે જે વિચાર્યું એ યોગ્ય જ છે.’

પતિના અવાજે ઝરણાની વામકુ​િક્ષ તૂટી. ઓહ, બહારની રૂમમાં સાસુમા આવ્યાં લાગે છે! ચિરંતન સાંજે નીકળવાના, પણ અત્યારે મા-દીકરા વચ્ચે શી વાત થઈ રહી છે? ઝરણાએ કાન માંડ્યા:

‘ઝવેરી કુટુંબના વારસનો મેળ આ એક જ રીતે પડે એમ છે...’

કુટુંબનો વારસ. ઝરણાની મુખરેખા તંગ થઈ : નપુંસકનું ખાનદાન આગળ વધે જ કઈ રીતે?

‘તું મુંબઈ આવે ત્યાં સુધીમાં પપ્પા ઝરણાના મહેમાન બનવા જેટલા ફિટ પણ થઈ ગયા હશે.’

સાંભળવામાં મમતાબહેનને બહુ વસમું લાગતું હતું, પણ શું થાય! આમ તો ગર્ભધારણ હવે સ્ત્રી-પુરુષના શારીરિક મેળ વિના પણ શક્ય છે, પણ વહુએ સસરાનું બીજ લીધું એવી ત્રીજા કોઈને જાણ થવા જ શું કામ દેવી? દીકરાની એબ છુપાવવા પૂરતો પણ વંશવેલો આગળ વધારવાનો હતો અને એ બીજ ઘરના બીજા પુરુષનું જ હોય એટલે તો શ્વશુર-વહુનો સંબંધ બંધાવા ગામ-ઘરથી દૂર આવ્યા છીએ! એમાં ભાનુની તબિયત બગડતાં મુરત લંબાઈ ગયું...

‘૪ દહાડાના સંસર્ગમાં વહુને દહાડા રહે કે ગંગા નાહ્યા...’

lll

હું આ શું સાંભળું છું! પિતાનું સ્થાન જેને આપ્યું તે શ્વશુર વહુ સાથે ભોગવટાનું વિચારી પણ કેમ શકે! પાછાં સાસુ-પતિની આમાં મંજૂરી હોય... ચિરંતન હરિદ્વારમાં કયું પાપ ધોવાનું કહેતા હતા એ હવે સમજાય છે! આ કેવા લોકો, આ મારો કેવો સંસાર!

ઝરણા થીજી ગઈ.

‘માટે જ કહું છું... ઓમને સાધી લે...’

ઝરણા ચમકી. હોટેલની રૂમના મિરરમાં વળી પોતાનું પ્રતિબિંબ મારગ ચીંધતું હતું : પહોંચી જા તેના ઘરે, ને કરી દે તેની બૈરીના નબળા હૃદય પર મરણતોલ ઘા!

ઉફ્ફ! ઝરણાએ કાને હાથ દાબી દીધા. કેટલું ઝેર ભર્યું છે તારામાં!

‘વાહ મારી બાઈ, દોલતના નશામાં પ્રેમીને તેં તરછોડ્યો ને ઝેર મારામાં લાગે છે?’

તલવારની અણી સીધી કાળજે ભોંકાઈ. એની પીડામાં તે પળ પૂરતી આંખો મીંચી ગઈ : વાત તો સાચી. પહેલું પાપ મેં કર્યું પછી બીજાઓના પાપનો હિસાબ માંડવાનો મને હક જ ક્યાં રહે છે? હજી શું વિચારે છે ઝરણા? સ્વાર્થના કૂંડાળામાં રહીશ તો સસરાનો બળાત્કાર પણ સહી લઈશ, તારાથી હજીયે એની બહાર નીકળાય એમ નથી?

‘સાંભળ.’ પ્રતિબિંબના સિસકારાએ ઝરણા વળી એને તાકી રહી.

‘સસરા-બસરા માર્યા ફરે, આર્જવ પણ હવે પૈસાવાળો છે. તું તારે તેની બૈરીને મારી...’

એવી જ ઝરણાએ ડ્રેસિંગ ટેબલ પર પડેલી મેકઅપ બૅગ ઉઠાવીને જોરથી મિરર પર વાર કર્યો.

ખ...ણ...ણ...ણ...

કાચના ટુકડા સાથે પ્રતિબિંબ વિખરાઈ ગયું ને પોતે જાણે મંત્રેલા કૂંડાળામાંથી બહાર નીકળી આવી હોય એવી હળવાશ અનુભવી ઝરણાએ!

હવે?

અને વળી એક જ નામ હૈયે ઊભરાયું : આર્જવ!

lll

ડોરબેલ રણકી. ઓમે દરવાજો ખોલ્યો એવો જ પૂતળા જેવો થયો.

સામે ઝરણા ઊભી હતી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2025 12:38 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK