Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગોરેગામમાં છે મા ત્રિપુરસુંદરીનું મુંબઈનું એકમાત્ર મંદિર

ગોરેગામમાં છે મા ત્રિપુરસુંદરીનું મુંબઈનું એકમાત્ર મંદિર

Published : 28 November, 2026 01:45 PM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

શાક્ત સંપ્રદાયની ૧૦ મહાવિદ્યામાંથી ત્રીજા નંબરનાં ષોડશી મહાવિદ્યાદેવી ગણાતાં આ દેવી ભક્તિ અને મુક્તિ બન્ને આપે છે. અયોધ્યામાં રામલલાની મૂર્તિ કંડારનારા શિલ્પકાર અરુણ યોગીરાજે દેવીના વિશ્વમોહિની સ્વરૂપની મૂર્તિને આકાર આપ્યો છે.

કૃષ્ણશિલામાંથી બનેલાં વિશ્વમોહિની ત્રિપુરસુંદરી દેવી, જમણે બગલામુખી દેવી અને ડાબે મહાલક્ષ્મી દેવી.

કૃષ્ણશિલામાંથી બનેલાં વિશ્વમોહિની ત્રિપુરસુંદરી દેવી, જમણે બગલામુખી દેવી અને ડાબે મહાલક્ષ્મી દેવી.


શાક્ત સંપ્રદાયની ૧૦ મહાવિદ્યામાંથી ત્રીજા નંબરનાં ષોડશી મહાવિદ્યાદેવી ગણાતાં આ દેવી ભક્તિ અને મુક્તિ બન્ને આપે છે. અયોધ્યામાં રામલલાની મૂર્તિ કંડારનારા શિલ્પકાર અરુણ યોગીરાજે દેવીના વિશ્વમોહિની સ્વરૂપની મૂર્તિને આકાર આપ્યો છે. કૃષ્ણશિલામાંથી મૂર્તિમંત થયેલાં લલિતાદેવીની સ્થાપના થોડાં વર્ષો પહેલાં જ જૂના ગજાનન મહારાજ મંદિરમાં થઈ છે અને શ્રીવિદ્યાના ઉપાસકો માટે આ સાધનાનું સ્થળ છે

