તેમણે એ માટેની માસ્ટર્સની ડિગ્રી ૪૪ વર્ષની ઉંમરે ભણીને મેળવી હતી. તેમનું હંમેશાં એવું સપનું હતું કે તેઓ હેલ્થકૅર ક્ષેત્રે કામ કરે જે તેમણે સંતાનો મોટાં થયા પછી પૂર્ણ કરીને દેખાડ્યું
સિમ્મી શાહ
મુલુંડમાં રહેતાં સિમ્મી શાહ અત્યારે થાણેની જ્યુપિટર હૉસ્પિટલ સાથે જોડાયેલાં છે અને ત્યાં કન્સલ્ટન્ટ-ડાયટેટિક્સ તરીકે કાર્યરત છે. તેમણે એ માટેની માસ્ટર્સની ડિગ્રી ૪૪ વર્ષની ઉંમરે ભણીને મેળવી હતી. તેમનું હંમેશાં એવું સપનું હતું કે તેઓ હેલ્થકૅર ક્ષેત્રે કામ કરે જે તેમણે સંતાનો મોટાં થયા પછી પૂર્ણ કરીને દેખાડ્યું
ઘણી ગૃહિણીઓની એવી ફરિયાદ હોય કે અમને જીવનમાં કંઈ કરવું હતું, પણ પરિવારની જવાબદારી વચ્ચે એવાં ગૂંચવાઈ ગયાં કે કંઈ કરી શક્યાં નહીં. અહીં એ સમજવા જેવું છે કે મનમાં કંઈ કરવાની ઇચ્છા પ્રબળ હોય તો જવાબદારીઓ વચ્ચે પણ પોતાની કારકિર્દી અને ઓળખ ઊભી કરવાની તક મળી જ જતી હોય છે. આનું ઉદાહરણ મુલુંડમાં રહેતાં ૫૭ વર્ષનાં સિમ્મી શાહ છે, જે થાણેમાં આવેલી જ્યુપિટર હૉસ્પિટલ સાથે સંકળાયેલાં છે. હાલમાં તેઓ ડાયટેટિક્સ ડિપાર્ટમેન્ટનાં હેડ અને કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. હૉસ્પિટલમાં જે દરદી સારવાર માટે દાખલ થાય તેમની શારીરિક સ્થિતિ, બીમારી, ખાનપાનની આદતો અને મેડિકલ હિસ્ટરીનું ઍનૅલિસિસ કરીને તેમને સૂટેબલ થાય અને તેમની રિકવરીમાં મદદ કરે એવી થેરપ્યુટિક ડાયટ દેવાનું કામ તેઓ કરે છે. કન્સલ્ટન્ટ-ડાયટેટિક્સ બનવાની સફર સિમ્મી શાહે જીવનની ચાલીસી વટાવ્યા પછી શરૂ કરી. તેમણે ૪૪ વર્ષની વયે માસ્ટર્સ ઑફ સાયન્સ ઇન ડાયટેટિક્સ ઍન્ડ ફૂડ સર્વિસ મૅનેજમેન્ટની ડિગ્રી મેળવીને હૉસ્પિટલમાં જૉબ ચાલુ કરી.
ADVERTISEMENT
જીવનમાં એવા કયા સંજોગો વચ્ચે તેમને જીવનના ચાર દાયકા વટાવ્યા પછી કારકિર્દી બનાવવાનો વિચાર આવ્યો એ વિશે વાત કરતાં સિમ્મી શાહ કહે છે, ‘મારું પિયર વડોદરામાં છે અને પરણ્યા પછી હું મુંબઈ આવી હતી. મને મારી પોતાની ઓળખ ઊભી કરવી હતી. જોકે એ સાથે જ મારે મારાં ઘર, પરિવાર, સંતાનોની પણ જવાબદારી નિભાવવી હતી. ફુલટાઇમની જૉબ કરીને મારાં સાસુ-સસરા પર એ જવાબદારી નહોતી નાખવી. એટલે મેં એક પ્લેગ્રુપ અને નર્સરીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. એ નજીકમાં જ હતી અને ત્યાં કામ પણ ફક્ત ચાર કલાક માટે હતું. ૧૩ વર્ષ સુધી મેં અહીં કામ કર્યું. એ પછી મને લાગ્યું કે હવે સંતાનો પણ થોડાં મોટાં થઈ ગયાં છે. એટલે હું થોડી વધુ જવાબદારીવાળું કામ કરી શકીશ. મને મેડિકલ ફીલ્ડમાં પહેલેથી રસ હતો. એટલે કોઈક રીતે હું એની સાથે જોડાવા ઇચ્છતી હતી. એમાં મને મેડિકલ ટર્મિનોલૉજીનો કોર્સ કરીને આગળ મેડિકલ ટ્રાન્સક્રિપ્શનનું કામ કરી પોતાનું BPO શરૂ કરવામાં રસ આવ્યો. કોર્સ કર્યા પછી અનુભવ મેળવવા માટે મેં વાશીના એક BPOમાં કામ કરવાનું પણ શરૂ કર્યું. એમાં તમારે ડૉક્ટર્સ અથવા અન્ય હેલ્થકૅર પ્રોફેશનલ્સ દ્વારા બોલવામાં આવેલી ક્લિનિકલ અને મેડિકલ નોટ્સને સાંભળી, સમજીને એનો મેડિકલ રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. જોકે આ કામ મને એટલું ફાવ્યું નહીં અને BPO શરૂ કરવાનો વિચાર એટલો પ્રૅક્ટિકલ પણ ન લાગ્યો. એ પછી મને હૉસ્પિટલ સાથે જોડાઈને કામ કરી શકાય એવું કંઈ કરવાની ઇચ્છા હતી. એટલે પછી ડાયટેટિક્સ અને ફૂડ સર્વિસ મૅનેજમેન્ટમાં માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું.’
