પૈસા અને સુખ વિશે પૂરતું સંશોધન થયું છે. પૈસાથી ખુશી મળે છે, પરંતુ સુખ મળે છે કે કેમ એ દરેકની વ્યાખ્યાના આધારે નક્કી થાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પૈસાથી સુખી થવાતું નથી એ વાત આપણે સાંભળી પણ છે અને ઘણાએ અનુભવી પણ છે. જોકે એમાં એક અગત્યનું બીજું પાસું પણ સંકળાયેલું છે : સુખની વ્યાખ્યા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી હોય છે. પૈસા અને સુખ વિશે પૂરતું સંશોધન થયું છે. પૈસાથી ખુશી મળે છે, પરંતુ સુખ મળે છે કે કેમ એ દરેકની વ્યાખ્યાના આધારે નક્કી થાય છે.
આ વાતને એક ઉદાહરણ પરથી સમજીએ. જયા મુંબઈમાં લોકોના ઘરે કામ કરીને પેટિયું રળે છે. તેની ઉંમર ૪૦ વર્ષની છે. દર મહિને તે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા કમાઈ લે છે. તેના પરિવારના ૪ જણનું ગુજરાન તે એકલી ચલાવે છે. મહિનાના અંતે તેની પાસે કંઈ બચતું નથી. વળી મહિનાના બાંધેલા ખર્ચ ઉપરાંત પણ અમુક ખર્ચ કરવા પડતા હોય છે, જેમાંથી અમુક ખર્ચ તે પાછળ ઠેલી દે છે.
ADVERTISEMENT
સંધ્યા અને શ્યામ ખુશી-ખુશી જીવન જીવી રહ્યાં છે. તેઓ બન્ને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં સારા હોદ્દા પર છે અને ઊંચો પગાર ધરાવે છે. તેમને દુનિયાનાં અલગ-અલગ સ્થળોએ ફરવા જવાનો શોખ છે. તેઓ સુખી અને સંતુષ્ટ જીવન જીવે છે.
અપર્ણા અને રોહિત પણ મોટી કંપનીમાં સારા પગારે કામ કરે છે. તેમની પાસે મોટું ઘર, લક્ઝરી કાર તથા સુખી જીવન જીવવા માટે જોઈતી બધી વસ્તુઓ છે. આમ છતાં તેઓ બીજાઓ કરતાં પોતાની પાસે કંઈક વધારે હોય એવું ઇચ્છતાં હોય છે.
જયાને લૉટરીમાં ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું. સંધ્યા અને શ્યામને અમુક લાખ રૂપિયાનું વાર્ષિક બોનસ મળ્યું. બન્ને પરિવારોએ પોતપોતાની ઇચ્છાઓ અને જરૂરિયાતો પાછળ એ પૈસા ખર્ચ્યા. જયાએ પાછળ ઠેલેલી અમુક ખરીદી એ રકમમાંથી થઈ ગઈ અને તેના પરનો ભાર હળવો થયો. માસિક પગારમાંથી ખર્ચ કરવામાં તેને રાહત મળી. સાથે જ થોડી બચત પણ થઈ. સંધ્યા અને શ્યામે ભવિષ્ય માટે એ રકમનું રોકાણ કર્યું. અપર્ણા અને રોહિતને પણ બોનસ મળ્યું હતું, જેમાંથી અમુક રકમનું રોકાણ કર્યું અને બાકીનામાંથી નવા મોબાઇલ ફોન ખરીદ્યા.
વિશ્વભરમાં પ્રખ્યાત ‘મેસ્લોસ હાઇરાર્કી ઑફ નીડ્સ’માં મનુષ્યની જરૂરિયાતોને પાંચ શ્રેણીમાં વિભાગવામાં આવી છે. એમાં સૌથી ટોચ પર મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો અને આત્મસાક્ષાત્કારને સ્થાન આપવામાં આવ્યું છે. જયાનું સ્થાન સમાજના એ વર્ગમાં છે જ્યાં પૈસાથી મનુષ્ય સુખી થઈ શકે છે. જેમની પાસે આવકનાં ટાંચાં સાધનો હોય તેમના માટે નાનકડી વધારાની આવક પણ ખૂબ જ મોટી ખુશી લઈ આવે છે જે તેમના માટે સુખ હોય છે. સ્વાભાવિક છે કે પૈસાની કમીને કારણે પડતી તાણ થોડા વધુ પૈસા મળ્યે હળવી થાય છે અને તાણ હળવી થયે સુખનો અનુભવ થાય છે. આમ પૈસાથી સુખી થવાય છે એવું કહી શકાય.
બાકીનાં બે ઉદાહરણમાં વ્યક્તિની પાસે પૂરતા પૈસા હોવાથી વધારાના પૈસાથી તેમને ખુશી મળે છે, સુખ નહીં. તેઓ એનાથી સુખ ખરીદી શકતા નથી. જો તેઓ આટલા બધા પૈસા હોવા છતાં સંતોષ અનુભવતા ન હોય તો સુખનો પણ અનુભવ કરી શકે નહીં.