શાક્ત સંપ્રદાયમાં દેવીનાં ૧૦ રૂપ છે : મહાકાલી, ઉગ્રતારા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ભૈરવી, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા. આ દેવીઓને જ આગમશાસ્ત્રમાં ૧૦ મહાવિદ્યા તરીકે અને નિગમશાસ્ત્રમાં વિરાટવિદ્યાની દેવી કહેવાય છે. આ ૧૦ મહાવિદ્યામાંથી ષોડશી દેવીનું બીજું નામ છે ત્રિપુરસુંદરી. આ ત્રિપુરસુંદરી દેવીનું મુંબઈમાં એકમાત્ર મંદિર છે ગોરેગામ-વેસ્ટમાં. સિદ્ધાર્થનગરમાં ૩૦ વર્ષ પહેલાંથી ગજાનન મહારાજનું મંદિર છે. ડેન્ટિસ્ટ ડૉ. સ્વરૂપ પ્રામાણિક શેગાવના ગજાનન મહારાજના પરમભક્ત છે. તેમણે ૧૯૯૩માં અહીં સૌપ્રથમ ગજાનન મહારાજના મંદિરની સ્થાપના કરી હતી. એ સમયે તેઓ માત્ર ૨૧ વર્ષના હતા. અધ્યાત્મમાર્ગની સાધના આગળ વધતાં ડૉ. સ્વરૂપ પ્રામાણિક અને તેમનાં પત્ની ભાગ્યશ્રી પ્રામાણિક શ્રીવિદ્યાની ભક્તિમાં પણ ઊંડાં ઊતર્યાં. મા ભાગ્યશ્રી ૩૦ વર્ષથી માતા ત્રિપુરસુંદરીનાં ઉપાસક છે. શ્રીવિદ્યાના ઉપાસક તરીકે લલિતાદેવી પ્રત્યેની ઊંડી શ્રદ્ધાને કારણે ૨૦૨૨માં તેમણે અહીં મા ત્રિપુરસુંદરીની સ્થાપના કરી હતી. મંદિર કેવું છે એ વિશે જાણતાં પહેલાં થોડુંક ત્રિપુરસુંદરી દેવી વિશે જાણી લઈએ. 
૫૧ શક્તિપીઠોમાંનું એક
ત્રિપુરસુંદરીને લલિતા દેવી પણ કહેવાય છે. આ માને દૈવીય સૌંદર્ય અને સંપૂર્ણ સૃષ્ટિની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુરમાં આવેલું ત્રિપુરસુંદરી મંદિર સૌથી જૂનું અને ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. કહેવાય છે કે આ જગ્યાએ મા સતીનો જમણો અંગૂઠો પડ્યો હતો. ૧૫૦૧માં મહારાજા ધન્ય માણિક્યે બંગાળી એકરત્ન સ્ટાઇલમાં કૂર્મપીઠ પર બિરાજમાન દેવીનું મંદિર બનાવડાવ્યું હતું. એ મંદિરમાં પાંચ ફુટનાં ત્રિપુરસુંદરી દેવી અને બે ફુટનાં છોટી દેવી (મા ચંડી) બિરાજમાન છે. આ જ ત્રિપુરસુંદરી દેવીનાં બેસણાં ગોરેગામના સિદ્ધાર્થનગરમાં છે. 
વારાણસીમાં આવેલું લલિતામંદિર અને તિરુવનંતપુરમનું ત્રિપુરસુંદરી મંદિર પણ વિશેષ પ્રસિદ્ધ છે. દશમહાવિદ્યા ગ્રંથ અનુસાર ત્રીજા નંબરના ષોડશી દેવી લલિતા, રાજરાજેશ્વરી, બાલાપંચાદશી જેવાં નામોથી ઓળખાય છે. તંત્રશાસ્ત્રમાં આ દેવીને પંચવક્ત એટલે કે પાંચ મુખોવાળાં કહેવામાં આવ્યાં છે. તેમનાં ચાર મુખ ચાર દિશામાં અને એક મુખ ઉપરની તરફ હોય છે. આ પાંચેય મુખને તત્પુરુષ, સદ્યોજાત, વામદેવ, અધોર અને ઈશાન એમ શંકરનાં પાંચ રૂપોનું પ્રતીક કહેવાય છે. કમળપુષ્પ પર બિરાજમાન ત્રિપુરસુંદરી ચતુર્ભુજ સ્વરૂપે હોય છે. તેમના હાથમાં કમળ, ધનુષ-બાણ અને પાશ હોય છે. કોઈ પણ દેવીની સાધનાથી ભક્તોને ભુક્તિ અથવા મોક્ષ મળે છે. ભુક્તિ એટલે ભોગ, સાંસારિક સુખ, સંપત્તિ અને સફળતા. મોક્ષ એટલે જીવનમરણના ચક્રમાંથી મુક્તિ. ત્રિપુરસુંદરી દેવી તેમના ઉપાસકોને ભુક્તિ અને મુક્તિ બન્ને આપે છે. આદ્ય શંકરાચાર્યે શ્રીવિદ્યાના રૂપમાં મા ત્રિપુરસુંદરીની ઉપાસના કરી હતી. એટલે જ તમામ શાકપીઠોમાં ષોડશી દેવી શ્રીયંત્રના સ્વરૂપમાં પૂજાય છે. ગોરેગામમાં આવેલા મંદિરમાં દેવીની મૂ‌ર્તિની સાથે શ્રીયંત્ર સ્વરૂપની પણ પૂજા થાય છે. 
ગોરેગામના મંદિરની ઝાંખી 