પરિવાર સાથે સિમ્મી શાહ
BScનું ભણતર પૂરું કર્યાના બે-અઢી દાયકા પછી ફરી માસ્ટર્સની ડિગ્રી માટે ભણવાનું કામ કેટલું પડકારજનક હતું અને એ પછી આગળ જૉબ મેળવવાની જર્ની કઈ રીતની રહી એ વિશે વાત કરતાં સિમ્મી શાહ કહે છે, ‘ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટીથી ડાયટેટિક્સ અને ફૂડ સર્વિસ મૅનેજમેન્ટમાં માસ્ટર્સનો કોર્સ કરાવવામાં આવી રહ્યો છે. એ સમયે એનું સેન્ટર SNDT કૉલેજમાં હતું જ્યાં થિયરી અને પ્રૅક્ટિકલ માટે ત્યાં જવાનું હોય. આટલાં વર્ષો પછી ફરી ભણવાનું થાય એટલે સ્વાભાવિક છે કે વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી પડે. એમ છતાં મેં કોઈ દિવસ એમ નથી વિચાર્યું કે મારે નથી ભણવું, આ ઉંમરે આ બધું કરવાની શું જરૂર છે, ઘરે બેસીને આરામ કરું. હું મારો અભ્યાસ પૂરો કરવા માટે અડગ હતી. મને ડિગ્રી મળી એટલે મેં જૉબ માટે ઘરની નજીક જ આવેલી જ્યુપિટર હૉસ્પિટલમાં નોકરી માટે અરજી કરી. એ સમયે વેકેન્સી હતી એટલે મને જૉબ ઈઝીલી મળી ગઈ. મારું ભણતર ચાલુ હતું ત્યારે પણ મેં અહીં ત્રણ મહિનાની ઇન્ટર્નશિપ કરેલી. એટલે મને ખબર હતી કે અહીં કામ કરવાનું મને ફાવશે. મારે ખાસ કહેવું છે કે જ્યુપિટર હૉસ્પિટલના ચૅરમૅન અને ડિરેક્ટર ડૉ. અજય ઠક્કરનો મારે ખાસ આભાર માનવો છે કે તેમણે મને અહીં કામ કરવાની તક આપી. કૌટુંબિક કે સામાજિક જવાબદારીમાંથી કોઈ પણ રીતે છટક્યા વગર મેં જે રીતે મારી કારકિર્દી બનાવેલી એ જોઈને તેઓ ખૂબ ખુશ થયા હતા. ૨૦૦૭માં થાણેમાં આ હૉસ્પિટલનું ઉદ્ઘાટન થયેલું ત્યારે મેં મારા હસબન્ડને કહેલું કે આ કેટલી સરસ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની હૉસ્પિટલ છે, આમાં કામ કરવા મળે તો કેટલું સારું? એ પછી ૨૦૧૨માં મને જૉબ મળી ત્યારે મને મારું સપનું ખરેખર પૂરું થતું જણાયું.’
બાળપણ, લગ્નજીવન અને પરિવાર વિશે વાત કરતાં સિમ્મી શાહ કહે છે, ‘મારું બાળપણ કચ્છના મોટી ખાખર ગામમાં વીત્યું છે. પ્રાથમિક શાળાના ચોથા ધોરણ સુધીનો અભ્યાસ મેં ત્યાંથી જ કરેલો. એ વખતે હું મારાં દાદા-દાદી સાથે રહેતી. એ પછી હું વડોદરા શિફ્ટ થઈ જ્યાં મારાં મમ્મી-પપ્પા રહેતાં હતાં. સ્કૂલનું ભણતર પૂરું થયા પછી મેં બૅચલર ઑફ સાયન્સ (BSc) કર્યું. એ પછી આગળ ક્લિનિકલ ઍન્ડ કમ્યુનિટી સાઇકોલૉજીમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું. એ સમયે ભણવામાં રસ હતો એટલે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરેલું. આગળ જઈને કારકિર્દી બનાવવી છે એવો કોઈ વિચાર નહોતો. એ સમયે સમાજમાં દીકરી-વહુને બહાર જઈને કામ કરવાની એવી કોઈ છૂટ નહોતી. મારું ભણવાનું જેવું પૂરું થયું એટલે ૨૨ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયેલાં. એટલે પરણીને મુંબઈ સાસરે આવી ગઈ. મારા પિયરમાં તો હું, મારો ભાઈ અને મમ્મી-પપ્પા એટલો જ પરિવાર હતો. પરણીને સાસરે આવી ત્યારે પરિવારમાં દાદી સાસુ, સાસુ, સસરા, બે ફોઈ સાસુ, નણંદ બધાં જ હતાં. નવા શહેર, નવા પરિવાર વચ્ચે બધા સાથે મનમેળ સાધવાનો હતો અને જવાબદારી નિભાવવાની હતી. આટલા બધા સભ્યોની રસોઈ બનાવવી, ઘરનાં બીજાં કામ કરવાં વગેરે. પરિવાર મોટો હોવાથી વહેવાર પણ મોટો હતો એટલે સામાજિક કાર્યક્રમોમાં પણ જવાનું બહુ થતું. દીકરી અને દીકરાનો જન્મ થયો. તેમને ઉછેરવાની જવાબદારી આવી. એટલે એ સમયે તો કારકિર્દી ઘડવા પર એટલો સમય ન આપી શકી, પણ જ્યારે જીવનમાં જવાબદારી ઘટી અને નવી દિશાઓ દેખાતી ગઈ તો એમાં આગળ વધી ગઈ.’
સિમ્મી શાહનું જીવન ફક્ત હૉસ્પિટલ પૂરતું મર્યાદિત નથી, બીજી બધી ઍક્ટિવિટીઝમાં પ્રવૃત્ત રહીને તેઓ જીવનને માણી રહ્યાં છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું મારી ફિટનેસને લઈને ખૂબ સજાગ છું એટલે દરરોજ હેલ્ધી ડાયટ, રનિંગ, એક્સરસાઇઝ કરું છું. મારું કામ દરદીઓને હેલ્ધી રહેવા માટેની ઍડ્વાઇઝ આપવાનું છે એટલે મારે તો એનું અનુકરણ પહેલાં કરવું પડે. હું મૅરથૉન પણ દોડવા જાઉં છું. મેં તાતા મૅરથૉન, ટૉરોન્ટો વૉટરફ્રન્ટ મૅરથૉન વગેરેમાં ભાગ લીધો છે. મને ટ્રેકિંગનો પણ શોખ છે. મેં કાશ્મીર ગ્રેટ લેક્સ, માઉન્ટ કિલિમાન્જારો, માઉન્ટ ફુજી વગેરેમાં ટ્રેકિંગ કર્યું છે. મને જ્યારે પણ જે કરવાનો સમય મળે ત્યારે હું એ વસ્તુ કરી લઉં છું. મારું ડેઇલી રૂટીન એ મુજબનું હોય કે સવારે પાંચ વાગ્યાની આસપાસ ઊઠી જાઉં. એકથી દોઢ કલાક નિયમિત એક્સરસાઇઝ, રનિંગ કરું. ઘરે આવી બ્રેકફાસ્ટ કરી તૈયાર થઈ હૉસ્પિટલ જવા માટે આઠ વાગ્યા સુધીમાં નીકળી જાઉં. ઘરે પરત ફરતાં ત્રણ-ચાર વાગી જાય. આવીને લંચ લઈ, આરામ કરી ફૅમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરું. સોશ્યલી કંઈક આવવા-જવાનું હોય એટલે સાંજનો સમય સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ માટે હોય. અત્યારે પરિવારમાં પતિ જિજ્ઞેશ, દીકરો મૌલિક અને પુત્રવધૂ પ્રિયા, સાસુ રેખા શાહ, મોટાં ફોઈસાસુ ચંચળ શાહ, નાનાં ફોઈસાસુ ઇન્દિરા વીરા છે. દીકરી જુહી પરણીને સાસરે જમાઈ તેજસ કામથ સાથે સેટલ્ડ છે.’