BEST કૉલોનીમાં રોડ નંબર ૬ પર આવેલું આ મંદિર સ્થાનિકોમાં ખૂબ લોકપ્રિય છે. મુખ્ય રોડ પર આવેલા મંદિરમાં પ્રવેશતાં જ ડાબી બાજુ સંકટમોચન હનુમાનજીની મૂર્તિ છે. સભામંડપમાં પ્રવેશવાનાં બે દ્વાર છે. ડાબી તરફથી પ્રવેશતાં જ ડાબી બાજુએ સંકટમોચન હનુમાનજી બિરાજમાન છે. સભામંડપમાં વચ્ચોવચ ગર્ભગૃહમાં નકશીદાર સોનાના પત્રથી જડેલા સંત ગજાનન મહારાજ છે અને તેમનાં પત્નીની મૂર્તિ છે. રેશમી વસ્ત્રો અને ચાંદીના અલંકારોથી સજ્જ ગજાનન મહારાજની મૂર્તિ આરસની છે. એની ઉપર પણ ચાંદીનું છત્ર છે. ગર્ભગૃહમાં જ જમણી તરફ શંકર મહારાજની મૂર્તિ અને શિવલિંગ છે. એ સભાગૃહથી અંદર જઈએ તો બીજું મોટું ગર્ભગૃહ આવે છે જ્યાં ત્રિપુરસુંદરી દેવીનાં બેસણાં છે. સાડાપાંચ ફુટની કૃષ્ણશિલામાંથી બનેલી માની મૂર્તિની આંખો અયોધ્યામાં બિરાજમાન રામલલાની આંખો જેવી જ દેખાય છે, કારણ છે દેવીને ઘડનારા શિલ્પકાર અને રામલલાના ઘડવૈયા એક જ છે. મૈસૂરના અરુણ યોગીરાજે કોવિડકાળ દરમ્યાન આ મૂર્તિ ઘડી હતી. દેવીના ડાબા હાથમાં કોદંડ એટલે કે ધનુષ છે અને પ્રત્યંચામાં ગુંજન કરતા ભ્રમર છે. દેવીના જમણા હાથમાં બાણ છે. મસ્તક પર જે મુગટ ધારણ કરેલો છે એમાં અર્ધચંદ્ર છે. મૂર્તિની સામે જ શ્રીયંત્ર અને બે હાથીની ધાતુની પ્રતિમા છે. મંદિરના મહારાજ કહે છે, ‘દરેક મૂર્તિના ભાવ પરથી એનું નામકરણ થાય છે અને આ દેવીની મૂર્તિ મોહક છે, માની આંખમાં જોવાથી સંમોહન અનુભવાતું હોવાથી એને વિશ્વમોહિની ત્રિપુરસુંદરી નામ અપાયું છે.’ 
ષોડશી દેવીની બેઉ બાજુ સરસ્વતી અને મહાલક્ષ્મીનો વાસ છે. મૂર્તિની જમણી બાજુ મા બગલામુખીનું સ્વરૂપ છે જ્યારે ડાબી બાજુ મહાલક્ષ્મી છે. 
સામાન્ય રીતે મંદિરમાં ભક્તો આવે, શીશ નમાવે, કંકુતિલક કરે, પાઠ કરે અને નીકળી જાય; પણ ત્રિપુરસુંદરી માની પાસે અનેક ભક્તો તમને પદ્‍માસન કે પલાંઠી વાળીને ધ્યાન કરતા જોવા મળી જશે. જમીન પર બેસી ન શકે એ લોકો માટે લાકડાની નાની પાટલી પણ છે. મંદિરમાં સતત દર્શનાર્થીઓની આવનજાવન હોવા છતાં શાંતિ એટલી છે કે ધ્યાન કરનારાઓને જરાય ખલેલ નથી પહોંચતી. 
ઉત્સવો અને તહેવારો 
દર પૂર્ણિમા અને અમાવસ્યા પર ત્રિપુરસુંદરી દેવી માટે ખાસ હવનનું આયોજન થાય છે. એ ઉપરાંત ગજાનન મહારાજનો પ્રાગટ્ય દિવસ એટલે કે માઘ વદ સાતમે ધામધૂમથી ઉત્સવ થાય છે. ગુરુપૂર્ણિમા તેમ જ ચૈત્ર અને શરદ-નવરાત્રિ દરમ્યાન ત્રિપુરસુંદરી મંદિરની રોનક કંઈક અલગ જ હોય છે. આ મંદિરમાં બન્ને ગુપ્ત નવરાત્રિઓમાં પણ વિશેષ પૂજન અને હવન થાય છે. પૂર્ણિમા પર શ્રી સૂક્તનું એક આવર્તન થાય છે, જેમાં ૧૫૦૦ શ્રી સૂક્તની ફળશ્રુતિ મળે છે. અમાવસ્યા પર સિદ્ધકુંજિકા સ્રોતનું પઠન થાય છે. જેમ વિષ્ણુનાં સહસ્રનામોનો મહિમા છે એમ આ સ્રોતમાં લલિતાદેવીનાં પણ સહસ્રનામો સમાવિષ્ટ છે. અહીં ઋષિપંચમી, રામજન્મોત્સવ, અક્ષયતૃતીયા જેવા ઉત્સવોએ ખાસ ધાર્મિક અનુષ્ઠાનો થાય છે.
સર્પમંદિર પણ 
આમ તો મંદિર વસ્તીથી ભરચક વિસ્તારમાં છે, એમ છતાં વર્ષોથી આ પ્રાંગણમાં એક સાપ રહેતો હતો એવી માન્યતા છે. પહેલાં મંદિરની પાછળની તરફ સર્પમંદિર હતું, પરંતુ થોડાંક વર્ષો પહેલાં એ જમીન સરકારી પ્રોજેક્ટ માટે કપાઈ જતાં મંદિરની બાજુની જ જગ્યામાં સર્પમંદિર બનાવવામાં આવ્યું છે. જ્યારે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે જ અહીં એક સાપ આવી ચડેલો. એ વખતે સર્પમિત્રને બોલાવીને સાપને મોટા બાસ્કેટમાં મંદિરમાં જ રાખવામાં આવ્યો હતો. વિધિ પૂરી થયા પછી પાસેની ખુલ્લી જગ્યામાં એને છોડી દેવામાં આવ્યો હતો. કહેવાય છે કે એ પછી ક્યારેય અહીં સાપ આવ્યો નથી. 
અન્નપૂર્ણા મિશન 
રોજ સવારે અહીં ખીચડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. લગભગ ૨૦૦થી ૨૫૦ લોકો અહીં ખીચડી અને કેળાંનો પ્રસાદ ગ્રહણ કરે છે. પ્રસાદ મંદિરની બહાર વહેંચાય છે, પરંતુ લોકો એ લઈને બાજુમાં આવેલા સર્પમંદિરના પ્રાંગણમાં બાંકડા પર બેસીને મોકળાશથી પ્રસાદ ગ્રહણ કરે છે. દર ગુરુવાર, રવિવાર, પૂર્ણિમા અને અમાવસ્યાની સાંજે અહીં મહાપ્રસાદ હોય છે. મંદિરની પાછળ જ મોટું કિચન છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 01:45 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK